Search This Blog

21/08/2011

ઍનકાઉન્ટર 21-08-2011

* ઇંડા-ઑમલૅટની લારીઓ ફૂલીફાલી કેમ છે ?
- એનો વિરોધ કરનારઓએ જ ઇંડાના ભાવો વધાર્યા છે.
(નૈમિષ સિદ્ધપુરા, મૅલબોર્ન-ઑસ્ટ્રેલિયા)

* ધારાસભ્ય કે સંસદસભ્ય બનતા પહેલા ‘સચ કા સામના’ જેવો નાર્કો ટેસ્ટ લેવામાં આવે તો પરિણામ શું આવે ?
- ‘નાર્કો ટેસ્ટ કૌભાંડ’માં શરદપવારે ૮,૦૦૦ કરોડ બનાવ્યા...’’
(હેમેન્દ્ર એસ. નાણાવટી, જૂનાગઢ)

* અહીં ભાવનગરમાં ‘સ્વ અશોક દવે માર્ગ’ છે. આપના જામનગર કે અમદાવાદમાં ફક્ત ‘અશોક દવે માર્ગ’ ક્યારે બનશે ?
- ભાવનગર આવીને હું મારા નક્શે-કદમ પર ચાલીશ પછી...!
(ધરતી ભટ્ટ, ભાવનગર)

* કહે છે કે, અમદાવાદમાં ચા તો શું, કોઈ પાણીનો ભાવ પણ પૂછતું નથી...
- બે અલગ અલગ ભાવો ના પૂછાય.. ચામાં પાણી આવે જ.
(શાંતિલાલ ચંદારાણા, પોરબંદર)

* ‘બીગ બોસ’માં તમે કેટલા દિવસ ટકી શકો ?
- મારો ટેસ્ટ એટલો બધો નીચો નથી.
(ધીમંત એ. ભાવસાર, બડોલી)

* ભાર વગરનું ભણતર તો ન આવ્યું, પણ ભાર વગરનું દફતર ક્યારે આવશે ?
- સ્કૂલેથી ઘરે પહોંચ્યા પછી.
(અર્શ એ ઇસ્માઈલી, અમદાવાદ)

* આતંકવાદીઓ તમારું અપહરણ કરીને ગાઢ જંગલમાં લઈ જઈને કહે, ‘અમને હસાવો’ તો તમે શું કહેશો ?
- ‘તમારા બાપાનો માલ છે... ?’ એવું કહીશ... (મનમાં)
(શ્રીમતી ફિઝ્‌ઝા એમ. આરસીવાલા, મુંબઈ)

* તમે કદી ભૂત જોયું છે ?
- હું પરણેલો છું.
(મનોજ એમ. ઝાલા, સિહોર)

* મારા માટે મલ્લિકા શેરાવતનું માગું આવે તો તમને કોઈ વાંધો ખરો ?
- પહેલા એ મહિલાને મારે પૂરી તપાસવી પડે... એમને એમ કોઈને માલ ભટકાડી ન દેવાય.
(પરિમલ સોલંકી, અમરેલી)

* બુરખો પહેરેલી એક જ સાઈઝની બે વ્યક્તિઓમાંથી પુરૂષ કોણ અને સ્ત્રી કોણ, એની ખબર કેવી રીતે પડે ?
- ‘તમારી મૂછો દેખાઈ ગઈઈઈઈઈ... !’ એવું ચપટી વગાડીને બોલવું... તરત રીઝલ્ટ !
(ભારતી સી. કાચા, મોરબી)

* પાકિસ્તાનની સરકાર તમને ત્યાં આવવાનું આમંત્રણ આપે તો જાઓ ખરા ?
- લોકો કહે છે, જ્યાં મારા પગલાં પડે છે, ત્યાં સ્વર્ગ બની જાય છે... હું નર્કને સ્વર્ગ બનાવવા શું કામ જઉં ?
(ઉર્વી રાવલ, મહેસાણા)

* ‘ચેતતો નર સદા સુખી’. આવું નારી માટે કેમ નથી કહેવાતું?
- નારીથી ચેતતો નર સદા સુખી.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* વક્તા બધા જ... શ્રોતા બનવું કેમ કોઈને ગમતું નથી ?
- સુઉં કીઘું... ? જરા મોટેથી બોલો તો...!
(દર્શિની ક્લાર્ક, સુરત)

* જાહેરમાં ચૂંબન ગૂન્હો ખરો, પણ ‘ફ્‌લાઈંગ કિસ’માં કોઈ વાંધો આવે ?
- ભાઈ, હું એમાંનો નથી.
(ફિરોઝ ડી ગાર્ડ, અમદાવાદ)

* સારા માણસ બનવા માટે આપનું કોઈ સૂચન...?
- કોઈ સારા માણસને પૂછો.
(કપિલ રોકડ, સુરત)

* ગાંધીબાપુના ત્રણ વાંદરાઓનો ઉપદેશ લોકો કેમ ભૂલી ગયા છે ?
- કયા વાંદરાઓ...?
(રાજુ શાહ, સુરત)

* ઇર્ષારૂપી આગ ઠારવાનો લ્હાયબંબો ક્યાં છે ?
- હળગી ગયો !
(રાજેન્દ્ર શાહ, સુરત)

* શરદ પવારને કાઢવાનું કોંગીજનોને કેમ નહિ સૂઝતું હોય ?
- આ તો હાળું મને ય નથી સૂઝ્‌યું...! હું તો કોંગ્રેસને કાઢવાની જ સૂઝાસૂઝી કરતો’તો !
(ડૉ. અબ્દુલગની મહેસાણીયા, સુરત)

* વ્યસન હાનિકર્તા છે. મને ‘એન્કાઉન્ટર’નું વ્યસન થઈ ગયું છે. શું કરવું ?
- વ્યસનમુક્તિ અભિયાન સ્વામિનારાયણ મંદિરવાળા સંભાળે છે... ત્યાં તપાસ કરી જુઓ.
(અફરોઝબેન મિરાણી, મહુવા)

* સ્ત્રીને સમજવી મુશ્કેલ છે, પણ કહે છે કે, એને સમજાવવી તો ઓર મુશ્કેલ છે. તમારો અનુભવ ?
- બુદ્ધિ વગરના આ બન્ને કામો હું કદી કરતો નથી.
(શૈલવ સંજીવ છાયા, વડોદરા)

* મને સ્વાભાવિક ઢબે કોઈ સવાલો થતા નથી, પણ તમારા લેખો વાંચીને સવાલો શરૂ થઈ જાય છે. કારણ શું હોઈ શકે ?
- તમે પ્રખર બુદ્ધિશાળી છો.
(શીતલ મિસ્ત્રી, ભરૂચ)

* ભગવાન પ્રસન્ન થઈને તમને કોઈ વરદાન માંગવાનું કહે, તો શું માંગો ?
- મારી ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે, એ પહેલા શોધી આલ...!
(સ્વીટી એસ. ચંદારાણા, પોરબંદર)

* ભૂતકાળના રાજા-રજવાડાઓ અને હાલના નેતાઓમાં ચઢિયાતું કોણ ?
- ઉફ...! રાજા-મહારાજાઓની સરખામણી ભિખારીઓ સાથે કેમ કરો છો ?
(ઓ. વી. સાગર, રાજકોટ)

* કોઈ સ્ત્રી તમારી સાથે વિશ્વાસઘાત કરે, તો શું કરો ?
- મારા સંપર્કમાં આવેલી સ્ત્રી એટલી નબળી ન હોય !
(વિધિ નારાયણદાસ, વડોદરા)

* સાચા ગોરધનનો સ્વભાવ અને સ્વરૂપ તમારી દ્રષ્ટિએ કેવા હોઈ શકે ?
- સાચો કે ખોટો, ગોરધન બબ્બે કદી ન રખાય...! આ તો એક વાત થાય છે !!
(લીલાધર જી. ભારદીયા, પૂના-મહારાષ્ટ્ર)

* પ્રેમની પ્રસાદી પામવા કયા સરોવરમાં ડૂબકી મારવી ?
- એ પહેલા મ્યુનિના નળ નીચે અડધો કલાક નાહી નાંખો.
(સુમન એમ. વડુકૂળ, રાજકોટ)

* તમારું આટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને હાસ્યવૃત્તિ માટે તમારા પૂજ્ય માતૃશ્રી તરફથી ગળથૂથીમાં શું પીવડાવ્યું હતું ?
- એનું દૂધ કાફી હતું.
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ)

No comments: