Search This Blog

19/08/2011

‘‘પ્યાસા’’ (’૫૭)

ફિલ્મ : ‘‘પ્યાસા’’ (’૫૭)
નિર્માતા-દિગ્દર્શક : ગુરૂદત્ત
સંગીતકાર : સચિનદેવ બર્મન
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ. ૧૪૬-મિનિટ્‌સ.
કલાકારો : ગુરૂદત્ત, વહિદા રહેમાન, માલા સિન્હા, જ્હૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મીશ્રા, મેહમુદ, શ્યામ, મૂલચંદ, દિલીપ દત્ત.


ગીતો
૧. જાને ક્યા તુને કહી, જાને ક્યા મૈંને સુની, બાત કુછ...ગીતા દત્ત
૨. જાને વો કૈસે લોગ થે જીનકે પ્યાર કો પ્યાર મિલા...હેમંતકુમાર
૩. સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાય, આજા પ્યારે...મુહમ્મદ રફી
૪. હમ આપકી આંખોં મેં, ઇસ દિલ કો બસા લે તો ?....ગીતા-રફી
૫. આજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે....ગીતાદત્ત
૬. યે કૂચે યે નીલામઘર દિલકશી કે, યે લૂટતે હુએ કારવાં....મુહમ્મદ રફી
૭. યે મહેલોં યે તખ્તોં યે તાજોં કી દુનિયા, યે ઇન્સાં કે...મુહમ્મદ રફી
૮. ૠત ફિરે પર દિન હમારે.....ગીતાદત્ત.
૯. હો લાખ મુસિબત રસ્તે મેં, પર સાથ ન અપના છૂટે....રફી-ગીતા દત્ત
આસિસ્ટન્ટ સંગીતકાર તો સુહ્રિદકર હતા, પણ ગીત નં.૩-ની ઘૂન રાહુલદેવ બર્મને બનાવી હતી. સુહ્રિદકર એટલે જેમણે ફિલ્મ ‘‘કાંચ કી ગુડીયા’’માં આશા-મૂકેશનું મશહૂર યુગલ ગીત ‘‘સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કીસે અબ ચૈન કહાં’’ બનાવ્યું હતું. ગીત નં.૮ ફિલ્મમાંથી કાઢી નાંખ્યું હતું.

એ વાત તો હજી મારા ય માનવામાં નથી આવતી કે, લગભગ એકોએક હિંદી ફિલ્મો જોઇ ચૂકેલા મેં હજી ‘‘પ્યાસા’’ એકપણ વાર જોઇ નહોતી. એ રીલિઝ થઇ ત્યારે હું પાંચ વર્ષનો હતો, એમાં મારો વાંક નથી, પણ એ પછી તો અમદાવાદમાં રીપિટમાં એ અનેક વાર આવી ગઈ, તો ય જોઇ નહોતી.

...આજે જોઇ ત્યારે ભાન થયું કે, બીજી એકે ય ફિલ્મ ન જોઇ હોત ને એકલી ‘‘પ્યાસા’’ જ જોઇ હોત, તો મને મારા ઉપર માન વઘુ હોત!....‘પ્યાસાઓ’ વારંવાર નથી બનતી.

જેમાં એકવાર પોતાનું નામ પણ છપાય, તો દુનિયાભરમાં માન વધે, એવા સપના ડૉ. મનમોહનસિંહોથી માંડીને આપણા રણછોડભ’ઇ મફાભ’ઈ પટેલોને પણ આવતા હોય છે, તે અમેરિકાના ‘ટાઇમ’ મૅગેઝિને ફિલ્મ ‘પ્યાસા’ને આજ સુધી વિશ્વમાં બનેલી ૧૦૦-ઉત્તમોત્તમ ફિલ્મોમાં સ્થાન આપ્યું છે, એટલું જ નહિ, વિશ્વની આજ સુધીની સર્વશ્રેષ્ઠ ૨૫-રૉમેન્ટિક ફિલ્મોમાં પણ સ્થાન આપ્યું. વધારે તંદુરસ્ત ઘટના એ બની કે, એ જ ‘ટાઇમે’ દુનિયાભરના પોતાના અબજો વાચકો પાસે સર્વે કરાવ્યો, તો એ લોકોએ આજ સુધીની સર્વશ્રેષ્ઠ ૧૦-ફિલ્મોમાં ‘પ્યાસા’ને સ્થાન આપ્યું છે.

મૂળ આ ફિલ્મનું નામ ફક્ત ‘પ્યાસ’ રખાયું હતું, પણ ગુરૂદત્તે છેલ્લી ઘડીએ ‘પ્યાસા’ કરી નાંખ્યું. મૂળ ફિલ્મના અંતમાં ગુરૂદત્ત એકલો જ કોઇ અગમ્ય દુનિયામાં ચાલી નીકળવાનો હોય છે, પણ ફિલ્મના વિતરકો (distributors) ની જીદને કારણે વહિદાને પણ સાથે લેવામાં આવી. વાર્તા મુજબ, ફિલ્મને અંતે ગુરૂદત્તનો જે કવિતા સંગ્રહ બહાર પડે છે, તેનું નામ ‘પરછાઇયાં’ છે. હકીકતમાં એ એ સમયે સાહિર લુધિયાનવીએ બહાર પાડેલા પોતાના કવિતા સંગ્રહનું આ નામ છે.

બાય ધ વે, ભારતભરના થીયેટરોમાં ફિલ્મો રીલિઝ થાય છે, એ આ વિતરકો કરે છે. એ હિસાબે ફિલ્મમાં શું ચાલશે અને શું નહિ ચાલે, એટલે સુધી કે, કોઇ હીરો-હીરોઇનનું માર્કેટ ડાઉન હોય, તો વિતરકો ફિલ્મ લેવાની જ ના પાડી દે. મતલબ, દરેક નિર્માતો વિતરકોથી દબાએલો હોય છે. ફિલ્મ રીલિઝ થયા પહેલા મુંબઈમાં ખાસ શો રાખીને પહેલા એ ફિલ્મ વિતરકોને બતાઈ દેવી પડે છે...ને પછી વિતરકો ‘‘બતાઈ દે છે’’....!

રફી સાહેબ અને ગીતાદત્તનું યુગલ ગીત ‘હમ આપકી આંખોં મેં, ઇસ દિલ કો બસા લે તો’ મૂળ ફિલ્મમાં હતું જ નહિ, પણ આખી ફિલ્મ તૈયાર થઈ ગયા પછી ડિસ્ટ્રીબ્યુટરોને બતાવવામાં આવી, ત્યારે એ બધાએ એકી અવાજે કીઘું તેમ, મૂળ ભારે નિરાશાવાદી સબ્જૅક્ટ હોવાથી વચમાં આવું એક હળવું ગીત ઉમેરાવવું જોઈએ.

‘પ્યાસા’ની વાર્તા રેડ-લાઇટ ઍરીયા સાથે સંબંધિત હોવાથી કલકત્તાના વેશ્યાબજારમાં એક્ચ્યૂઅલ શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પણ ત્યાંના ભડવાઓ (pimps) એ ચાલુ શૂટિંગે બહુ મોટી તોડફોડ કરી શૂટિંગના સભ્યોને માર્યા, એટલે તાબડતોબ શૂટિંગ આટોપી લઈને મુંબઈના સ્ટુડિયોમાં કોલકાતાના એ જ વેશ્યાબજારનો સેટ ઊભો કરીને શૂટિંગ કરવું પડ્યું. કોઈપણ શૂટિંગ શરૂ કરતા પહેલા, જે તે લોકેશન કે સેટના એકલા ફોટા પાડી લેવામાં આવે છે, ઇવન કૅમેરાની સામે આવનાર તમામ નાનામોટા કલાકારોના પૂરા કદના ફોટા પાડવામાં આવે છે, જેથી અડઘું બાકી શૂટિંગ ગમે ત્યારે શરૂ કરવું હોય, ત્યારે કોણે શું પહેર્યું હતું, લાઇટિંગ કેવું અને કેટલું હતું, તે ફોટામાં જોઇને આગળ વધાય. ફિલ્મોની ભાષામાં આને Continuity કહે છે.

હજી હમણાં એટલે કે, ઇ.સ. ૨૦૦૨-માં ગૂજરી ગયેલા હિમાચલ પ્રદેશના લેખક ચંદ્રશેખર ‘પ્રેમી’ની પોતાની જીવનકહાની પરથી એમણે લખેલી વાર્તા ઉપરથી ગુરૂદત્તે આ ફિલ્મ બનાવી છે, જેને પૂરી વાર્તાના રૂા. ૫૦૦/- આપી દીધા હોવાથી ‘‘પ્યાસા’ના લેખક તરીકે મૂળ લેખકનું ક્યાંય નામોનિશાન નથી. એ વાત જુદી છે કે, દેવ આનંદની ફિલ્મ ‘ગાઇડ’માં વહિદા રહેમાનના ગોરધન બનતા કિશોર સાહુએ ઠેઠ ૧૯૪૩-માં બનાવેલી ફિલ્મ ‘રાજા’ પણ આ જ થીમ પર બનાવાઇ હતી.

આ ફિલ્મમાં માલા સિન્હા અને વહિદા રહેમાનને બદલે મૂળ તો નરગીસ અને મઘુબાલાની પસંદગી થઇ હતી, પરંતુ એકસામટી બન્ને નક્કી કરી શકી નહોતી કે, કોણે ક્યો રોલ લેવો ? તે તકરારમાં ગુરૂદત્તે આખરે માલા-વહિદાને લીધા. એ તબક્કે બન્ને તદ્દન નવી હીરોઇનો હતી. એવો જ કબાડો દિલીપકુમારનો થઇ ગયો. હીરોનો રોલ દિલીપને ઑફર થયો હતો, પણ એણે રાબેતા મુજબના નખરા શરૂ કર્યા, એટલે ગુરૂદત્તે પોતે એ રોલ કર્યો...દિલીપ આજની તારીખ સુધી આવી ગોલ્ડન ઑફર ઠૂકરાવવા બદલ પસ્તાયો છે.

ગુરૂદત્તની જ મશહૂર ફિલ્મ ‘‘કાગઝ કે ફૂલ,’’ ‘પ્યાસા’ની સરખામણીમાં કોઇ બેહતરીન ફિલ્મ નહોતી અને ખૂબ પિટાઇ ગઈ હતી. ગુરૂદત્તે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ માટે રાષ્ટ્રપતિ ભવનમાં ‘‘કાગઝ કે ફૂલ’’નો શો રાખ્યો, તેમાં આવા થર્ડ-કલાસ વિચારોવાળી ફિલ્મ જોઇને ઉકળી ઉઠેલા રાજેન્દ્રબાબુએ ધમધોકાર ગુસ્સે થઇને અડધેથી ફિલ્મ બંધ કરાવી દઈને ઊભા થઈ ગયા હતા. દિલ્હીના થીયેટરોમાં આવી બંડલ ફિલ્મ જોઇને અડધેથી ગુસ્સે થયેલા પ્રેક્ષકોએ થીયેટરની મોટાભાગની ખુરશીઓ અને ફર્નિચર તોડી નાંખ્યા હતાં.

કલકત્તામાં સાડા ત્રણ વર્ષ ચાલીને મોટા રેકોડ્‌ર્સ કરનાર બોમ્બે ટૉકીઝની ફિલ્મ ‘કિસ્મત’ના દિગ્દર્શક જ્ઞાન મુકર્જીની પણ ‘કિસ્મત’ પછીની કોઇ એકાદી ફિલ્મ ફલૉપ ગઇ, એમાં એમની સાથે બહુ બુરો વ્યવહાર કરીને બૉમ્બૅ ટૉકીઝ જ નહિ, આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ એમને કાઢી મૂક્યા ને જ્ઞાન દા બર્બાદ થઈ ગયા, એ સત્યઘટના ઉપરથી ગુરૂદત્તે ‘કાગઝ કે ફૂલ’ બનાવી અને આ ફિલ્મ ‘પ્યાસા’ જ્ઞાન દા ને સમર્પિત કરી છે, માટે ફિલ્મના ટાઇટલ્સ પહેલા એમનો આવો ઉલ્લેખ છે.

ફિલ્મમાં માલા સિન્હાએ ગુરૂદત્તની કૉલેજકાળની પ્રેમિકાનો રોલ કર્યો છે, જેણે પૈસા ખાતર ગુરૂને છોડી દીધો, પણ ફિલ્મ હીરો અને નિર્દેશક તરીકે ગુરૂદત્ત દુનિયાભરમાં મશહૂર થઈ ગયો, એનાથી અંજાઇને માલા સિન્હા પાછી આવવા માંગતી હતી, તે વાસ્તવમાં ગુરૂદત્તની અંગત સ્ટોરી છે. પૂનામાં વિજયા દેસાઇ નામની છોકરી સાથે ગુરૂદત્તને પ્રેમ હતો અને આ સ્ટોરી એની છે. એવું બહુ વર્ષો સુધી મનાતું રહ્યું, પણ વાસ્તવમાં એ જમાનાના ‘ફિલ્મ-ઇન્ડિયા’ના ફાયર-બ્રાન્ડ પત્રકાર-તંત્રી બાબુરાવ પટેલ (જેમના એ વિવાદાસ્પદ મૅગેઝિન ‘ફિલ્મ ઇન્ડિયા’ પરથી આપણી આ કૉલમનું નામ પસંદ કરવામાં આવ્યું છે.) તેની નિષ્ફળ હીરોઇન-કમ-વાઇફ સુશીલારાની પટેલની સગી બહેન ગુરૂદત્તના પ્રેમમાં હતી અને એણે ગુરૂદત્તને આવો દગો દીધા પછી ગુરૂદત્તની પ્રસિદ્ધીથી અંજાઇને પાછી આવવા માંગતી હતી. ‘પ્યાસા’નો માલા સિન્હાવાળો રોલ એ છોકરીની વાસ્તવિક ઘટના પરથી બન્યો છે. પણ. આવી સર્વાંગસુંદર ફિલ્મમાં તો એકપણ ભૂલ ચલાવી ન લેવાય, છતાં ગુરૂદત્તને કરવી તો પડી છે. ફિલ્મના પ્રારંભમાં ગુરૂદત્ત અને માલા સિન્હા કૉલેજીયનો બતાવે છે અને કલાસમાં ટુનટુન પણ કૉલેજીયન...! જોવાનું દુઃખ એ વાતનું થાય કે, ગુરૂદત્તની કલાસમાં બેઠેલા બાકીના તમામ વિદ્યાર્થીઓ (?) સાચા અર્થમાં દાદા-દાદીની ઉંમરે પહોંચી ગયેલા લાગે છે. આપણે આ લોકોને કૉલેજીયનો તરીકે કેવી રીતે સ્વીકારી શકીએ ? બીજું, વિલન તરીકે ચિતરાયેલા ગુરૂદત્તના બે ભાઇઓ (મેહમુદ અને રાધેશ્યામ) ઘરમાં આજ સુધી એક રૂપિયો ય કમાઇને લાવ્યા વગર મફતના રોટલા ખાતા ગુરૂદત્તને કાઢી મૂકે છે, એ તો જસ્ટિફાઇડ છે ને ? પેલા લોકો ય કોઇ અંબાણી-અદાણીઓ નહોતા. પાછળથી એ ભાઇઓ નાલાયક સાબિત થાય છે, એ જુદી વાત છે. હીરો પોતે શાયર છે, કવિતા-ફવિતાનો શોખિન છે, એ જ પ્રમાણપત્ર ઉપર એ રૂપિયો ય કમાય નહિ, એ ક્યા ભાઈઓથી શું કામ બર્દાશ્ત થાય ? અહીં ગુરૂદત્તનો મેહમુદ ઉપરાંત બીજો ભાઇ બનતો કલાકાર રાધેશ્યામ છે, જેને તમે ફિલ્મ ‘જ્હૉની મેરા નામ’માં ‘ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો’ ગીત ગાતા પૂજારી તરીકે જોયો છે.

ફિલ્મમાં જશ કોઇ એક જણ લઇ જઇ શકે એવું નથી. સાહિર લુધિયાનવીની નઝમોનો ગુરૂદત્ત પાગલ શોખિન હતો. રફી સાહેબના મારા જેવા એવા જ પાગલ શોખિનો માટે તો આ ફિલ્મમાં એવું ઘણું બઘું છે જે બજારમાં ભાગ્યે જ મળે. રફીની બે-ચાર મીટરલૅસ નઝમો સાંભળવા મળશે. ‘ગમ ઇસ કદર બઢે કે મૈં, ઘબરા કે પી ગયા’...! ફિલ્મની શરૂઆત જ રફી સાહેબની ઑલમોસ્ટ મીટરલૅસ નઝમથી થાય છે. ગુરૂદત્ત ખુલ્લા બગીચામાં ફૂલો ઉપર મંડરાતા પતંગીયા કે ભ્રમરોને જોઇને રોમાંચિત થઇ જાય છે, તેમાં જીવતા પતંગીયા કે ભમરાને દોરીથી બાંધીને પરાણે ફૂલ પર બેસાડ્યા છે, તે દોરી કે વાયર કૅમેરામાં આસાનીથી દેખાઇ જવા છતાં નહિ ગુરૂદત્તે કે નહિ કૅમેરામૅન વી.કે. મૂર્તિએ દરકાર લીધી નથી. ફિલ્મમાં આવી goofs ઘણી છે.

સાહિરે એકાદ વર્ષ પછી ફરી વાપરેલો મિસરો ‘ફિર ના કિજે મેરી ગુસ્તાખ નિગાહીં કા ગીલા, દેખીયે આપને ફિર પ્યાર સે દેખા મુઝકો’ અઙીં પહેલા વાપરી લીધો છે. ફિલ્મમાં વહિદા રહેમાનની ઍન્ટ્રી જ આ મિસરો ગાઇને થાય છે.

‘‘જીન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ...’’ આ શબ્દો સૂઝવા, એ જ એક મોટી ઘટના હતી, બડો વિસ્ફોટ હતો. ૫૦-૬૦ વર્ષ પહેલા લખાયેલા આ શબ્દો આજે પણ કેટલા પ્રસ્તુત છે !

ગીતા દત્તના શોખિનોને વાંચવી ન ગમે એવી એક વાત. ગીતા દત્તના ચાહકોની સંખ્યા ય કોઇ નાની નથી. મુંબઇના મુ.નારણભાઈ મુલાણી તો ગીતાના ગીતો માટે એટલે સુધી ફૅનેટિક કે એ કદી ય નામ ગીતા ‘દત્ત’ નહિ બોલે...ગીતા ‘રૉય’ બોલશે. એમની વાતમાં જસ્ટિફિકેશન છે કે, ગુરૂદત્તની લાઇફમાં આવ્યા પહેલા ગીતા રૉય ઑલરૅડી સુપરસ્ટાર હતી. નામની જરૂરત ગુરૂને હતી...નૉટ ધી અધરવે રાઉન્ડ....! છતાં આ સ્ત્રીએ લગ્નજીવનના દિવસો દુઃખમાં જ પસાર કર્યા છે. નજર સામે વહિદા રહેમાન સાથે પોતાના પતિના લફરાં જોયે રાખવાના. એક તબક્કે તો આ વ્હિમ્ઝીકલ પતિએ ગીતાને બહારના ગીતો ગાવાનો પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. અને છતાં ગીતારૉયના ગીતોની ઉચ્ચતા તો જુઓ...મુલાણી સાહેબ નારાજ થાય, એ ખોટું નથી. કમનસીબે, ગીતારૉયનું આ જ ફિલ્મ ‘પ્યાસા’નું એક સર્વાંગ સુંદર ગીત ‘ૠત ફિરે પર દિન હમારે, ફિરે ના, ફિરે ના, ફિરે ના...’ ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હોય, કારણ કે ફિલ્મમાંથી તો કાઢી જ નાંખવામાં આવ્યું હતું, પણ એની રૅકૉડ્‌ર્સ પણ બજારમાં ભાગ્યે જ ઉપલબ્ધ હતી. મારી નસેનસમાં ગીતાના દસ ગીતો વહેતા મૂકવા હોય તો, આ કરૂણ ગીત હું ઑલરેડી મૂકી ચૂક્યો છું.

આખી ફિલ્મ ક્યાંય લાઉડ નથી થઇ. ‘જાને વો કૈસે લોગ થે જીનકે પ્યાર કો પ્યાર મીલા...’ નઝમ સાંભળો તો, હેમંતકુમારથી વધારે મીઠડો બીજો કોઇ ગાયક જ નથી, એ મનમાં ઠસી જાય. બર્મન દાદાને સવા તોલો સોનાની સલામ. ‘સલામ’ છેકી નાંખીને ‘પ્રણામ’ વાંચી લેજો, કેમ કે કાકા બર્મન ઉર્દુ તો જાવા દિયો... પૂરૂં હિંદી ય સમજી શકતા નહોતા. સાહિર હોય કે બાહિર, એમને ગીતના મીટર પૂરતી લેવા દેવા. (મીટર એટલે, ગીતની પહેલી પંક્તિ કે વચ્ચેના અંતરાના અક્ષરોની સંખ્યા જળવાવી જોઇએ, નહિ તો ધૂન બનાવવામાં તકલી પડે.) પણ કાકા ગીતના મૂળ ભાવને અન્ય કોઇ સંગીતકારો જેટલો જ સમજી શકતા. એટલે સુધી કે, એમનો સુપુત્ર પંચમ (રાહુલદેવ) જે કારણે પીટાઇ જઈને ફેંકાઈ ગયો, એ હાથમાં જેટલી આવે એટલી ફિલ્મો ફેણવાની વાત કાકામાં નહિ. પહોંચી વળાય (અને સમજી શકાય એવી જ) ફિલ્મોનું સંગીત આપવાનું. મેહમુદ.. ફોર એ ચૅઇન્જ... વિલનના રોલમાં છે. જો કે, એ તદ્દન નવો નિશાળીયો હતો, એ હિસાબે એની પાસે વિલન કે કૉમેડિયન બનવાની ચોઇસ નહોતી. વિલનમાં ઍક્ટિંગ સારી નહિ કરી હોય, એટલે કૉમેડીના ધંધે લાગી ગયો હોય. રહેમાન ખૂબ પ્રભાવશાળી લાગે છે, કારણ કે મૂળથી એ પ્રભાવશાળી હતો જ. એનો અવાજ, રૂક્ષ છતાં હૅન્ડસમ ચેહરો ફિલ્મમાં પરાણે ધુસાડવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા સાથે એને કોઇ લેવા-દેવા નથી. આવી ઉત્તમોત્તમ ફિલ્મ તમે ન જુઓ, તો ઘરમાં તમારી બા ના ખીજાય...?

No comments: