Search This Blog

11/03/2018

ઍનકાઉન્ટર : 11-03-2018

* આત્મહત્યા કરાવતી બ્લ્યૂ-વ્હેલ ગૅઇમ માટે શું કહેશો ?
- દારૂ પીને બાથટબમાં નહાવા જવા બરોબર છે.
(
અત્રી દવે, ગાંધીનગર)

* સવાલ પૂછવાનાં બે વર્ષો પછી જવાબ આપો છો, એમાં અમે સવાલ ભૂલી ગયા હોઇએ છીએ !
- ઊફ્ફ....બે વર્ષ પહેલાં મેં કયો જવાબ આપ્યો હતો....!
(
ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* કોંગ્રેસમુક્ત ભારત ક્યારે બનશે ?
- કોંગ્રેસ હોય કે ભાજપ....હાલમાં તો બન્ને 'ભારતમુક્ત' દેખાય છે.
(
ભાવેશ પિપલીયા, સુરત)

* મંદિર-દેરાસરોની ૫૦-ટકા આવક દેશના સૈન્ય પાછળ ખર્ચાય તો ?
- દેશનું એકે ય મંદિર-દેરાસર ૫૦ નહિ, માત્ર પાંચ ટકા દેશ માટે આપે, તો ય આપણે નોર્થ કોરિયા કે અમેરિકાનાં આખાં લશ્કરો ખરીદી શકીએ.
(
કલ્પેશ પટેલ, લંડન) અને (પિયુશ સોની, અમદાવાદ)

* ૫નહાવાથી શરીર ચોખ્ખું થાય છે, તો ટુવાલ કેમ મેલો થાય છે ?
- તમારી વાત સાચી, પણ ટૂવાલને બદલે છાપાંથી તો શરીર ન લૂછાય ને !
(
ડૉ. અર્જુન પટેલ, વાલમ)

* તમને 'ઍનકાઉન્ટર' લખવાની પ્રેરણા ક્યાંથી મળી ?
- ઍનકાઉન્ટર કરનારાઓ પાસેથી.
(
માધવી પટેલ, રાજકોટ)

* આપણા દેશની જાગરૂકતા વિશે શું કહેવું છે ?
- રોજ સવારે ઊઠીને હજારેક કરોડનું એક નવું કૌભાંડ સાંભળવાનું...ને દુ:ખી થવાનું કે, એમાં આપણું નામ કેમ નથી !
(
ધ્રૂવ પટેલ, માન્ડાસણ-જામનગર)

* ખબર નથી પડતી કે, કર્યો સવાલ પૂછવો....!
- ચલો તમારા માટે એટલી છૂટ ! ખબર પડે ત્યારે પૂછજો.
(
ચાંદની મકવાણા, અમરેલી)

* ઓફિસના બૉસ પોતાને 'ઑવર સ્માર્ટ' કેમ સમજતા હોય છે ?
- એ હોય છે, માટે.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* જાપાનીઓ ક્રિકેટ કેમ રમતા નથી ?
- ઇન્ડિયા સામે રમવામાં તો નૉર્થ કોરિયા ય ગભરાય છે !
(
તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* હાસ્યલેખકોનું સંમેલન કેમ કદી ય યોજાતું નથી ?
-ગુજરાતનો એકે ય હાસ્યલેખક બીજા હાસ્યલેખકનો એક પણ લેખ વાંચતો નથી.
(
પુરંજય જોષીપુરા, અમદાવાદ)

બુલેટ ટ્રેન કાગળ પરથી પાટા ઉપર આવશે ખરી ?
- કાગળ પરથી... કે પાટા પરથી...ઊતરી જવી ન જોઇએ.
(
નીલ મોદી, અમદાવાદ)

* ઇ.સ. ૨૦૧૯ સુધીમાં નરેન્દ્ર મોદી ભારતનો વિકાસ કરી શકશે ?
- વિકાસ કરવો હોય તો એ શક્તિમાન છે જ !
(
જનમ પટેલ, ભાવનગર)

* ફાટેલા જીન્સ પહેરવાની ફૅશન ચાલે છે... ભીખ માંગવાની ફૅશન શરૂ થશે ?
- તમે ઘણા વિવેકી છો. વધુ કાંઇ ન પૂછ્યું !
(
પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

* ડિમ્પલ કાપડિયા એક નવી ફિલ્મમાં આવી રહી છે...
- દસ વર્ષ પહેલાં એ માના રોલમાં આવી હતી..ત્યારે પણ સ્કૂલ-ગર્લ લાગતી હતી, બોલો !
(
દેવાંગ આર. શાહ, ગોધરા)

* હવે વાલીઓ સ્કૂલો બંધ કરાવશે ?
- ના. એ માટે શિક્ષણ ખાતા ઉપર વિશ્વાસ રાખો.
(
ચિરાગ જી. સુવેરા, નારણપુર-મેઘરજ)

* ડૉનાલ્ડ ટ્રમ્પ અને મુહમ્મદ તઘલખ વચ્ચે શું ફર્ક છે ?
- એ તો વ્હાઈટ હાઉસ દિલ્હી ખસેડે તો ખબર પડે !
(
હરૂભાઈ કારીઆ, મુંબઇ)

* છૂટાછેડા લેવા માટે શું કરવું જોઇએ ?
- લગ્ન.
(
હરિત વ્યાસ, જામનગર)

* 'પીવો છે, પણ મળતો નથી, ગુજરાતમાં,' એટલે શું ?
- ત્યાં બેઠા બેઠા અમારો જીવ ન બળાવો !
(
રતિલાલ દેદાણીયા, મુંબઈ)

* સુપ્રીમ કૉર્ટના ચાર ન્યાયાધીશોએ જાહેરમાં ન્યાયતંત્રનાં ચીરહરણ કર્યા, છતાં ચલાવી કેમ લેવાય છે ?
- Justice delayed is justice denied.
(
ગજેન્દ્રસિંહ ચુડાસમા, સુરત)

* 'સંતોષી નર સદા સુખી,' તો સંતોષી નારી ?
- આપણાથી તો એકને જ પુછાય ને !
(
કૌસ્તુભ દેશપાંડે, વડોદરા)

* 'બિગ બૉસ-૧૧'માં જવાનો તમારો વિચાર ખરો ?
- જે વિચારી શકતું હોય, એ આવામાં ન જાય !
(
રેશ્મા ચૌહાણ, જેતપુર)

* મોદીજી ૧૦-વર્ષ રહેશે તો દેશ સુપર-પાવર બની શકશે. સુઉં કિયો છો ?
- કંઇક ઓછું કરી આપો ને !
(
હેતલ ડોડિયા, ગીરસોમનાથ)

* આપણા પ્રધાનમંત્રી 'ફૅક ન્યૂઝ ઍવૉર્ડ્ઝ ' આપવાનું ક્યારે ચાલુ કરશે ?
- ન્યૂઝ-ચૅનલો રોજ આટલા કૉમિક પ્રોગ્રામો તો આપે છે ! પ્રધાનમંત્રીને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે ?
 (
મહેન્દ્ર સોલંકી, મુંબઈ)

* દયાની માને ડાકણ ખાય, તો ડાકણની માને ?
- કોઇની પર્સનલ લાઇફમાં શું કામ પડવું જોઇએ ?
(
રવિકુમાર, સુરત)

* તમારે કોઇ પ્રેમિકા છે ?
- એણે 'હા' પાડવાની મને 'ના' પાડી છે.
(
રાધા પી. દેસાઇ, જાનગર)

No comments: