Search This Blog

29/10/2013

મારો ચીન પ્રવાસ

મને બહુ લાંબા અંતરના પ્રવાસની હૉબી નથી. કહે છે કે, એમાં પછી પાછા નથી અવાતું. ‘‘એ તો બહુ દૂર... દૂઉઉઉ..ર’ ના પ્રવાસે ઉપડી ગયા છે,’ એવું મારા માટે કોઇ કહે એ મને જ નહિ, મારી બાને ય ન ગમે. બા ખીજાય!

પણ હું મધ્યમ માર્ગનો માણસ. ‘મધ્યમ માર્ગ’નો મતલબ એવો નહિ કે, ભરચક ટ્રાફિકવાળા સીજી રૉડની વચ્ચે ચાલવાનો હું આગ્રહી હોઇશ. એવું નથી. હું બહુ સીધો માણસ છું.  ‘સીધા માણસ’નો અર્થ એવો પણ નહિ કે, જ્યાં જઉં, ત્યાં અક્કડ અને ટટ્ટાર ચાલતો હોઇશ અથવા તો કોઇની રૂપિયાની નૉટ પડી ગઇ હોય તો કોઇ જુએ નહિ એમ એ લેવા હું વાંકો ય ન વળું. ‘‘અકડ કિસ બાત કી પ્યારે...’’ એવું જમીન પર પડેલી નૉટ ઉઠાવતા પહેલા આવો નમ્ર બની જઉં છું. નમ્રતાનો એવો અર્થ પણ નહિ કે........

હવે મૂળ વાત પર આવો, દવે સાહેબ. લેખ હજી શરૂ જ થયો છે, એના બીજા ફકરામાં જ તમે સાબિત કરી દીધું કે, તમે એક નંબરના અડવીતરા, અકડુ અને ૪૨૦ – બ્રાન્ડના માણસ છો.... ફિશિયારીઓ બંધ કરો અને મૂળ વાત પર આવો!

ગુજરાતી સાહિત્યના સમારંભોમાં મેં ક્યારેય પ્રવચનો આપ્યા નથી, એટલે મૂળ વાત પર આવતા મને ઝાઝો સમય નહિ લાગે. મૂળ વાત મારા ચીન–પ્રવાસની હતી, તે પતાવીને આપણે મૂળ વાત પર આવીશું.
અમદાવાદમાં મારા ઘર–નારણપુરાથી બોપલ બહુ દૂર પડે, તો પણ ચીન જવાનું સસ્તું પડે... રસ્તામાં ટ્રાફિક–જામ  પોલીસના પ્રોબ્લેમો નહિ ને! એટલે હું ચીન જઇ આવ્યો. જવું તો હતું મણીનગર જ, પણ ટ્રાફિક–જામ અને જ્યાં ને ત્યાં બ્રીજો ખોદાતા હોવાથી, ગાડીનો ‘યુ–ટર્ન’ લેવા છેક દિલ્હી સુધી જવું પડ્યું. ત્યાં પહોંચ્યા પછી ઘેર પાછા આવવા માટે આળસી જવાયું ને, ‘‘આટલે સુધી આયા છીએ, તો ચલો ચીન જતા આવીએ’’, એ વિચાર આવ્યા પછી ચીન ગયો.

એક જોતા અમેરિકા જવા કરતા ચીન જવામાં આબરૂ વધારે સચવાઇ જાય...... ચીનાઓ આપણું ગુજરાતી સમજે નહિ ને આપણે ચાયનીઝ ના સમજીએ. લૉસ બન્નેનો સરખો છે. અમેરિકામાં ઇંગ્લિશ બોલવું પડે ને ધોળીયાઓ હજી આપણા લૅવલના ઇંગ્લિશ સુધી પહોંચી શક્યા નથી, એમાં લૉસ એ લોકોનો છે. કહે છે કે, આપણા પટેલો અને બ્રાહ્મણો અમેરિકા જઇને વસ્યા પછી અમેરિકનો નવી ડિક્શનૅરી કાઢવાના છે. હવે તો ઓબામા ય ‘શિકાગો’ને બદલે ‘ચિકોગા’ બોલવા માંડ્યા છે. ‘‘ઇટ ઇઝ વૅરી ઇઝી’’ના બન્ને ‘ઝ’માં હવે અમેરિકનો ‘ઝપાટા’ ‘ઝ’ બોલતા થઇ ગયા છે.

પુરાણ કાળમાં આજ્ઞાંકિત સુપુત્ર શ્રવણે અંધ માં–બાપને પોતાના ખભે કાવડમાં બેસાડીને યાત્રા કરાવી હતી. પણ હું હજી બધું દેખતો હોવાથી મારા સુપુત્ર સમ્રાટે કાવડને બદલે વિમાનમાં બેસાડીને અમને ચીનની યાત્રા કરાવી.

ચીન માટે મારે અમદાવાદથી દિલ્હીની, દિલ્હીથી નેપાળની, નેપાળી ઝૅન્ગડૂની, ઝૅન્ગડૂથી બીજિંગની, બીજિંગથી શાંગહાઇની અને શાંગહાઇથી શૅન યાન્ગની ફ્લાઇટો પકડવાની હતી. અગાઉના જમાનામાં આવા ઠેકડા ટારઝન મારતો! ટારઝનને ઝાડે–ઝાડના વિઝા કઢાવવાના ન હોવાથી દોરડે દોરડે લટકીને મંઝિલો તય કરી શકતો. આજ સુધી અનેક લોકોએ મને લટકાવ્યો છે, એટલે લટકવા ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. પણ ચીન જવામાં એવો વાંધો આવે એમ નહોતો. આપણો પ્રેમ અને ચીનનો માલ... બન્ને સરખા. ‘ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક...!’

ચીન પહોંચતા પહેલા તેનઝિંગ નૉર્ગે અને સર ઍડમન્ડ હિલેરી કરતા ય ઊંચી સિધ્ધિ મને મળી. એ લોકો તો માઉન્ટ ઍવરેસ્ટની ૨૯–હજાર સમથિંગ ફૂટની ઊંચાઇ સુધી જ પહોંચ્યા હતા, કારણ કે, એનાથી ઉપર કોઇ ટોપકું જ નથી. અમને તો ફ્લાઇટમાં ઍરહૉસ્ટેસે કીધું, હવે પછીની ૨૦–જ સેકન્ડમાં તમારી ડાબી બાજુએ ધી ગ્રેટ માઉન્ટ  ઍવરેસ્ટ જોવા મળશે. અર્થાત, અમે ઍવરેસ્ટથી પણ એક હજાર ફૂટ આડે અને ઊંચે ઊડ્યા. ટીવી–અખબારોમાં ભેદભાવો તો રહેવાના. હું આસારામના આશ્રમની ઉપરથી ઊડ્યો હોત, તો મને અંદર કરી દીધો હોત, પણ આવડા મોટા ઍવરેસ્ટની ઉપરથી ઊડવા છતાં એકે ય છાપામાં તમે મારો ફોટો જોયો? ભેદભાવો તો રહેવાના જ!

ચીનના માલનો પહેલો અનુભવ બીજિંગના ઍરપોર્ટ પર થયો. અમારે ઍરપૉર્ટના વૅઇટિંગ–લાઉન્જમાં રાત આખી પસાર કરવાની હતી. ખાલીખમ ઍરપોર્ટ, સૂનસાન શાંતિ અને વિશાળ લાઉન્જની પેલે પાર વૉશરૂમ હતો. વાત અચાનક ઉપડી હોવાથી મારે ઉતાવળ ખૂબ હતી. દૂરથી ‘વોશરૂમ’નું પાટીયું વાંચીને મને પહેલો વિચાર આવ્યો, ‘‘ચલે જા, ચલે જા, ચલે જા, જહાં પ્યાર મિલે, જહાં પ્યાર મિલે.... હોઓઓઓ!’’

એસ.ટી. બસ સ્ટેશને છુટું પડી ગયેલું કોઇ નમણું બાળક બોલ્યા–ચાલ્યા વિના ખૂણામાં ઊભડક બેઠું હોય, તેમ બીજિંગના ઍરપોર્ટનો આ વૉશરૂમ ખૂણામાં પડ્યો હતો. ખાલીખમ્મ અને એકદમ ચોખ્ખો! ચોખ્ખો હતો છતાં ખાલીખમ હતો કે ખાલીખમ હોવાને કારણે ચોખ્ખો હતો.... ગૉડ નોવ્ઝ....!
ત્યાં સફાઇ–કામદાર સિવાય બીજું કોઇ નહોતું. મને જોતા જ એ ચીનો સમજી ગયો કે, હું અહીં કેમ આવ્યો હોઇશ! જો કે, આવું તો ઇન્ડિયાના સફાઇ કામદારો ય સમજી જતા હોય છે કે, ટૉઇલેટમાં આપણે કાંઇ પત્તા રમવા તો ન આવ્યા હોઇએ ને? મને નવાઇ લાગી હતી કે, કેમ જાણે ચીનાના ગુજરાતી જમાઇરાજ આવ્યા હોય, એટલું બધું એ મને મને માન આપવા માંડ્યો. ખૂબ હસીને આવકાર આપ્યો. વૉશ–બૅઝિન પર લઇ જઇને મારા હાથમાં હૅન્ડ–વૉશ સાબુની બૉટલ આપી, એ ય પોતાના શર્ટથી સાફ કરીને! હાથ લૂછવા નૅપકીન આપ્યો.

આ લોકોમાં ઊંધું હોય. આપણે ત્યાં વૉશરૂમમાં આવું બધું કરી આવ્યા પછી હાથ ધોવાના હોય ને ચીનાઓમાં પહેલા! પછી હોય છે કે નહિ, તેની મને ખબર નથી. હશે, મેં કીધું. કોઇની પર્સનલ લાઇફમાં આપણે પડવું નહિ. ચીનો મને હસતો હસતો ટૉઇલૅટ તરફ લઇ ગયો. ઇમરજન્સી હોવાથી એને આઘો ખસેડીને હું અંદર જવા માંગતો હતો, પણ સાહેબ, આગતા–સ્વાગતા તો જુઓ.... એક ચાયનીઝ ગાભા વડે એણે દરવાજો સાફ કર્યો. એ સ્પ્રે લઇને આવ્યો હતો. કમોડ ઉપર સુગંધીદાર સ્પ્રે છાંટ્યું. મને એમ કે હવે બેસવાનું હશે. ચીનાએ મને રોકીને ગાભા વડે કમોડ લૂછ્યું. હવે મારો સંયમ હદ વટાવતો હતો.... પૂરેપૂરી ન વટાવે, એ માટે મારાથી અકળામણમાં ગુજરાતીમાં બોલાઇ ગયું, ‘‘અલ્યા ભ’ઇ, ઝપ ને હવે.... આઘો ખસ.’’ એ ખસ્યો અને હું ચીનના વિવેક–વિનય અને ચોખ્ખાઇના ગુણગાન ગાતો મારો પ્રોજૅક્ટ પતાવતો મહીં બેઠો રહ્યો.

બહાર આવ્યા પછી જોયું તો એ દરવાજાને અડીને ઊભો હતો. ફરી એ જ પહોળા જડબાં સાથે એણે તો હસવાનું ચાલુ કરી દીધું. મેં હજી ચાયનીઝ પૈસા વટાવ્યા નહોતા, એટલે ખિસ્સામાં જે હતું તે ૪–૫ રૂપિયાનું પરચૂરણ ‘ટીપ’ તરીકે એના હાથમાં પકડાવી ચાલતી પકડી. મારો નાનપણથી આ નિયમ. કામ પૂરૂં થયા પછી ઘટનાસ્થળે કાચી સેકન્ડે રોકાવાનું નહિ.

ચીનો ગીન્નાયો. હસવાનું તાબડતોબ બંધ કરીને, એણે મારૂં પરચૂરણ પાછું આપ્યું. આપણને એમ કે, અહીં આવો રિવાજ હશે કે, જઇ આવીને આપણને ટીપ એ લોકો આપે! હું સમજ્યો નહિ, એમાં એ ખીજાણો. ચીની ભાષામાં રાડારાડ કરવા માંડ્યો. હું ગુજરાતીમાં સ્પષ્ટતાઓ આપવા માંડ્યો. એ વધુ ખીજાયો કે, એને શંકા પડી ગઇ કે, આ લુખ્ખો કાંઇ આપવાનો નથી, એટલે મારો હાથ પકડીને પુરૂષોના યુરિનલ્સ સાફ કરી અપવાનો મને ગુસ્સાથી ઇશારો કર્યો. વાત હવે સ્પીડ પકડી રહી હતી. મને ઈંગ્લિશમાં ગાળો બોલતા આવડતી નથી, બાકી ગુજરાતીમાં આપણી માસ્ટરી, બૉસ! લોહી તો ખાડીયાનું ને! પછી તો આપણે ય.... યૂ નો, વૉટ આઇ મીન....!

નસીબજોગે, મારો પુત્ર સમ્રાટ ત્યાં આવી ચઢ્યો. એ ત્યાં રહેલો છે, એટલે કામચલાઉ ચાયનીઝ આવડે છે. એના કારણે, વૉશરૂમમાં જ બે મહાન દેશો વચ્ચે મારામારી થતા રહી ગઇ.

શેનયાન્ગ પહોંચ્યા પછી એક માત્ર પ્રશ્ન તો ભાષાનો જ. ચીનાઓ ઈંગ્લિશ ન બોલે–ન સમજે, એ સમજી શકાય, પણ ત્યાંના તો એકે ય પાટીયા ઉપર ઈંગ્લિશ અક્ષરો ય જોવા ન મળે. જો કે, મને તેનઝિંગ ને હિલેરી યાદ આવ્યા કે, એ લોકો માઉન્ટ ઍવરેસ્ટ ચઢતી વખતે, ઍવરેસ્ટનું ટોપકું કઇ બાજુ આવ્યું, એવું પૂછતા’તા...? નહોતા પૂછતા, તો મેં પણ મારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે... ને ન્યાયે પૂછવાનું માંડી વાળ્યું.

ચીનમાં રહેવાનો મોટો ખતરો જમવાનો. એ લોકો માટે મટન–મચ્છી સ્વાભાવિક હતા, પણ એ સિવાઇ કાંઇ ન મળે. શાક–સબ્જી ફક્ત બાફેલી ને ચીનાઓ તેલ–મરચું તો નૉન–વૅજમાં ય કાંઇ ખાતા નથી, ત્યાં કાંદા–લસણ તો જય જીનેન્દ્ર...! મેં બારે બાર દિવસના રોકાણ દરમ્યાન જાતે વઘારેલો ભાત ખાધે રાખ્યો.

ચીનાઓ મળતાવડા બહુ. ત્યાં એ દ્રષ્ટિએ સ્ત્રી–પુરૂષનો ફરક નથી. તમને લાગતી સર્વોત્તમ સુંદર સ્ત્રીઓ પણ સામે ચાલીને તમને બોલાવે, સ્માઇલ આપે, ચાયનીઝમાં કંઇ બોલે.... જવાબમાં આપણે ગુજરાતીમાં સીધું જ પૂછી લઇએ ને, ‘‘સાલી, અત્યાર સુધી ક્યાં હતી....? ઇન્ડિયામાં જનમ લેવામાં તારી બા ખીજાતી’તી....?’’ એ ય કાંઇ ન સમજે અને કાંઇક બોલીને હસતી હસતી જતી રહે. ચીનાઓ મોંગોલિયન આંખો ધરાવે છે, એટલે આપણી આંખો એમને બહુ સુંદર લાગે! (મારી ય લાગી હતી, એના ઉપરથી વિચારી લો ને, એ લોકોનો ટેસ્ટ કેવો હશે?’ આ તો એક વાત થાય છે!)

બાર–દિવસમાં ભાગ્યે જ કોઇ ચીનાના પેટ ઉપર ફાંદ લટકતી જોઇ. સ્ત્રીઓ પણ પંજાબી સાથળોવાળી નહિ, સપ્રમાણ બૉડી, પણ હાઇટમાં બધી ઢીચકી. કારણો કેવા ચોખ્ખા છે! તેલ–ઘી તો અડવાનું નહિ. મરચું–મીઠું ય આપણે શરમાઇ જઇએ એટલું નામનું જ. દરેક ચીના કે ચીનીના ખભે થર્મોસ લટકતું હોય, જેમાં એ લોકો જેને ગરમ ચા કહે છે, એ ચા. ગરમ લ્હાય પાણી ભરેલા થર્મોસમાં લીલી ચા ની નામની બે–ત્રણ પત્તીઓ હોય. આવા રોજના ૧૦–૧૨ થર્મોસ પી જવાના. ગરમ પાણી આટલું બધું પીવાય, એટલે રોજ સવારે પેટ સરળતાથી સાફ આવે. ચરબી વધે નહિ. મહેનત પુષ્કળ અને ચાલવામાં તો એક એક ચીનો આખું ચીન ફરવા જેટલું ચાલી નાંખતો હશે.... પછી પેટો ક્યાંથી વધે? ટ્રાયલ પૂરતું હું એક થર્મોસ ગટગટાવી ગયો ને પછી ટમી ઉપર હાથ ફેરવી જોયો, ‘કાંઇ ઘટ્યું છે?’ નહોતું ઘટ્યું.

બાકી શૉપિંગ કરવા જાઓ, ત્યાં ભરાઇ પડો. કોઇ માનશે તો નહિ, પણ ત્યાંના શૉપિંગ મૉલ્સમાં બ્રાન્ડેડ ચીજોનો ય જંગી ભાવતાલ કરવો પડે. કોકા કોલાની બૉતલ એક જગ્યાએ (ભારતીય ચલણ પ્રમાણે) ૭૦–રૂપિયાની મળે, તો બીજે ૧૨૮ રૂપિયાની. ત્રીજે તપાસ અને ભાવતાલ કરો તો ૧૩–રૂપિયામાં ય મળી જાય.

આપણે આમ તો પાછા સજ્જન માણસો, એટલે ચીનમાં બીજું બધું શું શું કર્યું, તે તો કહેવાય નહિ, પણ ચીની ચીની ચીની ૧૨–દિવસ ભર માથમાં વાગવાગ કર્યું, ત્યારે મારૂં ભારત બહુ યાદ આવતું હતું. એક ધોળીયો ય જોવા ન મળે, ત્યાં ગુજરાતી ગોતવો ક્યાંથી? હાલત એ થઇ ગઇ કે, ઇશ્વર કરે, કમ–સે–કમ એક ઇન્ડિયન જોવા મળી જાય.

શાંગહાઇથી સીધી દિલ્હીની ફ્લાઇટ હતી, એટલે ઉમળકો વધવા માંડ્યો કે, કમ–સે–કમ આ જગ્યા એવી છે જ્યાં ઇન્ડિયનો જોવા મળશે. વિરાટ ઍરપૉર્ટ પર વૉકિંગ–ઍસ્કેલૅટર્સ ઉપરે ય હું ઝડપથી ચાલતો હતો. દૂરથી ૧૨–નંબરના આપણા ગૅટ પર ૩–૪ સરદારજીઓ બેઠેલા જોયા. મન પ્રફૂલ્લ–પ્રફૂલ્લ થઇ ગયું.

ત્યાં પહોંચતા જ બહુ ઉમળકા સાથે મેં એ લોકોને ઝૂકીને ‘સત શ્રી અકાલ, પાપે’ કીધું.

સામો જવાબ હસીને આપવાને બદલે એમાંના વયોવૃધ્ધ સરદારજીએ મને બોલાવીને મારા હાથમાં ચાયનીઝ રૂપિયાની નોટ પકડાવી દીધી! કોક બોલ્યું ય ખરૂં કે, ‘યહાં ભી સાલે ભિખારી લોગ કહાં સે આ જાતે હૈં....?’’

(વડોદરાથી પ્રગટ થતાં ફિલીંગ્સના દિવાળી–અંકમાં પ્રકાશિત)

No comments: