Search This Blog

28/03/2018

લશ્કી એક લવસ્ટોરી


લશ્કી પોતે ય ડૉક્ટર હતી. પ્રૅક્ટિસ નહોતી કરતી, એનો હસબન્ડ ડૉક્ટર હતો ને પ્રેક્ટિસ પાંચ વર્ષમાં ધારી ન હોય, એટલી છ મહિનામાં થતી હતી. લશ્કીને ખાવા-પીવાનું તો છોડો, દુનિયાભરની કોઈ વાતનું દુ:ખ નહોતું. પૈસો ટ્રકો ભરી ભરીને રોજ ઘરમાં ઠલવાતો હતો, પણ ડૉક્ટરને એ વાપરવાનો ટાઇમ નહોતો ને લશ્કીને 'ક્યાં વાપરવો ?' એની સમજ પડતી નહતી.

ખાવાની સાથે 'પીવાની' એને છૂટ લેવી નહોતી પડી... લઈ લીધી હતી, તે એટલે સુધી કે, 'પીવાની' સાથે 'ખાવું' જરૂરી નહોતું. ઓમી એનો હસબન્ડ તો નવરો પડે તો ઘેર આવીને સાથે પીવા બેસે ને ? ને તો ય, લશ્કીને કંપની આપવા એ ય પીતો.

ઑ મ્મી ગૉડ... બંને વચ્ચે પોલાદી પ્રેમ હતો. લશ્કી ૪૨-ની તો હવે બે-ત્રણ વર્ષ પછી થવાની ને એમાં એને કોઈ ઉતાવળ નહોતી. ગમતા કામોમાં એ આળસ કરી શકતી. હજી પાંચેક વર્ષ પહેલા જ એ ૩૭ની થઈ હતી, પણ આળસુડી એવી કે ૩૩-થી આગળનો કોઈ આંકડો જ નહિ જોઈએ. એની ફેવરમાં એટલું કહી શકાય કે, આજે ૪૨-ની ઉંમરે ય એ સાલી લાગતી તો ૩૩-ની જ હતી... બદનના ગમે તે ભાગમાંથી ફૂટી નીકળતું ધાંયધાંય રૂપ નહિ ગણવાનું ? એક જ નજર પડી ગયા પછી કોઈ પુરુષ આંખનો સંસ્કારી રહી ન શકે. ઘેર જઈને રાત્રે સૂતી વખતે પૂઅર મૅન રિબાય- મચડાય એવું છલકાતું- ઢોળાતું જોબન લશ્કીને મળ્યું હતું અને આ કમાલ તો લશ્કીની પોતાની જ કહેવાય કે, પેટ ઉપર ચરબીની નાની અમથી ય ગોળમટોળ પાળી નહિ. એને સ્લિમ-ફિટ ડ્રેસીઝ પહેરવાનો બેશક હક્ક હતો, જેમાં દરેક અંગનો આકાર જોનારને જુદો પકડાય ! ક્લબમાં જવાનું તો નિયમિત જ, પણ એના લૅવલની એકાદ-બે ફ્રેન્ડઝ સાથે. ઓમીના સાધારણ ઓળખીતા યારદોસ્તો આને તક ગણતા કે, 'હેલ્લો ભાભીઇઇઇ... ઓમી નથી આવ્યો ?' એમ કહીને આગળ વધાય તો ઠીક છે-ના ભ્રમમાં રહેતા. પણ લશ્કી આવાને પેપર નેપકીન સમું પાતળું સ્માઇલે ય ન આપે.

એવા સ્માઇલો આપવાની પ્રેક્ટિસ રાખી હોત તો ચહેરા પર મોટા મોટા ટુવાલો લઈને ફરવું પડત ! આશ્ચર્ય સો ટકાનું કે, આવા ઉઘાડેછોગ નીગ્લૅક્ટ થવા છતાં પુરુષોને એમાં અપમાન ન લાગતું... એ બહાને ય લશ્કી સાથે નજરથી નજર તો મળી ! અને હા... એ બ્રિટિશ- ઍક્સૅન્ટનું ઇંગ્લિશ બોલતી, એમાં તો ક્લબના ભલભલાના રાજીનામા આવી જતા. સન ડે ઑમી ક્લબમાં સવારે ચાલવા આવે ત્યારે પચ્ચા દોસ્તો એક જ વાત કહેનારા મળે, 'ભાભી કાલે ક્લબમાં મળ્યા હતા...'

ઓમી ય પેલાનું ગ્રામર મનમાં સુધારી લેતો, 'સ્ટુપિડ... લશ્કી તને મળી ન હોય.. જોઈ હોય !'

ઓમીને વાઇફના કેરેક્ટર માટે ચિંતા નહોતી, એ પહોંચી વળે એવી હતી.

પણ... લશ્કી ઓમીના કેરેક્ટરને પહોંચી વળે એવી હતી ખરી ? અફ કૉર્સ, ઓમી માટે કોઈ સ્ત્રી તરફથી એને ક્યારેય હિન્ટ મળી નહોતી. આટલી મોટી હૉસ્પિટલમાંથી ટાઇમ નહોતો મળતો, રોજના આટલા ઓપરેશનો, પૅશન્ટોના સગાઓ સાથે રોજના સવાલ-જવાબ (...સૉરી ફક્ત જવાબો જ), તો ક્યારેક ગાંધીનગરના ધક્કા, અને ઓમીની કિલર-પર્સનાલિટી અને સ્ત્રીઓ સામે પડતી આવતી હોવા છતાં એકે ય કિસ્સામાં એ પલળ્યો હોય એવું લશ્કીના ધ્યાન પર આવ્યું નહોતું.

'ઓમીડા... સાલા, તારી ઉપર આટલી સ્ત્રીઓ મરે છે... તને કોઈ લફરૂં- બફરૂં જ નથી ?' આવું તો લશ્કી સામે ચાલીને પૂછતી.

'ઓહ કમ ઑન જાનુ... ઇચ્છા તો ઘણી છે, પણ યૂ નો...પૈસા કમાવામાં નાની લફરી કરવાનો ય ટાઇમ મળતો નથી. કાશ... બે મહિના પૅશન્ટો આવતા સાવ બંધ થઈ જાય.. ને તું છ મહિના માટે તારા પાપાને ઘેર જતી રહે...!'

'નૉનસેન્સ... હું વળી તને ક્યાં વચમાં આવી... ? વાઉ.. મારા ભોળા બલમ. તને મારા આશીર્વાદ છે કે, હમણાં તો તું બિઝી છે, પણ ૭૦- ૭૫નો થાય ત્યારે મિનિમમ ૮- ૧૦ લફરીઓને લઈને ફરતો હોય... !' બન્ને ખૂબ હસ્યા.

પણ ઓમીને ૭૦-ના થવાની જરૂર પડે એમ નહોતું. લશ્કીએ ગમે તેમ તો ય સ્માર્ટ વાઇફ હતી. એમ કાંઈ આવા હૅન્ડસમ હસબન્ડ ઉપર વિશ્વાસ મૂકી દે એમ નહોતી. ઓમીની હૉસ્પિટલની જ ૪- ૫ નર્સો ફોડી રાખી હતી. ઓમીના આખા દિવસનો પૂરો રિપોર્ટ લશ્કીને રોજેરોજ મળે. એટલે સુધી કે ઘેર આવતા ઓમીની ગાડીમાં કયે દિવસે- સૉરી, કઈ રાત્રે કોણ હતી ને બન્ને કેવી રીતે બેઠા હતા, એ જાણવા પ્રાયવેટ માણસો રોકવામાં પૈસાની ખોટ પડે એમ નહોતી.

ઓહ... બધું ટોટલ મારીએ તો ઓમીને ઓછામાં ઓછી ૨૩- ૨૪ સ્ત્રીઓ સાથે કાયમી લફરાં હતા. હૉસ્પિટલમાં નહિ તો બહાર દુનિયા કેટલી વિશાળ છે, જ્યાં ભગવાન તો શું લશ્કીના ચમચાઓ ય પહોંચી ન શકે ?

અહીં લશ્કીનો ઇગો હણાયો, એટલા માટે નહિ કે એનો વર આટલો બધો ફળદ્રુપ હતો... પણ એટલા માટે કે, પોતે આટઆટલું ધ્યાન રાખવા છતાં ઓમીડો સાલો આટલી આસાનીથી એને ઉલ્લુ બનાવતો રહ્યો.

'
લશ્કી, માય લવ...! હું તારી સાથે ઝગડવાનો નથી કે તારા ડૅડીને ય કહેવાનો નથી. બસ, એટલું કહે, 'આટલા મોટા બંગલામાં તું આખો દિવસ એકલી કેવી રીતે રહી શકે છે ? સાલા, છાનામાના તને મળવા રૅગ્યુલર આવનારાઓમાં મારો સો-કોલ્ડ જીગરી ડૉ. વિક્રમ... સામેના બંગલાવાળો ગોતી... ડોહો થઈ ગયો છતાં તને બહુ ગમતો સાલો વીરૂકાકો... ઓ મ્માય ગૉડ, લશ્કી, આઇ કાન્ટ બીલિવ ધીસ...!'

'ઇવન, આઇ ડૉન્ટ....!'

... અને બન્ને જણા આજે પણ સુખેથી જીવે છે, પોતપોતાના 'કામો'માં વ્યસ્ત !       

સિક્સર
વીરેન્દ્ર સેહવાગની સિક્સર : રાહુલ ગાંધીને આખી જિંદગીમાં જેટલા ફૅન્સ નથી મળ્યા, એટલા દિનેશ કાર્તિકને ફક્ત આઠ બૉલમાં મળ્યા.

No comments: