Search This Blog

04/10/2013

અમદાવાદના એ થિયેટરો


દર સપ્તાહની જેમ જૂની ફિલ્મોના રીવ્યૂ ચાલુ જ રહેશે. ફિલ્મોની જેમ થિયેટરો ય આપણા અસ્તિત્વનો હિસ્સો હતા, માટે ફોર એ ચેઈન્જ... આજે ફક્ત થિયેટરો વિશે!)

ગુજરાતીઓ સિનેમા કે નાટકના થીયેટરને માટે એક જ શબ્દ વાપરે છે, 'થીયેટર'. જાણકાર તરીકે ઓળખાવવું હોય તો નાટક માટે નાટક-ફાટક નહિ, 'સ્ટેજ' અથવા 'થીયેટર' શબ્દ વાપરો. ગુજરાતીઓ ફિલ્મે ફિલ્મે ફિલ્મની જાતિ બદલે છે. 'છેલ્લી કઈ ફિલ્મ જોઈ?' (સ્ત્રીલિંગ), 'બૉસ, તમે બચ્ચનનું 'મર્દ' જોયું?' (નાન્યતર જાતિ) અર્થાત્, ભલભલા 'મરદ'ને ગુજરાતીઓ નાન્યતર જાતિમાં મૂકી શકે છે. પણ મહારાષ્ટ્રમાં ફિલ્મો માટે પુલ્લિંગ વપરાય છે. 'સુજાતા, બગીતલા' ('સુજાતા' જોયો?') અર્થાત્, એક સીધી સાદી સ્ત્રીને પુરુષ બનાવી દેવામાં મરાઠીઓની માસ્ટરી છે. પણ થીયેટરો માટે ગુજરાતીઓ 'ટાકીઝ' શબ્દ પણ વાપરે છે... એ જ વાપરે છે! ઈન ફેક્ટ, ૧૯૩૧માં ભારતમાં 'આલમઆરા' નામની પહેલી બોલતી એટલે કે ટાકી ફિલ્મ રજૂ થઈ, એ પછી ફિલ્મો માટે ટાકીઝ શબ્દ વપરાયો. અંગ્રેજોના જમાનામાં આપણા લોકોનું ઈંગ્લિશ આજના જેટલું કાચું નહોતું, છતાં ક્યા મેળનું થીયેટર માટે 'ટાકીઝ' શબ્દ વપરાવાનો શરૂ થયો, તે સ્મરણોનો વિષય છે.

પણ આ કોલમ વાંચનારાઓ તો એ ઉંમરના સિનેમા શોખિનો છે, જે લોકોએ મંદિરો કરતા ગુજરાતના જૂના થીયેટરોના વધારે પ્રવાસો કર્યા છે. ક્યા થીયેટરમાં કઈ ફિલ્મ જોઈ હતી, એ બધાને યાદ છે. હું ૧૯૫૨માં જન્મ્યો હતો, એટલે વ્હી. શાંતારામની ફિલ્મ 'નવરંગ' અમારા ગાંધી રોડ પરની મોડેલ ટોકીઝમાં એક વર્ષ ચાલી હતી ને શો કેસમાં મૂકેલા ફોટા જોવા રોજ જવાનું, એટલે સાલ '૫૯ની હોવા છતાં બધું યાદ છે. હું આ કોલમમાં, કઈ ફિલ્મ ક્યા થીયેટરમાં આવી હતી, તે યાદોને આધારે લખું છું. ફિલ્મ, ક્રિકેટ અને છોકરીઓ સિવાય કોઈ વિષયમાં પિચ પડતી નહોતી, એટલે ઘણા વાંચકો મને હિંદી ફિલ્મોના 'ઍનસાયક્લોપીડિયા' કહે છે, પણ અમારા ખાડીયામાં એ વખતના યુવાનો બધા આવા જ 'ઍનસાયક્લોપીડિયાઓ' હતા. શુક્રવારે નવી ફિલ્મ આવે, એ ૩ થી ૬ના 'બીજા' શોમાં જોવી પડે, એનાથી મોટી શરમની બીજી કોઈ વાત નહોતી. આવા બદનસીબોની તો રાત્રે પોળને નાકે ફિલમ ઉતરે. 'હટ... ચીનીયાને તો કોઈ થીયેટરનો લાલો-બાલો ય ઓળખતો નથી. હાળાને ડોરકીપરની છોકરી ય પસંદ નહિ કરે!' ફિલ્મનું એકઝેક્ટ પહેલું દ્રષ્ય કયું હતું કે, ફાઈટીંગના સીનમાં પાછળ દેખાતા ટોળામાં વચ્ચે ઊભેલો માણસ કોણ હતો, એનું નામ જાણી લાવવાની શરતો રમાય. આમ તો, શંકર-જયકિશન એટલે ભગવાન મહાદેવ અને શ્રીકૃષ્ણની જોડી થઈ ને? પણ ધર્મને નામે મરજાદી વૈષ્ણવો ભૂલમાં ય 'શિવ' કે 'શંકર' ન બોલે (કપડું 'સિવડાવવા' નહિ, કપડું 'વેતરાવવા' બોલવાનું. 'સિવડાવવા'માં ય 'શિવ' તો આવી જાય ને? પરિણામે, અમદાવાદમાં ફિલ્મ 'શિવા' આવી ત્યારે મરજાદીઓ ફક્ત '...આ' બોલતા. પણ વાત શંકર-જયકિશનની નીકળે એટલે ધરમ-બરમ બધું બાજુ પર ગયું... ખાડીયા આખું આ સંગીતકારો પર કુર્બાન!

મને એકને જ નહિ, અમદાવાદના સિનેમા થીયેટરો મારા જેવા 'ઍનસાયક્લોપીડિયાઓને' આજે પણ યાદ છે. જામનગર મારું મોસાળ, એટલે વર્ષમાં બે-ચાર વાર જવાનું થાય. ચાલતી હોય એ બધી ફિલ્મો જોઈને જ પાછા આવવાનું. એ જમાનામાં ત્યાંની અનુપમ, જયશ્રી, દીપક, શત્રુશલ્ય, દિગ્વિજય ટોકીઝો યાદ છે ને થાનગઢનું વાસુકી સિનેમા યાદ છે, જ્યાં એક જ પ્રોજેક્ટર હોવાથી રીલ બદલાય એટલા ઈન્ટરવલ પડે. ઈન્ટરવલ વખતે બાકીની ફિલ્મની ટિકીટ અડધા ભાવે ખરીદીને જોનારાઓ બહાર આપણી રાહ જોઈને ઊભા હોય.

એ જમાનામાં શહેરો બધા નાનકડા, ગાડી તો દૂરની વાત છે, સ્કૂટરો કોઈની પાસે નહિ, એટલે પાર્કિંગમાં મોટી માથાફૂટ સાયકલ કાઢવાની આવે. સાયકલની સીટ ઉપર ચોક વડે નંબર લખ્યો હોય, એ ઉતાવળમાં યાદ ન રહે ને સાયકલ મળતા જ ઠેકડો મારીને બેસી જઈએ, એમાં પાટલૂનની પાછળ ખોટી જગ્યાએ ચોકનો ઊંધો નંબર છપાઈ ગયો હોય! શો શરૂ થતા પહેલા રીક્ષામાંથી ઉતરવું જાહોજલાલી ગણાતી. ઉતરતી વખતે કોઈ જુએ, એ અપેક્ષા રહેતી ને જોનારાઓ ય આપણને રીક્ષામાંથી ઉતરતા જોઈને એકબીજાને આંખ મારીને કહે, 'શું વાત છે? દીપકીયો રીક્ષામાં...? દીપકીયો રીક્ષામાં...?' કોઈ મોટાનં કરી નાંખ્યું લાગે છે.'

ફિલ્મની તોતિંગ દીવાલો ઉપર આજના જેવા ફલેક્સના ટુકડા ન માર્યા હોય... મોટા જાયગેન્ટીક હોર્ડિંગ્સ લાગ્યા હોય ને નવી ફિલ્મ આવવાની હોય, એની આગલી રાત્રે એ હોર્ડિંગ્સ જોવા ખાસ જવાનો ય મહિમા મોટો હતો. અમદાવાદમાં હજી સુધી ફિલ્મ 'સંગમ' જેવા વિરાટ હોર્ડિંગ્સ બીજી કોઈ ફિલ્મના બનેલા જોયા નથી. ફિલ્મમાં રાજ કપૂર કેમેરા પરદેશ લઈ ગયો હોવાથી સિનેમાની દીવાલો પર રોમ, પેરિસ, લંડન ને સ્વિત્ઝરલેન્ડના મોટા કટ-આઉટ મૂક્યા હતા. પેરિસના આયફલ ટાવરની પ્રતિકૃતિ મારા જેવા અનેકને યાદ હશે.

આ કોલમના વાચકો માટે અમદાવાદના થીયેટરોનો નાનકડો પ્રવાસ કરાવીને જૂની યાદો ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. જોઈ જુઓ... કેટલે સુધી સાચો છું!

કૃષ્ણ ટૉકીઝ

અમદાવાદ શહેરનું નાક એટલે કૃષ્ણ ટૉકીઝ. શહેરની કૃષ્ણ, નોવેલ્ટી, એડવાન્સ, 'ડીફ્રાન્સ, ઉષા, રીલિફ અને મોડેલ ટૉકિઝો એક જ માલિકની હતી. પણ આ સિનેમા સહુનું લાડકું એટલા માટે હતું કે, અન્ય થીયેટરોમાં કોઈ પણ કલાસની ફિલ્મો આવે, પણ કૃષ્ણમાં તો સ્વચ્છ, સામાજીક અને બધા જોવા જાય જ, એ કક્ષાની ફિલ્મો આવતી. રાજકુમાર, વૈજંયતિમાલા અને રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'જીંદગી', બી. આર. ચોપરાની 'વક્ત' કે 'હમરાઝ', દેવ આનંદની 'તેરે ઘર કે સામને' કે રાજ કપૂરની 'બોબી' અહીં આવી હતી. રીલિફ રોડ ઉપર આજના જેવો ટ્રાફિક તે હોય કાંઈ? ઘીકાંટા ચાર રસ્તેથી કૃષ્ણ સુધીના રસ્તા પર ઉપર માંડ કોઈ પચાસ સો લોકો અવરજવર કરતા હોય. ગાડીઓ તો અમદાવાદમાં હતી ય કેટલી? આજના અમદાવાદની કોઈ પણ સોસાયટીમાં ટોટલ જેટલી ગાડીઓ હોય, એટલી આખા અમદાવાદમાં હતી. રોડ ઉપરના ખૂબ પહોળા આ થીયેટરની વચ્ચે મોટા ચોક જેવું હતું ને એમાં ફૂવારો. ફૂવારાની પાળી ઉપર બેસવું અને વાછટથી છમછમ થોડું થોડું ભીંજાવું એક મનોહર અનુભવ હતો. એ તો આજની પેઢી બધો વૈભવ ભોગવી રહી છે, એટલે ફૂવારાનું એ સમયે મૂલ્ય આમ નાગરિક માટે શું હતું, તે ઝટ નહિ સમજાય. કૃષ્ણના અંદર જવાના દરવાજા બે અને એની વચ્ચે ફિલ્મના ફોટાઓ શો કેસોમાં. ભવ્યતાની ગણત્રીએ તો સિનેમાની અંદર પણ વૈભવી કાંઈ નહોતું. આજની ગણત્રીમાં તો એ સામાન્ય થીયેટર ગણાય. ટિકીટ બારીઓ સીધી રોડ ઉપર. ડાબી બાજુ રૂપિયાવાળી ને જમણી બાજુ અપર અને બાલ્કની. ગાડીબાડી માટે પાર્કિંગનો તો કોઈ સવાલ જ ન હોય! પાર્કિંગ હતું, ગાડીઓ નહોતી.

રીલિફ સિનેમા

આખા ય ગુજરાતનું સર્વપ્રથમ એરકન્ડિશન્ડ થીયેટર એટલે રીલિફ. કૃષ્ણ કરતા સાવ અલગ પડે, એમ એનો દરવાજો તદ્ન નાનકડો. બે-ચાર પગથીયા ચઢીને ઉપર ટિકીટ લેવા જાઓ, ત્યાં ય જગ્યા નહિ, એટલે પગથીયા ઉતરતી લાઈનો ફૂટપાથો જ્યાં સુધી જતી હોય ત્યાં સુધી જઈ આવે. ફિલ્મ 'સંગમ' વખતે ટિકીટ માટેની લાઈન વીજળી ઘરથી ય ઘણી આગળ નીકળી ગઈ હતી, તે મેં પ્રત્યક્ષ જોયેલી ઘટના છે. રાજ કપૂર 'સંગમ' વખતે ને દેવ આનંદ 'ગાઈડ' વખતે રીલિફમાં આવ્યા હતા, ત્યારે બહાર ઊભેલી ભીડમાં એ લોકોની સામે-એ લોકો જુએ કે ન જુએ હાથ હલાવવામાં એક અશોક દવે પણ હતા. વોલ-ટુ-વોલ રેડ કાર્પેટ આખા સિનેમામાં હતી, જેના ઉપર ચાલવા જતા કાર્પેટ બગડી તો નહિ જાય ને, એવો ખૌફ આપણો સૌજન્યશીલ ગુજરાતી ગરીબ પ્રેક્ષક પણ પહેલા કરતો. આવી મોંઘી કાર્પેટ ચાલવા માટે હોય છે, એનું પહેલું જ્ઞાન સામાન્ય અમદાવાદીને રીલિફ ટોકીઝે અપાવ્યું. અહીં થીયેટરમાં અસલ કાબુલી પઠાણો 'લાલા' તરીકે નોકરી કરતા, ઊંચા, કદાવર અને ખૂબ પ્રભાવશાળી લાગતા લાલ બુંદ જેવા લાલાઓનો એક હાકોટો સેંકડોની ભીડને પળભરમાં તહસનહસ કરી શકતો. આપણે ટેબલ પર પડેલા કપ-રકાબીને ઉચકીને બાજુ પર મૂકી દઈએ, એટલા જ બળમાં લાલો લાઈનમાં ઘુસેલા કોક નથ્થુને એક હાથે ઉચકીને નિર્દયતાથી ખદેડી દેતો.

આજે તો સ્મશાન સિવાય સર્વત્ર એર-કન્ડિશન છે, ત્યારે એ ન ભૂલશો કે, એ જમાનામાં આખી ફિલ્મ એસીમાં પૂરી ઠંકડથી જોવાની લજ્જતમાં, લજ્જત કરતા શહેનશાહી દબદબો વધુ લાગતો. હજારો સૈનિકોની કત્લ-એ-આમ પછી છેલ્લે છેલ્લે બે-ત્રણ સૈનિકો વગર દુશ્મને પણ લડે જતા હોય, એમ છેલ્લે છેલ્લે રીલીફ હમણાં ઢળી પડયું... નવા બનેલા નગરમાં પોતાની જીર્ણ ઝૂંપડીઓ સાચવીને બે ડોસીઓ રૂના કાલા ફોલતી હજી બેસી રહી હોય, એમ રીલિફ રોડ પર ગૂજરેલા જમાનાની બે નિશાનીઓ રૂપમ અને અશોક ટોકીઝ હજી વેન્ટીલેટર પર નથી આવી. 'ખંડહર બતા રહા હૈ, ઈમારત બુલંદ થી...!'

રૂપમ ટોકીઝ

વહુ-દીકરો અંદર રીસેપ્શનના સ્ટેજ પર મેહમાનો સામે ખોટું ખોટું હસીને જોરદાર 'કવરો' ભેગા કરતા હોય, ને બહાર ગેટ પર દીકરીનો બાપ નવા મેહમાનોનું સ્વાગત કરવા ઊભો હોય, બધાને હાથ જોડતો હોય, એમ હજી આજે ય માલામાલ મૂરતીયાઓની જેમ 'કવરો' ભેગા કરતી રતન પોળના આ બાજુના રીલિફ રોડ વાળા નાકે રૂપમ ટોકીઝ ઊભી છે. શહેરભરના થીયેટરો 'હાઉસ ફૂલ'નું પાટીયું લટકાવતા, ત્યારે રૂપમે નવો ચીલો પાડીને 'ભરચક'નું પાટીયું મૂકાવ્યું. રૂપમ ટોકીઝ અન્યની સરખામણીમાં ચેહરે-મોહરે રૂપકડી હતી. જગ્યા સાંકડી પણ જેટલો હતો એ વૈભવ બરકરાર હતો. સાધના મનોજની 'વો કૌન થી?' કે સાધના-સુનિલ દત્તની 'મેરા સાયા' અહીં આવી હતી. આખી કારકિર્દીમાં આ સિનેમાએ ફક્ત એક જ ફિલ્મ મનોજ કુમારની 'ઉપકારે' એક વર્ષ પૂરું કર્યું હતું. મને યાદ છે, બરોબર એ જ સમયે ઘીકાંટા ઉપર આવેલ લાઈટ-હાઉસમાં જીતેન્દ્ર બબિતાની ફિલ્મ 'ફર્ઝ' પણ એક વર્ષ ચાલી હતી. સામે કૃષ્ણ, બાજુમાં અશોક સિનેમા અને બસ કોઈ દસેક પગલા વધુ ચાલો તો પેલી બાજુ રીગલ ટોકીઝ હોવાથી મનવાંચ્છિત ફળ નહિ તો ટિકીટ ઝંખનારા ભક્તો નિરાશ ન થતા.

ઍડવાન્સ સિનેમા

'ઍડવાન્સ' નામ ફિલ્મોને ધ્યાનમાં રાખીને પાડયું હશે કે ઈંગ્લિશ ફિલ્મો જોવા આવનારા ગુજરાતીઓને જોઈને, તે નથી ખબર પણ અહીં માત્ર ઈંગ્લિશ ફિલ્મો જ આવતી... ફૂવારાની સેન્ટ્રલ ટોકીઝની જેમ. બહુ કોમ્પેક્ટ એટલે કે નાનકડું થીયેટર હતું, પણ બાલ્કનીમાં તો બેશક ભણેલો-ગણેલો શિક્ષિત વર્ગ જ થીયેટરની શાન વધારતો. અપર સ્ટોલ્સ અને 'રૂપિયાવાળી'માં આવતી મઝા. મૂળ મુદ્દે ઈંગ્લિશનો આપણે ત્યાં ભરચક વાંધો. બોલવાનું તો જાવા દિયો, સમજતા ય કોઈને ન આવડે. પણ કોમિક કે કરુણ સંવાદો ન સમજાય. યસ, કોક ખૂણામાંથી એક-બે જણા સમજનારા નીકળે ને કોઈ ચોક્કસ સીનમાં હસે એટલે અહીં હસવાનું હશે, એમ 'જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ'ના સૂત્ર હેઠળ ધીમે ધીમે આજુબાજુમાં હસવાનું શરૂ થાય. આખી ફિલ્મ પૂરી થયા પછી કેટલાક ઘેર જઈને મૂંઝાય, 'આપણે હસ્યા'તા કેમ?' ફિલ્મો ઈંગ્લિશ હોવાથી એમાં ગીતો-બીતોની માથાફૂટ ન હોય, એટલે હિંદી કરતા ઈંગ્લિશ ફિલ્મો ટૂંકી હોવાથી બીજા થીયેટરોની જેમ અહીં ૧૨થી ૩ અને ૩ થી ૬નો શો ટાઈમો નહોતા. ઍડવાન્સ સિનેમામાં બપોરે ૨ થી ૪.૩૦ ને ૪.૩૦થી ૭ જેવા ટાઈમ રહેતા. થીયેટર નાનું અને એસી પાવરફૂલ હોવાથી આ ટોકીઝમાં એન્ટ્રી અપર-કલાસની વધુ આવતી. એસી અને ગાડી તો વળી હમણાં હમણાં બધાના ઘેર આવ્યા... પહેલા તો પૈસાપાત્રોના ઘેર કાર હોય, પણ એસી બહુ ઓછાને ત્યાં પોસાતું.

(વધુ આવતા અંકે)

1 comment:

pranita majmudar said...

Shri Ashokbhai,

I have experienced the glory of those days. Our school was on Relief Road and we were listening to songs in our class from Ashok talkies.I still remember songs of Pati patni, Jeechahata hai and many others. I am a great fan of your column Film India.