Search This Blog

16/03/2018

'છોટી છોટી બાતેં'('૬૫)


ફિલ્મ : 'છોટી છોટી બાતેં'('૬૫)
નિર્માતા : રાજવંશી પ્રોડક્શન્સ (મોતીલાલ)
દિગ્દર્શક :  મોતીલાલ
સંગીત  :  અનિલ બિશ્વાસ
ગીતકાર : શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ : ૧૨૦- મિનિટ્સ
કલાકારો    : મોતીલાલ, નાદિરા, મોતી સાગર, મંજુ, કુમાર, મુબારક, કૃષ્ણ ધવન, મૃદુલા, લીલા મીશ્રા, સંગીતા, દયાદેવી, એસ.એન.બેનર્જી, એન.કે.મીશ્રા, ભૂડો અડવાણી, માસ્ટર નિસાર, સતિશ અને કેશવ રાણા.

ગીતો
  અંધી દુનિયામતલબ કી દુનિયાહાય રે દુનિયા... મન્ના ડે-કોરસ

૨ કુછ ઓર જમાના કહેતા હે,  ... મીના કપૂર
૩.મોરી બાલી રે ઉમરીયાઅબ કૈસે બીતે રામ... લતા મંગેશકર
૪... જીંદગી કા અજબ ફસાના હૈરોતે રોતે ભી...લતા-મૂકેશ
૫...જીંદગી ખ્વાબ હૈથા હમેં ભી પતાપર હમેં જીંદગી...મૂકેશ
૬...અંધી દુનિયામતલબ કી દુનિયાહાય રે (૨)...મન્ના ડે-કોરસ
ગીત નં.૪ અને ૫ આ  ફિલ્મની યૂ-ટયુબ પર મળતા નથી.

ફિલ્મ પત્રકારત્વની એક મોટી મર્યાદા જે તે કલાકારોનો ઉલ્લેખ 'તૂંકારે' કરવો પડે, તેનો છે. રાજ કપૂર આવ્યો... દિલીપ કુમાર ગયો... દેવ આનંદ સારો લાગે છે... આવા તોછડા લાગતા સંબોધનોનો વિકલ્પ નથી. આ બધા આમે ય, મારા જેવા લખનારાઓના પિતાની ઉંમરના હોય છે અને મોટા ભાગનાઓ ચરણસ્પર્શને કાબિલ હોવા છતાં લખતી વખતે એમના માટે તૂંકારો સ્વાભાવિક બની જવાનું બીજું કારણ પણ એ છે કે, આવું સૌજન્ય હરએક કલકારને લાગુ પાડવું જોઈએ, એ શક્ય નથી. 'આદરણીય શક્તિ કપૂર સારા લાગે છે'કે 'કેટરિના કૈફ અમારે ત્યાં આવ્યા હતા.'એવું વાંચવું ય ગળે ન ઉતરે.


અને આમે ય, પ્રેક્ષક તરીકે થિયેટરમાંથી બહાર નીકળતી વખતે આપણે બધા, 'યાર... દેવલાની ચાલ ઉપર તો આપણે ફિદા છીએ..'એમ કહેતા, પણ એ જ દેવ આનંદ સામે આવીને ઊભો રહે, તો 'દેવ સા'બ થઈ જાય. સ્પષ્ટતાનું કારણ એ જ કે, આપણે બધા આ પ્રતિભાશાળી કલાકારોને જોઈજોઈને મોટા થયા છીએ ને એમને દિલીપ કહીએ કે દિલીપ સા'બ...આપણો એમને માટેનો આદર તો પૂજ્ય દિલીપ કુમાર જેટલો જ રહે છે, તેથી પત્રકારો 'દિલીપ વહિદાને અથડાયો હતો..' એવું બન્નેને કે બધાને તુંકારે બોલાવીએ, તેથી આપણો એમને માટેનો આદર લેશમાત્ર ઓછો થતો નથી.

દાદામોની અશોક કુમાર કે ધી ગ્રેટ મોતીલાલના તો ચરણસ્પર્શ પણ ઓછા પડે, ત્યાં લખતી વખતે એમના માટે તૂંકારો અસ્વાભાવિક લાગે, પણ બીજો કોઈ રસ્તો ય નથી. મોતીલાલ કેમ આટલો ગ્રેટ એક્ટર હતો, એની પ્રતિતિ એણે ભજવેલી હરએક ભૂમિકામાં કરાવી છે.

ચેહરાના હાવભાવથી માંડીને સંવાદો બોલવાની કોઈ છટા-બટા વગર તદ્દન સ્વાભાવિકતાથી- આપણા ડ્રોંઇગ- રૂમમાં વાતો કરતો હોય, એવી અદાયગીને કારણે એ અઘરો નહતો પડતો... ઓન ધ કોન્ટ્રારી, એટલે જ ગમતો હતો. એ સરખામણી એના જ જમાનાના બીજા એક્ટરો સાથે કરીએ ત્યારે મોતીબાબુની સ્વાભાવિકતાનો ખ્યાલ આવે. ક્યાંય લાઉડ નહિ, કોઈ દ્રષ્યમાં છવાઈ જવાનો આયાસ નહિ અને કોઈ નાટકીયપણું નહિ, માટે જેમણે મોતીલાલની બે કે ચાર ફિલ્મો ય માંડ જોઈ છે, એ બધા માટે એ પરમ આદરણીય એક્ટર આજ સુધી રહ્યા છે.

હજી હમણાં જ મોતીલાલની 'પરખઅને 'મિસ્ટર સંપતવિશે આ કોલમમાં લખાયું છે, એટલે અહીં બોયોગ્રાફિકલ કશું લખવાની જગ્યા રહેતી નથી. આ ફિલ્મને કારણે એ જરૂર લખવું પડે કે, જીવનમાં પહેલી ફિલ્મ એમણે જાતે લખી, નિર્માણ કરી અને દિગ્દર્શિત પણ કરી... અને નિર્માણ પૂરૂં થઈને સિનેમાઘરોમાં આવે, એ પહેલા તો એ ગૂજરી ગયા.

નિર્માણ પછીની જે કોઈ કામગીરી હતી, તે બધી એમના દૂરના સગા અને ગાયક સ્વ.મૂકેશે નિભાવી હતી, કબુલ કે, ફિલ્મના ખૂબ વખાણ કરવા પડે, એટલી ઉચ્ચસ્તરીય નહોતી બની, પણ એક એક્ટર તરીકે આ કે કોઈ ફિલ્મમાં મોતીબાબુને જુઓ, એટલે પૂર્ણસંતોષની પ્રાપ્તિ થાય.

જીવનમાં વિરાટ અને મોટી ઘટનાઓ જ કામની નથી.. જે નાનીનાની વાતોને આપણે નીગ્લેક્ટ કરીએ છીએ, એજ ખરી કામની હોય છે, એવી તદ્દન મોટી વાતને ધ્યાનમાં રાખીને એમણે આ ફિલ્મ બનાવી હતી. દરેક ફાલતુ માણસ પાસેથી ય કાંઈ શીખવા જેવું નીકળી આવે છે અને બીજાના કામમાં આવવા જેવું અન્ય કોઈ સુખ નથી, એ પાયો આ ફિલ્મની વાર્તાનો નંખાયો છે.

ખૂબ ભલો છતાં નોકરીએ મોડા પડવાની હૅબિટ મોતીલાલની નોકરી છોડાવે છે ને આ બાજુ એની નફ્ફટ પત્ની (લીલા મીશ્રા), બેવકૂફ પુત્ર (મોતી સાગર) અને ઉડાઉ દીકરી (સંગીતા) બાપ જેટલું કમાય છે, એ બધું હોટલ- સિનેમામાં ઉડાવતા રહે છે, છતાં ગરીબીના બહાને મોતીલાલને ભૂખ્યો રાખે છે.

નોકરી છુટી જાય છે પણ આફ્રિકામાં એના કોઈ દોસ્તે મરતા પહેલા કરેલા વસીયતનામામાં મોતીલાલ માટે રૂ.૨-કરોડની સંપત્તી મૂકી જાય છે ને અચાનક મોતીલાલ કરોડપતિ બની જાય છે. પણ લાલચુ પરિવારને જે કાંઈ જોઈતું હતું, તે બધું આપી દઈને મોતી ઘર છોડીને દૂર એક અજાણ્યા ગામમાં જતો રહે છે, જ્યાં ચૌધરી (કુમાર) અને એની દીકરી મંજૂ રહેવા માટે આલિશાન મકાન આપે છે.

આ જ ગામના તળાવમાં નહાતા નહાતા ડૂબવા માંડેલા મોતીલાલ નાદિરાની બોટને કારણે બચી જાય છે. બન્ને વચ્ચે દોસ્તી થાય છે. મુંબઈમાં ખાંગો થઈ ગયેલો પુત્ર ગામડે મોતીલાલની પાસે 'અનઇન્વાઈટૅડ'આવે છે. નિષ્ફળતાથી કંટાળીને એ આત્મહત્યા કરવા માંગે છે. પણ ચૌધરી (કુમાર) અને મોતીલાલ એને સારી શીખ આપીને ગ્રામોધ્ધારના કામમાં જોતરાઈ જવાની સલાહ આપે છે ને એ માને છે.

ને એ મંજૂના પ્રેમમાં પડી જાય છે. દીકરો મા-બેનને લેવા મુંબઈ જાય છે, એ દરમ્યાન ન છુટકે મંજૂને મોતીલાલના ઘરમાં રાત રોકાવી પડે છે અને એ વાતનો આ ફિલ્મનો વિલન મા.નિસાર મોટો ઇસ્યુ બનાવી દે છે, જેના આઘાતમાં મોતીલાલ ગૂજરી જાય છે. આ ફિલ્મસારને કારણે જો તમને ફિલ્મ ન સમજાઈ હોય તો જોયા પછી ય સમજાય એવી નથી. મોતીલાલ રાજ કપૂર, અશોક કુમાર કે દિલીપ કુમારના લેવલનો એક્ટર હતો, એટલે આવા સાહજીક એક્ટિંગ તો એ જ કરી શકે (અન્ડરપ્લે) પણ વાર્તા લખવા/બખવાનું કામ એમણે નહોતું કરવા જેવું, ઘણી નબળી વાર્તા હતી. નાદિરા હીરોઈન છે, પણ એને પૂરી ફિલ્મમાં ૫-૬ સંવાદો બોલવાના આવે છે. બસ. એક મોતીલાલ અને બીજા અનિલ બિધ્વાસને કારણે ફિલ્મ જોવી ગમે છે. ભારે ગુસ્સો ચઢે 'યૂ-ટયૂબ'પર આ ફિલ્મ આખી બતાવનારાઓને, જેમાંનું મૂકેશનું મુખ્ય ગીત જ 'જિંદગી ખ્વાબ હૈ, થા હમેં ભી પતા.' ફિલ્લમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે.

નાદિરા અડયા વગર પણ બહુ તીખી હતી. એની પાસે જતા લોકો ડરતા. ઓડિનરી હીરો કે નિર્માતા એની પાસે જવાની હિમત ન કરે, ત્યારે ફિલ્મ 'મહલ'નો ગીતકાર નખ્શબ જારચવી સ્ત્રીઓનો કંઈક વધુ પડતો શોખિન અને પૂરો નફ્ફટ હતો. ફિલ્મ 'મહલ'ના મુશ્કીલ હૈ બહોત મુશ્કીલ.. ના લતાના રેકોડિંગ પછી સ્ટુડિયોની બહાર બેઠેલી લતા પાસે બિન્દાસ્ત જઇને દોસ્તી બનાવવાના ઇરાદે લતાની એક કિંમતી પેન ઝૂંટવી લીધી, જેના ઉપર કમનસીબે 'લતા મંગેશકર' કોતરાયેલું હતું. આ નખ્શબને બહુ કામમાં આવ્યું. લતાની લાચારી અને ગુસ્સા છતાં પેલો પેન ઝૂંટવીને જતો રહ્યો ને પ્રેસ પાસે એવો પ્રચાર કર્યો, 'હું ને લતા પ્રેમમાં છીએ.

જુઓ, આ બતૌર નિશાની !' લતાએ એ પછીના દિવસો લાચારી, ગુસ્સો અને ઘરની બહાર નીકળ્યા વગર કાઢવા પડયા હતા. એ પછી નખ્શબ એ જમાનાની ફાયરબ્રાન્ડ કરોડપતિ અને શિક્ષીત હીરોઈન સ્નેહપ્રભા પ્રધાન (કિશોર સાહૂની પ્રથમ પત્ની) ને પ્રેમમાં પાડી- બળજબરી અને છલથી. થોડા વખતમાં એનાથી ધરાઈ જઈને નાદિરા સાથે લગ્ન કર્યા. ચાર દિવસ ચાલ્યા ને નાદિરા કોઈ આરબ શેખના સોના- ચાંદીથી લથબથતા પ્રેમમાં પડી. ત્યાંથી બેન નવમે દિવસે પાછા આવ્યા અને જેને કોઈનો નહિ આધાર, એની મોતીલાલ નૈયા કરાવે પાર.. ! એ મુજબ, મોતીલાલ- નાદિરાના પ્રેમપ્રકરણો ચગ્યા, એ અરસામાં શોભના સમર્થ વિધવા થઈ ને મોતીલાલની સ્કૂલમાં 'ખાલી જગ્યા પૂરો'વાળી માસ્ટરી કામમાં આવી. એ વાત જુદી છે કે, આ બન્નેને પ્રેમમાં વાસના કરતા સમર્પણ વધુ હોવાથી શોભનાની ત્રણ દીકરીઓ નૂતન, તનૂજા, ચતુરા અને ભાઈ (મોટા ભાગે જયદીપ નામ હતું... ભૂલ કાઢવાની છુટ !) ને પણ માતા-પિતાની આ નવી જોડી સામે વાંધો નહતો.

ફિલ્મમાં એક સરસ સંવાદ આવે છે. ઘણા બધા ગિફ્ટ-પેકેટો ઉચકીને ઘેર આવતા મોતીલાલથી બે- ચાર પેકેટો પડી જાય છે. ફૂટપાથ પર બેઠેલા એક લુખ્ખાને એ પેકેટો આપવાની વિનંતી કરે છે, જેના જવાબમાં લુખ્ખો કહે છે, 'આઠ આને લગેંગે..'(આજની પેઢીના વાચકો 'આના ન પણ સમજે, પણ અડધો રૂપિયો એટલે આઠ આના...ઉફ્ફ...એક રૂપિયો ય આજની પેઢીમાં કોણે જોયો છે.. ? નહિ સમજાવી શકું... નોટબંધીનો જમાનો ચાલે છે !) મોતીલાલ પેલાને આઠ આનાને બદલે બધું પરચૂરણ આપી દે છે અને મોતી કહે છે, 'યે પૈસે મૈંને તુમ્હેં કામ કરને કે નહિ દિયે... ઇસ લિયે દિયે હૈં કિ તુમને મુઝે સબક સીખાયા હૈ, 'પૈસા દો ઔર કામ લો.'' કેવો વાસ્તવિક ડાયલોગ !

લીલા મીશ્રા તો બહુ જૂની અભિનેત્રી. '૩૦- ના દશકમાં તો એ પોતાની કોઈ કમાલ કે ઇચ્છા વગર હિંદી ફિલ્મોમાં આવી ગઈ હતી. અને એમાં ય રોલ હીરોઈનનો મળ્યો હતો, પણ ચુસ્ત હિંદુ પરિવાર (જૈસ-રાયબરેલી, ઉત્તર પ્રદેશ)ની આ 'છોકરી'ના લગ્ન ૧૨- વર્ષની ઉંમરે રામપ્રસાદ મીશ્રા સાથે થઈ ગયા અને ૧૭-ની ઉંમરે ફિલ્મ 'શોલે'ની આ 'મૌસી' બે દીકરીઓની મા બની ગઈ.

અત્યારે કોમિક લાગે એવી વાત એ હતી કે, પરપુરૂષને અડવાની વાત નહિ કરવાની એમાં, રાજેન્દ્ર કુમાર-શર્મીલા ટાગોરની ફિલ્મ 'તલાશ'માં મન્ના ડે ના સ્વરમાં પરદા ઉપર જેણે 'તેરે નૈના તલાશ કરે જીસે વો હૈ..' ગાનાર અભિનેતા શાહુ મોડક સામે હીરોઈન બનવાનું હતું પણ ભેટવા- બેટવા તો ઠીક, અડવાની ય વાત નહિ, એમાં અમથા ય પૈસાથી તૂટી ગયેલા ફિલ્મના નિર્માતાએ નવો ખર્ચો કરવાને બદલે લીલાને હીરોઈનને બદલે 'મા' બનાવી દીધી. ( આ શબ્દો, એટલે ફિલ્મના કિરદારમાં મા બનાવી દીધી, એમ સમજવા !) અને 'મા ક્લિક થઈ ગઈ.

એના ઘરના નોકર 'શંકરના રોલમાં નઝીર કાશ્મીરી છે, જે ફિલ્મ 'આનંદ'માં 'જહાંપનાહ'નો કિરદાર કરે છે. મોતીલાલનો બોસ બનતો કલાકાર કેશવ રાણા ( મોટા ભાગની ફિલ્મોમાં આ મૂળ નેપાળી એક્ટર હોટેલનો મેનેજર/રીસેપ્શનિસ્ટ બનતો) અને એના સ્ટાફમાં વૃધ્ધ ટકલુ ભૂડો અડવાણી છે, જેની ઉપર ફિલ્મ 'બુટપોલિશ'માં રાગ અડાણા ઉપર આધારિત 'લપક ઝપક તુ આ રે બદરવા' ફિલ્માયું હતું.

આ સિંધી કલાકારે સિંધી સ્ટેજને ઉભું કરવા ૧૯૬૧-માં મોતીપ્રકાશ અને એસ.પી.મેંઘાણી સાથે ઘણું કામ કર્યું હતું. નામ તો એમનું દોલતરામ અડવાણી હતું, પણ કેટલાક લોકો જન્મથી જ બુઢ્ઢા લાગતા હોય છે, એટલે બુઢ્ઢોનું અપભ્રંશ 'ભૂડો' થઈ ગયું. રાજ કપૂરની 'શ્રી.૪૨૦'નો એમનો કિરદાર યાદગાર છે. ઇમ્પોર્ટેડ કારમાં મોતીલાલને પોતાની ઓફિસે લઈ આવનાર સોલિસિટર કૃષ્ણ ધવન (જેની ઉપર ફિલ્મ 'તીસરી કસમ'માં 'ચલત મુસાફિર મોહો લિયા રે...' ફિલ્માયું હતું અને એના ગોળમટોળ પિતા એસ.એન.બેનર્જી છે.

માસ્ટર નિસાર હિંદી ફિલ્મો બોલતી થઈ (ટોકી)ત્યાર પછીનો સુપરસ્ટાર હતો. જહાનઆરા કજ્જન સાથે 'લૈલા મજનૂ'અને 'શીરીં- ફરહાદ'ની જોડી મુલ્કમશહૂર થઈ, એ પછી થોડા વર્ષોની જાહોજલાલી જોઈને ખરાબ દિવસો શરૂ થયા. રાજ કપૂરની ફિલ્મ 'બુટપોલિશ'માં મુહમ્મદ રફીએ ગાયેલું 'તુમ્હારે હૈં તુમસે દયા માંગતે હૈ...' એ ભિક્ષુક બાળકોના સેવાભાવી નેતા તરીકે આ માસ્ટર નિસાર ઉપર ફિલ્માયું હતું.

વૈજ્યંતિ- સુનિલ દત્તની ફિલ્મ 'સાધના'ની કવ્વાલી 'આજ ક્યું હમસે પરદા હૈ'(રફી-બલબીર) પરદા ઉપર એણે ગાઈ હતી. અરે, એક સાથે ૬૯ ગીતો ધરાવતી એકમાત્ર હિંદી ફિલ્મ 'ઇંદ્રસભા'માં નિસાર હીરો હતો. પણ છેલ્લે દિવસો એવા આવ્યા કે, મુંબઈની હાજીઅલી દરગાહ પાસે એ ભીખ માંગતો જોવા મળ્યો હતો ને ત્યાં જ ગૂજરી ગયો. આ ફિલ્મમાં એ નાદિરાના 'બુરી નજરવાલે' બનેવીનો રોલ કરે છે.

રેલ્વેનો ટિકીટ-કલેક્ટર પોતાના ગામમાં મોતીલાલને લઈ આવે છે, એ હવેલીના માલિકના રોલમાં ફિલ્મ ગીત 'અય મુહબ્બત ઝીંદાબાદ' ગાય છે. આ કુમાર બેમિસાલ અવાજનો માલિક અને ખૂબ સારો અભિનેતા હતો. એનું સાચું નામ 'સઈદઅલી હસન ઝૈદી' હતું અને લખનૌના ઘણા આદરપાત્ર શિયા સૈયદ મુસલમાન કોમમાંથી એ આવતો હતો. પરિવારના લોકો એને લાડમાં 'મીર મુજ્જન' કહેતા.

બહુ વર્ષો પહેલા 'દૂરદર્શન' પર 'નુક્કડ' નામની ટીવી- સીરિયલ આવતી, એમાં કુમારનો દીકરો હૈદરઅલી નાનકડા રોલમાં આવતો રહેતો. કુમાર તો એની પત્ની પ્રમીલા સાથે પાકિસ્તાન સૅટલ થઈ ગયો અને ત્યાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ પ્રમીલા યહૂદી (જ્યુ) હતી, નામ એસ્થર વિકટોરીયા અબ્રાહ્મ અને આ બન્નેની દીકરી રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ (એના કહેવા મુજબ) ચેતન આનંદવાળી 'આખરી ખત' હતી, જેમાં આ નકી જહાન સાઈડ- એકટ્રેસ હતી. નકી 'મિસ ઇન્ડિયા' પણ બની હતી અને તે પછી વિક્રમ કામદારને પરણીને હિદુ ધર્મ અંગીકાર કરી લીધો અને નામ રાખ્યું, 'નંદિની'.

હવેલીમાં નોકરાણી તરીકે બોખી અને ઘણી કદરૂપી ઘરડી એકટ્રેસ દયાદેવી છે. બુટપોલીશની ડબ્બી બહાર આવી હોય્મ એવી એની ગોળ દાઢી હલે રાખે છે. મોતીલાલના બંગલે ટાંગો લઈને આવનાર મુબારક છે, જે 'અનારકલી'માં શહેનશાહ અકબર બન્યો હતો. 'મુગલ-એ-આઝમ' પહેલાની આવી ઘણી ફિલ્મોમાં અકબર તરીકે નામ માત્ર મુબારકનું હતું, પણ એકવાર પૃથ્વીરાજ કપૂરની એન્ટ્રી થઈ પછી કોઈ એક્ટરે શહેનશાહ અકબર બનવાની હિમ્મત નથી કરી.

ફિલ્મના હીરો મોતી સાગરને 'રામાયણ' ટીવી સીરિયલવાળા રામાનંદ સાગર સાથે કોઈ લેવાદેવા નહિ. પણ આજની ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક અને મુખ્ય પાત્ર મોતીલાલ, ગાયક મૂકેશ અને તારા હરિશના એ કઝિન થાય. ઇંગ્લિશમાં આ 'કઝિન' શબ્દના સગપણો લાંબેલાંબા ઓળખાય છે. 'કઝિન'નો સાચો અર્થ તો સગા કાકા કે મામાનો દીકરો થાય. અલબત્ત, આ મોતી સાગર 'માય હાર્ટ ઇઝ બીટિંગ, કીપ્સ ઓન રીપિટિંગ ફેઈમ ગાયિકા પ્રીતિ સાગરના પપ્પા થાય. ફિલ્મમાં નાદિરાની મોટી દાદી બને છે, મૃદુલા.'

આટલા હિટ ગીતો આપવા છતાં એમણે ક્ષેત્રસન્યાસ લઈને નવી દિલ્હીના ઓલ ઇન્ડિયા રેડિયો પર નોકરી લઈ લીધી ને ફિલ્મઉધોગ છોડી દીધો. કારણ ધારવામાં સહેલું પડે એવું છે કે, જેને શંકર-જયકિશન, નૌશાદ, સી.રામચંદ્ર કે મદન મોહન જેવા દિગ્ગજ સંગીતકારો ય પોતાના ગુરૂસ્થાને માનતા હતા, એવા આ સન્માન્નીય સંગીતકાર અનિલકૃષ્ણ બિશ્વાસ માટે ૧૯૬૧-માં પહેલી પત્ની મેહરૂન્નિસા (જે પરણીને આશાલતા બની)નો દીકરો પ્રદીપ વિમાન અકસ્માતમાં ગૂજરી ગયો, એનો ઘા સહન કરવો અઘરો હતો.

સાથે સાથે એક કારણ એ પણ જોવામાં આવે છે કે, ફિલ્મનગરીના એ સૌથી સીનિયર અને ઓરિજીનલ સંગીતકાર હોવા છતાં ૫-૬ ફિલ્મોને બાદ કરતા એમનું સંગીત બહુ ચાલ્યું નહિ ને નિર્માતાઓને વિશ્વાસ ઉઠવા માંડયો. નવી પત્ની ગાયિકા પત્ની પાસે ગવડાવ્યા... કારણ જે કોઈ આપવામાં આવે, એ તમામ ગીતોને ફરીથી લતા મંગેશકર પાસે ગવડાવવા પડયા. 'યાદ રખના ચાંદ- તારોં' ઇસ સુહાની રાત કો...! નંદા- અશોક કુમાર-ધર્મેન્દ્રનું 'આકાશદીપ' પ્રકાશમાં, ત્યાં જ 'ધર્મેન્દ્ર-માલા સિંન્હાનું 'નીલા આકાશ,'' પ્રકાશમાં જ જોય મુકર્જી-અશોક કુમાર-માલા સિન્હાનું 'બહુબેટી', લક્ષ્મીમાં નંદા-મનોજનું 'બેદાગ' ત્યાં જ અશોક કુમાર-મીના કુમારી-પ્રદીપ કુમારની કાયમી ત્રિપુટીનું 'ભીગી રાત,' સામે લાઈટ હાઉસમાં મેહમુદ- તનૂજાનું 'ભૂત બંગલા,'એલ.એન.મા ઉત્તમ સંગીત હોવા છતાં અશોક કુમાર-તનૂજા-ધર્મેન્દ્રનું 'ચાંદ ઔર સૂરજ' જરા ય ન ચાલ્યું, પણ જે ખૂબ ચાલ્યું તે નંદા-શશિ કપૂરનું 'જબ જબ ફૂલ ખીલે'મોડેલમાં ફીરોઝ ખાન-કુમકુમનું 'એક સપેરા એક લૂટેરા', રીલિફમાં મનોજ-માલાનું હિમાલય કી ગોદ મેં, થોડું ચાલ્યા પછી દેવ આનંદનું ગાઈડ આવતું હતું, એટલે ઉતારી લેવું પડયું.

અલંકારમાં નંદા-મનોજનું 'ગુમનામ' પછી ત્યાં જ પ્રદીપ કુમાર-પદ્મિનીનું 'મહાભારત', મેરે સનમ ખૂબ ચાલ્યું, એ પછી રીગલમાં 'જાહેર મેહમુદ ઇન ગોવા અને ત્યાં જ અશોક કુમાર-રાજકુમાર-ફીરોઝ ખાનનું 'ઉંચે લોગ, રૂપમમાં મીના કુમારી- રાજકુમાર-ધર્મેન્દ્રનું 'કાજલ', નોવેલ્ટીમાં નૂતન-સુનિલ દત્તનું 'ખાનદાન', અશોકમાં સિલ્વર-જ્યુબિલી કરી ગયેલું પૃથ્વીરાજ કપૂર-નિશી-દારાસિંઘનું લૂટેરા અને ત્યાં જ સિકંદર-એ-આઝમ, જૂના સિનેમા-ડી-ફ્રાન્સમાંથી નવી 'કલ્પના' સિનેમા બનેલી તેમાં મેહમુદ-જાહેર-અમિતાનું નમસ્તેજી, એડવાન્સમાં આમ તો કાયમ ઇંગ્લિશ ફિલ્મો જ આવતી, પણ ક્યારેય હવાફેર માટે એકાદી હિંદી ફિલ્મ આવી જતી, એમાં કુમકુમ-કિશોર કુમારનું 'શ્રીમાન ફન્ટુશ', મોડેલ ટોકીઝમાં દેબુ મુકર્જી-નિવેદિતાની પહેલી ફિલ્મ 'તૂ હી મેરી ઝીંદગી'અને કૃષ્ણ ટોકીઝમાં રાજકુમાર-સાધના- સુનિલ દત્તનું 'વક્ત'. 

No comments: