Search This Blog

03/03/2018

'ગોધૂલિ'(૭૭)


ફિલ્મ : 'ગોધૂલિ'(૭૭)          
નિર્માતા    :  વૅન્કટૅશ-ચંદુલાલ જૈન
દિગ્દર્શક    :  ગીરિશ કર્નાડ-બી.વી. કારન્ત
સંગીત    :  ભાસ્કર ચંદાવરકર
ગીતો    :  સૂર્યભાનુ ગુપ્ત
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ - ૧૩૩ મિનિટ્સ
થીયેટર    :  ઍડવાન્સ (અમદાવાદ)
કલાકારો    : કુલભૂષણ ખરબંદા, નસિરૂદ્દિન શાહ, પૉલા લિન્ડસે, ઓમ પુરી, શેષાચાર.          

ગીતો
૧.એક થી માં પૂણ્યકોટિ હૈ ઉસી કી યે કથા...    મુહમ્મદ રફી-દિલરાજ કૌર   
૨.કોઉ એક તારા બજાયે બદન ઉસ પાર જી...    દિલરાજ કૌર-ઉષા મંગેશકર         

'
ગોધૂલિ' જેવી સુંદર ફિલ્મ જોવા મળે, એ પણ આપણું ભાગ્ય કહેવાય. અમને યાદ છે, અમદાવાદની ઍડવાન્સ સિનેમામાં આ ફિલ્મ જોઇને બહાર નીકળ્યા પછી અમે ૨૦-૨૫ મિનિટ બોલી શક્યા નહોતા. કોઇ બોલાવે, એ ય પસંદ નહોતું. ફિલ્મે અમારી ઉપર જે છાપ છોડી હતી, તેમાં અમારે હજી વધારે રહેવું હતું. મનને ગમે એવો આઘાત આ ફિલ્મે આપ્યો હતો કે, 'આવી સુંદર ફિલ્મ આવા વિષય પર બની શકે ખરી ?' એ જમાનો અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, જીતેન્દ્ર કે ધર્મેન્દ્રોનો હતો, એમાં એ વખતે ભાગ્યે જ જાણીતા નસિરૂદ્દીન શાહ કે કુલભૂષણ ખરબંદાની ફિલ્મ જોવા ય કોણ જાય ? કંઇ બાકી રહી જતું હોય એમ જાણીતી તો જાવા દિયો... નામની જે હીરોઇન હતી, તે અમેરિકન પૉલા લિન્ડસે ધોયળી હતી અને ફિલ્મમાં એને જોયે રાખીએ, એવો કોઇ ગ્લેમરસ રોલ નહોતો.

ફિલ્મમાં તો ગીતો જ બે હતા, જેમાંનું એક મુહમ્મદ રફીએ ગૌમાતાની આરતીસ્વરૂપે ગાયું હતું. અધૂરામાં પૂરૂં, 'ગોધૂલિ' એટલે શું, એની ય ભાગ્યે કોઇને ખબર હતી. હિંદઓના લગ્નની કંકોત્રીમાં 'ગોધૂલિક સમય' આપ્યો હોય છે, એટલે એવો સમય જ્યારે ગામના પાદરેથી ગાયોનું વિશાળ ધણ ગામમાં પાછું ફરતું હોય, ત્યારે એક બાજુ સૂર્યાસ્ત થતો હોય અને ધૂળીયા માર્ગ ઉપર ગાયોના ધણથી ધૂળના ગોટેગોટા ઊડતા હોય, એ સમયને 'ગોધૂલિક સમય' કહેવાય.

આ ફિલ્મ પાછળ આટલા ઓળઘોળ થઇ જવાનું કારણ એની અદભુત વિષયવસ્તુ હતી કે, આવા સબ્જૅક્ટ ઉપરે ય ફિલ્મ બને ખરી ? ભારતની આટલી પંચરંગી વસ્તીમાં કેવળ હિંદુઓ ગાયને માતાસ્વરૂપ ગણે છે, એટલે એની કત્લ તો વિચારી શકાય નહિ. ફિલ્મની સાચુકલી હીરોઇન ગણો તો ગૌમાતા છે.

કર્ણાટકના એક તદ્દન ખોબા જેટલા અશિક્ષિત ગામમાં પૂજારી કહો કે શિક્ષક કહો કે મુખીયા કહો, એ નસિરૂદ્દીન શાહ છે, જેના એક અવાજ ઉપર ગામ આખું થંભી જાય. એ ગામમાં પીડબલ્યુડીવાળા પાદરેથી એવી જગ્યાએ રસ્તો બનાવવા માંગે છે, જે ગોચરની જમીન પરથી પસાર થાય છે અને જ્યાં ગાયના વાછરડાને વાઘના હુમલાથી બચાવવા જતા જમીનદારનો યુવાન પુત્ર જીવ ખોઇ બેસે છે, એની સમાધિ હતી. વિકાસ માટે એ રસ્તો બનાવવો જરૂરી તો હતો, પણ ગામલોકોની આસ્થા એમાં સમાયેલી હતી. એ જમીનનો માલિક કુલભૂષણ ખરબંદા અમેરિકા એની અમેરિકન પત્ની સાથે રહેતો હોય છે. બાળપણની દોસ્તીના દાવે પૂજારી વૅન્કટેશ (નસિરૂદ્દીન) આ જમીન બચાવી લેવા કુલભૂષણને ભારત બોલાવે છે. કુલભૂષણ એની ગ્રામ્યમાતા અને  ૩૦-૪૦ પૂણ્યકોટી ગાયોને જોઇને રાજી તો થાય છે, પણ પૂરા ગામને કે નસિરને અમેરિકન ભાભી મંજૂર નથી.

સદનસીબે, ધોળી બધાના હૃદય જીતી લે છે, કેવળ હિંદી શીખીને નહિ, હિંદુઓના રિવાજોને પણ માથે ચઢાવીને. અલબત્ત, નસિર ઉપરાંત ગામમાં કોક ને કોક આ ધોળી માટે વાંકુ પડતું રહે છે તે એટલે સુધી કે, ધોળીયાઓ ગૌમાંસ (બીફ) ખાતા હોય ને આવી આ પણ એક દિવસ ઘરની ગાયોને વેચીને કતલખાને મોકલી દેશે, એવો હાઉ ઊભો કરવામાં આવે છે-અલબત્ત, ઈરાદાપૂર્વક નહિ, ગ્રામ્ય અંધશ્રધ્ધાને કારણે. પંડિત (નસિરૂદ્દીન)ના હિંદુ ધર્મને લગતા મોટા ભાગના ફરમાનો કુલભૂષણ મને-કમને માથે ચઢાવે છે, ધોળી પણ ! છતાં ય, બધાને ક્યાંકને ક્યાંક વાંકુ પડતું રહે છે એટલે સુધી કે, ધોળી ઘરની ઘરડી ગાયને વેચી દેતા વાત આખી વણસે છે અને ક્રોધિત થયેલો કુલભૂષણ અને તેની પત્નીને નિર્વંશ થવાનો 'શ્રાપ' આપે છે.

આ સમયે પ્રસૂતા ધોળી પહેલી વાર મગજ પરનો કાબુ ગૂમાવીને પોતાના જ ઘરની પૂણ્યકોટિ ગાયને મારી નંખાવીને ઈરાદાપૂર્વક એનું માંસ ખાય છે. શહેર ગયેલો પંડિત કુલભૂષણ પાછો આવીને ચોકાવનારૂં દ્રશ્ય જુએ છે. આખું ગામ ક્રોધિત ગ્રામજન ઓમ પુરીની આગેવાનીમાં ભેગું થઇને ધોળીને મારવા જાય છે, જે રાયફલ ફોડીને પોતાનો વધુ ગુસ્સો જાહેર કરે છે.

કુલભૂષણ પત્નીનો દોષ કબૂલીને પંચાયત નક્કી કરે તે સજા ભોગવવા તૈયાર થાય છે અને મોટા નુકસાનો ભોગવીને પણ પંચોનો ચૂકાદો શિરોમાન્ય ગણે છે. બીજી બાજુ, એની પત્નીને પુત્ર પેદા થવા છતાં માતાનું કે અન્ય કોઇ દૂધ પીવડાવી શકાતું નથી. ભારે ગુસ્સા અને લાચારીમાં એ લોકો ગામ છોડવા તૈયાર થાય છે, પણ બે દિવસથી ભૂખ્યું એમનું બાળક દૂધ વિના ટટળે છે, ત્યારે એક ગ્રામ્યજન સલાહ આપે છે કે, ગામની પૂણ્યકોટી ગાય બાળકને દૂધ પીવડાવી શકશે.

બન્ને મા-બાપ બાળકને ગાય પાસે લઇ જાય છે, પણ પંડિત આડો ફાટે છે કે, ગાયની કતલ કરતા પહેલા વિચાર નહોતો આવ્યો ? એ ધરાહાર ના પાડે છે પણ ઓમ પુરી અને અન્ય ગ્રામ્યજનોની સમજાવટથી એ મંજૂરી આપે છે ને બાળ ગાયના આંચળમાંથી દૂધ પીએ છે. પંડિત સાથે સમાધાન તો સહર્ષ થાય છે પણ એ વિનંતી કરે છે કે, કુલભૂષણે વેચી દીધેલી ગાયો પાછી લાવી ગામની પવિત્રતાને બરકરાર રાખે.

પત્નીની કંઇક નારાજગી છતાં હાંફળો-ફાંફળો કુલભૂષણ પોતાની ગાયો પાછી લાવવા સેંકડો ગાયોને લઇ જતા વેપારીને પોતાની ગાયો પાછી આપવા વિનંતી કરે છે, જેનો સ્વીકાર થાય છે. કુલભૂષણ એ સેંકડો ગાયોમાંથી પોતાની ગાયોને ઓળખી શકતો નથી... હવે બહુ મોડું થઇ ગયું, એમ જાણે ગાયો કહેતી હોય, એમ ગોધૂલિક સમયે એક પણ ગાય પાછી લીધા વિના કુલભૂષણ પાછો ફરે છે.

'૭૦-ના દશકમાં આ પ્રકારની 'આર્ટ' ફિલ્મોનું મોજું શરૂ થયું હતું, જેમાં પદ્મશ્રી અને પદ્મભૂષણ ગીરિશ કર્નાડે નિશાન્ત, મન્થન, સ્વામી, મનપસંદ અને પુકાર જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી આ જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતાએ હિંદુઓ, આરએસએસ અને ભાજપ વિરૂધ્ધ ઉઘાડેછોગ બોલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ય ઉગ્ર ટીકાઓ કરવાનું ચાલુ રાખ્યું છે.

બાબરી મસ્જીદધ્વંસની વિરૂધ્ધ એ ઘણું આકરૂં બોલ્યો હતો અને ઇ.સ. ૨૦૧૫માં બૅન્ગાલૂરૂ ઍરપૉર્ટને મુસ્લિમ શાસક ટીપુ સુલતાનનું નામ અપાવવાની હઠ પકડી હતી, જેને પંદરમી સદીમાં કર્ણાટકના આદ્યસ્થાપક કૅમ્પે ગોવડાનું નામ અપાયું છે. ગીરિશ પોતાની બદમાશીઓ માટે પણ બદનામ થયો, જ્યારે એણે રવીન્દ્રનાથ ટાગોરને તદ્દન સામાન્ય અને બીજા દરજ્જાના કવિ કહ્યાં, એ તો ઠીક, ગીરિશે તો એવું પણ જાહેરમાં કીધું છે કે, ટાગોરના નાટકો સહન ન થાય એવા ફાલતુ હતા.

૧૯૮૦માં રમેશ સિપ્પીએ બનાવેલી 'શાન' ફિલ્મમાં 'શોલે'ના ગબ્બરસિંહ જેવા ખલનાયક બનાવવામાં સિપ્પી અને ખરબંદા બે ય નિષ્ફળ ગયા પણ મહેશ ભટ્ટે આત્મકથાનકસમી બનાવેલી ફિલ્મ 'અર્થ'માં કુલભાઇ સ્મિતા પાટીલ અને શબાના આઝમી સામે સહેજ પણ નબળો પડયો નહતો. 'એક ચાદર મૈલી સી' એની સફળ ફિલ્મ હતી. અલબત્ત, એ કોઇ હીરો-મટીરિયલ નહતો, એટલે શ્યામ બેનેગલ કે ગોવિંદ નિહાલાણી જેવા પૅરેલલ ફિલ્મ સર્જકોની ફિલ્મોમાં એ આવતો-જતો રહ્યો.

શશિ કપૂરે બનાવેલી 'જૂનુન' અને 'કલયુગ' જેવી પૅરેલલ ફિલ્મોમાં એ આમથી તેમ ચમકતો રહ્યો, પણ કોઇ ધારદાર રોલ મળ્યા નહિ.

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ૧૬ ઑગસ્ટ, ૧૯૪૯ના રોજ જન્મેલા નસિરૂદ્દીનને કુલભૂષણથી ઊલટો અનુભવ થયો. મૂળ તો એ સ્ટેજનો કલાકાર એટલે આવી આર્ટ કે પૅરેલલ સિનેમા એને કાંઇ વધુ પડતી ફાવી ગઇ. બાકીની જેને કમર્શિયલ સિનેમા કહેવાય છે, એને એ ધિક્કારતો અને ઑફરો આવે તો ય ના પાડી દેતો. દેખિતું છે, હીરો હો તો પણ આર્ટ-ફિલ્મોમાંથી તમને રીક્ષા ચલાવવા જેટલા પૈસા બે-પાંચ વર્ષે મળે (મોટા ભાગે તો ના જ મળે... નિર્માતાઓ ય ડૂબ્યા હોય ને ?), પણ ઘર ચલાવવાના પૈસા ન મળે. પૈસેટકે ખાંગા થઇ જતા પહેલા નસિરે કમર્શિયલ ફિલ્મોમાં કામ કરવાનું સ્વીકાર્યું અને પેલી 'ઓયે ઓયે....' બ્રાન્ડની ગુલામી, ત્રિદેવ અને વિશ્વાત્મા જેવી ફિલ્મો પકડવા માંડી, ત્યારે કાંઇ બે પૈસા કમાતો થયો. 'સારાભાઇ વિ. સારાભાઇ'ની વૅબ-સીરિઝમાં અદ્ભૂત ઍક્ટિંગ કરનાર ગુજરાતી દીના પાઠકની મોટી દીકરી રત્ના પાઠક સાથે નસિરે બીજા લગ્ન કર્યા છે. રત્નાની નાની બહેન સુપ્રિયા પાઠકે પંકજ કપૂર સાથે લગ્ન કર્યા છે. એમ તો નસિરે અંજલિ પૈંગણકર નામની હીરોઇન સાથે પણ લગ્ન કર્યા હતા. આ બંને બહેનોના પિતા દરજીકામ કરતા અને ખાસ તો રાજેશ ખન્નાના કપડાં સિવતા.

એની આપણને સર્વોત્તમ લાગેલી ફિલ્મ 'ઍ વૅન્સ ડૅ' ખૂબ સફળ થઇ.

વર્ષો પહેલા પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી અને 'હા. હું હિંદુ છું અને હિંદુ હોવાનું મને ગર્વ છે' કહેનાર વિલન ઓમ પુરી મરતા પહેલા અનેક વિવાદો છંછેડતો ગયો હતો. એ ઉઘાડેછોગ પાકિસ્તાનીઓની તરફેણ કરવા લાગ્યો, ત્યાંની ઘણી ફિલ્મોમાં એણે કામ કર્યું.

ઓમે પાકિસ્તાની ફિલ્મો ઉપરાંત બ્રિટન અને હૉલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને 'ઑબીઈ'નો ઇંગ્લિશ ઍવૉર્ડ જીત્યો. પહેલા સીમા કપૂર નામની સી-ગ્રેડની ઍક્ટ્રેસ સાથે પરણ્યો પણ સ્વભાવની વિચિત્રતાઓને લીધે છ જ મહિનામાં છુટાછેડા આપીને દુનિયા સાથે છુટાછેડા લઇ લીધા. મોઢા પર શીળીના ચાઠાંવાળો ઓમ પુરી સ્ત્રીઓના મામલે નસીબદાર એટલા માટે નીકળ્યો કે ઉર્દુ લેખક શાહિદ લતિફની દીકરી સીમા સાહની સાથે, કૉસ્ચ્યૂમ-ડીઝાઇનર માલા ડે સાથે, અને ગોવિંદ દેશપાંડેની બહેન જ્યોતિ દેશપાંડે સાથે સગાઇઓ કરી મ્હેલ્યા પછી સીમા કપૂર અને નંદિતા પુરીને પરણ્યો હતો.. (આ મામલામાં લકી ઓમ પુરી કહેવાય કે એની ફીયાન્સીઓ....?) આપણને બધાને એ ગમ્યો હતો ફિલ્મ 'અર્ધ સત્ય'માં. પુરી અંબાલા-હરિયાણામાં ૧૮ ઑકટોબર, ૧૯૫૦ના રોજ જન્મ્યો હતો અને અનેક વિવાદો ઊભા કરીને ૬ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ મુંબઇમાં અવસાન પામ્યો.

કમનસીબે '૭૦-નો આ દાયકો એવો હતો કે આપણા જમાનામાં શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન કે રવિ કે કલ્યાણજી-આણંદજીના ફૂલફૉર્સમાં વળતા પાણી હતા, એમાં આ ફિલ્મ 'ગોધૂલિ'માં કર્ણાટકના સંગીતકાર ભાસ્કર ચંદાવરકરને આ ફિલ્મના બે ગીતો બનાવવાના આવ્યા, એમાં ય ભોપાળું.

અમથી ય આવી પૅરેલલ ફિલ્મોમાં વનરાજ ભાટીયા કે લૂઇ બૅન્કસ જેવા સંગીતકારોને એકએકબબ્બે ગીતો બનાવવા મળતા અને એ ય નિષ્ફળ જતા. અલબત્ત, વનરાજ પાસેથી થોડી તો થોડી સારી ધૂનો મળી છે.

(એક સ્પષ્ટતા : અગાઉના કોક લેખમાં હીરોઇન નિવેદિતાને ડાન્સર મધુમતિની બહેન ગણાવી હતી, તે શરતચૂકથી લખાયું છે. મધુમતિની બહેન વૈશાલી હતી)

No comments: