Search This Blog

23/10/2013

ગાડીની ચાવી ગાડીમાં રહી જાય ત્યારે...

આ વખતે તો મારી પોતાની જ પત્નીનો ફોન આવ્યો કે, ''અસોક.. હું આંઇ પ્રલ્લાદનગરમાં ફસાણી છું... તમે જલ્દી હાઇલાં આવો... આપણી કારની ચાવી કારમાં રઇ ગઇ છે ને હું બા'ર ઊભી છું...!'

રહી ગઇ છે ને જે અંદર હોવી જોઇતી' તી, એ બહાર ઊભી છે. વાઇફ અંદર ભરાઇ ગઇ હોત તો ખાંસી-ઉધરસનું બહાનું- ફાનું કાઢીને આપણે ઘટનાસ્થળે જવાનું ય માંડી વાળીએ, પણ અહીં તો એ બહાર ઊભી છે ને ચાવી અંદર રહી ગઇ છે, એટલે વ્યવહાર સાચવવા ય જવું પડે. આપણામાં કહેવત છે ને કે, કોકના સારા પ્રસંગે ન જઇએ તો ચાલે, પણ માઠા પ્રસંગે તો જવું જ જોઇએ.

લેખના પહેલા વાક્યમાં લખ્યા મુજબ, આવું વાંચીને આશાસ્પદ ગોરધનો એટલે હસબન્ડોઝે મારી ઇર્ષા કરવી ખોટી છે. ગામ આખાની વાઇફો એમની ગાડીઓ બંધ પડે ત્યારે મને બોલાવે છે, એ સાચું પણ એમાં હું રૂપાળો રાજકુમાર લાગતો હોઇશ, માટે બોલાવતીઓ હશે, એવા જીવો બાળવાની જરૂર નથી. મૂળ તો દેખાવમાં હું કાર-મિકેનીક જેવો વધારે લાગું છું અને મને કાંઇ બી રીપૅર કરતાં આવડે, એવો અમારા સર્કલમાં ભ્રમ, એટલે આવા નિમંત્રણો આવે. કોકની વાઇફ સારી હોય તો વળી રીપેર કરી બી આલીએ..! આમાં પાછું બહુ ઊંડા ઉતરાતું નથી હોતું. ઘેર ઘેર ગાડીઓ રીપૅર કરવા ના જવાય. આપણો બી એક ટેસ્ટ હોવો જોઇએ... આઇ મીન, ગાડીની ક્વોલિટી જોઇને પહોંચવાનું હોય. જૂની ને ખખડી ગયેલી ગાડીઓમાં હેલ્પ કરવા આપણે નવરા નથી.

ગાડી તો બહુ દુરની વાત છે, મને તો ઘરમાં વીજળીનો બલ્બ બદલતા ય નથી આવડતો, પણ કોક અબળાનો સાદ સંભળાય તો, મારતે ઘોડે પહોંચી જવાનું. આપણે ક્યાં બોનેટો ખોલીને ગાડીઓ રીપૅર કરવાની છે... ત્યાં જઇને ''શું થયું? શું થયું'' એવું બે વાર બોલીને સીધો મિકેનીકનો ફોન મારી દેવાનો.. એ આવે ત્યાં સુધી પેલી સાથે રોડની એક સાઇડમાં ઊભા રહી જઇને ''બાકી, ઘેર બધા મઝામાં?''થી વાતો શરૂ કરવાની. ત્યાં સુધી મિકેનિકે ય આવી ગયો હોય. એ બહાને ધીરે ધીરે સંબંધ વધે... (મિકેનિક સાથે નહિ, પેલાની વાઇફ સાથે! માર્ગદર્શન પૂરૂં)

સંબંધ ડેવલપ કરવાનું કારણ એ કે, કોક વાર આપણી ગાડી બગડી હોય તો એ એના ગોરધનને આપણી મદદ કરવા મોકલે આ તો એક વાત થાય છે!

તો ય મેં ચાન્સ લીધો. પૂછ્યું કે, ''આજુબાજુ કોક ઊભું હોય તો એની મદદ લે ને...!''

''અસોક, મદદું લેવાય એવી નથ્થી.. આંઇ ટોળું ભેગું થઇ ગીયું છે મદદું કરવા... તમે કિયો એની મદદ લઉં..!''

હવે બાજી હાથમાંથી જતી હતી. કોક સાલો ફૂલટાઇમ મદદ કરી જશે તો મને તો કોઇ આશ્રમમાં સાધક તરીકે ય નહિ રાખે! હું પહોંચ્યો.

''અસોક... કાંય થીયું જ નો'તું...! હું તો આની કોરથી કમાડ ખોલીને ગાડીમાં ગરવા જાતી'તી, તીયાં કમાડું ખૂયલાં જ નંઇ... બે-તઇણ વાર કમાડું ખેંચી જોયા, તો ગાડી હઇલી, પણ ઇ નો ખૂયલાં..!'' અમારા જામનગર- રાજકોટ સાઇડમાં ગમે તેવી ભણેલી-ગણેલી સ્ત્રી હોય, દરવાજો ગઢનો હોય કે કારનો... એને કમાડ જ કહે! રીવર્સમાં નહિ લેવાની.. ''વાંહે જાવા દેવાની!'' ''શ્ટિયરિંગ''માં શશી કપૂરવાળો 'શ' બોલે ને એકલો શશી કપૂર બોલવો હોય તો, ''સસી કપૂર.''

''અસોક... મારાથી તો નો ખૂયલું, પણ ઓલા ભા'આય ઊભા છે, ઇ કિયે, ''આન્ટી, પિચ્ચોતેર દિયો તો હમણાં દરવાજો ખોલી દઉં...!'' (સાલો પહેલા મને મળ્યો હોત તો દોઢસો હું આપત.. દરવાજો નહિ ખોલવાના!.. પચાસ બીજા.. એને 'આન્ટી' કહેવાના!'')

આ આપણી એક આદત છે કે, વાઇફ મુશ્કેલીમાં હોય ત્યારે દિલો-દિમાગથી નહિ વિચારવાનું.. કિડનીથી વિચારવાનું. મોટા ભાગના ગોરધનોને હૃદયરોગના હુમલા કે બ્રેઇન-હેમરેજો થવાનું કારણ શું? વાઇફોના સવાલોના રોજ જવાબો આલવાના! આમાં કિડની ફેઇલ જાય તો હવે તો કિડની-દાતાઓ મળી રહે છે... બ્રેઇન કે હૃદય કોઇ બે દહાડા ય વાપરવા આલતું નથી!

''જો ડાર્લિંગ...તું સહેજ પણ ચિંતા કરીશ નહિ. હું કંઇક કરૂં છું.'' (તમે નોંધ્યું! ત્યાં બધે, ''આપ'' અને અહીં ''તું''.. ઘરના એ ઘરના! આ આપણી સંસ્કૃતિ છે. ઘરનાને ગમે નામે બોલાવો... બહાર તો વિવેક-વિનય દાખવવો જ જોઇએ! સુઉં કિયો છો?) કહે છે કે, ભાવનગર અને પાલિતાણા બાજુ બહુ સારા માઇલાં વરો થાય છે. ત્યાં વાઇફની ગાડીને આવું કાંઇ થયું હોય તો, વાઇફને રીક્ષા કરીને ઘેર મોકલી દે અને રાજા હરિશ્ચંદ્ર રાણી તારામતિને શોધવા જંગલ જંગલ ભટકવા માંડયા હતા (એ જમાનામાં એન્ડ્રોઇડ ફોનો નહોતા!) એમ ભાવનગરના ધણીઓ ચારે કોર ઠેબાં ખાતા ખાતા મિકેનીકને શોધવા જાય ને લોથ થઇને મોડી રાત્રે ઘેર પાછા આવે. આપણી બાજુના ગોરધનો આવી હિંમતો ન કરે. વાઇફને ફોન પર જ સમજાવી દેવાની કે, આજુબાજુમાં ક્યાંકથી બે ફૂટની ફુટપટ્ટી લઇ આય ને કારની બારીના કાચમાંથી ફૂટપટ્ટી નીચે ઉતાર.. લૉક ખુલી જશે.

આમાં ઘટના સ્થળે તાબડતોબ તો ફૂટપટ્ટા ય ક્યાંથી મળવાના હોય.. પણ એટલી તો વાઇફને તૈયાર કરવી જ પડે. નહિ તો આપણે સાલા નરોડા બેઠા હોઇએ ને પેલી પ્રહલાદનગરમાં ગાડી બગાડીને બેઠી હોય તો ગાન્ડા થઇ ગયા છીએ કે, નરોડાથી ૪૦ કી.મી.નું પેટ્રોલ બાળીને એની મદદ કરવા ઘાંઘા થઇ જઇએ? નેવર.. ફ્રેન્ડસ નેવર ડૂ ધેટ! વાઇફોને ગાડી ચલાવવા આપીએ છીએ તો બેઝિક રીપેરિંગ પણ એમણે જ શીખવું પડે...

નહિ તો હાલત મારા જેવી થાય.. ! હું કેવો લાચાર થઇને પહોંચી ગયો! પહોંચ્યો તો હેરાન થયો ને? આટલી મોંઘા ભાવની ગાડી... અંદરથી લૉક થઇ ગઇ હોય ને બહાર આપણે મજબૂર ને બેસહારા થઇને ઊભા હોઇએ, એમાં સમાજમાં આપણું કેવું ખરાબ દેખાય? મેં નાનું છોકરું કેલિડોસ્કોપ જોતું હોય, એમ બે હાથનાં નેજવા કરીને કાચની અંદર જોયું. હૅલનની માફક ચાવી ઝૂમતી- લટકતી હતી. માણસો આવી હાલતમાં અંદર શું કામ ડાફરીયા મારતા હશે, તેની મને ચોક્કસ ખબર નથી, પણ તો ય આપણે માર્યા, બીજું કરી પણ શું શકાય?

''અસોક... આપણે કાચ તોડી નાંખીએ તો?'' પત્નીએ સૂચન કર્યું. બેઝિકલી હું સર્જનનો માણસ, વિસ્ફોટનો નહિ, એટલે મેં ના પાડી. (સાચું કારણ એ હતું કે કાચ તોડો એટલે બીજા બે હજારની ઉઠે..! આપણી તો સાલી આખી ગાડી વેચવા કાઢો તો ય કોઇ બે હજાર આલે એવું ન હોય.. કોઇ પંખો ચાલુ કરો!!)

'તો એક કામ કરીએ. આપણે આંઇથી તમારી ગાડીમાં ઘરે વયા જાઇએ. મારી ગાડી ભલે આંઇ પડી રઇ.. કોક મિકેનિકભા'યને બોલાવીને પાછા આંઇ આવીએ..!'' અમારા કાઠીયાવાડમાં રામ જાણે આખું સૌરાષ્ટ્ર એકબીજાનું ફક્ત ભાઇ-બેન જ થતું હોય એમ ગમ્મે તેની પાછળ 'ભાઇ' તો લગાવવાનું જ! ''એ દૂધવાળા ભા'આય.. ઓલા જમાદાર ભાઆ'યને કિયો કે, 'આ ગુન્ડાભાઆ'યને આંઇથી પકડી જાય!''

ચાવીનું અંદર રહી જવું અમારા માટે કાંઇ નવી વાત નથી. અનેકવાર વાઇફને બાથરૂમના દરવાજા તોડીને બહાર કાઢી છે. અનેક વાર હું ફ્લાઇટના વૉશરૂમમાં પૂરાઇ ગયો હોઉં ને મહીંથી ખોલતા આવડતું ન હોય! ઘરનો દરવાજો લોક થઇ ગયો હોય તો મિસ્ત્રીને ય બોલાઇ લઇએ, પણ રોગને ઊગતો જ ડામી દેવાની જાણકારી હોવા છતાં ફ્લાઇટોના વૉશરૂમોમાં મિસ્ત્રીઓને સાથે થોડા લઇ જવાય છે! આ તો એક વાત થાય છે.

મારે ગાંધીનગરમાં આમ તો ઘણી ઓળખાણો, પણ આવામાં તો કોઇ મદદમાં ન આવે ને?

અમે બંને ત્રસ્ત થઇને ઊભા હતા. એલ્યુમિનિયમની પટ્ટી બારીના કાચમાંથી નીચે ઉતારવાથી ઘણે ભાગે તો લૉક ખુલી જતા હોય છે, પણ આવડયું નહિ એમાં ત્રણ ફૂટપટ્ટીઓ તો મહીં રહી ગઇ. હું તો પ્રવાસનો શોખિન એટલે એક વખત મિકેનિકો સુતા હોય છે એમ ગાડીની નીચે એકાદ વખત સૂઇ આવ્યો, પણ દરવાજો ન ખૂલ્યો. ગાયત્રી મંત્રો તો બંનેના ચાલુ હતા. હું ટેન્શનમાં હોઉં, ત્યારે અનેકવાર મારા પોતાના લમણા ઉપર ઉંધો હાથ ટેકવીને બેસતો હોઉં છું. કહે છે કે, એમ કરવાથી ટેન્શન ભલે દૂર ન થાય, પણ તમારૂં ધ્યાન તો બીજે વળે! કવિ નર્મદે તો બધી કવિતાઓ લમણે હાથ મૂકીને જ લખી છે. ઘણા સાહિત્યકારો મગજને બદલે ગાલથી વિચારતા હોય છે, એટલે એ લોકો લમણાંને બદલે ગાલ ઉપર એક આંગળી અડાડીને ફોટા પડાવે છે.. પણ કહે છે કે, ફાયદો ચોક્કસ થાય છે...

ઉપસ્થિત પ્રેક્ષકો સલાહો ઉપર સલાહ આપે જતા હતા. અમે બંનેએ જ્યુસ મંગાવીને ય પીધો. પણ દરવાજો ન ખૂલ્યો.

એક નાનું ટેણીયું આવ્યું. મારો હાથ પકડીને પાછળ લઇ ગયું. પાછળનો દરવાજો ખુલ્લો જ હતો.

બસ્સોનું ટોળું અમારા બંને પર મજાકમાં હસતું હસતું વિખરાઇ ગયું...

સિક્સર

- અજીતસિંહજી, તમે સ્ટેશન પર મને લેવા આવો, ત્યારે તમારી ગાડી હું ઓળખીશ કેવી રીતે?

- બહુ સિમ્પલ છે... મારી ગાડી ૧૮,૩૭૬ કિ.મી. ચાલી છે. બહારથી મીટર જોઇ લેવાનું!

No comments: