Search This Blog

24/08/2011

મળવા જેવો માણસ, સ્વ. મૂકેશ

આ આપણો મૂકેશ... ગાયક મૂકેશ, આપણી આંખોમાં પાણી આવી જાય, એવો ભોળિયો હતો. હીરોથી માંડીને સંગીતકારોએ એના અપમાનો કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. લોકોએ એનો જ લાભ લીધો છે. એ પોતે લતા મંગેશકર તો હતા નહિ કે, રાજ એનું બરકરાર રહે અને બીજા રફીઓ, કિશોરો કે મન્ના ડેઓ ફેંકાઈ જાય ! ઇન ફૅક્ટ, આવું પૉલિટિક્સ તો એ જમાનામાં એક ય પુરુષ ગાયકમાં હતું નહિ. રફી સાહેબે ધાર્યું હોત તો એમના નક્શે કદમ પર ચાલેલો ફક્ત મહેન્દ્ર કપુર જ નહિ, ખુદ મૂકેશ- મન્ના ડેને ય મળ્યા છે, એટલા ગીતો મળ્યા ન હોત. બહુ સૌજન્યશીલ માણસો હતા એ બધા.. ને વિચાર કરો કે એક વ્યક્તિ તરીકે મૂકેશ જો ઇવન આ બધાથી પણ બે દોરા ઉપર હોય, તો પર્સનલી કેવો મળવા જેવો માણસ હશે, મૂકેશ ? 

સુરૈયા સાથેની ફિલ્મ ‘માશૂકા’ દરમ્યાન આંધળા વિશ્વાસ (અને... કદાચ, બેવકૂફીથી...!) એણે એક એવા કૉન્ટ્રેક્ટ ઉપર સહી કરી દીધી, જેના પરિણામે, જ્યાં સુધી ‘માશુકા’ પૂરી ન થાય, ત્યાં સુધી એ બીજી કોઈ ફિલ્મમાં ગાઈ ન શકે. (બાય ધ વે... દુનિયાભરની કોઈ માશુકા આજ સુધી પૂરી થઈ છે ખરી... ? આપણને પલભરમાં પૂરા કરે, એ તો એના જન્માક્ષરમાં ય લખ્યું હોય ! સુઉં કિયો છો ?) એને ખબર પણ નહોતી કે, વાંચ્યા- ફાંચ્યા વગર સહી કરી નાખવામાં એ કેટલી મોટી પનોતિ નોંતરી રહ્યો છે ! મોટો વિસ્ફોટ રાજ કપૂરની બની રહેલી ફિલ્મ ‘શ્રી. ૪૨૦’માં થયો. મૂકેશે હજી માંડ એકાદ-બે ગીત ગાયા હતા, ને એ કૉન્ટ્રેક્ટ કરી બેઠો. શું થાય ? રાજ કપૂરને પણ ના પાડવી પડી અને ‘‘રાજ કપૂરને પણ ના પાડવી પડી...’’ શબ્દોનો અર્થ હું અને તમે માનીએ છીએ એના કરતા ઘણો ખતરનાક હતો. રાજ મૂકેશ પર અતિશય ગુસ્સે ભરાયો. ન કહેવાના શબ્દો કીધા. ગીતો મન્ના ડે પાસે ગવડાવવા પડ્યા... ઇવન રાજ-નરગીસ, શંકર - જયકીશનની બાંધેલી ફિલ્મ હોવા છતાં મદ્રાસની ફિલ્મ ‘ચોરી ચોરી’માંથી પણ મૂકેશની બાદબાકી થઈ ગઈ. 

વાત ત્યાં પતતી નથી. મૂકેશના કમનસીબે ‘માશુકા’ લંબાતી ગઈ. પૂરી જ નહોતી થતી. એક તરફ મૂકેશના ગીતો બંધ, એમ રૂપિયાની આવક પણ બંધ. અને એ દિવસો કંઈ એવા નહોતા કે, એક રીયાલિટી- શૉમાં હાજરી આપી આવો, તો ય કરોડ રોકડા મળે કે ફિલ્મનું એક ગીત ગાવાના (આજના ભાવ પ્રમાણે) કોઈ લાખ- બે લાખ મળે. ખુદ લતા મંગેશકરને એક ગીતના રૂા. ૨૦૦/- મળતા હોય, ત્યાં મુકેશ- તલત તો કઈ વાડીના... ? (અહીં કોઈ સબ્જી- ફબ્જીનું નામ મૂકવાનું હોય છે... મને યાદ નથી. હાલમાં હું સ્વ. મૂકેશજીના ગીતો યાદ કરવામાં બિઝી છું, શાકભાજીઓના નામો નહિ !) 

પૈસેટકે મૂકેશની બર્બાદી ત્યાં સુધી આવી ગઈ કે, સ્કૂલમાં બાળકોની ફીઓ ભરવાના પૈસા નહોતા, ભ’ઈ પાછા મોંઢાના મોળા નહિ ? કોઈની પાસે વાતે ય ના કરે ! 

... અને વાત કરી હોય તો ય, અમારા ખાડીયાની ભાષામાં કહીએ તો કોઈ શું ઉખાડી લેવાનું હતું, જ્યાં રાજ કપૂર જ વાઘ જેવો સામે પડ્યો હતો ! ઇન ફૅક્ટ, મૂકેશ મોડો મોડો ય ‘માશુકા’વાળી ટ્રબલમાંથી બહાર આવ્યો, ત્યાં તોતિંગ ભરડો ભરવા માટે ઍનાકૉન્ડા તૈયાર જ હતો. રાજ કપૂરે શરત મૂકી કે, હવે મારી સાથે ગાવું હોય તો, મારા સિવાય બીજા કોઈ હીરોને તારે પ્લૅબેક નહિ આપવાનું... મંજૂર હોય તો બોલો, વર્ના ‘જય રામજી કી !’ 

વિશ્વાસ ખાતર આંખ મીંચીને સહી કરી આપવાની કેટલી મોટી સજા મૂકેશ ભોગવી રહ્યો હતો... ! અનિલ બિશ્વાસ અને સલિલ ચૌધરીને બાદ કરતાં બીજા કોઈ સંગીતકારોનો માનીતો હતો નહિ અને આ બન્નેને પણ મૂકેશની જરૂરત પોતાની જરૂરતો પૂરતી જ હતી. ફિલ્મ નગરીમાં એકબીજા માટે જાન આપી દે, એવી તો એકે ય દોસ્તી આજની તારીખ સુધી નોંધાઈ નથી....! મૂકેશની લાચારી અને બેબસી એના તમામ કરૂણ ગીતોની સાહેદી પૂરે છે. 

મૂકેશને માફ કરી દેવા માટે, કોણે રાજ કપૂરને બહુ વિનયપૂર્વક સમજાવ્યો અને એ માની ગયો, એની બાતમી પાકી તો નથી, પણ જે થયું એ સારું થયું સમજોને. લગભગ ’૫૮ની સાલ સુધી મૂકેશની બર્બાદી રહી. અફકૉર્સ, મૂકેશ, તલત, હેમંત કે મન્ના દા એ લેવલના ગાયકો નહોતા કે, રફી- કિશોરની જેમ એક મોટું વાવાઝોડું આવે અને પૈસાનો મોટો સપાટો બોલાવી દે. (પાઇ પાઇના મોહતાજ રહ્યા પછી, ફિલ્મ ‘આરાધના’ સાથે કિશોરે જે હલચલ મચાવી, તે આજની તારીખમાં પણ બેમિસાલ છે. જિંદગીભર નહોતું કમાયો, એટલું તો એ પ્રારંભના ૨- ૩ વર્ષોમાં કમાઈ બેઠો. (આજે પણ આપણને ગળું સારું નહિ હોવાનો અફસોસ ખરો...!) 

અફસોસ તો મૂકેશને એ વાતનો પણ થવો જોઈતો હતો કે, એક શમશાદ બેગમને બાદ કરતાં આપણા લતા, રફી, તલત, મન્ના ડે, કિશોર, આશા, ભોંસલે, ગીતા દત્ત કે હેમંતકુમાર... બધા કરતા હિન્દી ફિલ્મોમાં સૌથી સીનિયર મુકેશ. આ બધા ’૪૫- ’૪૬માં આવ્યા, જ્યારે મૂકેશ ૧૯૪૧માં પહેલું ગીત રેકોર્ડ કરાવી ચૂક્યો હતો. ‘દિલ હી બુઝા હુઆ હો તો ફસલે બહાર ક્યા’ એ ફિલ્મ ‘નિર્દોષ’માં એ નલિની જયવંત સામે હીરો પણ હતો. થૅન્ક ગૉડ, આપણને ઉત્તમ ગાયક મળ્યો અને નબળા હીરોમાંથી બચી ગયા. પણ આખી લાઇફમાં ભલે એણે બઘું મળીને હજાર ગીતો આપ્યા. પણ એક એક ગીત કેવું ટકોરાબદ્ધ છે ? પ્રેમમાં તાજા જ સફળ થયા હો તો ગાઓ, ‘અય સનમ જીસને તુઝે ચાંદ સી સૂરત દી હૈ...’ તાજા નિષ્ફળ ગયા હો તો બાજુવાળા પાસે ગવડાવો, ‘સજનવા બૈરી હો ગયે હમાર’, પગનો નખ ઉખડી ગયો હોય ને પાકેલો અંગૂઠો બહુ દુઃખતો હોય તો, નજર અંગૂઠા સામે રાખી હાર્મોનિયમની પેટી મંગાવીને ગાઓ, ‘મેરે તૂટે હુએ દિલ સે, કોઈ તો આજ યે પૂછે, કે તેરા હાલ ક્યા હૈ’ ફલેટના ચોથા માળવાળીએ ઉપરથી આડેધડ કચરો સીધો તમારા માથે પછાડ્યો હોય ને છાનીમાની મહી જતી રહી હોય તો ઉપર જોઈજોઈને ગાઓ, ‘આસમાં પે ખુદા, ઔર ઝમીં પે હમ, આજકલ ઇસ તરફ વો દેખતા હૈ કમ’ કે પછી ધંધામાં કરોડ બે કરોડનું ઉલાળીયું થઈ ગયું હોય તો બાલ્કનીમાં સારા દિવસો પાછા આવવાની (તમારા સારા દિવસો... તમારી વાઇફના નહિ... ઝપો છાનામાના !) આશામાં ઊભા ઊભા ગાઓ, ‘વો સુબહા કભી તો આયેગી, વો સુબ્હા કભી તો આયેગી... હોઓઓઓ....’ 

જો કે, ગાવાના ડોડળીયા ઉપડ્યા હોય, તો રફી કે મન્ના ડે આપણા કોઈ કામના નહિ. એવું બઘું અઘરું-અધરું આપણને ન ફાવે. આપણને તો ચોખ્ખી વાત કરવા જોઈએ. મૂકેશનું શું કે, એ આપણા જેવા સારા ગાયકો માટે બહુ ગળાવગો રહેતો. ગાતી વખતે એ પોતે બહુ ખેંચતો નહિ ને આપણને ખેંચવા દેતો નહિ. હા, ‘દિલ જલતા હૈ તો જલને દે’ જેવા ખરજીયા ગીતમાં અવાજ નાભિમાંથી કાઢી બતાવવાનો હોય, તો ‘બાબા... છૂટા નથી.... આગળ જાઓ’ એવું કોઈ આપણને સંભળાવી જાય, કે વખત છે ને કોઈની બી બા ખીજાય, એવું ગાવું જ શું કામ ? મૂકેશે આપણી કરિયરને બહુ વાંધો ન આવે, એવા કોઈ હલકા-ફૂલકા ગીતો ય ગાયા છે, એમાં એની પોતાની કરિયરને ય વાંધો નહોતો આવ્યો જેમ કે, ‘તેરે પ્યાર કો ઇસ તરહ સે ભૂલાના, ન દિલ ચાહતા હૈ, ન હમ ચાહતે હૈ’ કે પછી ‘જો પ્યાર તુમને મુઝકો દિયા થા, વો પ્યાર તેરા મૈં લોટા રહા હું...’

ઉફ... હવે તો બે-ચાર દહાડામાં મૂકેશની વિદાયને ૩૫- ૩૫ વર્ષો થશે ને છતાં ય રૂઆબ જુઓ એ નરગીસી અવાજનો કે, એના એકે ય ગીતે આજ દિન સુધી આપણાથી છૂટવાનું નામ નથી લીઘું. 

સિક્સર 
‘માઇલ સ્ટોન્સ’ પર લખેલા કિલો મીટર્સ, ફક્ત જીલ્લા પંચાયતના મકાનથી ગણવામાં આવે છે. જીલ્લા ન હોય તો તાલુકા કે ગ્રામ પંચાયત. ખાત્રી કરવી હોય તો અમદાવાદના ભદ્રના કિલ્લા સામે આવેલી જીલ્લા પંચાયતના બિલ્ડિંગ સામે રોડ પર લોખંડની The Standard Mile Stone નામનો પથ્થર ખોડવામાં આવ્યો છે. હાઇ-વે- પર મૂકેલા માઇલ સ્ટોન્સ પર લખેલા કિ.મી. અહીંથી ગણાય, કોઈ પોસ્ટ ઓફિસ, એસ.ટી. બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશનથી ન ગણાય. 

No comments: