Search This Blog

31/08/2011

શિક્ષકોનું હનીમૂન

કોકને ધમ્મ કરતું ‘આઇ લવ યૂ’ કહી દેવાતું નથી. ભલે ને એ તમારી સગ્ગી પ્રેમિકા હોય કે દૂરની વાઇફ થતી હોય ! એ કહેવા માટે છાતીમાં હિમ્મત, પ્રેમનો ઊભરો, સામે સુંદર ચેહરો અને રૂમનું એ.સી. ચાલુ હોવું કાંઇ જરૂરી-બરૂરી હોતું નથી. કહેવું હોય તો કહી દેવાનું. ગભરાવાનું નહિ. બીક લાગે તો બાને બોલાઈ આવવાના....!

પણ આમાં સાચવવું બહુ પડતું હોય છે, ખાસ કરીને પહેલીવાર હનીમૂન માટે જતા હો.

પહેલીવારનું ‘આઇ લવ યૂ’ કહેવા માટે ક્યારેક તો બાજુમાંથી રીક્ષાની માફક આખો જમાનો પસાર થઇ જતો હોય છે ને આપણે ના કહીએ, એમાં કોઇ બીજો કોઇ રીક્ષામાં બેસી જતો હોય છે. આવી ભૂલ હનીમૂનમાં ન થવી જોઇએ. ઘણા ડરતા હોય છે કે, એકવાર કહી તો દઇએ, પણ હાળું કંઇ આડું ફાટ્યું તો ‘આઇ લવ યૂ’ તો દૂર રહ્યું, છ મહિના સુધી કોઇને ‘જય જીનેન્દ્ર’ કહેતા ય બંધ થઇ જઇએ. બીક તો લાગે, પણ સમય બી ન વેડફાય. વળી, ઉંમરના અમુક તબક્કા સુધી આવા ‘આઇ લવ યૂઓ’ ફક્ત એક જ વ્યક્તિને કહેવાના હોય છે. સામે જે મળ્યું એને કહી દેવાના ન હોય.

અલબત્ત, ડરના માર્યા કેટલાંક તો છેક મઘુરજની એટલે કે, હનીમૂન સુધી પહેલીવારનું ‘આઇ લવ યૂ’ ય પતાવતા નથી. આળસ જ મનુષ્યનો મહાશત્રુ છે. ધંધામાં હજી ‘કહીએ છીએ... કહીએ છીએ... શું રહી જાય છે ?’ ચાલે... હનીમૂનોમાં ન ચાલે.

હનીમૂનો માટે તમને અનુભવી હનીમૂનકાર મળી રહે, એ શક્યતા ઓછી છે. ફિલ્મોના હનીમૂનો જોઇજોઇને જેટલું શીખ્યા હો, એટલું કાફી છે....! કન્યાએ રાબેતા મુજબનો ધૂમટો તાણીને લટકાઇ રાખવાનો. એનો તાજો-ફ્રેશ ગોરધન દરવાજાને સ્ટૉપર મારીને સ્માઇલો સાથે દાખલ થાય. ટેબલ પર દૂધનો ગ્લાસ તૈયાર પડેલો હોય, એ ઉઠાવવાનો. ઉપલા હોઠ પર સફેદ મૂછો ન જામે, એનું ઘ્યાન રાખીને એકાદ ધુંટડો પી લેવાનો. સમયસર પહોંચી જવાનું પણ, અત્યારે પેલી એસ.ટી.ની પૂછપરછની બારી પર બેઠી નથી, તે આમાં લાઈન જેમ જેમ આગળ વધે, એમ વરરાજાએ ધીમે ધીમે ખસવાનું હોય. તો શાસ્ત્રો એવું ય કહે છે કે, કબડ્‌ડી રમતા હો, એટલી સ્પીડથી પણ પલંગના પાટાને અડીને પાછા આવતા રહેવાનું નહિ.

પછી તો પલંગ પર ફક્ત એક ઢીંચણ વાળીને, બીજો પગ ભોંય પર લટકતો રાખીને વરરાજાએ પેલીની બાજુમાં બેસી જવાનું હોય છે. પહેલું ‘આઇ લવ યૂ’ અહીં કહેવાનું. જમણા હાથની પહેલી આંગળી વડે એનો ધૂંઘટ ઊંચો કરીને જેવું એનું સુહાનુ-સુહાનુ મોંઢું દેખાય ત્યારે બોલવાનું, ‘‘...શરમા રહી હો ?’’ આપણે હિંદીમાં નહિ બોલવાનું. ઇન ફૅક્ટ, એવું કાંઇ બાફી નહિ મારવાનું, નહિ તો પેલીને ડાઉટ પડે કે, આ તો પહેલીવાર હનીમૂન કરતો લાગે છે. કાંઇ આવડતું-બાવડતું લાગતું નથી. લગ્નની પ્રથમ રાતે જ એકબીજાને ડાઉટો પડે એવું નહિ કરવાનું...બા ખીજાય !

પણ તો ય, સમાજના વિભિન્ન ઘટકોને હનીમૂનો કરતા જોયા પછી સંસ્થા એ તારણ પર પહોંચી છે કે, હનીમૂનો કરવા એ કાંઇ નાની માં કે મોટી માંના ખેલ નથી. ભલભલાની ખેંખડી ઉતરી જાય છે. જુઓ. આ સાથે એ ઘટકોની હનીમૂન કરવાની પદ્ધતિઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

બિલ્ડરનું હનીમૂન

મકાનોનું બાંધકામ કરીને અબજોપતિ થયેલા હજારો બિલ્ડરો આવા પવિત્ર કામે પણ પોતાનો ધંધો આઘો મૂકી શકતા નથી. હોટેલની રૂમમાં આવતાની સાથે કન્યાનું બાંધકામ તપાસી લે છે-કાચું છે કે પાકું. પેલીને એકવાર પલંગ ઉપર આખી ઊભી કરીને સ્લૅબ બરોબર ભરાયો છે કે નહિ, તેની મદદનીશ ઍન્જીનિયરોને બોલાવીને તપાસ કરી જુએ છે. પણ બધાનો સરવાળો મૂકો તો એને કન્યાના પ્લિન્થ-લૅવલથી આગળ કોઇ સમજ પડતી નથી. આ હનીમૂન છે, ફ્‌લૅટ બાંધવાનું રમણીય સ્થળ નથી, એટલે ઍરપૉર્ટથી ફક્ત ૩ કી.મી.ના અંતરે, સુસંસ્કારી વિસ્તારમાં અને જૈન દેરાસરની બાજુમાં હનીમૂન ગોઠવવાની જરૂર નથી. આમાં તો આ બઘું કાંઇ ન હોવું જોઇએ.

‘ભાઇલોગ’નું હનીમૂન

પેલી તો પહેલેથી મહીં પલંગ ઉપર બેઠી હોય, પણ ‘ભાઇ’ એમ કાંઇ સીધેસીધા રૂમમાં ના આવે. પાછળ હૉરર મ્યુઝિક વાગતું હોય. એના ચમકદાર બૂટ સાથે હોટેલનો દાદરો ચઢતા પહેલા ફક્ત બન્ને પગ દેખાય. કાંડા ઉપર સોનાની ચૅઇન લટકતી દેખાય. રૂમની બહાર ઊભા રહી પહેલા તો ‘ભાઇ’ સિગારેટના કશ ખેંચતા મોબાઈલ પર પૂછી લે, ‘‘માલ પહુઁચ ગયેલા હૈં...?’’ સામેથી હા આવે, તો રીવૉલ્વરના એક ભડાકે દરવાજાની સ્ટૉપર ખોલવાની. રીવૉલ્વરના નાળચામાંથી નીકળતા તાજા ઘૂમાડાને ફૂંક મારવાની. પેલી ફફડતી હોય એના ધૂંઘટને એ જ રીવૉલ્વર વડે ઊંચો કરીને ‘ભાઇ’ પૂછે, ‘‘ઉઠાતી હૈ ધૂંઘટા યા, દું થોડા ખર્ચા-પાની....?’’

ડૉક્ટરનું હનીમૂન

ડૉક્ટરોના કૅસમાં સ્વચ્છતા પહેલી જોઇએ. પોતાના જ નહિ, કન્યાના તનબદન ઉપર પરફ્‌યૂમને બદલે સ્પિરિટ છંટાવ્યું હોય. એટલે સુધી કે, ચૂંબન કરી લીધા પછી ડૉક્ટર તરત જ સનમના હોઠ પર સ્પિરીટનું પૂમડું ફેરવી દેશે... બૅક્ટેરીયા ન આવે ! બીજી એક વાત સ્પષ્ટ છે. હનીમૂન સ્વિત્ઝરલૅન્ડની હોટેલમાં હોય કે જામખંભાળીયામાં... પલંગની ચાદર સફેદ અને પડદા લીલા જ રાખવાના. આટલો મોટો ડૉક્ટર પૅશન્ટ (આઇ મીન, પત્ની)ને કાંઇ જાતે ન સુવડાવે, નર્સ સુવડાવી આપે. વાઇફને ચુંબન કરવાનું હોવા છતાં ડૉક્ટર પહેલા એનું મોંઢું ખોલાવીને, ‘આઆઆઆઆ...’ કરાવે. પછી મોંઢા ઉપર લીલાં કપડાંનો માસ્ક પહેલીને ચુંબન કરે. મૅઇન ‘ઓપરેશન’ પછી શરૂ થાય. ઓ.ટી. એટલે કે ઑપરેશન થીયેટરની બહાર ‘સાયલન્સ પ્લીઝ’નું બૉર્ડ હોવું આવશ્યક છે. અત્રે યાદ રહે કે, દુનિયાભરના એકે ય ડૉક્ટર કદી એકલા-એકલા ઑપરેશન કરતા નથી. સાથે અન્ય ડૉક્ટરો અને નર્સો જોઇએ જ. અલબત્ત, હનીમૂનોમાં ઑપરેશન વખતે વધારાના સાધનોની જરૂર પડતી ન હોવાથી અત્યાર પૂરતા ડૉક્ટર સ્વાવલંબી બનશે. હનીમૂન પતી ગયા પછી કન્યાને કોઇ રીઍક્શન તો નથી આવતું ને, એ જોવા સ્ટ્રેચર પર ૧૦-મિનિટ સુવડાવી રાખવી પડે.

કરૂણતા ફક્ત એક જ વાતની થાય કે, ‘બીજી વાર બતાવવા આવો ત્યારે આ કાગળ સાથે લાવવો,’ એ પદ્ધતિ કન્યાને હનીમૂનની બીજી રાત્રે અકળાવી મૂકે કે ના મૂકે ?...કોઇ પંખો ચાલુ કરો.

શિક્ષકનું હનીમૂન

શાળા તરફથી જેટલું પ્રવાસભથ્થું માન્ય થતું હોય, એટલા જ આઘા હિલ સ્ટેશન પર વાઇફને હનીમૂન માટે લઈ જવાની, હોવાથી શિક્ષકો હનીમૂનો માટે માઉન્ટ આબુથી બહુ આઘે જઇ શકતા નથી. અલબત્ત, પ્રવાસમાં રાત્રિ-ભથ્થું શામેલ હોય તો જ સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે ગોઠવાય છે, નહિ તો માઉન્ટ આબુમાં પણ બપોરે ૨-થી-૩ની રીસેસ દરમ્યાન હનીમૂન પતાવી લેવું પડે.

ત્યાં હોટલ પર પહોંચ્યા પછી હનીમૂનમાં શું શું કરવાનું છે, તેની માહિતી કન્યાએ હોટેલના નોટિસ-બોર્ડ પર વાંચી લેવાની. એ વાત તો ધોરણ ૬-બ નું નાનું છોકરૂં ય સમજે છે, શિક્ષક એમની વાઇફને અહીં પણ ફૂલ-યુનિફૉર્મમાં જ પ્રવેશ આપશે. પલંગ પર બેઠેલી કન્યાનો ધૂંઘટ વિજ્ઞાન અને ભૂમિતીના નિયમાનુસાર ઉઠાવવામાં આવશે. તે પહેલા શિક્ષકે કાઢેલા પ્રશ્નપત્ર મુજબ, કન્યાએ કાગળની એક બાજુ સ્વચ્છ અક્ષરે જવાબો લખવા બેસવાનું. સવાલો કંઇક આવા હશે.

પ્રશ્નપત્ર મુજબ, કન્યાએ કાગળની એક બાજુ સ્વચ્છ અક્ષરે જ જવાબો લખવા બેસવાનું. સવાલો કંઇક આવા હશે.

(૧) આપનું આ હનીમૂન પહેલી વારનું છે કે અહીં અવારનવાર આવો છો ? (ટૂંકમાં જવાબ આપો.)
(૨) બે આંખોને એક નાક વડે ભાગો, એમાં ચાર પાંસળી ઉમેરો અને જે વધે એમાંથી એક ઢીંચણ બાદ કરો, તો હનીમૂનના સંદર્ભમાં શેષ શું વધે ?
(૩) ચુંબન અને બચકું ભરવા વચ્ચે કોઇ તફાવત હોય તો ૨૦-શબ્દોમાં જણાવો.
(૪) ‘મઘુરજનીમાં દૂધના ગ્લાસનું મહત્વ’ વિશે ૪૦૦-શબ્દોમાં નિબંધ લખો.
(૫) હનીમૂનની પૂર્વ તૈયારીરૂપે તમે કોના ટ્યુશનો લેતા હતા ? (જે તે ‘સર’નું નામ અને ઉંમર જણાવો)

(નોંધ : હવે પછી અન્ય કોઇ માસ્તરનું કે માસ્તરોના ટયુશનો રાખી શકાશે નહિ. ગ્રૂપ ટ્યૂશન્સ તો હરગીઝ નહિ. આ અંગે રૂ. ૧૦૦/-નું સ્ટૅમ્પ-પૅપર વાલીની સહિ સાથે મોકલવું.)

શાળાના નિયમાનુસાર, શિક્ષકશ્રીએ મઘુરજનીના પલંગ બાજુમાં બ્લૅક-બૉર્ડ પણ મૂકવું પડશે. હનીમૂનના કેટલાક નિયમો થીયરીથી ન સમજાય તો બ્લૅક-બૉર્ડ પર ચિત્રાવલી દ્વારા ‘વિષય’ની સમજણ સ્વયં શિક્ષકે આપવાની રહેશે.

આમ તો બઘું બરોબર ચાલશે પણ અડધા હનીમૂને, હોટેલનો રૂમબૉય બહારથી કૉલબૅલ વગાડે, તો ઘંટ વાગ્યો અને પીરિઅડ પૂરો થયો સમજીને માસ્તર ઊભા થઇ જશે....અને બાકીનું કામ કાલે સવારે હૉમવર્ક તરીકે પતાવીને લાવવાનું કન્યાને કહેશે.

બસ. શાળા છુટી ગયા પછી શિક્ષક એમને ઘેર ને વિદ્યાર્થિની એને ઘર.

સિક્સર
"He is better than me." આ વાક્યમાં કોઈ ભૂલ છે ખરી ?
ન પણ હોય ને હોય તો કઈ ?

1 comment:

Unknown said...

Sixer no ans

He is better than I