Search This Blog

07/03/2018

મારો મોબાઈલ જોયો ?


શકુંતલા ગોન જસ્ટ મેડ, યૂ નો !

એને રાજા દુષ્યંતે આપેલી બતૌર પ્રેમની એકની એક નિશાની 'આઈ-ફોન' મળતો નહતો. ઘરમાં જોયું, આશ્રમમાં જોયું, ફ્રીજનો દરવાજો ખોલીને જોયો... એટલે સુધી કે, ડૉક્ટર પાસે જઇને પોતાના પેટનો એક્સ-રે ય કઢાવી આવી... કદાચ ગળી ગઈ હોય, પણ ત્યાં ય ફોન નહતો.

શકુ દુષીને પ્રેમ તો ખૂબ કરતી અને મોટા ભાગે તો મેરેજ પણ એની સાથે કરવાનો ઇરાદો હતો. હાલના લોટમાં બીજા કરતાં દુષ્યંત વધુ પરવડે એવો હતો. શકુંતલા કણ્વ ઋષિના આશ્રમમાં જન્મી ઉછરી હતી, એટલે ગવર્ન્મેટ તરફથી ૪૨-ટકા ડિસકાઉન્ટથી એને ફોન મળી શકત, પણ પછી દુષ્યંત શું કામનો ! એને સ્પેરમાં રાખવો સારો.

બેટરી પૂરી થાય એ પહેલા આઈ-ફોન હોય કે દુષ્યંત... ચાર્જ કરાવી નાંખવા સારા !

એક વાર બન્ને જણા સીસીડી-માં બેઠા હતા, ત્યારે દુષીએ ચોખ્ખું કહેલું કે, 'ઇફ ગોડ ફોર્બિડ્સ... એન્ડ યૂ નો... વર્ષો પછી તું ક્યાંક મને કોઈ મોલ-ફોલમાં મળે ને હું તને ઓળખી ન શકું, તો મારા પ્રેમની નિશાની તરીકે આ આઈ-ફોન મને બતાવજે... મને બધું યાદ આવી જશે...'

''ડાર્લિંગ... આ તેં મને જે આપ્યો, એ ચીઝ-ચીપિયા સેન્ડવિચનો કટકો છે... સેલફોન નહિ !''

''ઓહ શ્યોરી શ્યોરી...'' હજી દુષ્યંતમાં એના ઉત્તર ગુજરાતવાળા ઉચ્ચારો આવી જતા હતા ! ''લે આ આઈ-ફોન. આઈ લવ યૂ, સકુ ! અને હોંભર... મારા શિવાય ઈની બૂનને કોઈને ફોન-બોન કરતી નંઇ... નંઇ તો એક મ્હેલે ને ભોડામોં... !''

શકુંતલાને દુષ્યંતનું બધું ગમતું, પણ આ હાર્દિકછાપ ઉચ્ચારો નહોતા ગમતા. 'ઈટ ઈઝ વેરી ઈઝી'ના બન્ને ''ઓ માટે દુષી 'ઝવેરીલાલ'નો '' કાઢતો.

તે એમતો શકુડી ય 'એંશી ને હો'ની હતી. એ ગુજરાતના ગમે તે પ્રદેશમાંથી આવતી હોય, ''ને બદલે ''નો ઉચ્ચાર જ કરતી. ''હમણાં જ બિચારી 'ફ્રીદેવી' દુબાઈમાં ગૂજરી ગઈ, બોલો !... એની અને માધુરી દિકફીતની મોટી કોમ્પિટીફન હતી.'' દુષ્યંતને બહુ ખબરે ય નહોતી પડતી કે એની સકુ એને 'દુફ્યંત' કહીને બોલાવે છે... પોતાનું નામ તો એને બોલવાનું ન આવે, એટલે 'શકુ'ને બદલે 'ફકુ' સાંભળવું નહોતું પડતું. આ તો એક વાત થાય છે !

એ વાત જુદી છે કે, દુષીએ આવા અનેક આઈ-ફોનો અનેક છોકરીઓને આપ્યા હતા. કોને ક્યો આપ્યો છે, એ ભૂલી ન જવાય માટે એ પોતાના સેલફોન અને કમ્પ્યુટરમાં બધીઓની જુદીજુદી નોંધો રાખતો.

આ બાજુ, શકુએ પણ ઓળખની પહેલી નિશાની તરીકેના આવા તો કેટલાય આઈ-ફોનો ભેગા કર્યા હતા. એને તો એ પણ યાદ કે, ભોપાલના મહારાજાએ આપેલો ફોન જૂનાગઢના દીવાનના ફોન સાથે બદલાઈ ગયો હતો ને આ બાજુ, કપૂરથલાના મહારાજાએ તો શકુંતલાને ચોખ્ખું કહી દીધું હતું કે, ''મારા પ્રેમની આ નિશાની ખોવાઈ જશે તો તું બીજો આઈ-ફોન ગોતી લેજે ને હું બીજી શકુંતલા ગોતી લઇશ... બાકી આ બધી શોધમશોધીના ચક્કરોમાં આપણે પડવું નથી.

પોલીસમાં ફરિયાદ કરીએ તો હાળા પહેલું બિલ માંગે. વીસેક વર્ષ સુધી પોલીસ-ચોકીના ધક્કા ખવડાવે, ''આ ફોન તમારો હતો ?'' એ બધું પૂછવા/બતાવવામાં જૂનીઓ ય પોતાના ફોનની તપાસ માટે આવી હોય, એમાં લોચો વળી જાય ! અને રોજ આપણા મહેલના લેન્ડ-લાઇન ઉપર ફોન કરીને પૂછાવે, ''સાહેબ, આ ફોન તમારો હતો ?'' સાલા લેન્ડલાઇનના તો બધા ફોનો મહારાણીઓ જ ઉપાડે ને ? સુઉં કિયો છો ? પણ શકુંતલા બેકરાર હતી.

ફોન ખોવાયો એમાં એની હટી ગઈ હતી. એણે તોડફોડ કરી નાંખી, ઉધામા મચાવી દીધા, 'ફોન ગયો ક્યાં ?' દુષી-ડાર્લિંગને ખબર પડશે તો મારૂં શું થશે ? એના માટે દેશભરના બીજા કોઈ રાજા-બાદશાહો કરતા દુષ્યંત વધારે કામની ચીજ હતો. એની અટક 'મોદી' નહોતી એટલું જ, બાકી 'દુષ્યંત જ્વેલર્સ' અને એવા સેંકડો નામે એના હજારો શો-રૂમો દુનિયાભરમાં હતા. એકચ્યૂઅલ 'મોદી' કરતા આ 'મોદી ભાગ-૨'ના ફોટા ટીવી-છાપાઓમાં વધારે ચમકતા.

શકુએ એની ક્લાસ-ફ્રેન્ડ પ્રિયંવદાને ધધડાવી નાંખી, ''ગો એન્ડ ફાઇન્ડ માય આઈ-ફોન, યૂ સિલી... !'' પ્રિયંવદાને 'પંજાબ એન્ટી-નેશનલ બેન્ક'માં નોકરીએ શકુની ભલામણ પરથી જ દુષ્યંતે રાખી હતી.

આ બાજુ રાજા દુષ્યંત વોટ્સએપ ઉપર વોટ્સએપો કરે જાય પણ શકુને એકે ય મેસેજ મળે તો ને ? ગુસ્સામાં પછી તો દુષી ગાળો ઉપર ચઢી ગયો ને શકુને ખૂબ ચોપડાવી. (યાદ રાખો : હવે આપણા ગુજ્જુ છોકરાઓ ગુજરાતીમાં ગાળો નથી બોલતા... ઈંગ્લિશમાં આવડતી પેલી બે-ત્રણ ગાળો બોલે છે.) આમ તો, શકુડી ય સામી ચોપડાવે એવી હતી પણ એને ગાળોવાળો મેસેજ તો મળવો જોઈએ ને !

ક્લબના સ્વિમિંગ-પૂલમાં બે જણીઓ નહાવા પડી હતી અને નહાતા નહાતા શકુને પોતાની સેલ્ફી લેવાનો ભારે ડોડળીયો. એ માનતી હતી કે કોરી કરતા ભીનીમાં એની સેલ્ફી વધુ સારા આવે છે, એટલે એના નહાતી સેલ્ફીઓ લેવા માટે એ ખાસ ક્લબ જતી. પ્રિયંવદા હતી તો એની ચમચી પણ પૂલમાં નહાવા કરતા એને ય સેલ્ફી લેવાનું બહુ જોર ચઢતું. એની સેલ્ફીઓ જરા જુદી હતી.

એના મનમાં કોકે ઠસાવી દીધું હતું કે, દર પાંચ મિનિટે એક એક સેલ્ફી પાડીને 'ફેસબૂક' પર મોકલાવો તો ચોથી મિનિટ કરતા ચેહરો વધારે ચાર્મિંગ આવે ! એમાં ક્યાંક શકુંતલાનો આઈ-ફોન ખોવાઈ ગયો. 'ઓ મ્મી ગ્ગ્ગ્ગો...ડ ! ફોન ક્યાં ગયો ? એને ઘેર ડિનર-ટેબલ પર અચાનક યાદ આવ્યું કે, ફોન ગાયબ છે. ભાન ભૂલવાને કારણે પાપા કણ્વ બેઠા હતા તો ય પ્લેટ પછાડીને ચીસ પાડી, ''ઓહ ન્નો... વ્હેર ધ હેલ ઈઝ માય આઈ-ફોન... ? મારો ફોન ક્યાં છે ?''

શાસ્ત્રોમાં કીધું છે કે, સંતાનોના પાપ મા-બાપે પણ ભોગવવા પડે છે, એ મુજબ તૂટીને ઊડેલો પ્લેટનો ટુકડો કણ્વ પાપાના કપાળ ઉપર વાગ્યો. ઋષિમુનિઓના સમયમાં પહેલાના પાપાઓ શ્રાપ આપતા... હવેના પાપાઓ છોકરાઓને શહેરના ભરચક ટ્રાફિકમાં ગાડી લઈને ખમણ-ઢોકળાં લેવા મણીનગર મોકલે છે... આવી ખૌફનાક સજા મળ્યા પછી છોકરાઓ બીજી વાર ભૂલ કરવાની ભૂલ નથી કરતા. કણ્વ પાપાએ શકુને ગાડી લઇને મણીનગર જઇ આવવાની સજા આપી !

શકુ પ્રિયંવદાને લઈને મણીનગર તો જઈ આવી, પણ આવા ટ્રાફિકમાં ઠેઠ ત્રીજે દિવસે ઘેર પાછી આવી અને વોચમેનને ખમણનું પડીકું આપી દઈ બન્ને સીધા ઉપડયા કલબમાં. કમનસીબે પૂલમાં પાણી તો હતું, માછલીઓ નહોતી એટલે કોઈ માછલી એનો મોબાઈલ ગળી ગઈ હોય એવી શક્યતા નહિવત હતી.

'પ્રિયુ... અત્યારે જ પૂલનું તળીયે-તળીયું ઝાટકી નાંખ... ફોન અંદર જ હોવો જોઈએ. હે ભગવાન, મારો ફોન મળે તો સારૂં !' મૂળ વાર્તામાં શકુંતલાની વીંટી ગળી જનાર માછલી તો હવે રીટાયર થઈ ગઈ હતી અને નહાવા ય આવતી નહોતી એટલે શકુનો સેલફોન પાછો મળવાની શક્યતા નહિવત હતી. શકુંતલા ખૂબ ઢીલી થઈ ગઈ. એની આંખોમાં વોડાફોનના બિલ જેટલા મોટા આંસુ હતા.

આ બાજુ, દુષ્યંત અને શકુંતલા-બન્ને એસ.જી. હાઈવેના એક મોલમાં ભેગા થઈ ગયા. શકુંતલાએ દુષ્યંતને જોયો. એ ખુશ થઈ ગઈ. ભારે ઉમળકાથી એ એના દુષી પાસે દોડી અને ભેટી પડી. દુષ્યંત ચમક્યો નહિ, ગભરાયો. પોતાના ધનુષ-બાણ વોચમેનને પકડાવી બન્ને હાથ જોડી આદ્રસ્વરે બોલ્યો, ''માતાજી, ક્ષમા કરશો. મેં આપને ઓળખ્યા નહિ... !''

શકુ જાણતી જ હતી કે, એણે આપેલી સેલફોનની નિશાની બતાવ્યા વગર આ વાંદરો મને ઓળખશે નહિ, એટલે કાચી સેકંડમાં એણે પર્સમાંથી પોતાની 'ખોટોમેક બોલપેન' કાઢીને બતાવી, ''હવે યાદ આવ્યું ડાર્લિંગ... આ જ બોલપેને તને મહારાજા વિક્રમ જેવો બનાવ્યો છે અને આ જ પચાસ પૈસાવાળી પેન તેં મને આપણા પ્રેમની નિશાનીરૂપે આપી હતી... યાદ છે ?''

રાજા દુષ્યંત ખૂબ ભાવુક થઈ ગયા. એમને બધું યાદ આવી ગયું... અને બન્ને જણા એકબીજાને આલિંગન આપતા આપતા મોલના પાર્કિંગમાં જઈને 'કોન'નો આઇસક્રીમ ખાવા કોઈના પાર્ક કરેલા સ્કૂટર પર બેઠા.

સિક્સર
-
મરતા પહેલા કોઈ આખરી ઈચ્છા ખરી ?
-
બસ... એક વાર કોઈ પચ્ચા-બચ્ચા હજાર કરોડના કૌભાંડમાં આપણું નામ આવી જાય !

No comments: