Search This Blog

16/10/2013

એક અનોખી પ્રેમકથા

લતા પટેલ : ઉંમર ૮૨ વર્ષ પૂરા.

મસ્તુ મેહતા : ઉંમર ૮૩ વર્ષ પૂરા.

દરજ્જો : એક જમાનામાં પઇણતા- પઇણતા રહી ગયેલા. પ્રેમ પણ થઈ જ ગયેલો વળી. બીજા બે મરવાના થયેલા એટલે આ બન્ને લગ્ન કરી શકેલા નહિ. આજે ૬૦ વર્ષો પછી બન્ને અચાનક પરિમલ ગાર્ડનમાં મળી જાય છે.

પહેલી નજરે તો એકબીજાને ઓળખી ન શકાયું. બીજી નજરે ય ખાલી ગઈ... ચોવીસમી- પચીસમી નજરે ઝીણકું- ઝીણકું યાદ આવવા માંડયું ને પછી તો સાંગોપાંગ યાદ આવ્યું ત્યારે ચારે આંખો હેન્ગ થઈ ગઈ. નજીક આવવું જ પડયું. પહેલ કરી લતાએ... એ જમાનાની જેમ !

''તમે.. તમે મસ્તુઉઉઉ...'' ગભરાહટમાં 'તુ' બહુ લંબાઈ ગયો.

''તું લતા.. ? તું...તું અહીં ક્યાંથી ?'' મસ્તુભ'ઇએ ખોંખારો રોકીને પૂછ્યું.

''હું તો આ ગાર્ડનના માળીની દીકરી છું એટલે ફૂલડાં વીણવા આઇ'તી...!'' એવો જવાબ તો કોઈ ન આપે, પણ આવી ઘટનાઓમાં આપણાથી ય પહેલો સવાલ આવો ઢંગધડા વગરનો જ પૂછાઈ જાય છે કે, ''તમે અહીં ક્યાંથી ?''

''મસ્તુ... ઓહ... આજે કેટલા વર્ષે તને જોયો ? ઓહ, આઇ જસ્ટ કાન્ટ બીલિવ ઇટ.'' લતાએ નીચે જોઈને અંગૂઠા વડે જમીન ખોતરવાનો પ્રયત્ન કર્યો, પણ સેન્ડલ્સ હાઇ-હિલ્સના હતા. ન ખોતરાઈ... જહે નસીબ ! પણ પંદર વર્ષની પન્ના પટેલ જેવું હવે એ કાંઈ ન શરમાય. આ ઉંમરે તો મોંઢા ય શેના ચઢાવાય... ચઢાઈએ તો ઘેર જઈને બા ખીજાય ! લતાએ કોઈ પણ સમજણ કે તૈયારીઓ વગર મસ્તુનો હાથ પકડી લીધો.
લતાએ બ્લેક જર્સી અને ખાખી પેન્ટ પહેર્યું હતું. વાળ સફેદ પણ ગરદન સુધીના જ. છૂટા અને સ્ટાઇલિશ- શેમ્પૂ કરેલા. અમેરિકામાં ૩૪ વર્ષ રહી છે અને ઇન્ડિયા સમજો ને... લગભગ દર વર્ષે એક આંટો ખરો. લતા ફ્લ્યૂઅન્ટ ઇંગ્લિશ બોલે, પણ જનમ પાછો પટેલમાં લીધો એટલે 'ફોર' કે 'ફાધર' બોલવામાં 'ફાફડા'નો 'ફ' બોલે. પણ ભલે ૮૨- થયા, સુંદરતા બરકરાર હતી. જુવાનીયાઓને લતા ઉપર નજર ચીપકાવવી ગમે એવી. 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી...'ના ધોરણે એના જમાનામાં તો લતાના નામના યુવાનોમાં સિક્કા પડતા'તા, પણ આજે ય... ૮૨-ની ઉંમરે ૬૦-વાળી ડોસીઓને કૉમ્પ્લેક્સ આપી શકે. એટલી સુંદર (અને સેક્સી પણ) લાગે!

મસ્તુભ'ઇ એવા જ. હજી એવા જ ! તબિયતના રંગીન એટલે શરીર પરફેક્ટ જળવાઈ રહેલું. ઉંમર આવી હતી, ઘડપણ નહિ. આ ઉંમરે સહેજ પણ બેફિકરાઈથી નહોતા જીવતા. કપડાં અપ-ટુ-ડેટ, દાઢી રોજ કરવાની, હેર-ડાઇ તો પહેલેથી પસંદ નહોતી. પરફ્યૂમ ફ્રૅન્ચ સિવાય તો અડે નહિ. ઇન્સર્ટ કરેલા શર્ટની બાંયો થોડી રાલ-અપ કરેલી.... ધોતિયામાં આ બન્ને સગવડો ન હોવાથી ધોતીયું એમણે ક્યારેય ન પહેર્યું. પૂણી જેવા સફેદ વાળમાં તેલ-ફેલ નાખવાનું નહિ, એટલે સહેજ પવન આવે ત્યારે ફરફરતા વાળ એમના ચેહરા ઉપર તોફાનમસ્તી છમછમાવી દેતા. પરિમલ ગાર્ડનમાં તો રોજ આવવાનું. અહીં બેસવાનું ગમતું. મોટા ભાગના મોર્નિંગ વૉકર્સ આંખને ઠંડક આપે એવા... (ભૂલ સુધાર : 'એવા' નહિ... 'એવી' ! ભૂલ પૂરી.)

જ્યારે કાંઈ કરવાનું ન હોય ને અમથુ બેસવાનું હોય, એ વૈભવ તો નિવૃત્તિ પછી જ મળે છે. ઘેર ડોસી દર બબ્બે મિનિટે 'મારો શામળિયો.... ને મારો નટવર ગીરધર...' કરે રાખે, એમાં મસ્તુભ'ઇ હવે બોર થતા હતા. કહે છે કે, '૫૬- '૫૭ની સાલમાં ડોસીની આસપાસ કોઈ શ્યામલાલ અને નટવરભ'ઇ નામના બે શામળીયા- નટવરીયાઓ હતા. ડોસીએ મચક નહોતી આપી. પણ મસ્તીયાને પઇણ્યા પછી ડોસીને રીયલાઇઝ થયેલું કે, પેલાઓને મચક આલી હોત તો સારું થાત... મસ્તુડા કરતા પેલા બે વધારે રામન્ટિક હતા... (આજની ૯૦ ટકા કાકીઓની આ જ ફરિયાદ છે, પણ કહેવાય કોને ?... કોઈ પંખો ચાલુ કરો) એ દાઝમાં ડોસી આજે ય, 'મારો શામળીયો... ને મારો નટવર ગીરધર...' કરતી હશે, એવો ડાઉટ મસ્તુભ'ઇને પડતો,પણ એવો કોઈ સીરિયસ ડાઉટ પણ નહિ ! ડોસી ડોસી થઈ ગઈ હતી, મસ્તુભ'ઇ ડોસા નહોતા થયા. એમને જીંદગીની રંગીનીયત ચાલુ રાખી હતી. ચરીત્ર જીવનભર ચોખ્ખું, પણ એનો એ ય અર્થ નહિ કે, સુંદર સ્ત્રીઓ ગમે નહિ. એ તો કહેતા, ''જ્યાં સુધી તમને સ્ત્રીઓ જોવી ગમે છે, ત્યાં સુધી જ જીવનમાં પૂરબહાર છે... બાકીના બુઢ્ઢાઓ કેવા ખખડી ગયા છે, એવો ટોણો મારીને મસ્તુભ'ઇ આંખ મીચકારીને બાજુના કોઈ ડોહા પાસે તાળી ય લેતા... હઓ !

આવા પુનર્મિલનોના જાણકારો કહે છે કે, બન્ને પાર્ટીઓ પહેલાં તો એકબીજાની હથેળી હાથમાં લઈને રમાડવા માંડે છે. પછી શરમાઈ શરમાઈને એકબીજા સામે ક્ષણો સુધી જોયે રાખવાનું અને આટલા વર્ષોમાં એકબીજાને કેટલા મીસ કર્યા તે, આંખોના એસ.એમ.એસ.થી જણાવી દેવાનું હોય છે. આનાથી આગળ વધી શકાતું નથી. આજુબાજુ પબ્લિક હોય ને ? લતીને જોઈને મસ્તુની આંખોમાં ચમક આવી. એ જમાનો હતો કે, બન્ને એકબીજાની પૂરેપૂરા નજીક આવવા માંગતા હતા, પણ જાય ક્યાં ? હોટલવાળાઓ એમ કંઈ રૂમ આપે નહિ. કોઈ ફ્રેન્ડના ઘેર જવાય નહિ, બહુ બહુ તો ઉજ્જડ એવા કમ્પના હનુમાન વિસ્તારમાં સાયકલ પર જઈ, ઝાડ પાછળ લુકછુપ સંતાઈને બબ્બે ત્રણ ત્રણ સેકન્ડના ચુંબનો કરી લેવાતા. આવા અધૂરા રહેવામાં શરીર કાબૂ બહાર જતું રહે છે, પણ મનને કાબુમાં રાખવું પડે છે... નહિ તો આવા કિસ્સાઓમાં શાહીબાગ પોલીસનો રેકોર્ડ બહુ સારો નહિ !

ઉભા રહેવાને બદલે બન્ને બાંકડે બેસી ગયા. 'તારે છોકરા-છૈયા કેટલા છે ને તું ક્યાં રહે છે', એ બધી માથાઝીંકમાં બેમાંથી એક ય ન પડયા. શબ્દોની એહમીયત નહોતી. પરિમલ ગાર્ડન બેમાંથી એકના ફાધરે બનાવ્યું હોય, એમ બન્ને આસપાસનું ગાર્ડન ભૂલી ગયા હતા. સ્પર્શ અપ્રતીમ આનંદ આપી રહ્યો હતો. માત્ર સ્પર્શ હોત તો, અનુભૂતિ ભાઈ-બહેનની હોત... અહીં તો હથેળીઓને દાયકાઓ પછી જોબ મળી હતી. ચારે ય ગતિપૂર્વક કામે વળગી હતી.

''મસ્તુ... તું હજી...''

''જસ્ટ શટ અપ, લતા... હજી એટલે શું ? તારો મસ્તુ હજી પૂરબહારમાં છે,  લતી... ગુમાવ્યું એટલું ગુમાવવું નહિ હાથમાં અને લતી... તું હજી અન્જાય કરી શકે એમ છે ને ?'' જવાબમાં પેલું 'ચલ હટ્ટ'વાળુ સ્માઇલ અને નીચે જોઈ જવાનું. શરમાવાની તો ઉંમર નહોતી કે પછી, ''હાય હાય... આવું શું બોલે છે ?'' એવા નાટકો કરવાનો ય તબક્કો નહોતો. એકબીજાની ઉંમરને કારણે બગીચાઓ હજી એવી જ ખુશ્બુઓ રેલાવી શકે કે કેમ, એટલું જ જાણવું હતું ને જણાઈ ગયું. બન્ને એકબીજા સામે લુચ્ચું હસી પડયા. અફ કૉર્સ, હાથમાં હાથ જોઈને મોર્નિંગ વૉક કરવા નીકળેલા લોકોમાંથી કોક મલકાતું હતું, કોક બુઢ્ઢાઓની જાહેર નફ્ફટાઈ જોઈને મ્હો મચકોડતું હતું તો કોકને વધારે ઇન્ટરેસ્ટ પડતો ને આગળ જઈને, 'હવે આગળ આ બન્ને શું કરે છે ?' એ જોવા ઘડીભર થંભી જતા.

'૫૬ની સાલ જેવો એ જમાનો નહતો કે, ક્યાંય જઈ ન શકાય. ઉંમર અને સ્ટેટસ જોઈને હવે તો હોટેલવાળા ય કોઈ ડાઉટ ન રાખે. બન્નેએ ત્યાં જ નક્કી કરી લીધું કે, ક્યાં મળીએ છીએ ! લતા પહેલી વખત ૧૬ વર્ષ જેવું શરમાતી હતી ને મસ્તુભ'ઇ ખૂબ ઝડપથી આગળની ઘટનાઓ ધારવા માંડયા હતા... ખીલખીલાટ થઈ ને !

સાંજે ઘેર ગરબડ થઈ ગઈ. વિરાટ ઉર્ફે વીરૂ મસ્તુનો પુત્ર થાય. જેવો ઑફિસથી આવ્યો ને નહાઇ-ધોઇને બહાર નીકળ્યો કે, તરત પપ્પાને પોતાના રૂમમાં બોલાવી લીધા. ચેહરો ગુસ્સામાં ય હતો,પણ ફાધરની આમન્યાને કારણે ગુસ્સો છાતીમાં રાખવો પડયો, મ્હોં ઉપર નહિ ! મમ્મી પડી ગયા હતા ને વિરાટ મારતી ગાડીએ પપ્પાને લેવા પરિમલ આવ્યો હતો. ત્યાં જે દ્રષ્ય જોયું, એનાથી પહેલા ચોંકી ગયો, પછી ધાગધાગો થઈ ગયો ને લોકોને એ દ્રષ્યો જોઈને મશ્કરીના અંદાઝમાં વાતો કરતા સાંભળ્યા, એ પછી ગુસ્સાથી થરથરી ગયો.

બાપ-દીકરા વચ્ચે બધી વાતો થઈ. દીકરો ગુસ્સામાં ને બાપ સ્વસ્થ અને શાંત. મસ્તુભ'ઇએ જે ચાર- પાંચ વાતો કરી (ખુલાસા નહિ !) તે સઘળાનો સાર આ મુજબ હતો :

''હું ૬૦નો થઈ ગયો પછી આજે ૮૩ની ઉંમર સુધી મર્યો નથી, એ મારી સિદ્ધિ નહિ, તો મારો વાંક પણ નથી. જસ્ટ બીકોઝ... હું તમારા બધાની નજરમાં ઘરડો થઈ ગયો, એટલે બધેથી 'તમને બધાને રાજી રાખવા' મારે નિવૃત્તિ લઈ લેવાની ? હું રંગીન જર્સી અને જીન્સ કેમ ન પહેરી શકું ? સીસીડી-માં કોઈની સાથે હું કેમ બેસી ન શકું ? શરીર મારું, જાળવણી મારી, લાઇફ સ્ટાઇલ મારી, તો પછી મારી નિવૃત્તિ સમાજ નક્કી કરી આપે ? તમારા બધા જેટલા વર્ષો અમારી પાસે ન રહ્યા હોય, પણ જેટલા રહ્યા હોય એ ખુશમીજાજ બનીને જીવી જઈએ એમાં સમાજ શું કામ વચમાં આવે ? સાલા તમે લોકો તમારી ઉંમર પ્રમાણે વર્તો તો યુવાન અને અમે કરવા જઈએ તો ''કાકા, તમે હવે ઘરડા થયા.. ? અને વિરાટ બેટા... આપણા બન્નેના કેસમાં તો હું તને ય કહી શકું એમ નથી કે, 'બુઢ્ઢા હોગા તેરા બાપ...''

સિક્સર

- શું અમદાવાદમાં મન ફાવે ત્યાં લારીઓ ઊભી રાખો કે મન ફાવે એમ વાહનો પાર્ક કરો, એવી કોઈ જગ્યા ખરી ?

- આવી જાઓ સરદાર પટેલ કાલોનીના બાવલા પાસે ! કોઈ નામ નહિ લે !

No comments: