Search This Blog

26/08/2011

યે રાસ્તે હૈં પ્યાર કે

ફિલ્મ : ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (’૬૩)
નિર્માતા : સુનિલ દત્ત
દિગ્દર્શક : આર. કે. નૈયર
સંગીત : રવિ
ગીતો : રાજેન્દ્ર કૃષ્ણ
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
કલાકારો : અશોક કુમાર, સુનિલ દત્ત, લીલા નાયડુ, શશીકલા, રહેમાન, રાજેન્દ્રનાથ, મોતીલાલ, હરિ શિવદાસાણી, ઇફતેખાર, બૅબી ફરીદા અને મનમોહન

ગીતો
૧ રૂહ ખત્મ હો ગઈ, દિલ તબાહ હો ગયા આશા ભોંસલે
૨ કોઈ મુઝસે પૂછે કે તુમ મેરે ક્યા હો મુહમ્મદ રફી
૩ જાને જહાં પાસ આઓ ના, ક્યા કહા આશા-સુનિલ દત્ત
૪ યે ખામોશીયાં, યે તન્હાઈયાં, મુહબ્બત કી આશા-રફી
૫ આજ યે મેરી જીંદગી, દેખો ખુશી મેં ઝૂમતી આશા ભોંસલે
૬ યે રાસ્તે હૈં પ્યાર કે, ચલના સમ્હલ સમ્હલ કે આશા ભોંસલે
૭ તુમ જીસ પે નજર ડાલો, ઉસ દિલ કા ખુદા મુહમ્મદ રફી

તા. ૨૭મી એપ્રિલ, ૧૯૫૯ના રોજ મુંબઈ ખાતે કમાન્ડર કાવસ માણેકશા નાણાવટીએ પોતાની પત્નીના પ્રેમી પ્રેમ આહુજાનું ખૂન કરી નાંખ્યું અને એને ફાંસીની સજા થઈ. છેવટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરતા એની સજા માફ થઈ હતી, એ કૅસ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આપણામાંથી તો ઘણાને એ યાદ પણ હશે કે, રોજ સવારે છાપુ ખોલીને, ‘... પછી કોર્ટમાં આગળ શું થયું ??’ એવી કુતૂહલતા ઘરઘરમાં વ્યાપક હતી. બાય ધ વે, ‘જ્યુરી’ સાથે કેસ ચાલ્યો હોય, એવો આ ‘આહૂજા ખૂન કૅસ’ ભારતીય અદાલતોનો છેલ્લો ટ્રાયલ હતો. એ પછી જ્યુરી ટ્રાયલ્સ બંધ થઈ ગઈ.

એ જ કૅસનો આધાર લઈને સુનિલ દત્તે પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ બનાવીને દેશમાં જામેલા તહેલકાનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. ફિલ્મ ક્યાંક ક્યાંક સુપ્પર-ડુપર હિટ સાબિત થઈ. સુનિલ દત્તને બીજો ફાયદો આ ફિલ્મની હીરોઈન લેવા બદલ થયો. લીલા નાયડૂએ જમાનાની ઇન્ડિયન બ્યુટી-ક્વીન હતી અને વિશ્વવિખ્યાત ફૅશન મૅગેઝિન The Vogueના ટાઈટલ-પૅઈજ પર ચમકીને બેશક એણે ભારતનું નામ રોશન કર્યું હતું. વિશ્વની સર્વોત્તમ ૧૦-સુંદર સ્ત્રીઓના લિસ્ટમાં ૧૯૫૪-ની ‘ફૅમિના મિસ ઇન્ડિયા’ બનેલી લીલા નાયડૂની સાથે ચમકનાર બીજી ભારતીય સ્ત્રી હતા જયપુરના મહારાણી ગાયત્રીદેવી. એ કેવો યોગાનુયોગ હશે કે, લીલા નાયડૂ પણ મુંબઈમાં એ જ દિવસે ગુજરી ગઈ-૨૮ જુલાઈ, ૨૦૦૯, જેના એક દિવસ પહેલા મહારાણી ગાયત્રીદેવી ગુજરી ગયા. The Vogueજેવા વર્લ્ડ-ક્લાસ મૅગેઝિનમાં ચમકવું, એ પણ મોટી સિદ્ધિ હતી.

(ગુજરાતમાં અમારા મગન-માઘ્યમને કારણે ઇંગ્લિશ બહુ આવડતું નહિ, એટલે આ ‘વૉગ’ માટે અમે બધા ‘વૉગ્યૂ-વૉગ્યૂ’ બોલતા. Torque (ટૉર્ક) માટે ટૉર્ક્યુ, Fatigue(ફટિગ) માટે ‘ફટિગ્યૂ’ બોલતા એટલે કંટાળીને કોઈ અમારી સામે ‘આર્ગ’ (Argue) નહોતા કરતા...!)

અફ કોર્સ, લીલા નાયડૂને કેટલા ટકા ઇન્ડિયન કહેવી, એ ગણતરીનો વિષય ખરો કેમ કે, આપણે ભણવામાં આવતા તે વૈજ્ઞાનિક મૅડમ ક્યૂરીના આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલા ભારતના એવા જ આદરપાત્ર સાયન્ટિસ્ટ ડૉ. પટ્ટીપતિ રમૈયા નાયડૂ પરણ્યા હતા સ્વિત્ઝર્લેન્ડ-ફ્રાન્સના વતની ડૉ. માર્થીને, જેમનું સંતાન એ આપણી ‘લીલા’.

ઇન ફૅક્ટ, આ ફિલ્મમાં લીલા નાયડૂએ બેવફા પત્નીનો રોલ કર્યોછે, જે કેટલેક અંશે એના અસલી જીવનમાં પણ વાસ્તવિક બન્યો હતો. (એક વાત પણ નોંધી લો. હિંદી બોલતી ફિલ્મો ૧૯૩૧-માં શરૂ થઈ ત્યારથી આજ સુધીની સૌથી હૉપલેસ એક્ટ્રેસ, જેને ઍક્ટિંગનો ‘અ’ ય આવડતો નહોતો, તેમાં લીલા નાયડૂનો નંબર પહેલો જ આવે.) દેશની બહુ જાણીતી ‘ઓબેરોય હૉટેલ્સ’ના માલિક તિલકરાજ (ઉર્ફે ‘ટીક્કી’) સાથેના લગ્નથી બે જોડકી દીકરીઓ ‘માયા’ અને ‘પ્રિયા’ થઈ, પણ પતિ-પત્ની બન્ને એકબીજા સાથે જોડાઈ ન શક્યા ને છૂટાછેડા લીધા. એ પછી લંડનમાં લીલા મહાન ચિંતક જે. કૃષ્ણમૂર્તિના વિચારોથી પ્રભાવિત થઈ. પણ મુંબઈ આવીને ઇંગ્લિશમાં કવિતાઓ લખતા આપણા દેશી કવિરાજ ડોમ. મોરાયસના પ્રેમમાં પડીને લગ્ન કરી લીધા. આ છોકરીનું રૂપ એનું દુશ્મન બનતું હતું. એમાં અત્યંત વહેમી બનેલા ગોરધન સાથે લીલાને રોજેરોજના ઝગડા થવા માંડ્યા. કહે છે કે, ડોમ મોરાયસ લીલાને સખ્ત મારઝૂડ કરતો હતો, એમાં કંટાળીને લીલા નાયડૂ ઘર છોડીને મુંબઈના કોલાબામાં એકલી રહેવા આવી ગઈ હતી.... તમે જોઈ શકો છો કે, આ કહેવાતી ‘પેઈજ થ્રી’ સોસાયટીમાં પણ કલ્ચર તો ઝોંપડપટ્ટીનું પણ હોઈ શકે છે !

(આ સાથે ગુજરાતભરની સુંદર સ્ત્રીઓને ચેતવવામાં પણ આવે છે કે, પ્રેમોમાં પડવું, તો કદી કવિઓમાં ન ઝંપલાવવું.. માર ખાવો પડે !) કવિઓ સિવાય બીજા નથી દેખાતા ?

લીલા નાયડૂએ ફિલ્મો બહુ ઓછી કરી હતી. ઍક્ટ્રેસ તરીકે કોઈ અસરકારક નહોતી, છતાં ૧૯૬૦-માં ૠષિકેશ મુખર્જીની ફિલ્મ ‘અનુરાધા’માં બલરાજ સાહની સાથે એ હીરોઈન બની. (યાદ છે ને, લતાના ચારે ચાર સુપરહિટ ગીતો... પં. રવિશંકરના સંગીતમાં !) એ પછી જૉય મુખર્જી અને અશોકકુમાર સાથેની ફાલતુ ફિલ્મ ‘ઉમ્મિદ’માં એ ચમકી. એમ તો ઇંગ્લિશ ફિલ્મ પણ મળી. શશી કપૂર સાથે ફિલ્મ ‘હાઉસહોલ્ડર’, જેમાં એનું કામ જોઈને સત્યજીત રેએ ‘ધી જર્ની’ નામની ઇંગ્લીશ ફિલ્મ માર્લૉન બ્રાન્ડો, શશી કપૂર અને લીલા નાયડૂને લઈને બનાવવાનો વિચાર કર્યો. અલબત્ત, આપણા દેશમાં વિચાર કરવાનો બહુ ખર્ચો આવતો નથી, એટલે એ ફિલ્મ પડતી મૂકાઈ.

સરપ્રાઈઝિંગલી, વિજય આનંદ ફિલ્મ ‘ગાઈડ’માં રોઝી માર્કોવાળો વહિદા રહેમાને કરેલો રોલ ફક્ત અને ફક્ત લીલા નાયડૂને જ આપવા પાગલ થઈ ગયો હતો.. કમ કે સદનસીબે, આ રોલ માટે જરૂરત એક ટ્રૅઇન્ડ-ડાન્સરની હોવાથી લીલાને બદલે વહિદાને લેવાઈ. લીલા નાયડૂની હીરોઈન તરીકે છેલ્લી ફિલ્મ પ્રદીપકુમાર સાથેની (અમદાવાદની અશોક ટૉકિઝમાં આવેલી) ફિલ્મ ‘બાગી’ હતી, જેમાં રફી સાહેબનું ‘બહાર નઝર કરું, અપના પ્યાર નઝર કરું, જો તુમ કહો તો નઝર કા ખુમાર નઝર કરું’ યાદ હશે. છાતીમાં સાબુના ફીણ વળવા માંડે, એવા એક સમાચાર એ પણ છે કે, મહાન શૉમેન રાજ કપૂરને લીલા નાયડૂ હદ બહારની ગમી ગઈ હતી, તે એટલે સુધી કે, ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ સહિતની પોતાની ચાર ફિલ્મોમાં લીલાને જ લેવા માટે બહુ સમજાવતા રહ્યા હતા, પણ શક્ય છે લીલાને અસલી રાજકપૂરની ખબર પણ હોય, એટલે એક પણ ફિલ્મ સ્વીકારી નહિ.

સામે છેડે રાજ કપૂરના કટ્ટર (છતાં છૂપા) દુશ્મન સુનિલ દત્તની આ ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ સ્વીકારીને લીલાએ એ જમાના ફિલ્મી મૅગેઝિનોને ચગાવવા માટે મોટી સ્ટૉરીઓ આપી હતી. આ તો આપણા મીડિયાએ યોગ્ય ભાડું લઈ લઈને અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘ઝંઝીર’ પછી ‘ઍન્ગ્રી યંગ મૅન’ બનાવી દીધો. ઇન ફૅક્ટ, હિંદી ફિલ્મોમાં સર્વ પ્રથમ ઍન્ગ્રી યંગમૅન તો મહેબૂબખાનની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નો સુનિલ દત્ત હતો. એ પછીની દત્ત સાહેબની અનેક ફિલ્મોમાં એમણે આવા જ રોલ કર્યા છે, ‘મુઝે જીને દો’ હોય કે આ ફિલ્મ ‘યે રાસ્તે...’ હોય. સરસ હાઈટ-બૉડી અને પહોળા ખભાવાળી એની શારીરિક પર્સનાલિટી અને હૅન્ડસમ છતાં લશ્કરી ચહેરો એક જૂદી ઇમેજનો માલિક હતો. ઍક્ટર તરીકે બહુ સારો તો ન કહેવાય પણ એને માફક આવે એવી ‘આવી’ ફિલ્મો માટે તો એ સાચ્ચે જ બહુ સારો ઍક્ટર કહેવાય. બેવફા પત્ની ઉપર ગુસ્સો આવે છે, એનું ગળું દબાવી નાંખવાનું ખૂન્નસ પણ ઉપડે છે, છતાં સમસમીને ચૂપ રહી જવાની લાચારી દત્ત સાહેબે માર્વેલસ દર્શાવી છે. રહેમાનની અદ્‌ભૂત પર્સનાલિટી એનો USP હતો, ખાસ કરીને બદમાશ દોસ્તનો રોલ હોય. એ કદી સારો માણસ લાગી જ ન શકે. અહીં પરદેશ ગયેલો દોસ્ત (સુનિલ દત્ત) પોતાની પત્નીનું ઘ્યાન રાખવા સગા ભાઈ જેવા આ દોસ્તને સોંપી જાય છે, તો રહેમાન દોસ્તીની પત્નીનું દસે દિશાઓથી ઘ્યાન રાખે છે. શશીકલા એની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મનો પણ ઇન્ટેગ્રલ પાર્ટ છે. એના વગર કોઈ ફિલ્મ આગળ ન વધે. અહીં પણ એ દરેક ફિલ્મની જેમ વહાલી લાગે એવી વૅમ્પ બની છે. આપણા પોપટલાલ ઉર્ફે રાજેન્દ્રનાથ સગપણના ધોરણે, રાજ કપૂરના સાળા થાય, પણ ખાસ યાદ નથી કે, રાજ કપૂરે એમને ક્યારેય યાદ કર્યા હોય, પણ સુનિલ દત્તના એ નિકટના દોસ્ત હોવાને કારણે એમની અજન્તા આર્ટસની તમામ ફિલ્મોમાં પોપટ હોય. અફ કૉર્સ, ફિલ્મના અસલી હીરો તો આપણા દાદામોની છવાઈ જાય છે. કોર્ટમાં એમની સામે એવા જ અસરદાર મોતીબાબુ એટલે કે મોતીલાલ હોય, પછી સમજી શકો છો કે, ફિલ્મમાં કૉર્ટના દ્રશ્યો જોવા/સાંભળવાના કેવા કેવા ટેસડાઓ પડી ગયા હશે ! દાદામોની એટલે કે અશોકકુમાર જેવો ‘અભિનેતા’ તો દિલીપકુમારે ય નહિ અને અમિતાભ બચ્ચને ય નહિ.. અને એ તો જેમણે એમની ફિલ્મો જોઈ હોય, એમને ખબર પડે. બધાએ ઝંડા ઊંચા કરવાની જરૂર નથી.

યસ. ફિલ્મના સંદર્ભમાં રાજેન્દ્ર કૃષ્ણએ ગીતોમાં સાચ્ચે જ બહુ મોટા મોર માર્યા છે. અદ્‌ભુત લખ્યું છે. ઉર્દુનો લેવા-દેવા વગરનો વઘુ પડતો મારો કરવામાં એ સાહિર લુધિયાનવી જેટલા લોકપ્રિય ન થઈ શક્યા. સાહિર તો મુસલમાન હતા, છતાં હિંદીને એમણે ઇકવલ ન્યાય આપ્યો હતો. રાજેન્દ્ર કૃષ્ણ બેશક મોટા ગજાના ગીતકાર, પણ દેશભરના હિંદુઓ કાંઈ ઉર્દૂ માઘ્યમની સ્કૂલોમાં ભણ્યા નથી, એટલે ઉત્તમ હોવા છતાં બધા ફિલ્મ રસિકો એમના ગીતો સમજી ન શકે. આઘાત એ વાતનો લાગે છે કે, ફિલ્મ હિંદી હોય, વાર્તાના તમામ પાત્રો સંપૂર્ણપણે હિંદુ હોવા છતાં, ફિલ્મના ગીતો શેને માટે બૉમ્બાસ્ટિક ઉર્દુમાં લખવામાં આવે ? કોઈ ચાર જણાએ વખાણ કર્યા એટલે રાજેન્દ્ર કૃષ્ણ જેવા શાયરો પણ આડેધડ ઉર્દુ લખવા મંડી પડે, એમાં તમે એવી દલિલ ન કરી શકો કે, રાજેન્દ્ર કૃષ્ણએ ભજનો પણ લખ્યા છે ! ફિલ્મ ‘પાકિઝા’ કે ‘મુગલ-એ-આઝમ’માં ફક્ત ઉર્દુ જ આવે અને કેટલું મીઠું લાગે છે ! પણ ફક્ત હિંદુ બેકગ્રાઉન્ડ ધરાવતી બાકીની ૯૮-ટકા ફિલ્મોના ગીતોમાં ઉર્દુ વાપરીને એ ગીતકારોએ લોકપ્રિયતાના માપદંડ પર પોતાની કબરો ખોદી છે. સાહિરને જુઓ. જ્યાં ઉર્દુ જ ચાલે, ત્યાં બેમિસાલ ભાષાપ્રયોગ કર્યો છે, ‘હયા સે ઇતની બગાવત હમેં પસંદ નહિ’, તો એ જ સાહિરે જ્યાં સંસ્કૃત મઢ્‌યું હિંદી વાપરવાનું હતું ત્યાં, ‘યે ભોગ ભી એક તપસ્યા હૈ, તુમ ત્યાગ કે મારે ક્યા જાનો...’ થૅન્ક ગૉડ, ‘ચિત્રલેખા’ના ગીતો રાજેન્દ્ર કૃષ્ણો, હસરત જયપુરીઓ અને મજરૂહોને લખવા નહોતા અપાયા ! યસ. ઉર્દુ સમજાતું હોય અને ફિલ્મમાં જરૂરત હોય તો રાજેન્દ્ર કૃષ્ણના ગીતોને સરતાજ કહેવા પડે, એવા ઉત્કૃષ્ટ હતા. એ સહેજ પણ સામાન્ય ગીતકાર નહતો. ઓમપ્રકાશની ફિલ્મ ‘જહાનઆરા’ના તમામ ગીતો સામે. અશોક દવે સર ઝુકાવે છે, ‘યે લોગ ક્યું મેરે આગે હૈં શમ્મા લાયે હુએ...?’ આ ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’માં ખાસ કરીને ‘કોઈ મુઝ સે પૂછે કે, તુમ મેરે ક્યા હો, મેરે પ્યાર કી ઇક હંસિ ઇલ્તજા હો’ માં સરસ બારિક નક્શીકામ થયું છે.

સંગીતકાર રવિને જ્યારે જ્યારે પણ આવા મૂડની વાર્તાઓ ઉપર કામ કરવાનું મળ્યું છે, ત્યારે એ છવાઈ ગયા છે. આ ફિલ્મની સફળતામાં રવિના ગીતોનો જબરદસ્ત ફાળો છે. અલબત્ત, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોઈનું નથી, નહિ તો ઓપી નૈયરને બાદ કરતા એકમાત્ર રવિ એવા સંગીતકાર હતા, જેમણે જૂજ અપવાદો બાદ કરતા આશા ભોંસલેને મૅક્સિમમ માઈલેજ આપીને લતા મંગેશકર વગર ચલાવી બતાવ્યું છે. આમ છતાં, પોતાના કોઈ ઇન્ટરવ્યૂમાં આશાબાઈએ ઉછળી ઉછળીને રવિનો આભાર કે વખાણ કર્યા હોય, એ મને અને આશા ભોંસલે-બન્નેને યાદ આવતું નથી.

પણ ભાઈ... ભાઈ... ભાઈ ! જરા રસ્તો કરી આપો, બાજુ ખસો.. સવારી મુહમ્મદ રફી સાહેબની આવે છે. આખી ફિલ્મ ઉપર સાહેબ એવા છવાઈ ગયા છે, એમનું એકાદ ગીત જ યાદ કરો ને ! ‘તુમ જીસ પે નઝર ડાલો, ઉસ દિલ કા ખૂદા હાફિઝ...’ પણ આ ફિલ્મના થીમ સૉંગ ‘કોઈ મુઝ સે પૂછે કે, તુમ મેરે ક્યા હો’ ઘ્યાનથી સાંભળો, તો જે વેદના એક લાચાર પતિની રફીએ પોતાના કંઠ દ્વારા અનુવાદિત કરી છે, તે ભારતના અન્ય કોઈ પણ ગાયકના બસની બહારની વાત છે. ગીતમાં, ‘... મેરે પ્યાર કી, ઇક હંસિ ઇલ્તજા હો’ દરમિયાન બેવફા પત્નીના પતિની કાંઈપણ કરી શકવાની લાચારી રફીના કંઠમાં કેવી કરૂણતાથી વ્યક્ત થાય છે, તો એ જ ગીતમાં આવા પતિને ગૂસ્સો આવતા, ‘મેરી ખામોશ સી દુનિયા મેં હૈ ક્યું આજ ખલલ. મૈંને દેખા હૈ કહીં તૂટા હુઆ તાજમહલ...’ ગુસ્સો ય વ્યક્ત થાય છે. હકીકતમાં, રફી અને રવિની જોડીએ રફી સાહેબના ઉત્તમોત્તમ ગીતો આપ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી સાધનાના ગોરધન આર. કે. નૈયરે કર્યું છે. પોતાની તમામ ફિલ્મોના નામોમાં ‘પ્યાર’ શબ્દ તો આવવો જ જોઈએ, એ હઠ લઈને છેવટે પસ્તાયેલા નૈયર સાહેબે આ ફિલ્મમાં બેશક સુંદર દિગ્દર્શન આપ્યું છે. ફિલ્મની વાર્તા તો સમજ્યા કે, સત્યઘટના પરથી લેવાઈ છે, છતાં હિંદી ફિલ્મોને લાગેવળગે છે ત્યાં સુધી પ્રેમમાં બેવફાઈની વાર્તાઓમાં સ્ત્રીઓને હંમેશા નિર્દોષ કઈ કમાણી ઉપર બતાવવામાં આવે છે, તે નથી સમજાતું. અનુભવીઓ તો એવું કહે છે કે, પ્રેમના મામલે સ્ત્રીઓ પરફૅક્ટ ફરેબી હોય છે. સાડી બદલતા વાર લાગે, પ્રેમી બદલતા નહિ ! અહીં જો કે, એને નિર્દોષ તો નથી બતાવાઈ, પણ પ્રેક્ષકોની સતત સહાનુભૂતિ લીલા નાયડૂને મળતી રહે, એવી વ્યવસ્થા સાહજીકતાથી કરવામાં આવી છે. બાય ધ વે, આ વાંચતી સ્ત્રીઓમાંથી એક પણ સ્ત્રી હાલમાં પોતાના ગોરધન સિવાય બીજા કોઈના પ્રેમમાં પડી ચૂકી હોય કે પડુ-પડુ થતી હોય, તો આ ફિલ્મ ‘યે રાસ્તેં હૈં પ્યાર કે’ બેશક જોઈ લેવા જેવી છે.. શક્ય છે, તમારું જીવન અને પેલાના પૈસા બચી જાય ! 

No comments: