Search This Blog

24/03/2018

'ઝીંદગી ઝીંદગી'('૭૨)


ફિલ્મ : 'ઝીંદગી ઝીંદગી'('૭૨)       
નિર્માતા - કેમેરા : નરીમાન ઇરાની
દિગ્દર્શક    : તપન સિન્હા
સંગીત    : કુમાર શોચિનદેબો વર્મણ
ગીતકાર    : આનંદ બખ્શી
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ, ૧૪૬ મિનિટ્સ
થીયેટર    : મોડેલ ટોકીઝ (અમદાવાદ)
કલાકારો    : અશોક કુમાર, વહીદા રહેમાન, સુનિલ દત્ત, દેબુ મુકર્જી, ફરિદા જલાલ, શ્યામા, રમેશદેવ, અનવર હૂસેન, છાયાદેવી, જલાલ આગા, ઇફ્તેખાર, જાગીરદાર, માસ્ટર ટીટો, મૃણાલ મુકર્જી, કેશવ રાણા, સમર રાય, જાનકીદાસ, એસ.પી. મહેન્દ્ર, સુલોચના (રૂબી મૅયર્સ), મૂલચંદ, મુકરી, રેશમા, નર્મદા શંકર, ચાંદ ઉસ્માની, નની ગાંગુલી અને (દિલીપકુમારનો ભાઈ) નાસિરખાન.     

ગીતો
૧.ઝીંદગી અય ઝીંદગી, તેરે હૈ દો રૂપ    - બર્મન દાદા
૨.ખુશ રહો સાથીઓ, તુમેહં છોડ કે હમ ચલે - લતા- કિશોર
૩.મેરા સબ કુછ મેરે ગીત રે, ગીત બીના કોન મેરા - મન્ના ડે
૪.તેરી જાત ક્યા હૈ, હો તેરી જાત ક્યા હૈ - કિશોરકુમાર
૫.તૂને હમે ક્યા દિયા રી ઝીંદગી, હમને - કિશોરકુમાર
૬.કૌન સચ્ચા હૈ, કૌન જૂઠા હૈ - મન્ના ડે
૭.પિયા તૂને ક્યા કિયા રે, પિયા તૂને ક્યા - બર્મન દાદા

હિંદી ફિલ્મોમાં આજ સુધી-આ લખનારને મતે- સ્ત્રી-પુરુષના આલિંગનનું આ પવિત્ર દ્રષ્ય બીજી કોઈ ફિલ્મમાં ભાગ્યે જ જોયું છે. પૂરી ફિલ્મમાં હીરો- હીરોઇન એકબીજાના પ્રેમ માટે તરસ્યા રહે છે, પણ સ્પર્શ તો દૂરની વાત છે, બન્ને જુદા પડવાનો કડવો નિર્ણય માંડી વાળીને એકબીજાને ભેટે છે, એથી વધુ પવિત્ર દ્રષ્ય હજી સુધી તો કોઈ ફિલ્મમાં જોયું નથી.

એક તો બાંગ્લા વાર્તા હોય, એટલે એમાં ઇમોશન્સ ભરપુર હોવાના અને વાર્તા સામાજીક અને હૃદયસ્પર્શી હોય, એ મુજબ, દિગ્દર્શક તપન સિન્હા (બાંગ્લા ઉચ્ચાર 'તોપોન સિન્હા') એ ફિલ્મ 'ઝીંદગી ઝીંદગી'ને પૂરી શિષ્ટ બનાવી છે. તપન સિન્હા ગુરૂદેવ ટાગોરથી ઘણા પ્રભાવિત હતા અને ટાગોરની જ ત્રણ વાર્તાઓ ઉપરથી એમણે ત્રણ ફિલ્મો 'કાબુલીવાલા', 'ખુદિતો પાષાણ' (ક્ષુધિત પાષાણ) અને 'અતિથી' બનાવી હતી.

સાવ નાનકડા ગામડાગામમાં ચૌધરી રામપ્રસાદ (અશોક કુમારે) બનાવેલી હોસ્પિટલમાં એ ખુદ દર્દી પણ છે. સાથે ઉલ્લુના પઠ્ઠાઓ જેવા તેના યારદોસ્તો સમા અન્ય દર્દીઓમાં ઇસ્માઇલ (ઇફ્તેખાર), દયારામ (અનવર હુસેન) અને રતન (જલાલ આગા)માંથી એકને ય એકબીજા સાથે બનતું નથી અને રોજ ઝગડે રાખે છે, પરંતુ ચૌધરી માટે બધાને સાયલન્ટ પ્રેમ તો છે, જેનો દીકરો (રમેશ દેવ૦ ચૌધરીના ચૂંટણી પ્રચારને નામે બખેડા કરતો રહે છે.

આ હૉસ્પિટલમાં સ્વાભાવિક રીતે નજીવા પગારે ડો. સુનિલ (સુનિલ દત્ત) એક આદર્શ ડોક્ટરની ફરજ બજાવે છે. એક દિવસ એની ભૂતપૂર્વ અને હવે વિધવા થયેલી મીતા (વહીદા રહેમાન) એના પગે પોલીયોગ્રસ્ત બાબુ (માસ્ટર ટીટો)ની સારવાર માટે આવે છે. જૂના સંસ્મરણો તાજાં થાય છે. મિતા મને કમને સુનિલના ઘરમાં જ રહે છે અને અનેક નાટકીય વળાંકોને અંતે સુનિલ બાબુની સારવાર માટે મુંબઈ લઈ જાય છે, જ્યાં ડો. મુકરજી (નાસિરખાન) તેનું સિરિયસ ઓપરેશન કરે છે... થોડી ઘણી ઘટનાઓ પછી બાબુ તદ્દન સાજો થઈ જાય છે.

સુનિલ દત્ત બહુ સન્માન્નીય લાગે છે, કેવળ એનો કિરદાર નહિ... અનેક ફિલ્મો પછી એનો અભિનય પણ એના વ્યક્તિત્વને અનુરૂપ બન્યો છે. ફિલ્મમાં એના ચરીત્ર માટે સન્માન ઉપજે, એવો ઘાટ દિગ્દર્શકે ઘડી આપ્યો છે. અનેક કિસ્મના હાવભાવ અને અવાજના બદલાવો સાથે સુનિલ દત્તે આ ફિલ્મમાં ઉચ્ચ કોટિનો અભિનય કર્યો છે. વહિદાના રોલ કે અભિનયમાં ઉચ્ચતા રાબેતા મુજબની છે, પણ નવીનતા નથી. એ બીજી ફિલ્મોમાં રોલ કરે છે, એવો રોલ અહીં કર્યો છે.

સુનિલ દત્ત -નૂતન, સુનિલ દત્ત -વહિદા રહેમાન, વૈજયંતિ માલા, સુનિલ દત્ત -નંદા, સુનિલ દત્ત -મીના કુમારી, સુનિલ દત્ત -મધુબાલા, સુનિલ દત્ત - સાધના, સુનિલ દત્ત- સાયરા બાનુ, સુનિલ દત્ત- આશા પારેખ, સુનિલ દત્ત- માલા સિન્હા, સુનિલ દત્ત- રેખા, સુનિલ દત્ત- નલિની જયવંત કરતા વધુ લાગણીશીલ જોડી અશોક કુમાર સાથે બની હતી. એ બન્ને વચ્ચે ખાસ કરીને 'ગુમરાહ', 'એક હી રાસ્તા', 'મેહરબાન', 'આજ ઔર કલ' કે આજના જેવી ફિલ્મ 'ઝીંદગી ઝીંદગી'માં સાથે આવ્યા છે.

ત્યારે દર્શકો ખૂબ ભાવુક થઈને એમનો આદર કરતા હતા. 'દત્ત સા''ના માનવાચક સંબોધને ઓળખાતા સુનિલ (કોંગ્રેસને જોડાવાને બાદ કરતા) સંપૂર્ણ બિનવિવાદાસ્પદ જીવન જીવ્યું છે. આટલો હેન્ડસમ હોવા છતાં કદી કોઈ હીરોઇન કે સ્ત્રી સાથે એનું નામ જોડાયું નથી. અશોક કુમાર બેશક એમની પ્રતિભા મુજબ આવા રોલ કર્યો છે. ફિલ્મમાં એ વિલન પણ છે, કોમેડિયન છે અને સજ્જન ચરિત્ર અભિનેતા પણ લાગે છે.

આમ પૂરી ગંભીર ફિલ્મમાં દાદામોની અને એમના ત્રણે પીઠ્ઠુઓ - અનવર, ઇફ્તેખાર અને જલાલ વચ્ચે મજા પડે એવી બ્લેક અને સાહજિક કોમેડી કરાવી છે. દાદામોની અવારનવાર ઇસ્માઇલ (ઇફ્તેખાર)નું નામ ભૂલી જઈને એને અનવર, ફારૂક કે એહમદ કહીને બોલાવે અને સંપૂર્ણ સ્વાભાવિક અંદાજમાં ઇફ્તેખાર 'ઇસ્માઇલ' બોલીને ભૂલ સુધારે, એવી હળવી કોમેડી અનવર હુસેન અને જલાલ આગા પાસે ય કરાવી છે. અલબત્ત, ત્રણેય બુઢ્ઢાઓ વચ્ચે એકબીજા માટેનો પ્રેમ પણ આલા દરજ્જાનો છે, પણ ઝગડયા વિના એ લોકો વાત જ નથી કરતા.

આવી ફિલ્મો એ વખતે નહિ, આજે પણ ચાલે નહિ. થતું આવ્યું છે કેવું કે, શિષ્ટ ફિલ્મોને સંસ્કારી પરિવારો ખૂબ વખાણે અને આદર કરે, પણ આદરથી ફિલ્મો બૉક્સ ઓફિસ પર ચાલતી નથી. ફિલ્મો ચાલે છે, મસાલા-સ્ટોરીઓ અને મસ્તમજાના સંગીત ઉપર.

કમનસીબે આ ફિલ્મમાં દાદા બર્મનનું સંગીત માત્ર મજાનું નહિ. ઉચ્ચ સંસ્કારો ખીલવનારું હતું, જેને માટે એમને એ વર્ષનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, છતાં કૉમનમેન સુધી લોકપ્રિયતા આ ફિલ્મના ગીતોની પહોંચી નહિ. એક અંગત મુલાકાતમાં મેં (દાદા) મન્ના ડેને એમણે ગાયેલા સર્વોત્તમ ગીતો વિશે પૂછ્યું, ત્યારે એમણે આ ફિલ્મ 'ઝીંદગી ઝીંદગી'નું 'મેરા સબ કુછ મેરે ગીત રે, ગીત કે બીના...' જણાવ્યું હતું. અલબત્ત, એમને પોતાને એમના ગૈરફિલ્મી ગીતો પ્રત્યે વિશેષ લગાવ હતો.

કિશોરકુમાર પાસેથી બર્મન દાએ કેવું ઇમોશનલ કામ લીધું છે. મુહમ્મદ રફીના ચાહક તો હું ય છું, પણ કિશોર દા માટે એક રફી-ચાહકોએ સમજી લેવા જેવી છે. કિશોર હંમેશા રફીનો પરમભક્ત રહ્યો છે. 'આરાધના' પછી એનો સિક્કો ધૂમધામ ચાલ્યો અને રફી સેકન્ડ લાઇનમાં ધકેલાવા માંડયા ત્યારે ચમચાઓએ કિશોર દાને કીધું, 'કિશોર દા, આપને તો ઉસ રફી કી છૂટ્ટી કર દી...'ત્યારે તાડુકેલા કિશોરે ચમચાઓને સંભળાવી દીધું હતું, 'અદબ સે બાત કરો રફી સા'બ કે લિયે... ! સિર્ફ 'રફી' નહિ કહતે.. 'રફી સા'બ બોલીયે'! ઉનકી બરોબરી મેં મૈે તો ક્યા, પૂરે હિંદુસ્તાન કા એક ભી ગાયક નહિ...!' ખાનગીમાં કે જાહેરમાં કિશોર હંમેશા મુહમ્મદ રફીને પ્રણામયોગ્ય ગણાવ્યા છે. તમને રફી ગમતા હોય, એ તમારી સંગીત સૂઝની વાત છે, પણ કિશોર કુમારનો ય આદર કરતા હો, એ તમારા સંસ્કાર છે. દાદા બર્મનનો તો એ લાડકો હતો અને આ ફિલ્મમાં કિશોર પાસે એમણે કેવા સેન્ટિમેન્ટલ અને સૂરમય ગીતો ગવડાવ્યા છે !

ફિલ્મના ટાઇટલ- મ્યુઝિકમાં કાકાએ આજની ફિલ્મના બે વર્ષ પહેલા આવેલી પોતાની ફિલ્મ 'ઇશ્ક પર જોર નહિ'માં મુહમ્મદ રફીએ ગાયેલ 'મેહબૂબા તેરી તસ્વીર, કિસ તરહા મૈં બનાઉ...'નો ટુકડો વગાડયો છે. દાદાને પોતાને આ તર્જ કેટલી ગમતી હશે કે, પૂરી ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં આ ગીતના ટુકડા વગાડે રાખ્યા છે. આ તો અમસ્તુ યાદ દેવડાવવા પૂરતું કે રમેશ સેહગલે બનાવેલી આ ફિલ્મ 'ઇશ્ક પર જોર નહિ' પોતાની જ '૬૧માં બનેલી ફિલ્મ 'શોલા ઔર શબનમ'ની રીમેઇક હતી.

રીમેઇક એટલે એની એ જ ફિલ્મ જુદા કલાકારો સાથે ફરીથી બનાવવી. આઘાત એ લાગે કે, ધર્મેન્દ્ર અને તરલા મેહતાની સંગીતકાર ખય્યામના બે- ત્રણ અદ્ભુત ગીતોભરી આ ફિલ્મ ટીકીટબારી ઉપર સખ્ત રીતે પીટાઇ જવા છતાં રમેશ સેહગલે એની રીમેઇક 'ઇશ્ક પર જોર નહિ' કેમ બનાવી, જે પહેલી કરતાં ય વધુ ફાલતુ હતી. એ જ રમેશ સેહગલે અતિ ઉચ્ચ સ્તરીય ફિયોદોર દોસ્તોયેવ્સ્કીની જગમશહૂર નવલકથા 'ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ' પરથી રાજ કપૂરની ફિલ્મ 'ફિર સુબહ હોગી' બનાવી હતી.

(જેમાં શરત રાજ કપૂરે રખાવી હતી કે, જેણે દોસ્તોયૅવ્સ્કીની આ મૂળ નવલકથા વાંચી હશે એને જ આ ફિલ્મમાં કામ આપવું, એ ધોરણે સાહિર લુધિયાનવી તો તૈયાર હતા, પણ રહેમાન અને માલા સિન્હાએ પણ 'ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ' પહેલા વાંચી લેવી પડી ને પછી આ ફિલ્મમાં કામ મળ્યું.) કૉલેજના પગથીયા પણ નહિ ચઢેલો રાજ કપૂર કલા કે સાહિત્ય ઉપર કેવો પ્રભાવ ધરાવતો હતો, એનો આ દાખલો.

સન્માન્નીય એક્ટર હોવાની સાથે દેવ આનંદ પોતે કેવો નબળો દિગ્દર્શક છે, એની ઢોલનગારા વગાડીને દેશભરમાં જાહેરાતો કરવા માંડયો હતો, એ પૈકીને એક ફિલ્મ 'યે ગુલિસ્તાં હમારા' આશ્રમરોડના શિવ થીયેટરમાં આવ્યું હતું. રીના રોય ઉપર ફિલ્મી બળાત્કારને કારણે દેશભરના થીયેટરોમાં છલકાઈ ગયેલી ફિલ્મ 'જરૂરત' અમદાવાદની એલ.એન. ટૉકિઝમાં આવી હતી.

નવિન નિશ્ચલ- સાયરાબાનુનું 'વિક્ટોરિયા ૨૦૩' શ્રી કે શિવમાં ખરું. એક બહુ મજ્જા પડી ગઈ હતી ને હસવાનું ધોધમાર હતું, એ ફિલ્મ ઋષિકેશ મુકર્જીનું 'સબ સે બડા સુખ' રીલિફમાં હતું, રાજીન્દર કુમાર અને મુમતાઝનું 'ટાંગેવાલા' નોવેલ્ટીમાં પડયું. નૌશાદના ફાલતુ સંગીત છતાં ફિલ્મ શરમજનક રીતે પિટાઈ ગઈ. મનોજકુમાર પ્રકાશ સિનેમામાં ખુશ થઈને એની ક્ષમતા કરતા વધુ 'શોર' મચાવતો હતો. હેમા માલિની છવાવા માંડી હતી અને રીગલ ટૉકીઝમાં એનું 'સીતા ઔર ગીતા' ખૂબ ખીલ્યું.

આમ મારામારીઓ કરતો ફરતો ને છતાં ય ઋશી દાની ફિલ્મોમાં સ્કૂલના માસ્તર જેવો પવિત્ર રહેતો ધર્મેન્દ્ર અહીં આશા પારેખ સાથે 'સમાધિ'માં પહેલીવાર કોમેડિયન તરીકે આવ્યો ને એમાં ફૂલફટાક સફળતા. રાજ કપૂરનો પહેલો પુત્ર રણધીર કપૂર (ડબ્બુ) પહેલી વાર ફિલ્મોમાં 'રામપુર કા લક્ષ્મણ'માં આવ્યો, તો સ્ટારોના સ્ટાર, મહાભિરાજ અમિતાભ બચ્ચન સાહેબની કોઈ બીજી- ત્રીજી માંડ ફિલ્મ આવી, રાસ્તે કા પથ્થર, બંસી બીરજુ, સાત હિન્દુસ્તાની, પરવાના, ગેહરી ચાલ... પણ ભ'ઇના એ દિવસો એવા હતા કે, પરદા ઉપર એ પ્રગટ થાય કે તરત જ પ્રેક્ષકોને શાંતિઘાટ જઈ આવવાનું યાદ આવે.

જયા ભાદુરી ને અનિલ ધવનવાળું 'પિયા કા ઘર' મને લાગે છે ક, સિનેમા-ડી-ફ્રાન્સ તોડીને નવી બનાવેલી કલ્પનામાં આવ્યું હતું. રૂપમમાં જીતુ- જયાનું 'પરિચય' સાચું. ખન્ના- તનુજા સાથેનું 'મેરે જીવનસાથી' શિવમાં હતું. કૃષ્ણમાં ખન્ના- શર્મિલાનું 'માલિક', અશોક- માલા- સંજીવનું 'કંગન' રીગલમાં. એલ.એન.માં રણધિર કપૂર અને એ વખતે એની વેવણ થઉ- થઉ કરીને ના થઈ એ જયા ભાદુરી હતી. નંદા- રાજેશ ખન્નાનું 'જોરૂ કા ગુલામ' રીલિફમાંથી ઉતરી ગયા પછી દિલીપ કુમાર-શર્મિલાનું 'દાસ્તાન' આવ્યું.

રાજેન્દ્ર- હેમા માલિનીનું 'ગોરા ઔર કાલા' નૉવેલ્ટીમાં, મીનાકુમારી- મુમતાઝનું 'ગોમતી કે કિનારે' નટરાજમાં. અમિતાભ- જયાનું 'એક નઝર' લાઇટ હાઉસમાં, બચ્ચન- મેહમૂદનું 'બોમ્બે ટુ ગોવા' રૂપાલીમાં... પણ મુમતાજને સેક્સી લૂકમાં છૂટથી જોવા દીધી અને ડેશિંગ ફિરોઝખાને શુટિંગ પરદેશમાં કર્યું, એમાં ફિલ્મ 'અપરાધ' રીગલ ટૉકીઝમાં છલકાઈ ગઈ !

આજની ફિલ્મ 'ઝીંદગી ઝીંદગી' માટે આઘાત એ વાતનો લાગી શકે કે, ફિલ્મના હીરો દેબુ મુકર્જીનું ફિલ્મના ટાઇટલ્સમાંથી નામ જ કાઢી લેવામાં આવ્યું છે. જોય મુકર્જીના આ ભાઈ અત્યારે તો ઓળખાય નહિ, એવો સામાન્ય દેખાવનો થઈ ગયો છે. કાજોલના પાપા શોમુ મુકર્જી અને બાકીના ત્રણે ભાઈઓ (ચોથો શુબિર મુકર્જી) કસરત પાછળ પાગલ, દેસી કસરતોનો ભારે શોખ... એટલે સુધી કે અખાડામાં વપરાતા લાકડાના થાંભલા જેવા મગદળો ઉપાડી ઉપાડીને ફેરવવામાં બધા ભાઈઓ ફૅનેટિક. પણ કહે છે ને કે, કોઈનો પણ અતિરેક નડે.

એ મુજબ, ફિલ્મી કરિયરો પતી ગયા પછી કસરતો છોડવી પડી, એમાં બધા ભાઈઓ વધુ પડતા સ્થૂળ થઈ ગયા. જોય અને શોમુ તો ગુજરી ગયા, પણ બાકીના બન્ને ભાઈઓ આળસ સાથે ય પોતપોતાના ફીલ્ડમાં કાર્યરત છે. ફિલ્મમાં કમ્પાઉન્ડર બનતો કલાકાર મૃણાલ મુકરજી છે. ઇલેક્શનમાં અશોક કુમાર સામે ઉભેલા વિજેતા ઉમેદવાર તરીકે સમર રૉય અને સુનિલ દત્તની મા બનતી બાંગાળી પ્રૌઢા છાયાદેવી છે. સુનિલ દત્તના દવાખાને પોતે સવર્ણ હોવાના દાવે લાઇન છોડીને ઘૂસી આવેલ ગોળમટોળ કોમેડિયન મુલચંદ છે.

આ ફિલ્મમાં દિલીપ કુમારનો નાનો ભાઈ સ્વ. નાસિરખાન ડોક્ટર મુકર્જીના કિરદારમાં છે. હિંદી ફિલ્મોનું જોઈ જોઈને પાકિસ્તાને પણ ત્યાં ફિલ્મો બનાવવી શરૂ કરી અને ૧૯૪૮માં એ લોકોની સૌ પ્રથમ ફિલ્મ 'તેરી યાદ'માં હીરો નાસિર ખાન હતો. પાકિસ્તાનમાં મોટો લાડવો મળશે, એવું સમજીને ભારત છોડી પાકિસ્તાન ભાગી ગયેલા અનેક ફિલ્મી સીતારાઓ, 'બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...'ના ન્યાયે ભારત પાછા આવી ગયા, એમાં દિલીપ કુમારનો આ ભાઈ નાસિર ખાન પણ હતો. ૧૯૫૧-માં પાછા આવ્યા પછી ગુજરાતી નિર્માતા- દિગ્દર્શકની ફિલ્મ 'નગીના'માં નાની વયની હીરોઇન નૂતન સાથે એ હીરો તરીકે આવ્યો. નૂતન પુખ્ત વયની નહોતી માટે પોતાની જ ફિલ્મના પ્રીમિયરમાં સિનેમા- માલિકોએ એને પ્રવેશવા દીધી નહોતી.

શંકર-જયકિશનનું રૂઆબદાર સંગીત અને સી. એચ. આત્માના 'રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસિ ઉડાયે...' જેવા મધૂરા ગીતો ઉપરાંત મેદાન મારી ગયું. લતાનું સોલો, જે આજે પણ સ્ટેજ પ્રોગ્રામોમાં ગૌરવથી ગવાય છે તે, 'તૂને હાય મેરે ઝખ્મી જીગર કો છુ લિયા...' છતાં ફિલ્મ દમ વિનાની હોવાથી એ ફિલ્મ અને નાસિર ખાન બે ય ડૂબ્યા, પણ રવિન્દ્ર દવે એમાંથી ઘણું કમાયા હશે કારણ કે, એની આવકમાંથી જે બંગલો બાંધ્યો, એનું નામ એમણે 'નગીના' રાખ્યું. દિલીપકુમાર સાથેની લૅજન્ડરી ફિલ્મ 'ગંગા જમુના'ને બાદ કરતા ભાઈ કાંઈ શહૂર બતાવી ન શક્યા, પણ એ જમાનાની સૅક્સ સિમ્બોલ હીરોઇન બેગમ પારા સાથે પરણ્યા. મરતા પહેલા એકાદી ફિલ્મ નિર્માણ કરી અને અડધી ફિલ્મે પૈસા ખૂટી પડતા નાસિર ખાન બર્બાદ થઈ ગયા.

'ગંગા-જમુના'માં દિલીપના ભાઈનો રોલ યાદગાર બની રહ્યો. અલબત્ત, આજની ફિલ્મ 'ઝીંદગી- ઝીંદગી'માં એમનો રોલ અને અભિનય સન્માન્નીય હતા. અહીં એ સુનિલ દત્તની મેડિકલ- કોલેજના ડીનનો રોલ નિભાવ્યો છે. અવાજ તો દિલીપકુમાર કરતા ય મીઠો હતો પણ 'મારો કે મરો' કોઈ પણ દ્રષ્યમાં ચેહરા ઉપરના હાવભાવ બદલાય જ નહિ, એમાં ભાઈ ફેંકાઈ ગયા.

શિષ્ટ ફિલ્મોમાં પસંદ કરનારો આપણે ત્યાં નાનકડો સન્માન્નીય વર્ગ છે. એવા લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ.

No comments: