Search This Blog

04/03/2018

ઍનકાઉન્ટર : 04-03-2018


* કાયમ સોગીયાં મોંઢા રાખીને ફરનારાઓ માટે કોઇ કાયમી ઉપાય ?
- આપણને શું વાંધો ? આપણું એવું ન હોવું જોઇએ.
(
કમલેશ ભીંડોરા, વાંકાનેર)

* ટ્રકની પાછળ ચિત્રવિચિત્ર ચીતરામણો અને લખાણોનો શું મતલબ ?
- ટ્રક અને મર્સીડીઝ વચ્ચેનો ફર્ક !
(
દેવાંગી પી. દેત્રોજા, જામનગર)

* તમે ક્રિકેટર હો, તો કઈ ભૂમિકા પસંદ કરો ?
- પૂરા જગતમાં આજકાલ શ્રેષ્ઠ ભૂમિકા ઇન્ડિયનો ભજવી રહ્યા છે... ભારતીય ક્રિકેટને સપોર્ટ કરવાની.
(
કેવલ આર. જાદવ, વડોદરા)

* કાશ્મિરી પંડિતો કાશ્મિર પાછા જઈ શકશે ખરા ?
- એ સપનું પાકિસ્તાનની દયા ઉપર આધારિત છે... પંડિતો કે ભાજપના ચણા ય ના આવે ! કૉંગ્રેસ આજ સુધી પંડિતો માટે નહિ, પથ્થરબાજોના તળીયા ચાટી રહી છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

* માતૃભાષા મહત્વની કે રાષ્ટ્રભાષા ?
- અફ કૉર્સ, માતૃભાષા જ.
(
સ્મિત ગોટી, સુરત)

* પંજાબના દરેક ઘરમાંથી એક મૅમ્બર લશ્કરમાં હોય છે, ગુજરાતમાં કેમ નહિ ?
- ગુજરાતના દરેક ઘરમાંથી એક મૅમ્બર મંદિર/દેરાસરમાં હોય છે.
(
નૂતનકુમાર એમ. ભટ્ટ, સુરત)

* ખોડલધામમાં તિરંગો લહેરાયો, એ શું આપણા દેશની શાન કહેવાય ?
- અરે તિરંગો તો લાહોર-કરાચીમાં લહેરાય, એ પણ આપણા દેશની શાન કહેવાય.
(
જેન્તી તારપરા, મોટા વડાલા, જામનગર)

* 'એક્સક્યૂઝ મી'નું ગુજરાતી શું થાય ?
- 'આઘો મર... !'
(
દીપક આશરા, ગાંધીનગર)

* 'ઍનકાઉન્ટર'ના જવાબો જાતે આપો છો કે 'મૅડમ'ની મદદ લો છો ?
- કોને પૂછીને આ સવાલ પૂછ્યો ?
(
વસંત મોરથાણીયા, મુંબઇ)

* હાસ્યલેખકની ગણત્રી સાહિત્યકારમાં થાય ?
- કવિ હોય કે હાસ્યલેખક... કોઇ તમને શું ગણે છે, એ બીજો ક્યા જોર પર નક્કી કરી શકે ?
(
જય પટેલ, સુરત)

* ધનવાનોના પૈસા દેશના ગરીબો માટે કેમ વપરાતા નથી ?
- શું નેતાઓ ગરીબ નથી ?
(
કિશોર ચૌહાણ, આણંદ)

* શું 'શૅવિંગ'ના કરીએ તો 'સૅવિંગ' થાય ખરૂં ?
-બીજાનું કરી આપો તો કમાવાય પણ ખરૂં !
(
મહર્ષિ શુકલ, અમદાવાદ)

* બ્રાહ્મણો અનામત કેમ નથી માંગતા ?
- બ્રાહ્મણોની ૮૪-પેટા જ્ઞાતિઓમાંથી 'નંબર વન' કોણ, એ નક્કી નથી.
(
અશોક કે. ત્રિવેદી, ભરૂચ)

* ઈન્કમટૅક્સ ઓછો ભરવા શું કરવું ?
- પંજાબ નૅશનલ બૅન્કમાં ખાતું ખોલાવો.
(
ડૉ. દિવ્યકાંત પરમાર, ગાંધીનગર)

* 'દવે' ને 'વેદ' સાથે શું લેવાદેવા ?
- 'દવે' એટલે 'દ્વિવેદી'... બે વેદોના જાણકાર... 'ત્રિવેદી' ત્રણ વેદોના જાણકાર અને બાકી રહ્યા 'ચતુર્વેદી'
(
મુકુંદ પટેલ, સુરત)

* આપણા દેશમાં નેતાઓ એકબીજાનું માન-સન્માન કરતા ક્યારે જોવા મળશે ?
- સરકારો કોંગ્રેસ કે ભાજપની આવી... બીજો આખો દેશ ખરીદાઇ જાય, એટલી મોટી રકમના કૌભાંડો થાય... પાસે સત્તા હોવા છતાં બંને પાર્ટીઓ એકબીજાનું માન રાખે છે ને ?
(
પ્રફુલ્લ દવે, ભાવનગર)

* તાજેતરના ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો અંગે શું કહેશો ?
- પહેલીવાર પ્રજાને ખ્યાલ આવ્યો કે, કૉંગ્રેસ કે ભાજપા... આપણે એ બંનેને સીધી કરી શકીએ તેમ છીએ.
(
જયેશ અંતાણી, ભાવનગર) અને (અતુલચંદ્ર ભટ્ટ, જૂનાગઢ)

* સરકારી તાયફાઓ-ઉત્સવો ક્યારે બંધ થશે, જેથી વિદ્યાર્થીઓને ભણાવવા ઉપર અમે ધ્યાન આપી શકીએ ?
- વાંકાનેરના શિક્ષકોને પ્રણામ...કે વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરે છે.
(
ભાવેશ જે. ત્રિવેદી, વાંકાનેર)

* મારે બીજી વાર લગ્ન કરવા છે. તમે સુઉં કિયો છો ?
- રૉંગ નંબર ભાઇ... કોઇ સ્ત્રી શોધી લો.
(
શકીલ કુરેશી, મુંબઇ)

* છાપું ગુજરાતી, લેખક ગુજરાતી... તો કૉલમનું નામ ઇંગ્લિશ કેમ ?
- જાપાનીઝ નામ બોલતા બધાને તો ના ફાવે ને !
(
જગદિશ રતનપરા, વાસદ)

* આ મોંઘવારીમાં એક હાથમાં બંને છેડા પકડવા કે બંને હાથમાં એક એક છેડો ?
- એક છેડો બૅન્કવાળાના હાથમાં પકડાવવો...
(
રસિકભાઈ ગોપાણી, ભાવનગર)

* નૈતિક જીત એટલે શું ?
- આમ હાર્યા હો... અને હારવાનો અફસોસ ન થાય... દા.ત. નીરવ મોદી.
(
તેજસ રૈયારેલા, પોરબંદર)

* આખી જીંદગી બોજ ઉઠાવ્યો ખિલ્લીએ.... અને લોકો વખાણ તસ્વીરના કરે છે !
- ખિલ્લીએ તસ્વીર બનવાની લાયકાત મેળવી હોતી નથી.
(
માહિ તલાટી, દાહોદ)

* 'ઍનકાઉન્ટર'માં હસવું આવે, એવા જવાબો ક્યારે આપશો ?
- ', આ તો બૌધ્ધિકોની કૉલમ છે...
(
રાજુ શાહ, અમદાવાદ)

* આ ચૂંટણીમાં ભાજપ 'નર્વસ-૯૦'નો શિકાર બન્યું ?
- આશા રાખીએ, આવનારી લોકસભાની ટીમમાં પસંદગી તો થાય !
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

No comments: