Search This Blog

25/03/2018

ઍનકાઉન્ટર : 25-03-2018


* મોદીસાહેબના રાજમાં દેશદ્રોહીઓ દેશવિરોધી બેફામ રમખાણો કરે છે. કોઈ ઉપાય ?
- ઉપાય હોત તો મોદીસાહેબને મળ્યો ન હોત ?
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* સત્ય અને અસત્ય વચ્ચે અંતર કેટલું ?
- કોઈ ગુરુ ભટકાઈ ગયા લાગે છે... !
(
મહેશ સી. પટેલ, અમદાવાદ)

* ભો માંથી ભાલા કાઢે એ વ્યક્તિને તમે શું કહેશો ?
- હાલનો અર્થ... 'પથ્થરબાજ.'
(
રાકેશ પટેલ, સુરત)

* જો 'પદ્માવતી'ને 'પદ્માવત' કરીને રીલિઝ કરી શકાતી હોય, તો ગુજરાતમાં 'શરાબ'ને 'શરબત' કહીને વેચી ન શકાય ?
- ગુજરાતમાં શરાબને શરાબ કહીને જ વેચવામાં આવે છે...
(
શૈશવ જોગાણી, એરિઝોના- અમેરિકા)

* કોઈ તમારું 'એનકાઉન્ટર' કરવા આવે તો તમારી આખરી ઈચ્છા શું હોય ?
- 'બસ. આ રિવોલ્વર મને આપી દો.'
(
ગૌરવ બી. કોઠારી, ભરૂચ)

* 'ફેસબુક' પર છોકરીઓ પોતાના વારંવાર ફોટા મૂકીને સાબિત શું કરવા માંગે છે ?
- 'પાંચ મિનિટ પહેલા મારો જે ફોટો મેં પોસ્જ્ટ કર્યો હતો, તેના કરતા અત્યારના ફોટામાં હું કેવી વધારે સ્માર્ટ લાગું છું... !'
(
મોહિત મર્થક, રાજકોટ)

* સત્ય હંમેશા કડવું હોય છે તો અસત્ય ?
- સત્ય કડવું જ હોય, એવું કોણે કીધું ?
(
સંજય વી. લકુમ, ચુડા)

* તમારા મતે પાપ અને પુણ્ય વચ્ચે શું તફાવત ?
- સ્પેલિંગનો.
(
ગૌરવ આર. રાઠોડ, રાજકોટ)

* બજેટમાં જેટલીએ મધ્યમવર્ગને કોઈ લાભ આપ્યો નહિ... !
- ઈ.સ. ૨૦૧૯ની ચૂંટણી પહેલાનું બજેટ જોજો... લાભ જ લાભ ! પછી વેતરી નાંખતા વાર જેટલીને વાર કેટલી ?
(
પ્રફૂલ્લ દવે, ભાવનગર)

* ફિલ્મ જોતા હિંદી જાહેરાતોને ડબ કરીને ગુજરાતીમાં બતાવવાનો શું અર્થ ?
- એ લોકોનું ગુજરાતી પાકું થાય !
(
પકેશ સાયમન ઠાકોર, ગાંધીનગર)

* શનિ- મંગળ જેવા ગ્રહોના નંગ  મળે છે, તો પૃથ્વીનો કેમ નહિ ?
- એ ઘરમાં જ હોય છે ને બધા ગોરધનોને નડતો હોય છે...
(
રાકેશ ભાવસાર, ભરૂચ)

* તમારા કરતાં યોગીજી વધારે એનકાઉન્ટરો કરે છે... !
- હમણાંની લોકસભાની પેટા ચૂંટણીઓમાં
(
આનંદ જે. કણસાગરા, ઉપલેટા)

* આપણા દેશના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ વર્લ્ડ- કપ જીત્યો... કેમ ટીવી- અખબારોએ એની ગૌરવપૂર્ણ નોંધ પણ ન લીધી ?
- એ પ્રણામયોગ્ય ક્રિકેટરો માટે 'પ્રજ્ઞાચક્ષુ' શબ્દ બરોબર છે... ન્યૂસવાળાઓ માટે 'આંધળા' શબ્દ કેવો લાગશે ?
(
ડૉ. નિલેશ ત્રિપાઠી, અમદાવાદ)

* ઘરડાં ગાડાં વાળે કે ઊંધાં પાડે ?
- ઘણા સંતાનો ઘરડાને ઊંધાં પાડે છે.
(
પી.એમ. જોશી, નેત્રામલી- ઈડર)

* દેશની સરહદો ઉપર રોજ આટઆટલા જવાનો શહીદ થઈ રહ્યા છે... તો આરપારની લડાઈ માટે આટલો વિલંબ કેમ ?
- આ સવાલ તમને થયો... ભાજપ, કોંગ્રેસ કે અન્ય એકે ય પક્ષને થયો ?
(
પ્રતાપ ઠાકોર, ખરેટી- ખેડા)

* સુખી થવા માટે કેવા ગુણો જરૂરી છે ?
- બેન્કમાંથી લોન લઈને વિદેશ ભાગી જતાં આવડવું જોઈએ.
(
હર્ષદ વ્યાસ, ભાવનગર)

* ભારતના રાજકારણમાં પ્રવેશવા માટે કઈ લાયકાત જોઈએ ?
- તમારા પોતાના સિવાય બધાને ભાંડવા માંડો... આઈ મીન, મારા સિવાય !
(
હિતેશ દેસાઈ, તલીયારા- નવસારી)

* આપને ફિલ્મ 'પદ્માવત'ની ફ્રી ટિકીટ આપવામાં આવે તો જોવા જાઓ ખરા ?
- ફ્રી ટિકીટ મળતી હોય તો હું સીરિયા- બગદાદ પણ જવા તૈયાર છું.
(
લખમણ પંપાણીયા, લોઢવા- સુત્રાપાડા) અને (અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* હાસ્યલેખકો બ્રાહ્મણ જ કેમ ?
- તમે ખુશ થયા છો કે ધમકાવો છો ?
(
દિનેશ મૂલરાજ મર્ચન્ટ, કચ્છ)

* બેસણાંની જા.ખ.માં 'પિયરપક્ષ'નું બેસણું કેમ લખવામાં આવે છે ?
- તમારો ડર વાજબી જણાય છે. હવે પાડોશીઓનું બેસણું પણ - એ લોકો હા પાડે તો રાખી શકાય ! પછી તમારા ફેમિલી- ધોબી માટે, ફેમિલી-સબ્જીવાળા કે જેમની દવાઓ ખાઈ ખાઈને પેલો ટપક્યો હોય, એવા ફેમિલી- ડૉક્ટરોનું બેસણું ભેગાભેગું પતી જાય !
(
શ્યામલ ગજ્જર, અમદાવાદ)

* કયા બળને આધારે વિશ્વનો કારભાર નિયમિત ચાલે છે ?
- મોબાઈલ ફોન.
(
નૂર ઈબ્રાહિમ સુમરા, મુંબઈ)

* દીકરીઓ થઈ એને લક્ષ્મી કહેવાય છે, તો દીકરા કેવા જોઈએ ?
- હજુ કોઈ કામાકાજ બાકી રહી છે ?
(
રક્ષિત ઉષાકર વોરા, ગાંધીનગર)

No comments: