Search This Blog

09/03/2018

ફિલ્મ : 'આક્રોશ'(૮૦)


ફિલ્મ : 'આક્રોશ'(૮૦) 
નિર્માતા :  એન.એફ.ડી.સી.,
દિગ્દર્શક અને કેમેરા : ગોવિદ નિહાલાણી
સંગીત :  અજીત વર્મણ
ગીતો : વસંતદવે
રનિંગ ટાઈમ : ૮- રીલ્સ-૧૪૪-મિનિટસ
થીયેટર :  એડવાન્સ (અમદાવાદ)
કલાકારો : નસિરુદ્દીન શાહઓમ પુરીસ્મિતા પાટીલ, અમરીશપુરીઅરવિંદ દેશપાંડેડો.મોહનઅગાશેરિમા લાગુનાના પળશીકરભાગ્યશ્રી કોટણિસઅચ્યૂત પોતદારમહેશ એલકુંચવરદીપક શિરકે.           

ગીતો
૧...કાન્હા રે ....વંદના ખાંડેકર       
૨...સાંસોં મેં દર્દ.... મધુરી પુરંદરે
૩...તૂ ઐસા કૈસા મર્દ...મધુરી પુરંદરે

આ લખનાર ઉપર ફિલ્મો પૂરતો ચપટીકે ભરોસો હોય તો તાબડતોડ ૧૯૮૦-ની ફિલ્મ 'આક્રોશ'ની ડીવીડી મંગાવીને જોઈ જ લો. આર્ટ ફિલ્મોના નામ પર નામના ટેચ્ચકાં ચઢાવવાની હોબી હોય તો તો આ ફિલ્મ આર્ટ ફિલ્મ નહિ, આલ્ફ્રેડ હિચકોકના લેવલનું થ્રિલર ગણી લેજો તમને તમારા ઉપર માન થઈ જશે કે, અદભુત ફિલ્મો જોવામાં તમારો ટેસ્ટ ઊંચો છે!

૧૯૮૦ના એ દાયકો-દોઢ દાયકો એવો હતો કે ભારોભર સર્જકતાથી ભરેલા કેટલાક ફિલ્મ દિગ્દર્શકો પાસે ઉત્તમ ફિલ્મો બનાવવાનો કાચો અને પાકો-બન્ને માલસામાન તો પડયો હતો, પણ આવી ફિલ્મ બનાવવા કોઈ નિર્માતા તો તૈયાર થવો જોઈએ! પૈસા કયાંથી કાઢવા?લેબલ આર્ટ ફિલ્મનું લાગ્યું હોય એટલે એક ગેરન્ટી તો ફિલ્મ સિનેમા સુધી પહોંચે એ પહેલા જ મળી જાય કે બધું મળીને બસ્સો પ્રક્ષકો ય આ ફિલ્મ જોવા નહિ આવે, એટલે પૈસા રોકયા પછી ય કમાવી લેવાની વાત ભૂલી જવાની.

બસ.. જેમને મેં આવી સુંદર ફિલ્મ જોવા માટે ઉશ્કેર્યા છે, એ આ પછીનો ફકરો ટેકનિકલ મુદો હોવાથી વાંચતા વાંચતા ઊડાડી દેશો તો ચાલશે... સિવાય કે, ફિલ્મનિર્માણની વાતોમાં થોડો ઘણો રસ હોય!

કયારેક ભારત સરકારમાં બુધ્ધિમાન અને કલાપારખુ લોકો ય આવી જાય છેએમ સરકારની મેહરબાનીથી દેશમાં રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમની સ્થાપના થઈ અને કોર્પોરેશનને ય દરજ્જો ફિલ્મ ઉધોગનો જ અપાયો. પૈસાને અભાવે ઉત્તમ અને હેતુલક્ષી ફિલ્મોના નિર્માણ અટકી ન પડે માટે સરકારે જ આ કોર્પોરેશન દ્વારા આવી ફિલ્મોને નાણાં ઉપરાંત ફિલ્મ નિર્માણ અને દેશના થીયેટરો સુધી આવી ફિલ્મો પહોચે(ડિસ્ટ્રીબ્યુશન)ની જવાબદારી લીધી .

ફિલ્મફેર ના હોનહાર પારસી તંત્રી બી.કે.કરંજીયા એના ચેરમેન બન્યા. (એ પછી તો આ ફિલ્મનો હીરો ઓમપુરી અને 'શોલે' વાળા રમેશ સિપ્પીએ પણ વહિવટ હાથમાં લીધો. આ બધાને વિશ્વાસ હતો કે, દેશની પ્રજાને જે ઉત્તમ ફિલ્મો જોવા મળવી જોઈએએનું નિર્માણ કરવા માટે સત્યજાત રે, બુધ્ધદેવ દાસગુપ્તા, શ્યામ બનેગલ, સુધીર મીશ્રા, ગોવિંદ નિહાલાણી, વિજયા મહેતા, કેતન મેહતા, બાસુ ચેટર્જી, મૃણાલ સેન, અમોલ પાલેકર, અર્પણા સેન અને રજત કપૂર જેવા સર્જકો આપણી પાસે છે જ. બસ. બાકી, ''અમર, અકબર એન્થની'' જેવી કમર્શિયલ ફિલ્મો બનાવનાર અને કમાનારા નિર્માતા- દિગ્દર્શકોને તો પ્રેક્ષકો અને પૈસા મળી જ રહે છે.. આવી 'પેરેલલ-સિનેમા'નો કોઈ હાથ પકડેતો કુછ બાત બને ..બસ આવી ફિલ્મ હતી, 'આક્રોશ' જેને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે દત્તક લીધી અને દેશભરમાં રીલીઝ કરી.

ચલો. ટેકનિકલ માહિતી પૂરી થઈ.હવે વાંચવાનું શરુ કરો.

ધેટસ ફાઈન.. પહેલા કોઈ સસ્પેન્સ તોડયા વિના ફિલ્મની વાર્તાનો અંશ કહી દઉં, જેથી ઝીણકો તો ઝીણકો ખ્યાલ આવે કે તમે શું જોવાના છો!

સત્યઘટના ઉપર આ ફિલ્મની પટકથા વિજય તેન્ડુલકરે લખી છેજેમની અગાઉ 'અર્ધ સત્ય' અને નિશાંત પણ આપણા જેવા દર્શકો માટે સુંદર ફિલ્મ બની હતી.

એક તદ્દન ટચુકડા ગામમા વસ્તી ગરીબ આદિવાસીઓની છે, બાકી ગણ્યાગાંઠયા શિક્ષિતોમાં એક ડોકટરએક સરકારી વકીલએક પોલીસ-અધિકારી અને રાજકીય નેતાઓ તો હોય જ! અહીં ગરીબી અને નિરક્ષરતાએ માઝા મૂકી છે, એનો લાભ પેલા શિક્ષિત વગદારો લીધે રાખે છે. એમાં એક અભણ અને ગરીબ આદિવાસી ભીખુ લહાણ્યાને પોતાની પત્ની નાગીનું ખૂન કરવાના આરોપસર જેલમાં ધકેલી દેવાય છે. આમ તો ખૂનનો કેસ કિલયર-કટ છે, છતાં કાયદા પોતાનો વકીલ રોકી ન શકનાર લહાણ્યાને સરકાર તરફથી બચાવ પક્ષનો એક તદ્દન નવો વકીલ ભાસ્કર કુલકર્ણી (નસિરુદ્દીન શાહ) આપવામાં આવે છે.

કમનસીબેઆ ઘટનાથી પૂર્ણપણે ડઘાઈ ગયેલો લહાણ્યા કોઈની પાસે બોલતો નથી-પોતાના વકીલ પાસે પણ નહિજેને તો એ પણ ખબર નથી કે, લહાણ્યો પત્નીની હત્યા બદલ જેલમાં છે, પણ થયું હતું શું? ગામલોકો કે લહાણ્યાનો ખખડી ગયેલો દારુડીયો અશકત બાપ (નાના પળશીકર) કે ઘટનાથી હેબતાઈ જઈને મૂંગી થઈ ગયેલી અને લહાણ્યાના ચાર-છ મહિનાના સંતાનને રાખતી એની બહેન(ભાગ્યશ્રી કોટણીસ) વકીલને કાંઈ કહેતા નથી.

વકીલ ભારે અકળાય છે કે કોઈ કશું બોલે.. નાનકડી ય કોઈ માહિતી આપે તો એ કેસમાં થોડોય આગળ વધી શકેએની સાથે વાત કરી શકેએવી એક જ વ્યક્તિ છેસરકારી વકીલ અમરીશ પૂરી. (જેના જૂનિયર તરીકે ભાસ્કરે કામ કર્યું હતું અને કાયદાકીય નહિ,સામાજીક હૂંફ એકલો અમરીશ પૂરી આપી શકે છે) પણ સલાહ આપે છે કે, તારી કરિયરનો આ સૌથી પહેલો કેસ જ ફાલતું છે. તારુ હારીને બદનામ થવું તય છે.

તું ખસી જા. પણ ભાસ્કર પોતે તદ્દન ગરીબ હોવા છતાં એ મૂંઝાય છે પોતાની બેબસીથી કે,ભલે હારી જઉં.. આ કેસમાં કંઈક તો મળવું જોઈએ!એ લહાણ્યાના બાપને મળવા એના ઝૂંપડે જાય છેજયાં સખ્ત ગભરાયેલો એનો બાપ, બહેન કે બે-ચાર ગરીબ આદિવાસીઓ સહાનૂભૂતિમાં એકાદ હાવભાવ આપે છે... એથી વિશેશ કાંઇ નહિં.

નાગીનો મૃતદેહ જંગલમાં એક અવાવરુ કૂવામાંથી મળી આવ્યો હોવાનો નાનકડો પ્રેસ -રીપૉર્ટ ઘરમાં જ નાનકડું પ્રેસ ધરાવતાં યુવા તંત્રીએ છાપ્યો હતોતેને મળવા ભાસ્કર જાય છે,જે ખીજાઈને એને પાછો કાઢે છે. અલબત્ત,એ તંત્રીને પણ અંધારી રાત્રે ભાસ્કરની નજર સામે ગામના નાનકડા રસ્તા ઉપર ગૂંડાઓ સખ્ત માર મારીને લોહીલૂહાણ કરી મૂકે છે, પણ માર ખાઈને એ કાંઈ બોલ્યા વિના ડઘાયેલો ઘેર જતો રહે છે.

ભાસ્કર ઉપરે ય ગામના અંધારા રસ્તે હૂમલો થાય છે ને અદાલતમાં એ  પોલીસ-રક્ષણ માંગે છેજે મળે છે. અદાલતમાંનાગીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ડોકટર (અરવિંદ દેશપાંડે)ને ક્રોસ કરે છેપણ  ડોકટર ય આ સીસ્ટમ સાથે મળેલો હોવાથી વકીલ કરતા વઘુ ચાલાક પુરવાર  થાય છે. પોલીસ-રક્ષણ હોવા છતાં એક અંધારી રાત્રે ભાસ્કરના એક રુમના  મકાનનું કોક બારણું ખટખટાવે છે.

ડરના માર્યા એ ન છુટકે બારણું ખોલે  છેજયાં લહાણ્યા ઝૂંપડા પાસે ભાસ્કરની સહાનૂભૂતિ આપવા મળેલો પેલો સમાજ સેવક ગભરાયેલો આવે છે ને ગુપચુપ વાત કરે છે, કે લહાણ્યાએ પત્ની  નાગીનું ખૂન નથી કર્યું, બલ્કે પેલા ચાર દુષ્ટોએ સામુહિક બળાત્કાર કરીને  એને મારી નાંખી છે. રીકવેસ્ટ કરીને ભાસ્કર પ્રૂફ માંગે છે,એ તો  પેલા પાસે હોય નહિપણ બીજે દિવસે એ સમાજસેવકનું ખૂન થઈ જાય છે.

હવે લહાણ્યાને બચાવવાનો કોઈ માર્ગ ન રહેતા હતાશ થયેલો ભાસ્કર બે-ત્રણ વખત જેલમાં લહાણ્યાને મળે છે, જે ડઘાઈને માત્ર એની સામે જોયે રાખે છે, બોલતો કાંઈ નથી. દરમિયાનમાં પેલા બળાત્કારીઓની નજર લહાણ્યાની યુવાન બહેન ઉપર ય છે. આવનારી આફતો જોઈને એની બહેન લહાણ્યાના વૃધ્ધ બાપ અને બાળકને લઈને જંગલમાં ભાગે છે. જયાં ડોસો ગૂજરી જાય છે. ભાસ્કર નૈતિકતાના આધાર પર લહાણ્યાને એના સ્વર્ગસ્થ બાપના અંતિમ સંસ્કાર કરવા દેવા અદાલત પાસે મંજૂરી માંગે છેજે મળે છે.

ગામના છેવાડે એના અંતિમ સંસ્કાર થતા હોય છેજયાં દોરડાથી મુશ્કેરાટ બાંધેલા લહાણ્યાની નજરએના બહેન પર છીછરી નજર માંડીને ઊભેલા મુકાદમ ઉપર પડે છે.પોતાની ગેરહાજરીમાં હવે શું થઈ શકેએનાં ખૌફમાં લહાણ્યો અંતિમ સંસ્કાર પત્યા પછી પોલીસ-પકડ છોડાવીને બાજુમાં ઊભેલા ગ્રામવાસીની કૂહાડી લઈ પોતાની સગી બહેનનું ગળું કાપી નાંખે છે.. અને આકાશમાં જોતા જોતાં ચિત્કારે રાખે છે... ચિત્કારે રાખે છે..!

આ એનો આક્રોશ ! ભારતના ન્યાયતંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને લાચાર ગરીબોની નિ:સહાય હાલતની એક સત્યઘટના ઉપરથી આ ફિલ્મ બની છે.નવાઈ લાગી શકેપણ પૂરી ફિલ્મ નાગી એટલે કે ભિખ્ખુ લહાણ્યાની પત્ની સ્મિતા ઉપર છે. જે સ્ક્રીનપર માંડ ૩-૪ મિનિટ આવે છે. ઓમ પૂરી હીરો છે, પણ એને પૂરી ફિલ્મ માં એક ઉદગાર પણ કાઢવાનો આવતો નથી. નસિરુદ્દીન શાહ ભારતમાં શ્રેષ્ઠ અભિનેતાઓ પૈકીનો એક છે, તેની સાબિતી આવી ફિલ્મોમાં એણે અનેકવાર આપી છે. ફિલ્મના ઓલમોસ્ટ દરેક દ્રશ્યમાં એની ઉપસ્થિતી અને જરુરતે છે જ.

અભિનયના આ સુરમાએ પૂરી ફિલ્મમાં અનેકવિધ ચેષ્ટાઓ દ્વારા એના કિરદારને વાસ્તવિક બનાવવાનો જે પ્રયાસ કર્યો છે, તે સલામેબલ છે. યસ. સ્મિતા પાટીલ અને ઓમ પૂરી વચ્ચેના સહશયનના દ્રષ્યો એટલી હદે બોલ્ડ લેવાયા છે કે ફિલ્મ ઘરના સંતાનો સાથે જોતા હો તો ડોહા કે દીકરા - બેમાંથી એકે અંદર જતા રહેવું પડે.

સુંદરતા જોવી ગમતી હોય તો સ્વ. રિમા લાગુનું આ ફિલ્મનું લાવણી-નૃત્ય મન ભરીને જોવું ગમે એવું છે. રિમા યુવાનીમાં મરાઠી ફિલ્મોની સામ્રાજ્ઞી હતી. (એનું સાચું નામ 'નયન ભડભડે' હતું... ના, સ્પેલિંગ-મિસ્ટેક કોઈ નથી... પુરૂષોનેપણ ફાળે જતા આ નામની સાથેની અટકે 'ભડભડે' મરાઠીઓમાં આશ્ચર્ય આપનારી નથી. આવી સુંદર હીરોઈને ગુજરાતી નાટકોમાં ય કામ કર્યું હતું.)

હિંદી-ટીવી સીરિયલ 'નામકરણ'નું શૂટિંગ પતાવીને ઘેર ગયેલી રિમાને અચાનક કાર્ડિયાક-એરેસ્ટનો હુમલો આવ્યો હતો અને 'કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રાત્રે ૨.૪૫ વાગે એનું અવસાન થયું હતું. એણે પોતાના પતિ વિવેક લાગૂ સાથે છૂટાછેડા લીધા હતા.'

જેનાથી વધુ સ્વાભાવિક ચરીત્ર અભિનેતા કન્હૈયાલાલને બાદ કરતા (થોડે અંશે એ.કે.હંગલ) હિંદી ફિલ્મોમાં કોઈ થયો નથી, તે નાના પળશીકર મૂળ તો બોમ્બે ટોકીઝની પેદાશ કહેવાય, જેણે ઇ.સ. ૧૯૩૫માં લીલા ચીટણીસ સાથે ફિલ્મ 'ધૂંઆધાર'માં પહેલીવાર કામ કર્યું હતું. બી.આર.ચોપરાએ ૧૯૬૦માં બનાવેલી ફિલ્મ 'કાનૂન'માં માત્ર એનો કિરદાર નહિ, સાહજીક અભિનયની જાણકારો પ્રશંસા કરતા આજે ય અન્ય કોઈ મિસાલ હાથમાં લેતા નથી.

પ્રખ્યાત અખબાર 'ધી હિંદુ'એ નાના માટે લખ્યું હતું, 'ફિલ્મના સૅકન્ડ-હાફનો અસલી સ્ટાર નાના છે, જે પાત્રમાં એટલી સ્વાભાવિકતાથી સમાઈ જાય છે કે, પ્રેક્ષકોને સહાનુભૂતિ થાય કે, એક ફાલતુ ઘરફોડ ચોર પોતાના બીજા કોઈ વાંક વગર શેઠ ધનિરામના ખૂન માટે લેવાદેવા વગરનો ફસાઈ જાય છે. આ ફિલ્મ માટે, આપણી બારમાસી રોતડાઓની ક્લબના કાયમી પ્રેસિડૅન્ટ નાના પળશીકરને 'શ્રેષ્ઠ સહાયક અભિનેતા'નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

એ કાંઈ પણ કર્યા વિના ય ઝૂંપડામાં રહેતો બારમાસી ગરીબ જ લાગે. રાજકપૂરથી આવી ભૂલ કેમ થઇ ગયેલી એ તો ખબર નથી કે, 'શ્રી ૪૨૦'માં રાજે એને કરોડપતિનો રોલ આપ્યો હતો. આ માણસ કોઈ કાળે ય કરોડપતિ લાગે જ નહિ.' ફિલ્મ 'તિરંગા'માં 'જાની' રાજકુમાર જેને પ્રલયનાથ ગુંડાસ્વામીને બદલે 'ગૅન્ડાસ્વામી' કહીને બોલાવે છે, તે મરાઠી કલાકાર દીપક શિરકે અહીં રાક્ષસી ગુંડાના પાત્રમાં છે.

ડૉક્ટર બનતા અરવિંદ દેશપાંડે જાણિતી ટીવી અને હિંદી ફિલ્મોની હવે ભૂલાયેલી ચરીત્ર અભિનેત્રી સુલભા દેશપાંડેના સ્વર્ગસ્થ પતિ હતા. ફિલ્મ જુની હોવાથી યુવાન દેખાતા આ ફિલ્મના ફોરેસ્ટ-કોન્ટ્રાક્ટર અચ્યૂત પોતદારને તમે ફિલ્મ 'રંગીલા'માં ઊર્મિલા માતોંડકરના પિતાના રોલમાં જોયા છે. તો ડૉ. મોહન અગાશે નાના પાટેકરની ફિલ્મ 'અબ તક છપ્પન'માં નાનાના ટેકેદાર નિવૃત્ત પોલીસ-કમિશનરના રોલમાં હતા.

એ સેકાયટ્રીના ડોક્ટર છે અને ઉત્પલ દત્ત એમને ફિલ્મોમાં લઇ આવ્યા હતા.બહુ ઓછાને ખબર હશે કે, 'મુગૅમ્બો ખુશ હુઆ' ફેઇમ વિલન અમરીશ પુરી મહાન ગાયક કુંદનલાલ સેહગલના સગા કાકાના દીકરા થાય, એટલે કે, અમરીશના મોટા ભાઈઓ મદનપુરી, અને ચમન પુરી પણ સેહગલના તદ્દન નજીકના ભાઈઓ થાય. હજી એક ચોથો ભાઈ છે, હરિશ પુરી, જે ફિલ્મોમાં આવ્યો નથી. ભાગ્યે જ કોઈને થાય 'માયલોડિસપ્લાસ્ટિક સીન્ડ્રોમ' નામના કૅન્સરને કારણે મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં અમરિશ પુરીનું  અવસાન થયું હતું.

'આક્રોશ'ની હીરોઈન સ્મિતા પાટિલ વિશે તો લખાય એટલું ઓછું પડે, એવી સશક્ત આ અભિનેત્રી નાનકડી ઉંમરે ગૂજરી ગઈ. અગાઉથી પરિણિત રાજ બબ્બર સાથે ઘર માંડીને સ્મિતાએ મીડિયાથી માંડીને એના ફૅન્સને ખૂબ નારાજ કર્યા હતા.

રાજની પ્રથમ પત્ની નાદિરા બબ્બર સ્વયં સ્ટેજ અને ફિલ્મોની કલાકાર છે. અલબત્ત, શશિ કપૂરના કહેવા મુજબ, હિંદી ફિલ્મોમાં કોઈ આર્ટ ફિલ્મ, પૅરેલલ ફિલ્મ કે કમર્શિયલ ફિલ્મો હોતી નથી... કાં સારી ફિલ્મ હોય ને કાં બેકાર. આ કૉલમમાં અગાઉ 'કલયુગ, જૂનુન, અર્ધ સત્ય, ભૂમિકા કે 'જાગતે રહો' જેવી સારી ફિલ્મો વિશે લખાયું છે, એમાં આજની 'આક્રોશ' અમને વધુ ગમી.     

2 comments:

Shaunak Shah said...

તમારી વાત માની, ગઈકાલે જ યુ ટ્યુબ પર આક્રોશ જોયું. આભાર.

Ashok Dave said...

Thanks.