Search This Blog

18/03/2018

ઍનકાઉન્ટર : 18-03-2018


* તમે હાસ્યલેખક ન હોત તો શું હોત?
- મારો વિચાર તો હજી ય કોઈ સાધુ-મહાત્મા બની જવાનો છે.
(
અનંત ત્રિવેદી, ગોરડકા- ગઢડા)

* હાલના પ્રશાસન કરતા આપણે ગુલામ હતા, એ વધારે સારૂં નહોતું?
-  આવો વિચાર પણ ન આવવો જોઈએ. ગુલામને બદલે સરમુખત્યાર બનવાના વિચારો કરો... ચીનના ઝી જીન પિંગને આદર્શ બનાવો.
(
વિપુલ મકવાણા, શામપરા- સિંદસર)

* નોકરિયાતોને પગાર વધારા માટે આંદોલનો કરવા પડે છે અને ધારાસભ્યો કે સંસદ સભ્યોને વગર માંગે બધું મળી જાય..!
- 'નગરશેઠનો વંડો, જે આવે એ મંડો'.
(
ધવલ સોની, ગોધરા)

* વાઇફની કચકચ કોઈને ગમતી નથી, છતાં મૂંગીને પરણવા કોઈ તૈયાર થતો નથી!
- શરીર રચના મુજબ, જે મૂંગુ હોય, તે બહેરૂં પણ હોય... ગોરધન બન્ને બાજુથી હણાઈ જાય ને!
(
રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

* તમે (બ્રાહ્મણો) ગુસ્સો આવે ત્યારે શ્રાપ આપતા હશો ને?
- આ આપણામાં વાણીયા- બ્રાહ્મણવાળી વાત શું કામ આવે? ગર્વ આપણને ભારતીય હોવાનું હોવું જોઇએ, પટેલ, દલિત, જૈન કે લોહાણા હોવાનું નહિ!
(
પી.ડી. શાહ, આણંદ)

* તમે નિવૃત્ત ક્યારે થવાના?
- સૉરી... મારા વારસદારો નક્કી થઈ ગયા છે.
(
હાર્દિક પટેલ, રાજકોટ)

* હવે હું રીટાયર્ડ છું. કાંઈ કામકાજ હોય તો કહેજો.
- ખાસ તો કાંઈ કામ નથી... બસ, મકાનના થોડા હપ્તા ભરવાના છે!
(
જગદિશકુમાર પારેખ, નડિયાદ)

* રાહુલબાબાએ ૨૦૧૯- ની ચુંટણીઓ માટે કોંગ્રેસનું કયું સૂત્ર રાખવું જોઈએ?
- 'કાર્તિ બચાવો, મોદી (નીરવ) મરાવો'.
(
કોમલ પી. દવે, કાલોલ)

* અમારા પોરબંદરમાં શિવકથા ચાલે છે. કથાના પ્રારંભે કથાકાર ગીરીબાપુ 'ભારત માતા કી જય' બોલાવે છે.
- એમને વિનંતી કરો, રાષ્ટ્રગીત ફક્ત ૫૨- સેકંડનું જ હોય છે.
(
જીજ્ઞેશ ચાવડા, પોરબંદર)

* સાચી ખુશી શેમાં છે? લેવામાં દે દેવામાં?
- દેવું વધી ગયું હોય, એમાં ખોટી કે સાચી ખુશી શેની થાય?
(
રાજેશ બી. દરજી, અમદાવાદ)

* રામ મંદિર ક્યારે બનશે?
- ભાજપ સત્તા ઉપર હશે ત્યાં સુધીમાં.
(
ભરત શિયાણી, મોકર- રાણાવાવ)

* લાલુની ઈલેવન જેલમાં ક્રિકેટ કોની સામે રમશે?
- જેલમાં લાલુને જે ઠાઠમાઠ મલે છે, એવો મળતો હોય તો દાઉદ પણ પોતાની ઈલેવન બનાવીને ત્યાં જાય!
(
ગોપાલ પટેલ, અમદાવાદ)

* બગડે એ બાર કે એકડે બગડે બાર?
- ગુજરાતમાં બાર નથી, એટલે બગડવાની સંભાવના નથી.
(
દર્શિલ જેઠવા, ભાવનગર)

* ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષાની શરમ આવે, એવા લોકોને શું કહેશો?
- બધા ગુજરાતી શિક્ષિત નથી હોતા. ઈવન, આ કૉલમ માટે બાજુના બોક્સમાં શુધ્ધ ગુજરાતી ભાષામાં સ્પષ્ટ સૂચનાઓ લખી હોવા છતાં, અનેક અભણ લોકો ફક્ત પોતાનું નામ જ લખીને સવાલ પૂછે છે.
(
ધવલ પરમાર, વડોદરા)

* 'વિકાસ' શબ્દ સાંભળતા તમને પહેલું શું યાદ આવે?
- આપણો દેશ.
(
અલમિન વસાયા કાસા, દહાણુ- પાલઘર)

* તમને એક દિવસ માટે ગુજરાતના મુખ્યમંત્રી બનાવે તો?
- એક દિવસ માટે શ્રી.વિજય રૂપાણી સાથે સંબંધ બગડે.
(
દિદાર એ. સુરાણી, અમદાવાદ)

* 'વૉટ્સએપસારું કે 'ફેસબૂક'?
- બન્ને નવરાઓના કામ છે.
(
દીપક પટેલ, સરગવડા)

* રાહુલ ગાંધી વિશે તમારો અભિગમ બદલાયો હોય એવું લાગે છે...
- એમની પાસે મોદી કે ભાજપ સિવાય બીજું કાંઈ પણ બોલવાનું નીકળશે, પછી બદલાશે. આટલી મોટી કોંગ્રેસમાં એક વ્યક્તિ નથી જે એમને દેશની કોઇ વાત શીખવાડે ?
(નિર્મલસિંહ પરમાર, મુંદ્રા- કચ્છ)

* તમને ભારતના વડાપ્રધાન બનાવવામાં આવે તો પહેલું કામ કયું કરો?
- કાંઈ શુભ- શુભ બોલો!
(
સુધીર પરમાર, સરખેજ- ગીરસોમનાથ)

* કાસ્ટિંગ- કાઉચ અને મહિલા સુરક્ષાના પ્રોબ્લેમો અંગે સરકાર કોઈ નિયમ બનાવી શકી નથી...
- ફ્રેન્કલી... પુરૂષ પોતાને 'કઈ' નજરથી જુએ છે, હાથ મિલાવે છે કે વખાણ કરે છે, એની તાબડતોબ ખબર અભણ શાકવાળીથી માંડીને ડૉક્ટર થયેલી સ્ત્રીને કાચી સેકંડમાં ખબર પડી જાય છે. પછી એવા પુરૂષથી કેટલા દૂર રહેવું, એ સ્ત્રીના હાથની વાત છે.
(
સિધ્ધાર્થ ધોળકીયા, સુરત)

* આ પાકિસ્તાન ક્યારની શેની કચબચ- કચબચ કરે છે..? ક્યારે સીધું કરીશું...?
- ગુજરાતના લોખંડી અને બાગી શાયર મરહૂમ જલન માતરી (સાચું નામ, 'સૈયદ જલાલુદ્દીન અસદુદ્દીન અલ્વીઉલ હૂસેની')એ પાકિસ્તાન માટે એક તોતિંગ શે'ર લખ્યો હતો : 
'કેટલી તાકાત છે મારી, તને કંઈ જ્ઞાન છે?
કોની સામે લડવા આવ્યું છે, તને કંઇ ભાન છે
તુજમાંથી સર્જન કર્યું હતું મેં જ બાંગ્લા દેશનું
બીજું સર્જન થાતાં તુજ ઠેકાણું કબ્રસ્તાન છે'.
(
મોહમદ હુસેન સઇદઅલી, સુરત)

* તમારી ત્રણેય કૉલમોમાંથી તમને સૌથી વધુ પ્રિય કઈ?
- અફ કૉર્સ, 'બુધવારની બપોરે'.
(
શિલ્પા ચિરંજીવ દેસાઈ, વલસાડ)

* પેટ્રોલનો બેફામ ભાવવધારો ઉઘાડી લૂંટ નથી?
- માત્ર પેટ્રોલનો જ...?
(
હરીશ પી. શાહ, વડોદરા)

No comments: