Search This Blog

14/08/2011

ઍનકાઉન્ટર : 14-08-2011

* ગુજરાતી કવિઓ પોતાની કવિતા સંભળાવવા હવે જેલમાં કેમ જવા માંડ્યા છે ?
- કવિ- સંમેલનો કરતા જેલમાં વઘુ શાંતિ મળશે, એવા ભ્રમમાં એ લોકો અહીં આવ્યા હોય... 
(ચંદુ મેહસાનવી, અમદાવાદ)


* સાસરે તમારી આગતાસ્વાગતા કેવી થાય છે ?
- ત્યાં જવા જેવું નથી... બન્ને ઉપર છે !
(શાહ ગોવિંદલાલ બળદેવદાસ, પૂના) 

* લાદેન મરાયા પછી, હવે દુનિયામાં શાંતિ સ્થપાશે ખરી ?
- યુદ્ધ પહેલાની શાંતિ છે જ...!
(કાવ્યા ગણેશન, અમદાવાદ) 

* હવે પહેલા જેવી બાળવાર્તાઓ કેમ નથી આવતી ?
- બાળવાર્તામાં શીલા કે મુન્નીને મૂકવી પડે, તો છોકરૂં સાંભળે છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા) 

* શું લોહીપિપાસુ બિન લાદેનની લાશ ખરેખર ઢાળી દેવામાં આવી છે ? અમેરિકા માટે તમારું શું કહેવું છે ?
- અમેરિકાના બાપની ય તાકાત નથી કે, આપણા ‘કસાબજી’ને હાથ પણ અડાડી શકે...! કોંગ્રેસજીનો જય હો.
(ઝુબેદા યુ. પુનાવાલા, કડી) 

* લગ્ન વખતે વરરાજાને ઘોડે બેસાડવાનું કારણ ?
- તમને વાંધો વરરાજા સામે છે કે ઘોડા સામે ?
(રેનિશ આર. ગોટેચા, ધોરાજી) 

* અગાઉના સમયમાં દુશ્મનો સામે લડવા ગઢવીઓ અને ચારણો રાજા- મહારાજાઓને શૂરાતન ચઢાવતા દુહાઓ અને ગીતો લલકારતા... આજના ત્રાસવાદ સામે લડવા આવું કાંઈ થઈ શકે ? 
 - એ રાજાઓ, એ ગઢવીઓ અને ચારણો દેશભક્ત હતા... આજે તો આપણે બ્રાહ્મણો, જૈનો, વૈષ્ણવો અને દલિતો છીએ... કોઈ એક ભારતીય તો બતાવો !
(સાધના પી. નાણાવટી, જૂનાગઢ) 

* લોકો આપત્તિના સમયમાં જ ભગવાનને યાદ કેમ કરે છે ? સુખના સમયમાં કેમ નહિ?
- લોકોને બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?
(ઓમકાર કે. જોશી, ગોધરા) 

* નવી વહુ નવ દહાડા, તો જૂની કેટલા દહાડા ?
- એકનો એક ગોરધન નવી લાયો હોય તો જૂનીના આંટા આઇ ગયા કહેવાય !
(રેખા કે. કહાલીયા, દોલતગઢ- રાણાવાવ) 

* દાઉદના પુત્રના લગ્નમાં મનમોહનસિંઘજી કેમ નહોતા ગયા ?
- કસાબના લગ્નની તૈયારીમાં હતા ?
(સુરેશ પટેલ, નવસારી) 

* શું આપણા દેશમાં રામરાજ્ય ફરી આવશે ખરું ?
- (હ)રામ રાજ્ય પૂરૂં થાય પછી ખબર પડે.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ) 

* શ્રી. પરશુરામના પુરૂષાર્થોને જીવંત રાખવા બ્રાહ્મણોનો આદર્શ શું હોવો જોઈએ ?
- અત્યારે બ્રાહ્મણ હોય કે જૈન, દેશની સુરક્ષા સિવાય બીજો કોઈ વિચાર જ ન આવવો જોઈએ. દેશ બચશે તો આપણે બચવાના છીએ.
(અરૂણ વ્યાસ, અમદાવાદ) 

* કાગડાને તેનું દહીંથરૂ મળી ગયા પછી મળ્યાનું ગૌરવ કાયમ કેમ નથી રહેતું ?
- ગામમાં હવે પચ્ચા જાતના દહીથરાં મળે છે...!
(મીનાક્ષી નાણાંવટી, રાજકોટ) 

* અમેરિકા ઓસામાને ખતમ કરવામાં સફળ થયું, પણ ભારત કસાબને ખતમ કરવામાં હજી નિષ્ફળ કેમ ?
- કોંગ્રેસ- ભાજપ બ્રાન્ડની બિનસાંપ્રદાયિકતા.
(સલમા મણિયાર, વીરમગામ) 

* આજકાલ ઇવન પરિણીત સ્ત્રીઓ પણ મોબાઇલ ફોન પર ચોંટેલી ને ચોંટેલી કેમ રહે છે ?
- જેને ચોંટવાનું છે, એના ફોનને ચોંટેલી રહે એ જરૂરી પણ છે.
(હિના નાણાવટી, રાજકોટ) 

* આપની આટલી બધી લોકપ્રિયતા છતાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવો તો કરોડો બનાવી શકો કે નહિ ?
- હું તો કરોડોને પણ બનાવી શકતો નથી !
(શશિકાન્ત મશરૂ, જામનગર) 

* લોકોને પૈસા ગણતી વખતે કદી ઘ્યાન બીજે જતું નથી, પણ માળા ફેરવતી વખતે ઘ્યાન કેમ ફંટાતું હશે ?
- એક મણકો ઓછો ગણાયો તો સો- બસોની ચોંટતી નથી...
(નૈષધ દેરાશ્રી, જામનગર) 

* ઉંમર વધવાની સાથે તમને કોઈ કાકા, વડીલ કે દાદા કહે તો કેવું ફીલ કરો ?
- ઓહ દાદાજી... હું તો હજી ‘કાકા’ના સ્ટેજ પરે ય માંડ પહોંચ્યો છું...!
(અખિલ મહેતા, અમદાવાદ) 

* સવાલના જવાબો આપવામાં તમે કોની નકલ કરો છો ?
- મારા પુત્રની.
(પરિમલ કે. રાજદેવ, સુરેન્દ્રનગર) 

* લોકોને મૂર્ખ બનાવવાનો અભિનય કોણ વઘુ સારો કરી શકે ? નેતા કે અભિનેતા ?
- અફકોર્સ અભિનેતા...! નેતાઓ અભિનય નથી કરતા.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા) 

* મોના લિસાની મુસ્કાનનો ભેદ મને ખબર નથી... રફી સાહેબની મુસ્કાનનો ભેદ તમને ખબર છે ?
- ‘હર ફ્રિક કો ઘૂંએ મેં ઉડાતા ચલા ગયા..!’
(રમેશ ગઢવી, પોરબંદર) 

* રીયલ અને સીરિયલ વચ્ચે શું તફાવત ?
- (સી)રીયાલિટીનો.
(મયુરી ભાવેશ વોરા, જોરાવરનગર) 

* ગુજરાતમાં જ સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ઉપેક્ષા કેમ થઈ રહી છે ?
- આજકાલ તો મારો ય કોઈ ભાવ પૂછતું નથી...!
(હર્ષદ સી. મંડોરા, વડોદરા) 

* તમારા વાઇફને તમારા બન્નેની લગ્નતિથિ વખતે શું ભેટ આપશો ?
- એક નવી વાઇફની... (ના અપાય !)
(આનંદ ચાંગાણી, રાજકોટ) 

* આપણા સપનામાં આવેલી વ્યક્તિ એ જ સમયે બીજાઓના સપનામાં પણ આવતી હોય તો... ?
- ‘આપ ક્યૂ મેં હૈ... કૃપયા પ્રતિક્ષા કીજીયે.’
(નટરાજ ત્રિવેદી, વડોદરા)

No comments: