Search This Blog

31/03/2018

'શ્રીમતીજી' ('૫૨)


ફિલ્મ : 'શ્રીમતીજી' ('૫૨) 
નિર્માતા  :  ફિલ્મીસ્તાન સ્ટુડિયોઝ
દિગ્દર્શક  : આઈ.એસ. જોહર
સંગીતકારો : એસ. મોહિંદર, જીમ્મી અને બસંત પ્રકાશ
ગીતકાર   :  (બૉક્સ મુજબ)
રનિંગ ટાઈમ : ૧૪,૬૦૦ ફૂટ
કલાકારો : આઇ.એસ. જોહર, નાસિર ખાન, શ્યામા, મજનૂ, રામસિંહ, મુરાદ, સેમસન, રામઅવતાર, ઈંદિરા, વિમલા, બંસલ, પ્રભા, બલદેવ મેહતા, મૂલચંદ, યશવંત, આગા મિરાજ, ટુનટુન.

ગીતો
૧.  લિપિસ્ટિક લગાનેવાલે, દિલ કો જલાનેવાલે...    શમશાદ-કોરસ
૨. કભી હમારે ઘર ભી આઓ, ઓ નગદ નારાયણ...    શમશાદ-કોરસ
૩. છોટી બડી સુઇયાં, ઓ બાબુ, ઓ બાબુ...    શમશાદ-કોરસ
૪. ત ર ર રા ર મ... હાય આશિકોં ને હૂસ્ન કો...    કિશોર કુમાર
૫.નૈન મિલા લો, નૈન મિલા લો, પ્યાર કા ડર હૈ...    શમશાદ-કિશોર
૬. દો નૈના તુમ્હારે પ્યારે પ્યારે, ગગન કે દુલારે...    ગીતારૉય-હેમંત
૭. ઝખ્મ વો દિલ પે લગા, તકદીર ને લૂટા...    ગીતા રૉય
૮.  ત ર ર રા ર મ... હાય આશિકોં ને હૂસ્ન કો...    શમશાદ-કોરસ
૯. બરખા કી રાતોં મેં દિલ જલતા હૈ...    આશા ભોંસલે-            કોરસ
૧૦. તેરી બદલી હુઇ ચાહત મેં બલમ પિટ ગયે હમ...    ગીતા રૉય
ગીત નં. ૧, ૨ અને ૬ રાજા મેંહદી અલીખાં - ગીત નં. ૭ હસરત જયપુરી, ગીત નં. ૧૦ શૈલેન્દ્ર. બાકીના ગીતકારોની માહિતી મળી શકેલ નથી.

આઈ.એસ. જોહરનો એક જ પ્રોબ્લેમ હતો. એણે તો ઉઘાડેછોગ કહી દીધું હતું કે, ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે, ફાલતુ અને બહુ ફાલતુ... એમાં હું પહેલા પ્રકારની ફિલ્મો બનાવું છું. આ છુટ પહેરેથી લઈ લીધા પછી, ફિલ્મો તો એણે ફાલતુ જ બનાવી, પણ તો ય એમાં જાડુંજાડું ય હાસ્ય હતું અને તે પણ અનેકવાર ખડખડાટ હસાવે એવું.

પણ એ જ ફિલ્મોમાં (અને આજની 'શ્રીમતીજી'માં તો ખાસ) એણે બુધ્ધિ વગરની એવી સીચ્યૂએશનો આપી છે કે, ખીજ ચઢે કે આમાં હાસ્ય ક્યાં આવ્યું? જોહર બહુ ફાલતુ ફિલ્મો બનાવનારા નિર્માતાઓ જેવો સ્વયં બેવકૂફ નહોતો, પ્રખર બુધ્ધિમાન હતો. એનું હ્યુમર ઊંચી ઔલાદનું હોય! જ્યાં એને દિગ્દર્શક સારા મળ્યા હોય એવી ('જ્હોની મેરા નામ' કે 'સફર' જેવી ફિલ્મોમાં જોહર વર્લ્ડ-ક્લાસ લાગે... અને હતો ય ખરો. પીટર ઑ'ટુલની ફિલ્મ 'લૉરેન્સ ઑફ અરેબિયા' હોય કે હૅરી બ્લેક, નૉર્થ વૅસ્ટ ફ્રન્ટિયર અને ડૅથ ઑન ધ નાઇલ અને 'માયા' (ઈંગ્લિશ)માં ધોળીયા ઍક્ટરો એની દોસ્તી પામવામાં ખુશખુશ હતા. ડૅવિડ લીન જેવો સર્જક કે 'મૅકેનોઝ ગૉલ્ડ'વાળો ઓમર શરીફ જોહરને ખુબ ચાહતો. જોહરને પણ ફિલ્મોમાં પહેલો ચાન્સ રૂપ કે.શોરીએ જ ફિલ્મ 'એક થી લડકી'માં આપ્યો હતો, જેનું 'લારાલપ્પા' ગીત તો મુલ્કમશહુર આજે પણ છે જ, પણ એ ફિલ્મનું સર્વોત્તમ ગીત લતા-રફીનું 'યે શોખ સિતારે...' અને 'ઘિર ઘિર કે આઇ બદરીયા, બાદરવા ના જા...' લતાબાઈનું સર્વાંગ સુંદર ગીત હતું... સંગીતકાર હતા વિનોદ.

આઇ.એસ. જોહર ઉપર હૉલીવૂડના કૉમેડિયન બૉબ હોપનો જંગી પ્રભાવ હતો. 'એ રોડ ટુ...'સીરિઝની ફિલ્મોમાં બૉબની ફિલ્મો જ નહિ, અભિનયની પણ જોહર નકલ કરતો. 'જોહર-મેહમુદ'ની સીરિઝ પહેલા જોહરની જોડી મજનૂ નામના (મૂળ ક્રિશ્ચિયન) કૉમેડિયન સાથે બની, પણ ટિપીકલ જોહરીયન-સ્ટાઇલ મુજબ, જોહરની કોઈ પણ જોડી એકબીજાના કૉમિક નામોથી બોલાવે, 'ક્યું મિસ્ટર ફટાફટ!' જવાબ, 'હાં મિસ્ટર સટાસટ.' લેવા-દેવા વગરના બન્ને ચિત્રવિચિત્ર ચોકડાવાળા કૉટ પહેરે, માથે વિલાયતી ટોપો પહેરે અને મોટા ભાગે એ બન્ને 'કરૂબાજો'ના રોલમાં હોય. આ મજનૂનું સાચું નામ હતું, 'હેરલ્ડ લુઇ'. ફિલ્મ 'એક થી લડકી'વાળા રૂપ કે.શોરીએ ૧૯૩૫-માં બનાવેલી ફિલ્મ 'મજનૂ'નો એ હીરો હોવાથી એ જ નામે કાયમી જાણિતો બની ગયો.

સરપ્રાઇઝિંગલી, આ ફિલ્મનું ત્રણ સંગીતકારોને અપાયું છે. જીમી. એસ. મોહિંદરસિંઘ ('ગૂઝરા હુઆ ઝમાના, આતા નહિ દોબારા, હાફીઝ ખુદા તુમ્હારા...') અને ખેમચંદ પ્રકાશના નાના ભાઈ બસંત પ્રકાશ (આશા ભોંસલે-મહેન્દ્ર કપૂરનું 'રફ્તા રફ્તા વો હમારે, દિલ કે મેહમાં હો ગયે, પહેલે દિલ, ફિર દિલરૂબા, ફિર દિલ કે મેહમાં હો ગયે...' 'અનારકલી'માં સંગીત તો સી. રામચંદ્રનું હતું, પણ ગીતાદત્તનું એક ગીત, 'આ જાને વફા...' બસંત પ્રકાશે બનાવ્યું હતું... અફ કૉર્સ, ખિજાયેલા અન્ના નિર્માતાને કાંઇ કહી શક્યા નહોતા. સરદાર મોહિંદરસિંઘે અગાઉ રાજ કપૂરની ફિલ્મ 'પાપી', પછી 'શીરિં-ફરહાદ', 'ઝમીન કે તારે', 'ખૂબસુરત ધોખા', 'જય ભવાની' અને 'નાતા' જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.

અલબત્ત, 'શ્રીમતીજી'ના ત્રણે સંગીતકારોમાંથી કોણે કયા ગીતો બનાવ્યા છે, તેની માહિતી મળતી નથી. ૧૯૬૨-ની સાલમાં હિંદી ફિલ્મોમાં એક અનોખો વર્લ્ડ-રેકોર્ડ નોંધાયો હતો. આપણો 'મિન્શિપાલ્ટી' હીરો પ્રેમનાથ અને રાજેશ ખન્નાવાળી મુમતાઝને લઇને એક ફિલ્મ મધુબાલાના ફાધર અતાઉલ્લા ખાને બનાવી, 'પઠાણ', એમાં કોઇ બે-ચાર નહિ, પૂરા ૯-સંગીતકારોએ એક ફિલ્મ માટે સંગીત આપ્યું હતું.

દરેકના ગીતો અલગઅલગ, જેમાં મને ને તમને યાદ રહી ગયા હોય એવા બે જ ગીતો તલત મેહમુદને ગાવા મળ્યા હતા, 'આજા કે બુલાતે હૈં, તુઝે અશ્ક હમારે...' (સંગીતકાર જીમી) અને બીજું, 'ચાંદ મેરા બાદલોં મેં ખો ગયા, મેરી દુનિયા મેં અંધેરા હો ગયા...' આ ગીતની ય આછી નોખી કમાલ હતી કે, આ એક જ ગીતને બે સંગીતકારો લાલા અસર સત્તાર અને ફકીર મુહમ્મદે ભેગા મળીને બનાવ્યું હતું. (આ ૯-સંગીતકારોના નામ હતા, ફકીર મુહમ્મદ, લાલા અસર સત્તાર, જીમી, શંભુ, દત્તરાજ, રાજભૂષણ, ડૅવિડ, બ્રીજભૂષણ અને શ્યામબાબુ પાઠક.)

એ વાત જુદી છે કે, 'શ્રીમતીજી'ના ગીતા-હેમંતને બાદ કરતા કોઇ ગીતો આપણા સુધી પહોંચ્યા નહિ, પણ સાંભળ્યા પછી એક એક ગીત બડું મધૂરૂં-મધુરૂં લાગ્યું છે. એ આ સંગીતકારોની કમનસીબી કે, એ જમાનામાં 'બિનાકા ગીતમાલા'માં આમના જેવા અનેક સંગીતકારોને નામનો ય ચાન્સ ન મળ્યો.

દિલીપ કુમારનો સગો નાનો ભાઈ નાસિર ખાન (જેની ચર્ચા ડીટેઇલમાં ફિલ્મ 'ઝીંદગી ઝીંદગી'ના લેખમાં કરી ચૂક્યા છીએ.) કોઈને યાદ નહિ હોય, નાસિર એની તદ્દન ટૂંકી કારકિર્દી છતાં એક પણ ફિલ્મમાં હસ્યો હોય..! પણ આ તો ઈન્દ્રસેન જોહરની ફિલ્મ અને એનો ય આ હીરો. અહીં એ પહેલી વાર કૉમિક કિરદારમાં છે એટલે બહુ કઢંગો લાગે છે.

લારીમાં ચોળાફળી વેચનારાને મીઠાઈના એરકન્ડિશન્ડ શૉ રૂમની જાહોજલાલીભરી ઑફિસમાં બેસાડયો હોય એવું લાગે. એણે જીવનભર સીરિયસ રોલ જ કર્યા છે ને એમાં ય કદી જામ્યો નહોતો તો અહીં તો જોહરની ફિલ્મમાં રીતસરના ગાન્ડા કાઢવાના છે. સદનસીબે, એ હૅન્ડસમ તો દિલીપ કુમાર જેવો ખૂબ હતો. અવાજ બિલકુલ દિલીપનો લાગે, એવો મીઠો.

શરીર પરના તમામ વાળ ઉતરી જાય, (જેમાં એની આંખોની ભ્રમર પણ ખરી!) એવો કોઈ અજાયબ રોગ થવાથી એની પૂરી પર્સનાલિટી ઉતરી ગઈ હતી, પણ આ ૧૯૫૨-ની ફિલ્મ હતી એટલે આ ફિલ્મ 'શ્રીમતીજી'માં એ સારો દેખાય પણ છે અને સંવાદ બોલવાની ઢબ અનાયાસ પણ દિલીપને મળતી આવતી હોવાથી આ ફિલ્મમાં એ ગમે પણ છે. એનો દીકરો અય્યુબ ખાન આમિર ખાન, સૈફઅલી ખાન અને અક્ષય ખન્ના સામે વિલનમાં ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં આમિર ખાનને હાથે ટીચાઇ જવા આવ્યો હતો.

શ્યામા લાહોર-પાકિસ્તાનથી આવેલી મુસ્લિમ છોકરી 'ખુર્શિદ અખ્તર' હતી. સિંગર-હીરોઇન નૂરજહાં એને જોઈને પોતાની ફિલ્મ 'ઝીનત'ની બહુ ફેમસ કવ્વાલી, 'આહેં ન ભરી શિકવે ન કિયે, કુછ ભી ના ઝુબાં સે કામ લિયા...'માં એના જેવી જ નાની છોકરી શશિકલા સાથે ચમકાવી. સ્વાભાવિક છે, આ કવ્વાલીની મુખ્ય ગાયિકા નૂરજહાં હતી. પણ એ પછી આપણા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વિજય ભટ્ટે એને એ વખતની ફિલ્મી-સ્ટાઇલ મુજબ હિંદુ નામ 'શ્યામા' આપ્યું. ગુરૂદત્તને ખૂબ ગમી ગઇ એટલે ફિલ્મ 'આરપાર'ની હીરોઈન બનાવી.

મધુશાલા-ભારત ભૂષણની ખૂબ સફળ ફિલ્મ 'બરસાત કી રાત'માં શ્યામાનો કિરદાર ખૂબ જામ્યો. એ જ મધુબાલા અને દિલીપ કુમારની ફિલ્મ 'તરાના'માં શ્યામા વખણાઇ. રાજ કપૂર-મીના કુમારીની ફિલ્મ 'શારદા' માટે તો એને 'સર્વોત્તમ સહાયક અભિનેત્રી'નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો, પણ હીરોઇન તરીકે ખૂબ સુંદર અને નામ કમાવા છતાં છોકરીમાં અક્કલ ઓછી હતી અને જે આવે એ ફિલ્મોમાં એ કામ કરવા લાગી, એમાં કૉમેડિયન જ્હૉની વૉકર સાથે જ કોઈ ૪-૫ ફિલ્મોમાં હીરોઈન તરીકે આવી, એમાં સારી ફિલ્મોમાંથી એ ફેંકાઈ ગઈ અને સાઇડના રોલ જ મળવા લાગ્યા. નહિ તો રાજેન્દ્ર કુમાર સામે ફિલ્મ 'દો બહેનેં'માં તો એનો ડબલ-રોલ હતો. વસંત દેસાઈના સંગીતમાં ફક્ત લતા મંગેશકરના ડાય-હાર્ડ ફેન્સે જ સાંભળ્યું હોય એવું સૂરિલું ગીત, 'સૈંયા પ્યારા હૈ અપના મિલન, દૂર તુમ થે કહીં, દૂર હમ થે કહીં' શ્યામા ઉપર ફિલ્માયું હતું. ગુજરાતના પારસી કેમેરામેન અને દેવ આનંદની મોટા ભાગની ફિલ્મો માટે કેમેરા ચલાવનાર ફલી મિસ્ત્રી સાથે શ્યામા પરણી હતી.

શ્યામા એના દબદબાભર્યા દિવસોમાં તો કેવી સુંદર અને 'પતલી કમર' હતી. અભિનયમાં એવરેજ હતી પણ સુંદરતામાં એ સમયની અન્ય અભિનેત્રીઓથી કાચો દોરો ય ઉતરતી નહોતી. અલબત્ત, જમાનો પૂરો થવા આવ્યો, એમાં પહેલેથી ખાવા-પીવાની ધોધમાર શોખિન હતી, એમાં શરીર મુંબઇની ભૂગોળ મુજબ-વિરારથી ચર્ચગેટ જેવું લાંબુ ન થયું, ગુજરાતના ગાંધીનગર જેવું ચારેબાજુથી વધારે પડતું તંદુરસ્ત થઈ ગયું, કમરની સાઇઝમાં તો ટાઉન હૉલનો પડદો બનાવી શકાય.

મુંબઈમાં એના ઘરમાં રોજ ટીવી ચાલુ હોય, એમાં કોક વાર એની જૂની ફિલ્મ દર્શાવાતી હોય ત્યારે અચાનક એની મરાઠી બાઇ ગભરાયા જેવી થઈ જઈને મોંઢે હાથ મૂકીને શ્યામા-શેઠાણીને જ પૂછે, ''હાય રામ... સેઠાનીજી, તમે કેવા સુંદર હતા અને આજે કેવા થઇ ગયા...?'' પરપુરૂષો સાથેના વધુ પડતા સંબંધોએ એને એના સંતાનોથી ય નોખી કરી નાંખી. ફિલ્મનગરીમાં એની એક માત્ર ખાસ સખી 'તુમ સા નહિ દેખા'વાળી અમિતા હતી... પણ એ તો સ્ત્રી હતી...!!!

આ ફિલ્મ 'શ્રીમતીજી'માં શ્યામાની કડકી ત્રણ રૂપ-પાર્ટનર્સમાંની એક ઈંદિરા બંસલ વધુ જાડી થઈને કૉમેડિયન તરીકે ઘણી ફિલ્મોમાં આવી હતી. બીજી પ્રભા અને વિમલા છે. '૫૦-ની બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોના ઑલમોસ્ટ કાયમી કોમેડિયનો પૉલસન, મૂલચંદ, આગા મિરાજકર (જે લગભગ બધી ફિલ્મોમાં સાઉથ-ઈન્ડિયન ઉચ્ચારો સાથેનું હિંદી બોલે છે. બર્માના કર્નલના રોલમાં સૅમસન છે. રામસિંહ 'લૉયન'વાળા વિલન અજીત જેવો ઊંચો-પહોળો અને દેખાવડો પણ હતો. એની હાઇટ-બૉડી જોઈને દિગ્દર્શકો એને કાયમી શૂટ જ પહેરાવતા.

આઇ.એસ. જોહરે બનાવેલી ફિલ્મોની વાર્તા તો ઠીક, એના અંશો લખવા ય કઠિન હોય. કોઇ સાંધાસલાડાનો મેળ પડતો ન હોય. ફિલ્મ ચાલતી જાય, એમ એમ આપણને સૂઝ એવી વાર્તા ઉમેરતા જવાની. તમે જોહર કરતા ય વધારે ખરાબ લખતા હો તો ચિંતા નહિ કરવાની... જોહરની ફિલ્મોની વાર્તા ય તમારું શું તોડી શકે છે? આ ફિલ્મમાં શ્યામા નોકરીની તલાશમાં મુંબઇ આવે છે અને એના જેવી જ બેકાર ત્રણ સખીઓ સાથે ભાડે મકાનમાં રહે છે, પણ બજારની જેમ ઘરમાલિક સાથે ય કડદા કરવાને કારણે ચારે ય ને નાસતા ફરવું પડે છે, એમાં એમાં શ્યામા નોકરીના ચક્કરમાં ત્રણ મોટા બદમાશો (જોહર, મજનૂ અને રામસિંહ)ના ફંદામાં ફસાયા કરે છે. આ ચારે ય જણીઓને એક એક જોડી અપાવા જોહરે એવા જ ચાર કડકાઓ (નાસિર ખાન, રામઅવતાર, બલદેવ મેહતા અને યશવંતને બેવકૂફ બનાવ્યા છે - એટલે કે આપણને! વિલનોથી છુટવા હવાતીયાં મારતી એ ચારે જણીઓને આ ચાર જણાઓ બચાવે છે.

દરમ્યાનમાં ફિલ્મનો સમય વધતો હોય છે, એટલે શ્યામા-નાસિર ખાનને પ્રેમમાં પાડી દેવામાં આવે છે અને પ્રેક્ષકોને ગીતાદત્ત-હેમંત કુમારના કંઠે એક મધુરૂં ગીત સાંભળવા મળે છે, 'દો નૈના તુમ્હારે પ્યારે પ્યારે, ગગન કે દુલારે...' નાસિર વાસ્તવમાં કરોડપતિ બાપ મુરાદનો પુત્ર હોય છે અને શ્યામા સાથેના લગ્ન પહેલા વિલનો શ્યામાને ખુલ્લી પાડવામાં સફળ થાય છે. આ 'ફિલ્મીસ્તાન સ્ટુડિયો'માં બનેલી ફિલ્મ હતી.

શશધર મુકર્જી, અશોક કુમાર, રાયબહાદુર ચુનીલાલ (મદન મોહનના પિતા), જ્ઞાાન મુકર્જી વગેરે ભાગીદારોએ હિમાંશુ રૉયના અવસાન પછી ન્યૂ થીયેટર્સ છોડીને મુંબઇમાં ગોરેગાંવમાં ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપના કરી. કોઇ અણબનાવ પછી શશધર મુકર્જી અને અશોક કુમાર (સાળો-બનેવી) એમાંથી છુટા થઇ ગયા અને 'ફિલ્માલય સ્ટુડિયો' બનાવ્યો. ફિલ્મીસ્તાન તોલારામ જાલન નામના એક વેપારીને વેચી દેવામાં આવ્યો, એ પહેલાં ત્યાં છેલ્લી ફિલ્મ બી.સરોજાદેવી-ભારત ભૂષણની ફિલ્મ 'દૂજ કા ચાંદ' છેલ્લી બની હતી. આ સ્ટુડિયો હજી ચાલે છે.

ફિલ્મના પ્રારંભના દ્રષ્યોમાં મુંબઇના 'પ્લાઝા' સિનેમામાં ફિલ્મ 'બસંત' ચાલતું દર્શાવાય છે, જેમાં મધુબાલાએ બેબી મુમતાઝના નામે બાળકલાકારનો રોલ કર્યો હતો.

આ આખી ફિલ્મ મારા હાસ્યલેખો જેવી નીકળી... આખી જોવા છતાં એકે ય વાર હસવું ન આવ્યું!

No comments: