Search This Blog

22/03/2018

મેરે ગીતોં કા સિંગાર હો તુમ...


મુહમ્મદ રફીને પાગલસરીખો પ્રેમ કરનારાઓની સંખ્યા હિંદુસ્તાનની આબાદી સવાસો-કરોડથી તો સદીઓ પહેલા વટાઇ ગઇ હતી. લોકવાયકા તો એવું કહે છે, હજી માના પેટમાં રહેલું બાળક શરત મૂકીને આવે છે કે, 'મેં ગાઉં તુમ સો જાઓ...' એવું રફીનું કોઇ હાલરડું સંભળાવો તો બહાર આવું. કોઇ એમ નથી કહેતું કે, સંસારના સર્વોત્તમ ગાયક મુહમ્મદ રફી હતા, પણ રફી નહિ તો પછી બીજું કોણ ? એ સામા સવાલનો જવાબ હજી સુધી તો કોઇને મળ્યો નથી.

નામ તો સાયગલ, પંકજ મલિક કે કિશોર કુમાર... સહુ સહુની ચૉઇસ મુજબ બેશક આવે અને એનો કોઇ વિવાદ હોય નહિ.... પણ પછી વિવાદ એ વાતનો ય થઇ ન શકે કે, મુહમ્મદ રફીથી બીજો કોઇ સારો ગાયક થયો નથી. શાસ્ત્રીય ગાયકી લેવાની હોય તો આપણામાંથી ઘણાએ ૧૯૩૦ના દશકમાં સાયગલને ય આંબી ગયેલો ૧૦-૧૨ વર્ષનો છોકરો માસ્ટર મદન પૂરબહારમાં ખીલ્યો હતો. આ લખનારનો પોતાનો મત છે એમ સમજીએ તો મીઠા કંઠમાં 'ભૂપી' એટલે ભૂપિન્દર સિવાય અમને કોઇ વધુ મીઠો નથી લાગતો.

તમારો ઝોક હેમંત, તલત કે પંકજ મલિક હોઇ શકે... નૉ ઈન્કાર ! પણ શાસ્ત્રીયના પૂરા જાણકારોથી સંગીત નથી બનતું. જેને સંગીતનો '' ય ખબર ન હોય, એ ઝૂમી ઊઠે એ સંગીત સર્વોત્તમ ! રફીના ઈવન નૉન-ફિલ્મી ગીતો કે ભજનો સાંભળવા/માણવા માટે તમારી પાસે સંગીતનું જ્ઞાન હોવું જરૂરી નથી. ગાયકીની કલાબાજીઓ નહિ, નકરી અલ્લાહમીયાંની દેન કે કોઇ પણ અબૂધને ય રફીને સાંભળવામાં કસરત કરવી ન પડે !

આ એ ગૈરફિલ્મી ગીતો હતા, જે અગેઇન... આ લખનારના મતે એમના તમામ ફિલ્મી ગીતો કરતા વધુ મધૂરા હતા. 'વધુ' શબ્દ વપરાઇ ગયો, એ અમારી અણઆવડતનો કિસ્સો છે. એમનું તો કયું ફિલ્મી ગીત થોડું ય ન ગમે એવું હતુ ? પણ વાત એ પણ પૂરવાર કરવા જેવી કે, સંધ્યાટાણે દીવાબત્તી હોલવીને અંધારી બાલ્કનીની ઈઝી-ચૅરમાં બેસીને પૂરા બદનમાં ઈશ્વરને ભરી દેવા હોય તો રફીના નૉન-ફિલ્મી ભજનો સાંભળો, ગીતો સાંભળો, પૂરા અદબી ઉચ્ચારો સાથે મિર્ઝા ગાલિબની ગઝલો સાંભળો.

તમે કોઇ પણ ધર્મના હો, પૂરા ઝહેનમાં આધ્યાત્મિકતા વ્યાપી જશે. અફ કૉર્સ, આ તમામ ગૈરફિલ્મી ગીતોમાં રફીની સાથે સાથે ખૈયામ, વિનોદ ચૅટર્જી કે શ્યામસાગર જેવા સંગીતકારો કે મધુકર રાજસ્થાની અને અંજાન જેવા ગીતકારો ય સલામીને કાબિલ છે.

આ બાલ્કનીવાળી વાત અમને પોતાને ફરીથી ગમી ગઇ. રફીસાહેબના આ ગૈરફિલ્મી ગીતો હું બે-ચાર વર્ષે માંડ એકાદવાર સાંભળું છું. બાલ્કનીમાં મન્ના ડે, હેમંત કુાર, મૂકેશ કે તલત મેહમુદના ગૈર ફિલ્ ગીતો રોજ સાંભળવાના... રફી સાહેબને તો મહાદેવજીના ગળે પુષ્પમાળા પહેરાવવા જેવો પૂજ્યભાવ ઉપડે ત્યારે સાંભળવાના.

બહુ સાંભળ-સાંભળ નહિ કરવાનું નહિ તો એની લઝ્ઝત ઉતરી જાય, પણ ફૂલ-મૂડમાં આવી જવું હોય ત્યારે આ ગીતો સાંભળતા ચોકી જવાય છે કે, આપણને સહેલા લાગતા આ ગીતોમાં એમણે કેવા સ્વર પકડયા છે, કેવી મુર્કીઓ લીધી છે અને કઇ કઇ હદની મધુરતા ભરી છે ! નીચેની યાદીનું પહેલું જ ગીત સાંભળતા એહસાસ એવો થાય છે, જાણે ખોળામાં કોઇ વહાલુડાં બાળકને  રમાડતા હોઇએ, એમ રફી શબ્દોને જ નહિ, અક્ષરોને પણ રમાડે છે.

જો સાંભળ્યું હોય તો ફરીથી આ, 'પાર નદી કે દીપ જલાયે..' સાંભળી લો... લાઇફમાં આવી ઉત્તમ હરકતો અને સ્વર સાથેની મીઠાશ તમે ય નથી સાંભળી. 'પાર નદી કે...' એટલામાં તો નકરી મીઠાશ ઉભરી આવે છે, પણ આગળના શબ્દોમાં 'દીપ', 'જલાયે' અને 'બૈઠી કોઇ'ની મુર્કીઓ સાંભળ્યા પછી રહેવાશે નહિ, જ્યારે રફી 'બાંવરીયા' શબ્દને હથેળીમાં લઇને કેવો રમાડે છે ! આમ તો તમે બધા મારાથી તો ઘણું વધારે જાણો છો, પણ મારા જેટલું સંગીત જાણતા હોય એ 'મુર્કી'નો અર્થ સમજી લેશો તો આ તમામ ગીતોની ખુશ્બુ સાંભળી જ નહિ, સુંઘી પણ શકશો.

'મુર્કી' એટલે આ નીચેના પહેલા ગીતમાં 'બાંવરીયા' શબ્દ મરડીને ગાવામાં કેવો કઠિન બનાવ્યો છે પણ સાંભળવામાં આપણે ગાયો હોય એટલો સરળ કરી બતાવ્યો છે આ રફીએ !

ઈવન, 'બૈઠી' કે 'કોઇ' શબ્દો પણ સાંભળી લો.... (અમે કેવળ સાંભળી લેવાનું કહ્યું છે, 'ગાઈ બતાવવાનું નહિ !' આ તો એક વાત થાય છે.) હજી મારૂં વધુ માન રાખી શકો એમ હો તો સાહેબનું 'તુમ આઓ, રૂમઝુમ કરતી, પાયલ કી ઝનકાર લિયે' એ ગીતને આજથી જ દત્તક લઇ લો. મુંબઇથી માંડીને સઉદી એરેબિયા સુધી ખબર પડવી જોઇએ કે, આ ગીત હવે ૯૯ વર્ષના ભાડેપટે તમે લીધું છે.

અને આપના ઘેર આવીને જમી જઇશ જો 'શામકે દીપક જલે, મન કા દિયા બુઝને લગા' તમને સવા-બે ટકા ય ન ગમે તો ! કરૂણતા જ સાલી એ છે કે, આમ કહે, 'અમે રફીના ડાયહાર્ડ ફૅન્સ...ને નીચેની યાદીમાંનું એકે ય ગીત સાંભળ્યું ન હોય ! તારી ભલી થાય ચમના... તું ઘરના ઝાંપે આવીને બેઠા બેઠા નીતિન મૂકેશના ગીતો સાંભળે જા... અમે ય વળી, જીટીબી-જ્વૅલર્સના ઘરેણા સાયકલ-પંકચરવાળાની દુકાને વેચવા નીકળ્યા'તા !

હવે મોઢું, આંખો, લાઇટો અને વાઇફો બંધ અને કેવળ નીચેના ગીતો સાંભળવા બાલ્કનીમાં જતા રહો... તમારામાં કવૉલિટી છે, બૉસ !
(૧) પાર નદી કે દીપ જલાયે, બૈઠી કોઇ બાંવરીયા
(૨) મેરે લિયે, તો બસ યે હી પલ હૈ હંસિ બહાર કે
(૩) શ્યામ સે નેહા લગાયે, રાધે નીર બહાયે
(૪) મેરે ગીતોં કા સિંગાર હો તુમ, જીવન કા પહેલા પ્યાર હો તુમ
(૫) તેરે ભરોસે હે નંદલાલા, કોઇ રો રો બાટ નિહારે
(૬) મોરે શ્યામ, પલપલ મેરે મુખ સે નીકલે નિસદિન તેરો નામ
(૭) મેરી મુહબ્બત કુબુલ કર લો, ગરીબ શાયર કે આંસુઓ કા
(૮) 'ફલક સે ઉતરે ઝમીં પે તારે ચરાગ બન બન કે ઝીલમીલાયે'
(૯) પૂછ ન મુઝ સે દિલ કે ફસાને, ઈશ્ક કી બાતેં
(૧૦) સુનિયો અરજ હમારી, પ્રભુજી
(૧૧) મેં ગ્વાલોં રખવાલો મૈયા, માખન નહિ ચુરાયો
(૧૨) પાંવ પડું તોરે શ્યામ, બ્રીજ મેં લૌટ ચલો
(૧૩) ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા
(૧૪) મૈં કબ ગાતા મેરે સ્વર મેં, પ્યાર કિસી કા ગાતા હૈ
(૧૫) દો ઘડી બેઠોત તુમ્હારા રૂપ આંખો મેં
(૧૬) ક્યા યાદ તુમ્હે હમ આયેંગે, ઈતની સી બાત
(૧૭) શામ કે દીપક જલે, મન કા દિયા બુઝને લગા
(૧૮) તુમ આઓ, રૂમઝૂમ કરતી, પાયલ કી ઝનકાર લિયે
(૧૯) પાગલ નૈના, સગરી રૈના તેરી બાટ નિહારે
(૨૦) કહે કે ભી ના આયે મુલાકાત કો
(૨૧) જબ તેરે પ્યાર કા અફસાના લિખા હૈ મૈંને
(૨૨) હંસા ગગન બીચ રોયે
(૨૩) પાગલ ચંદા મેરે મન કી આગ

છેલ્લે, સંગીતકાર રવિએ પર્સનલી અમને કીધેલો રફી સાહેબનો એક દાખલો મન ભરીને માણવા જેવો છે :
મુંબઇના ગવર્નરપદે મુહમ્મદ કરિમ ચાગલાએ  (Roses in December) રાજભવનમાં સંગીતકાર રવિ નાઇટ રાખી હતી. મુહમ્મદ રફી સ્ટેજ પરથી 'જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ અરે..' અને અડધા ગીતે એમને ફિલ્મ 'અપના બના કે દેખો'નું તોફાની ગીત, 'રાઝે દિલ ઉનસે, છુપાયા ન ગયા' યાદ  આવ્યું અને ઑરકૅસ્ટ્રા કન્ડક્ટ કરતા રવિને એમણે કહી દીધું, ''મુઝે યે ગાના હૈ...'' રવિ ચોંક્યા જ નહિ, વિનય પૂર્વક ના ય પાડી કે, ''રફીસાબ, યે કયા કર રહે હો?' અત્યારે છેલ્લી ઘડીએ આ ગીતના સ્વરાંકનો હું ક્યાંથી લાવું ?

મારા સાજીંદાઓ પાસે ય આ ગીત તૈયાર નથી'. પણ સાહેબને ફૂલફૉર્સમાં આ ગીતનું ઝનૂન ઊપડયું હતું અને ગીત પૂરૂં થતાં જ એમણે 'રાઝે દિલ...' શરૂ કરી દીધું. ચોંકીને ખુશ તો હરકોઇએ થવાનું હતું પણ ગીતનું મુખડું ગાઇ લીધા પછી સાહેબ અંતરો ભૂલી ગયા... એમણે પોતે ગભરાઇને રવિને કહી દીધું, ''આગે ક્યા આતા હૈ...?'' રવિ વધારે ગભરાયેલા હતા. એ ય ભૂલી ગયા, પણ રફીનું પ્રેઝન્સ ઑફ માઇન્ડ જુઓ... આ મૂંઝવણ વખતે એમના સબકૉન્શિયસ માઇન્ડમાં રાજ કપૂરનું 'આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં...' રમતું હતું...

કોઇ માનશે ? મુહમ્મદ રફીએ ચાલુ ગીત 'રાઝે દિલ ઉનસે છુપાયા ન ગયા...'ના ભૂલાયેલા અંતરાને બદલે 'આવારા હું..'નો અંતરો જોડીને ગાવા માંડયું... ગીત પૂરૂં થયા પછી કાંઇ ખ્યાલ આવે છે, ઑડિયન્સને અડધી મિનિટમાં નીરવ મોદી ને મેહૂલ ચોકસીની પૂરી સંપત્તિ હાથમાં આવી ગયા કરતા ય કેવો તોતિંગ આનંદ થયો હશે ?

કમનસીબે, એ કાર્યક્રમની ઑડિયો સંગીતકાર રવિ પાસે ય નહોતી... નહિ તો રફીના ચાહકો એ સીડી આખે આખા મોદી-ચોકસીને બારોબાર વેચીને ય ખરીદી લેત...?

મુહમ્મદ રફી માટે પિતાતુલ્ય આદર છે, પણ ધી ગ્રેટ લતા મંગેશકર માટે એક દોરો ય ઓછો ભાવ નથી. જેમ બીજા રફી નહિ થાય એમ બીજી લતા ય આ બ્રહ્માંડમાં નથી થવાની!

સિક્સર
-
આ સાવ નવી ગાડી લઇને ભાભી ક્યાં ગયા ?
- એને યૂ-ટર્ન લેવો હતો.... અત્યારે પૂના પહોંચી છે !

1 comment:

Anonymous said...

Great Great Ashok ji, one of the best piece ever read by me. What a great research. I agree, being Rafisaab's die hard fans i haven't heard many songs mentioned by you. Will search in you tube.
Thanks for this informative piece.
Mukesh Joshi.