Search This Blog

09/10/2013

બૅન્ક લૂંટાઇ કે...?

એક મોટી ચીસ...અને બૅન્કમાં ઊભેલા અમે બધા સજડબંબ. એક સાથે ૭-૮ લૂંટારાઓ હાથમાં રીવૉલ્વર સાથે ઘાંટાઘાટ કરતા ઝડપ-ઝડપથી ફરવા માંડયા. બૂમાબૂમ સાથે આ લોકોની સ્પીડ આપણને ગભરાવી મારે છે. બધાએ માસ્ક પહેર્યો હતો, એટલે એમાંનો કોણ બ્રાહ્મણ કે કોણ જૈન લૂંટારો હતો તે ઓળખાય એમ નહોતું. જો કે, એ બેમાંથી બ્રાહ્મણ કે જૈન તો કોઇ નહિ હોય કારણ કે, બા'મણભ'ઇને મૅક્સિમમ ઘાંટો પાડતા આવડે... બંદૂકો ફોડવાનું ના ફાવે. જૈનો ધંધામાં પાવરફૂલ હોય એટલે ઘાંટો ય પોતાનો ખર્ચી ન નાંખે... કોઇ કસ્ટમરના લમણે બંદૂક મૂકીને ઘાંટો ય વેચી મારે, ''મારા બદલે તમે ઘાંટો પાડશો? બૅન્ક લુટી લઉં પછી પચાસ રૂપિયા આપીશ... જય જીનેન્દ્ર.''

સ્ટાફ અને કસ્ટમરો થઇને અમે કોઇ ૨૦-૨૫ જણા હતા. મેં તો હજી સુધી છાતી-બાતીમાં એકે ય વાર ગોળી ખાધી નથી, એટલે ગોળીઓ ખઇ લીધા પછી મારા મુખમાંથી 'હે રામ' કેવું નીકળશે, એના તો રીહર્સલો ય ન કર્યા હોય ને?

તાબડતોબ અમને સહુને જમીન પર ઊંધા સુઇ જવાનો હુકમ થયો. હું ઊભો હતો, ત્યાં કોઇએ ચા ઢોળી હતી, એટલે ''જરા બાજુ પર સુઇ જઉં?'' એવું પૂછવાની જીગર ચાલી નહિ. પણ હું ચોખ્ખાઇમાં માનું, એટલે ઢોળાયેલી ચા કરતા ત્રણ-ચાર ફૂટના અંતરે જઇને સુઇ ગયો. બૅન્કના કાઉન્ટર નીચેની ખાલી જગ્યામાંથી પેલે પાર સૂતેલી સ્ટાફની એક મહિલાને મેં સ્માઇલ આપ્યું, પણ એણે ન લીધું. એ ગભરાયેલી હતી. એનો ગભરાટ મારી બાજુમાં સુવાને કારણે આવ્યો છે કે લૂટને કારણે, એ તો ઊભા થયા પછી પૂછીશું... આવી શરૂઆતોમાં ઉતાવળો કદી ન કરાય! વળી, હું તો એનો દીકરો થતો હોઉં, એમ હોઠ પર આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ત્યાં બૅન્ક લૂટાઇ રહી હતી ને અહીં હું! બૅન્ક-રૉબર્સ હંમેશા ગ્રાહકોને ઊંધા સુઇ જવાની ધમકી આપે છે. અમે બધા ઊંધા પડયા હતા. પાણી વિનાના ખાલી હૉજમાં અમે તો ટાઇલ્સ ઉપર તરવા આયા હોઇએ, એવું લાગતું હતું.

મારી બાજુમાં સ્કૂલનો કોઇ માસ્તર પડયો હતો. ગાલને જમીન સોતા દબાવીને એ લાચારીથી મારી સામે જોઇ રહ્યો હતો, ત્યાં લૂંટારાઓએ લુખ્ખી આલી દીધી કે, ''અગર કિસી ને હિલને કી કોશિષ કી, તો ભૂનકે રખ દૂંગા...'' માસ્તર ધીમા છપછપ અવાજે મને કહે, ''અહીં વ્યાકરણની ભૂલ છે. એ લોકો ઘણા છે અને બધા આપણને ભૂનવા માંગે છે તો, ''...રખ દૂંગા'' ના બોલાય.. ''રખ દેંગે'' બોલાય!

તારી ભલી થાય ચમના..! અત્યારે ય માસ્તરગીરી? મારા જમાનામાં સરખું ગુજરાતી નહોતું ભણાવ્યું, એમાં મારે લેખક થવાના દહાડા આવ્યા ને હજી તું છાલ છોડતો નથી?

માસ્તર ઝભ્ભો ને લેંઘો પહેરી લાવ્યા હતા. પતલા શરીર ઉપર એ બન્ને કપડાં ટકી કેવી રીતે ગયા હશે, એ ધારણા પૂરતો વિષય છે. શક્ય છે, લેંઘા સાથે નાડું પણ આવ્યું હોય. પાઉં-ભાજીના મોટા પાઉં વચ્ચે આંગળી દબાવો ને જે ખાડો પડે એવા બે ખાડા માસ્તરના ગાલ ઉપર હતા. કાળી ફ્રેમના ગોળ રિમના ચશ્મા વચ્ચેથી નીકળતું અણીયારૂં નાક સ્વિમિંગ-પૂલના ડાઇવિંગ બૉર્ડ ઉપર ઊભેલા છોકરા જેવું લાગતું હતું. ભીની ચાના કાળા દાણા જેવી એમની મૂછો વેરાયેલી પડી હતી. દાઢી આપણને એક વાર અડી આવવું ગમે, એવી ગોળ અને સમોસાના આકારની હતી. ગળાનો હૈડીયો એ થૂંક ગળતા હશે ત્યારે ગટુર-ગટુર બોલતો ઊંચો-નીચો થયે રાખતો હતો. મુંબઇની ચાલીના મકાનની કોક બારી ઉપર સૂકવવા મૂકેલાં કપડાંની જેમ કાનમાંથી એમના વાળ બહાર આવું આવું કરતા હતા, પણ પૂરા આવતા નહોતા. આખા પૅકૅજમાં માસ્તરને લો, તો બધું મળીને સૅકન્ડ-હૅન્ડ સોફા લીધો હોય, એવું લાગે.

''કૌન બોલા, બે?'' એક લૂટારાએ માસ્તરના લમણા ઉપર રાયફલનું નાળચું અડાડીને પૂછ્યું...! માસ્તર એવા ફફડી ગયા કે, ચાનો રેલો હજી સૂકાયો ન હતો ને બીજો તાજો રેલો મારા મોંઢા સુધી આવ્યો! નસીબજોગે માસ્તર સવાલ નં. ૧ ઑપ્શનમાં છોડી શક્યા. આ બીજો રેલો જરા સ્પીડમાં આવતો હતો. બન્ને દ્રાવણોની સંયુક્ત સુગંધ મારાથી સહન થતી નહોતી, એટલે મેં મોઢું પેલી તરફ ફેરવ્યું. ત્યાં એક અજગર પડયો હતો... ઍનાકોન્ડાથી એકાદ-બે દોરા મોટો હશે! હતો કોક જાડીયો સાલો. અહીં નિયત કરેલા આયોજન મુજબ, અમારે ઊંધા સુવાનું હતું, એટલે ફ્લૉર પર એનું તોતિંગ પેટ ઢાળ સ્વરૂપે મોંઢા સુધી રગડતું આવતું હતું, એટલે નેહરૂ બ્રીજના ઢાળ જેવો આકાર મળતો હતો. તમારામાંથી કોઇએ રાજકોટ જતા હાઇ-વે પરથી ચોટીલાનો ડુંગર જોયો હોય, તો એ આકાર અહીં ધારી લેવો.

જાડીયો ગોરો ચીટ્ટો તો હતો, પણ માથે લશ્કરી-કટ વાળ કપાઇ લાવ્યો હતો. મૂછો હોઠના બન્ને ખૂણેથી નીચે ફંટાતી હોવાથી વાતવાતમાં ગભરાઇ જવાની આપણી માસ્ટરી ખરી. પહેલા મારે ગભરાવું, એવું હું નક્કી જ કરતો હતો, ત્યાં ફર્શ પર દબાયેલા ગાલે ગચ્ચું દયામણે મોંઢે બોલ્યું, ''તમે મને શૂટ તો નહિ કરી દો ને...?''

સાલા... હું તને ધાડપાડુ જેવો લાગું છું? દેખાવમાં તો હું સારા ઘરનો લાગું છું, એટલે બધા 'બદમાશો' બહારથી તો આવા જ લાગતા હોય...' એવો એને ભ્રમ ટીવી-ન્યુસ જોઇજોઇને થયો હોય!

નીચે સુતેલું એ પોલર બૅર (ધ્રૂવ પ્રદેશનું સફેદ રીંછ) જમીનમાં સીતામાતાની જેમ સમાઇ જવાને બદલે જમીન પર ટકી ગયું હતું. એ મારા સિવાય અન્યત્ર જોઇ પણ શકે એમ નહતો. મને એમ કે, આવા જાડીયાઓ જરાક આડા પડે તો હાલાં કરી જાય, પણ તેમ ન થયું. એણે મને ઈશારે-ઈશારે પૂછ્યું, ''શું થયું?'' મેં કહ્યું, 'બૅન્ક લૂટાઇ લાગે છે...!'

પેલી તરફ લૂંટારાઓના હાકોટા અને પડકારા સંભળાતા હતા.

રીંછને જોયે રાખવા કરતા ઝીલ કે ઉસ પાર પડેલી બૅન્કવાળી મહિલા તરફ મોઢું રાખવું સારૂં. સંબંધ રાખ્યા હોય તો કોક 'દિ કામમાં આવે, એ ધોરણે મેં પહેલી વારનું પાછું આવેલું મારૂં સ્માઇલ પાછું મોકલાવ્યું. આ વખતે એ હસી. મને દુનિયાભરની બૅન્કોના સ્ટાફો માટે માનો થઇ ગયા. (આપણી વાક્યરચના જોઇ, બૉસ...? સાહિત્યમાં તદ્દન નવો પ્રયોગ!) પણ એ સ્માઇલ છેતરામણું નીકળ્યું. સ્ત્રીઓ જે કામ એક નાનકડા સ્માઇલ સાથે પતાવી નાંખે છે, એ માઇલું એ સ્માઇલ હતું. મને ઈશારાથી કહે, ''ઊભા થઇને એક-બે ને ઢાળી નાંખો ને...!''

સાલી આ તો લગ્ન પહેલા જ વિધવા થવાની તૈયારીઓ કરીને સુતી છે. મેં ના પાડી કે, મારાથી ન ઢળાય... મારી બા ખીજાય, તો કહે, ''મોબાઈલ પર પોલીસને ખબર આપો...''

મારે પર્મેનેન્ટ લોચા એવા લાગે છે કે, ૧૦૦ અને ૧૦૧ નંબરનું ભાન રહેતું ન હોવાથી પોલીસને બદલે ફાયરબ્રિગેડને ફોન થઇ જાય છે અથવા ઊલટું.

દરમ્યાનમાં લૂંટારાઓએ કૅશિયરને પકડીને ધીબેડયો હતો. બેવકૂફ કૅશીયર હશે કારણ કે, ભારતભરની બૅન્કોમાં એક સૂચના સ્ટાફને મળેલી હોય છે કે, બૅન્ક લૂંટાતી હોય તો લૂંટાવા દેવાની... પણ સામનો નહિ કરવનો. લૂંટ સામે પૂરો વીમો હોય છે. લૂંટની રકમ કરતા ચાલુ ડયૂટીએ ઢળી પડેલા સ્ટાફને નુકસાની ચૂકવવી બૅન્કને વધારે ભારે પડે છે. કોકને માર પડયો છે, એ જાણ્યા પછી અમારા બધામાં ફફડાટ વધી ગયો. માસ્તરે મોંઢેથી 'છીછ...છીછ'ના ઈશારે બોલાવીને એવો સંદેશો આપ્યો કે, ધીબેડવાની આ ઘટના પછી એમના હૃદયને ભારે ચોટ પહોંચી છે. જાડીયાએ પણ 'છીછ...છીછ' કર્યું. મને પૂછ્યું, ''હવે આપણને ય મારશે?'' સાલું એ ત્રણે કરતા તો હું વધારે ફફડતો હતો... હું કોને પૂછવા જઉં?

દસ મિનીટમાં તો બધો ખેલ ખતમ થઇ ગયો. લૂંટારાઓ જતા રહ્યા. અમે સહુ તો ગળતેશ્વરની પિકનિકમાં કોક ઝાડ નીચે બે ઘડી આડા પડયા પછી, ધૂળો ખંખેરીને ઊભા થવાનું હોય, એમ ઊભા થયા. યાદ હોય તો આપણે નાના હતા ત્યારે સાવ લાલ-લીલા રંગના પાતળા કાગળનો પહેલવાન બનાવીને હથેળીમાં મૂકીએ, એટલે સૂતેલો પહેલવાન ગૂંચળું વળીને બેઠો થઇ જતો, એમ માસ્તર ઊભા થયા. જાડીયો એમ ઊભો થાય એમ નહતો. એને ઊભો થતા જોવો કોઇ ઍબ્સર્ડ કલાકૃતિ બને એમ હોવાથી અહીં વર્ણન કરૂં છું. એ ઊંધો પડેલો હતો, એ તો તમે જાણો છે. એ પછીનો ઘટનાક્રમ એવો થયો કે, લૂંટારાઓ જતા રહ્યા અને આ બાજુ ગૂંચળું છુટું થવા માંડયું. પહેલા તો એ આડે પડખે થયો. લાદી ઉપર કોઇ ધ્વનિ ન સંભળાયો. એ પછી એક હાથ વડે એણે જમીન ઉચકી જોઇ, જેમ હનુમાનજીએ મેરૂ પર્વત ઉચક્યો હતો, પણ આણે ઊંધો પર્વત ઉચક્યો હતો. હાથના પંજા ઉપર ખાસ્સું વજન આવવાને કારણે એના ગળામાંથી વિભિન્ન પ્રકારના અવાજો નીકળવા લાગ્યા. તાત્કાલિક બીજા હાથની મદદ લેવાઇ અને બન્ને હાથ જમીનમાં ખોડયા પછી ઢીંચણો વડે જોર અપાયું. એક ઝાટકો વાગ્યો અને જાડુ ઊભો થઇ ગયો, પણ ઊભા થયા પછી પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે, ''મારૂં પાકીટ કોઇ મારી ગયું?''

એને પેલા તો મારા ઉપર ડાઉટ પડયો કે, અડધી ઊંઘમાં મારાથી તો આ કરતબ થઇ ગયો નહિ હોય ને? મેં મારા ખિસ્સા તપાસ્યા તો મારૂં પાકીટ પણ નહિ.


બૅન્ક-સીક્યોરિટીએ સહુને બહાર જવા દેતા પહેલા બધાના ખિસ્સાં તપાસ્યા, તો જાડીયાના જૅકેટમાંથી મારૂં ય પાકીટ નીકળ્યું. દસ મિનીટમાં હું બે વાર લૂંટાતો બચી ગયો.

....પણ બૅન્કની પેલી મહિલાએ મારી પાસે આવીને પોતાનું કાર્ડ આપતા ધીમા અવાજે મીઠડા. સ્માઇલ સાથે કહ્યું, ''ક્યારેક ફોન-બોન કરજો...!''

હવે હું લૂંટાયો. 


 સિક્સર

કવિવિશ્વમાં આવતી કાલે જેનું નામ સ્વયં કવિતા બની જવાનું છે, તેવા અમદાવાદના યુવાન કવિ ભાવેશ ભટ્ટની આ ગઝલ જરા તપાસી જુઓ... કોક દિલ્હી જઇ રહ્યું છે, તે સંબંધમાં કેટલી પ્રસ્તુત છે!

 ''ક્યારે કીધું કે હક્ક આપો? અમને એકાદી તક આપો.
માન અમે તલવારનું રાખ્યું, ચાલો પાછું મસ્તક આપો.
જીતીશ જંગી બહુમતિથી, સન્નાટાની બેઠક આપો.
મને ત્રાજવા પર શંકા છે, જે કાંઇ આપો, ઉચ્ચક આપો.
હવા ને દીવાએ ઘર માંડયું છે, આ ઘટનાને શીર્ષક આપો.
સાચુકલા આઝાદ થવું છે, બે-ત્રણ ગાંધી હિંસક આપો.''

No comments: