Search This Blog

22/03/2018

નખ્ખોદ જાય, વોટ્સએપીયાઓનું...!


મહાત્મા ગાંધીનો આજીવન ભક્ત હોવાને કારણે કોઈનું ખૂન કરવાનો વિચાર મને કદી આવ્યો નથી, પણ બાપૂ એક નાનીઅમથી છુટ આપતા હોય તો દુનિયાભરના નહિ... મને 'વોટ્સએપ'માં 'જય શ્રી કૃષ્ણ'કે 'ઓમ નમ:શિવાય' જેવા ધાર્મિક મેસેજો મોકલનારાઓને ગોળીઓ મારી મારીને ઉડાવી દઉં, એવા ઝનૂનો ઉપર છું.

લોહી પી જાય છે આ લોકો કે સવાર પડી નથી ને 'ગૂડ મોર્નિંગ'થી માંડીને 'જય જીનેન્દ્ર'ના મેસેજો શરૂ થઈ જાય છે. એક ભગવાન શંકરવાળો હોય, બીજો અંબાજીના ભક્તનો હોય, ત્રીજો જયગોકુલેશનો, ચોથો જય જલારામ, પાંચમો જય ભીમ, છઠ્ઠો 'અલ્લાહ ખૈર કરે'..

આ બધામાંથી હું ક્યો ધર્મ પાળું છું એ ભૂલી જવાય છે. ભૂલી જવાય એનો વાંધો નહિ, પણ સામે આપણે સૌજન્ય ખાતર આવા ધાર્મિક મેસેજો ફટકારવાના હોય એમાં 'જયગોકુલેશ'વાળાને 'જયશ્રી કૃષ્ણ'ને એ બન્નેને ભૂલમાં ય ભગવાન શિવજીના આશીર્વાદ મોકલી દઈએ તો ઘેર આવીને મારવા આવે ! ભગવાનો પોતે સેલફોનો ચોક્કસ નહિ રાખતા હોય, એની આ બધી મોંકાણ છે.

હવે તો કિચનમાં ય ગોરધન અને એની ગોરી મોંઢેથી વાત કરવાને બદલે 'વોટ્સએપ 'કરવા માંડયા છે.. પોસિબલ છે, બોલતી વખતે વાઈફના મોંઢામાંથી થૂંક ઊડતું હોય એટલે, 'બોલવું ય નહિ ને ભીના ય થવું નહિ' એવી સમજ એ લોકોમાં આવી હોય !  મોબાઈલ કરવામાં થૂંકો ન ઊડે.

સવાલ મોબાઈલ ઓન કરીને આ મેસેજો વાંચવાથી અટકી જતો નથી. વિડિયો- ક્લીપ્સ કે ફોટા સાથે રોજના મિનિમમ દોઢસો- બસ્સો મેસેજો ડીલીટ કરવા પડે છે એમાં તૂટી જવાય છે આ ડીલિટ કરવા જેવું ચીઢીયું કામ બીજું કોઈ નથી. ના કરીએ તો મેંમરી ફૂલ થઈ જાય ને કોઈ કામનો ફોટો લેવાનો હોય તો મોબાઈલ ના પાડે... 'તમારી મેમરી ફૂલ થઈ ગઈ છે...' ખીજ એટલે ચઢે કે, આપણા પાપે ફોન નકામો થઈ જાય તો માફ કરી દેવાય પણ બીજા લોકોના ફોટા ને વીડિયો- ક્લીપ્સથી ફોન રોજેરોજ ફૂલ થઈ જાય, એમાં તો બા ખીજાય કે નહિ ?

સારા ભાવે મળતી હોય તો એકાદી રીવોલ્વર ખરીદવાના ધખારા એટલે ઊપડે કે, આપણી લાચારી એ લોકો માટે ઠંડુ કલેજું બની જાય છે. ત્યાં જઈને હાથોહાથની મારામારી કરવામાં આપણું કામ નહિ... પહેલું આપણને વાગે ! પણ ચેહરો કડક રાખીને દાઢીએ રીવોલ્વરનું નાળચું અડાડીને એક સેલ્ફી પાડયો હોય ને ગામ આખાને મોકલી દઈએ તો તો હપ્તાભરની નિરાંત ! આપણા ફોટાની નીચે લખવાનું, 'મને વોટ્સએપ મોકલવા નહિ.' બીજે અઠવાડીયે તો એ લોકો પાછા જીવતા થઈ જવાના !

મારી મોનિંગ ગૂડ જાય, એની સાથે તારે શું લેવાદેવા ભ'? ગૂડને બદલે બૅડ જાય તો તું સૉરી કહેવા કે દુ:ખમાં ભાગ પડાવવા આવવાનો છું ? ( સાલો આવે ય ખરો.. ને દુ:ખ વધારી જાય ! સુઉં કિયો છો ?) આમ તો અમે વોટ્સએપ વાપરતા નથી, પણ બીજા કોઈ અમારા ઉપર વાપરી ન જાય, એ માટે 'હેપી ન્યૂ યર, બર્થ-ડે કે તહેવારો પહેલા બધાને વોટ્સએપ કરી દઈએ છીએ કે, 'મહેરબાની કરીને તમારી શુભેચ્છાનો કોઈ મેસેજ અમને મોકલશો નહિ. હું તમને ક્યારે ય મોકલું છું ?''

ટીવી- ન્યુસ ઓછા લોહીઓ પીએ છે કે હવે સૌથી વધુ બચવાનું આવ્યું છે, સોશિયલ મીડિયાથી. કોઈ પણ આલીયો- માલીયો એક જ મેસેજ મોકલી દે છે, કે 'દૂધની સખ્ત તંગી થઈ ગઈ છે. આવતી કાલથી બે દિવસ માટે દૂધ નહિ મળે.' ધેટ્સ ઇનફ... આખા ગુજરાતમાંથી એક દિવસમાં દૂધ ગાયબ. સોશિયલ મીડિયાનો કેવો બિભત્સ ઉપયોગ આપણા જ બેવકૂફો કરી રહ્યા છે.

જગતમાં સાયન્સે આટલી તરક્કી કરી, પણ અમારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ શોધ સેલફોન (મોબાઈલ)ની કરી છે. આજ સુધી તો ગાડી લઈને રમરમાટ હાઈ-વે પર નીકળ્યા હો, ને ઇશ્વર ન કરે ને કોઈ એકિસડેન્ટ થઈ જાય ને આપણે સાઈડના કોઈ ખાડામાં લોહીલુહાણ પડયા હોઈએ, ત્યારે વાત સીધી છે, આવતી જતી એકે ય ગાડી તમને બચાવવા ઉભી રહેતી નથી. આ વખતે મોબાઈલ ફોન કેવો કામમાં આવે છે ! હાઈ-વે એમ્બ્યુલન્સને ફોન કરો કે તમારા ઘેર કે કોઈ દોસ્તને જાણ કરો... લાચારીથી રોડ ઉપર પડયા રહેવું ન પડે ને શક્ય છે, જીવ બચી જાય ! ( જો કે, આજ કારણથી ડ્રાયવિંગ કરતા મોબાઈલ્સ વાપરવાની છુટ નથી મળી ..!)

એ તો ઠીક, ઇંગ્લેન્ડ- અમેરિકા કોઈને ફોન કરવો હોય- ઇવન વિડીયો કોલ... તો એક પૈસાના ખર્ચા વગર જ્યાં બેઠા હો ત્યાંથી કરી શકો ને ત્યાં વાળો ય જ્યાં બેઠો કે સૂતો હોય, તરત ફોન લઈ લે. અમને તો યાદ છે, આટલામાં એટલે કે સુરેન્દ્રનગરે ય કોલ કરવો હોય તો ખાડીયાથી ચાલતા ભદ્રકાળીના મંદિરની બાજુમાં આવેલ તાર- ઓફિસમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું.

એવી એક તાર ઓફિસ નવરંગપુરા બસસ્ટેશન ઉપર હતી. આગળવાળા જેટલું ખેંચે, એટલું આપણે ય ખેંચાતા જવાનું અને લાઈનમાં આપણો નંબર લાગે ત્યારે સામેનો ફોન એન્ગેજ્ડ આવે કે નો રીપ્લાય આવે, એટલે પાછા ફરીને ફરીથી એની એ જ લાઈનમાં ઊભા રહેવાનું.

આ તો મફતમાં મળ્યું છે એની કિંમત નથી, નહિ તો આજે એક 'સેલ્ફી' લેવા બોપલ-ઘુમા જવું પડે તો ? આપણો સેલ્ફી લેવા કલાકોની લાઈનમાં ઊભા રહેવું પડે તો ? એને બદલે વિજ્ઞાને આટલી મફત શોધ કરી આપી છે, તો સોચપૂર્વક વાપરને, 'ઇ! મોબાઈલ કંપનીઓવાળા એક વોટ્સએપ મેસેજ મોકલવાનો ચાર્જ ફક્ત એક રૂપિયો લેવા માંડે તો લોકોપેલાના ઘેર માણસ મોકલીને મેસેજ મોકલાવે... આઝાદીની માફક બધું પોતાની મહેનત વગર  મફતમાં મળ્યું છે, એની કિંમત નથી.

હમણાં પાછું નવું તૂત ચાલ્યું છે. જેમ તમારો ફોન મોંઘો, એટલું કલબમાં ઘુસપુસ વધારે થાય ને એ ઘુસપુસના જ આ પૈસા છે... પૈસા વસૂલ ! શાન બની ગયો છે સેલફોન. જેટલા લાખ રૂપિયાનો ફોન, એટલી શાન વધારે... અરે ભ', દુબાઈના શેખો વાપરે છે એ ફોન લઈ આવો તો સગી વાઈફ પાસે તમારૂં માન વધશે. 'સર-જી, એક વખત મારા બાબાને તમારા દુબાઈવાળા ફોનને હાથ અડાડવા દેશો ?' એ તો કોક દુબઇવાળું આપણા કાનમાં ફૂંક મારીને કહે, ' આ લખોટાએ દુબાઈથી ફોન ખરીદ્યો નથી... કોક આરબનો પડી ગયેલો... એ લઈ આવ્યો છે ને પેલો ઊંટ લઈને રણમાં ફોન શોધવા નીકળ્યો છે !'

મેસેજો સુધી વાતો પતી જાય ત્યાં સુધી તો ઠીક છે, મારા ભ'ઇ... હવે તો વોટ્સએપ સામે વોટ્સએપ..ને ચોથી સેકંડે એનો ય પાછો આવે ! સવાર- સાંજ ગાર્ડનમાં ચાલવા નીકળનારાઓ એમના લક્ષણોથી પકડાઈ જાય છે... ખાસ કરીને બહેનો ! વાત સીધી છે કે, એ લોકો ઘેરથી આવ્યા છે ને ઘેર જ જવાના છે... એકાદ દિવસ માટે ઠીક છે, પણ આ તો ગાર્ડનમાં દાખલ થાય ત્યાંથી કલાક-દોઢ કલાકે ઝાંપો બંધ કરતા પાછા જાય ત્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી કે નોર્થ કોરિયાના કિમ જોંગ ઊલ કે ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે તો વાતો કરતા ન હોય !

સામેનો લલવો એટલો પાગલ ન હોય કે આનો ગાર્ડનનો ટાઈમ સાચવીને રોજ કલાક- કલાક ફોન ઉપર મંડી પડે ! હવે હિસાબ ચોખ્ખો મળ્યો કે, ચાલવાને નામે ગાર્ડનમાં આવીને ફોનો કરવાથી ઘેર આરોગ્યપ્રદ છાપ પડે છે... બેન એકલા જ જાણતા હોય કે, ક્યો લાલીયો રોજ કળા કરી જાય છે ! ગોરધનથી છુપાવીને કોને ફોન થઈ રહ્યો છે કે આ કલ્લુમામો આપણી મામીને છોડીને બીજી કોને મામી બનાવી રહ્યો છે, તે ઘરની બહાર જઈને મોબાઈલ વાપરવાથી ખોટી ચિંતા થતી નથી. હવે તો, સ્ક્રીન લોક હોય છે, એટલે ઘરમાં ફોન રેઢો પડયો હોય તો ય કોઈ અડી ન શકે. જય અંબે.

આ લેખ લખવાનું કારણ જ એ છે કે, સાચવીને રહેજો. હજી હમણાં ક્રિકેટર મુહમ્મદ શામી જરા લઘરો બન્યો, એમાં એનો ફોન એની વાઈફના હાથમાં આવી ગયો 'અલ્લાહ બચાયે નૌજવાનોં સે'... ફિર ક્યા ? ધૂમધામ ધિમધૂમ..! પેલીએ એ જ વિચાર્યું હશે કે, આવા ડોબાના ઘરમાં પડયા રહેવું એના કરતા હવે પછી ક્રિકેટરને બદલે મોબાઈલ રીપેર કરનારાને પરણી જવું કિફાયત ભાવે પડે !! ... 'પકડાય કે પકડાઈએ તો નહિ !
હવે જે કે'વું હોય ઇ કિયો!

સિક્સર
ખોદ્યું છે એટલું કે હવે ફલેટો- મકાનોની અગાસીઓ ઉપરથી રેલ્વે ટ્રેક કાઢવાના છે.

No comments: