Search This Blog

06/10/2013

ઍનકાઉન્ટર-06-10-2013

 * જેવો છે તેવો દેખાવાને બદલે આજનો માનવ આડંબર કેમ કરે છે?
- આપણું એવું સહેજ બી નહિ... હું તો જેવો છું, એનાથી ય વધારે ડાહ્યો દેખાવાની હોંશિયારીઓ મારૂં છું. આપણો માલ આપણે જાતે જ વેચવો પડે !
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઇ)

* સિંહોને ગુજરાતમાંથી ખસેડવાની હિલચાલ છે. તમને ય લઇ જશે?
- ના. એક દિલ્હી જાય છે તો બીજો અહીં રહેવો જોઇએ ને?
(જ્યોતિ શાહ, અમદાવાદ)

* ભારતના ડૉકટરો ઓછા પડયા તે સોનિયાજીને અમેરિકા જવું પડયું?
- ભારતના મોટા ભાગના ડૉકટરો ભાજપ તરફી છે...!
(નસીમા બારીયાવાલા, ગોધરા)

* અમદાવાદમાં ચાની લારીવાળો પહેલી ચા જમીન પર કેમ ઢોળી દે છે?
- તમને મારા વ્યવસાય અંગે કોઇએ ખોટી બાતમી આપી છે.
(ધીમંત ભાવસાર, બડોલી)

* લગ્નના ફેરા સાત હોવા છતાં આજકાલ ચાર ફેરામાં જ કેમ પતાવી લેવાય છે?
- ભ'ઇ, વરરાજા જેટલી શક્તિ બચાવશે, એટલી કામ આવશે!
(વૈભવ રાયચુરા, રાજકોટ)

* સાચા સંતની પરખ શું?
- સ્ત્રીઓ સિવાય કોઇ હાથ બી લગાડી ન શકે એ સાચો સંત.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* સમજદારની વ્યાખ્યા શું?
- કોઇ સમજદારને પૂછો.
(બટુક હીરાણી, ધોરાજી)

* સદભાવના સારી કે સત્કર્મ?
- ઓ ભાઇઓ ને ઓ બહેનો... હું અશોકરામ છું... આસારામ નહિ!
(મહેન્દ્ર ભાટીયા, મુંબઇ)

* અગાઉની સ્ત્રીઓને ૭-૮ બાળકો હોવા કૉમન વાત હતી... હવે એક જ સંતાનથી સંતુષ્ટ કેમ?
- મારાથી તો કોઇને ના સમજાવાય ને!
(વિભૂતિ ઓઝા, રાજકોટ)

* જીંદગીથી થાકેલાઓ માટેનો આખરી વિસામો ક્યાં?
- 'નૂર' પોરબંદરીનો શે'ર છે :
'હું મારા ઘરમાં રહી ખુદ મને મળી ન શકું,
ખુદા કોઇને કદી આમ લા-પતા ન કરે.'
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* તમે સ્ત્રીઓના જવાબ જલદી કેમ આપો છો?
- તમે શેમાં આવો છો?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* અમારે અહીં લીલા લહેર છે, ખાવું પીવું બીજાને ઘેર છે...!
- કોંગ્રેસમાં જોડાઇ ગયા?
(સૈયદ અકબરઅલી, ઈલોલ)

* 'ઍન્કાઉન્ટર'માં સવાલ પૂછનારાના નામો રીપિટ બહુ થાય છે... આપને ત્યાં ય ફિક્સિંગ છે?
- અભિનંદન. સવાલ-જવાબને છોડીને ફક્ત નામો વાંચવાનો આગ્રહ રાખનારા ય છે...!
(કુત્બુદ્દીન ગુલામઅલી વાલા, દાહોદ)

* ચારધામની યાત્રાએ જવાનો તમને વિચાર આવે ખરો?
- હઓ... વિચાર કરવાનો ક્યાં ખર્ચો આવે છે!
(જોગેશ ઘેબાણી, ધ્રાંગધ્રા)

* પેટ્રોલના ભાવોમાં સતત વધારો...?
- કોંગ્રેસને કાઢવા માટે પ્રજા પાસે કોઇ તો કારણ હોવું જોઇએ ને?
(રમેશ પી. શાહ, વડોદરા)

'* બિગ બૉસ'માં રાજેશ ખન્નાની 'ફ્રૅન્ડ' અનીતા અડવાણી... ડિમ્પલ વિશે સીધેસીધું બોલતી નથી...!
- બધા કાંઇ મારા જેવા હિંમતવાળા થોડા હોય?
(સીમા બી. પટેલ, સુરત)

* લેખકો માટે બે પત્નીઓ રાખવી નવાઇ નથી. તમારે કેમનું છે?
- ધારવાનું જ છે, તો મારા માટે રાણીવાસનું આયોજન કરો.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* અશોક દવે અને જય વસાવડા વચ્ચે શું તફાવત છે?
- એ તો સારો લેખક છે.
(રૂપેશ એન. કાચા, ગોંડલ)

* ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, કલીયુગમાં જુઠ્ઠાઓના હાથમાં દેશની સત્તા આવશે. તેઓ સાચા પડી રહ્યા હોય એમ નથી લાગતું?
- તેઓ આવું બોલ્યા ત્યારે અમારે બન્નેને પરિચય ન હતો.
(ઝુબૈદા યુ. પૂનાવાલા, કડી)

* વડાપ્રધાને કહ્યું હતું, 'પૈસા ઝાડ ઉપર નથી ઊગતા.'
- ચલો. એક વાતનું તો એમને નૉલેજ છે!
(જીતેન્દ્ર પટેલ, બ્રાહ્મણવાડા)

* ઘરનું કામકાજ કરવા બદલ પત્નીને પણ પગાર આપવાનો કાયદો ક્યારે અમલમાં આવશે?
- તમે તાબડતોબ બીજા લગ્ન કરી લો. એકમાં પહોંચી વળો, એવું લાગતું નથી!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* આપ ફૅસ-બૂક પર છો?
- સહેજ પણ નહિ. મારા નામે કોક ફૅસબૂક ચલાવે છે, જેની મને જાણ નથી. ટ્વિટર કે વૉટ્સઍપ... વગેરે મારા કામની ચીજો નથી.
(હાર્દિક ભટ્ટ, ભુજ)

* 'ઍન્કાઉન્ટર'માં રાજકોટના ચોક્કસ લોકોના જ સવાલો આવતા હતા, તે બંધ કેમ થઇ ગયા?
- આ કૉલમનો અંગત દુરૂપયોગ કરનારાઓને સ્થાન ન મળે.
(ડી.પી. ત્રિવેદી, રાજકોટ)

* પત્નીને 'અખંડ સૌભાગ્યવતી' કહેવાય તો પતિને એવું કેમ કાંઇ કહેવાતું નથી?
- મારો પૂરો ટેકો છે કે, મારી પત્ની સદા ય 'અખંડ સૌભાગ્યવતી' રહે.
(ધવલ ભાનુશાલી, કડી)

* 'ના કજરે કી ધાર, ના મોતીયોં કે હાર, ફિર ભી સુંદર હો...' સીધું કેમ નથી કહેતો કે, પેલી પાસે મૅઇક-અપના પૈસા લાગતા નથી!
- આવું ગામે ગામ કહેતા ફરવાનું હોય એટલે ભૂલ તો થાય, મારા ભ'ઇ!
(કામિની જયેશ મિસ્ત્રી, સુરેન્દ્રનગર)

No comments: