Search This Blog

11/10/2013

અમદાવાદના એ થિયેટરો ભાગ-૨


સેન્ટ્રલ ટોકીઝ - પ્રતાપ ટોકીઝ

ગાંધી રોડના ફૂવારા પરની ફક્ત ઈંગ્લિશ ફિલ્મો રજુ કરતી સેન્ટ્રલ ટોકીઝમાં સ્ક્રીનની આગળ મોટું સ્ટેજ હતું, જેથી નાટક કે કોઈ સભા યોજવી હોય તો યોજી શકાય. પણ ત્યાં કોઈ અપવાદરૂપે નાટક કે સભા થઈ હોય તો મારી જાણમાં નથી. મૂળ તો એ સ્ટેજ એટલા માટે હતું કે, ઇ.સ. ૧૯૩૧ પહેલા મૂંગી ફિલ્મો હતી અને ફિલ્મમાં શું ચાલી રહ્યું છે, તે સમજાવવા મોંઢા પાસે પતરાંનું ભૂંગળું રાખીને એનાઉન્સર મોટેથી બોલતો અથવા ગીત આવે, ત્યારે હાર્મોનીયમ- તબલાં લઇને સ્ટેજ પર કલાકારો વગાડતા. સેન્ટ્રલ અને પ્રતાપ આગળ-પાછળ. 'પ્રતાપ સિનેમાની ગલી' એ શબ્દો મશહૂર હતા. ભરચક એવી કે ગલીને નાકે ચાવાળાની દુકાને ભીડ ઓછી હોય એમ જૂની ફિલ્મોના ગીતોની 'ચોપડી'ઓ વેચતા પાટીયાવાળાને ત્યાં હીરો-હીરોઈનોના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા જોવા માટે ને જોઈને જતા રહેતા 'ગ્રાહકો'ની સંખ્યા નાની નહોતી. આખી ફિલ્મના ગીતોની ચોપડી બાર નવા પૈસામાં મળતી. અંદર થોડી મોટી જગ્યા આવે, ત્યાં સેન્ટ્રલ સિનેમાની 'રૂપીયાવાળી' વેચાય, એટલે ભીડ તો હોવાની. પ્રતાપ હતું તો મોટા મકાનવાળું સિનેમા પણ ફિલ્મો સેકન્ડ-રનની આવતી. આ થીયેટરનો ય એક રેકોર્ડ હશે કે, ઉંમર તો બીજા થીયેટરો જેટલી જ, પણ ત્યાં કોઈ નવી ફિલ્મ રીલિઝ થઈ હોય એ જાણમાં નથી. એક શિરસ્તો જાળવી રખાયો હતો કે, દર દિવાળીએ અહીં શમ્મી કપૂરની ફિલ્મ 'ઍન ઈવનિંગ ઈન પૅરિસ' જ હોય... બીજી કોઈ ફિલ્મ નહિ જ. આ થીયેટર ટેકરા ઉપર હતું ને પગથીયા ચઢીને ઉપર જવું પડતું. સેન્ટ્રલ સિનેમામાં ગ્રેગરી પેક, ડેવિડ નિવેન અને એન્થની ક્વીનની ફિલ્મ 'ધી ગન્સ ઓફ નેવરોન' આવી, ત્યારે એ વખતના ઈંગ્લિશ મુજબ, 'બે બંદૂકો' એવું નામ અપાયું હતું અને પતરાના બે ભૂંગળાને તોપ જેવો આકાર આપી ફિલ્મના હોર્ડિંગ્સ ઉપર બંદૂકોના પ્રતિરૂપે મૂકાયા હતા. ઈંગ્લિશ તો કોઈને આવડતું નહોતું ને અઘરા અઘરા નામો બોલતા ન આવડે, માટે સેન્ટ્રલ થીયેટરવાળાઓ દરેક ફિલ્મના હિંદી નામો કરી આપતા. પ્રતાપમાં The Sons Of Thunder આવ્યું, તેનું નામ 'કફન કી ફિકર નહિ' પાડવામાં આવ્યું હતું. અહીં આવા નામો બહુ ચાલતા, એટલે મને તો ડર છે કે, અમેરિકામાં આ ફિલ્મો ઉતારનારા ધોળીયાઓને પસ્તાવો થતો હશે કે, ફિલ્મ ભલે ઇંગ્લિશમાં બનાવી... નામ હિન્દી રાખવા જેવું હતું!

એલ.એન.અને લક્ષ્મી

ઘીકાંટાની વચ્ચોવચ એલ.એન. અને લક્ષ્મી નામના જોડીયા થીયેટરો આવ્યા હતા. લક્ષ્મીનો અર્થ તો મૂકેશ અંબાણીથી માંડીને રણછોડભ'ઇ મફા'ભઇ પટેલ, બધાને ખબર છે, પણ 'ઍલ.એન.'નો મતલબ શું, એની ખબર અમદાવાદીઓને કદી પડી નહિ. બન્નેના માલિકો તો એક હતા- વિનુભાઇ પંચાલ, પણ બન્ને થીયેટરોની બાંધણી એકબીજાથી વિપરીત હતી. એલ.એન.માં જવા માટે બસ્સો મીટર ચાલવું પડે ને એ પછી થીયેટરે ય ઘણું લાંબુ. લક્ષ્મી ફૂટપાથ ઉપર (આઇ મીન, 'લક્ષ્મી ટૉકીઝ' ફૂટપાથ ઉપર) અને પગથીયા ચઢીને ઉપર જાઓ કે તરત હાઉસ આવે. 'એક ફૂલ, દો માલી' ફિલ્મ એલ.એન.માં આવી હતી અને લક્ષ્મીમાં 'દસ લાખ.' બન્નેમાં સંજય ખાન હીરો અને બન્નેમાં સંગીત રવિનું. આજે નવાઇ લાગે કે, આજના મલ્ટિપ્લેક્સના જમાનામાં એ વખતના તો બધા થીયેટરો ઘણા સામાન્ય હતા, એટલે દેખાવમાં કે ચેહરે-મોહરે કે સગવડ-ફગવડમાં બધા સિનેમા સરખા. રૂપાલી અને નટરાજ સિનેમા શરૂ થયા ત્યારે શહેરની પ્રજા થોડી અંજાઇ હતી, બિલ્ડિંગની ભવ્યતાથી. એટલે એલ.એન. અને લક્ષ્મી પણ અન્ય થીયેટરની જેમ કોઇ રૂપકડા નહોતા. સાચું પૂછો તો પ્રજાએ હજી સુધી ભવ્યતા જોઇ જ નહોતી. રીલિફનું ઍર-કન્ડિશન કે વૉલ-ટ-વૉલ કાર્પેટ પણ જો વૈભવી ઠાઠ ગણાતો હોય, તો સમજી શકો છો કે,બાકીના તો કેવા હશે! એલ.એન. અને લક્ષ્મી પણ એ સમયે મિડલ-ક્લાસ ઠાઠથી ઊભા રહી શકતા.

અલંકાર

અલંકાર સિનેમા એ વખતે રેલ્વે સ્ટેશનની સામે હતું, પણ ફિલ્મોના ક્રૅઝને કારણે રેલ્વે સ્ટેશનનું સરનામું 'અલંકાર'ની સામે કહેવાતું. એ પહેલા તો એ સરસ્વતિ થીયેટર થીયેટર કહેવાતું. નવારૂપ રંગ સાથે મોટા ભાગે ઇ.સ.૧૯૬૦માં શમ્મી કપુરની ફિલ્મ 'જંગલી'થી પ્રારંભ થયો, ત્યારે હજારોની મેદની વચ્ચે શમ્મી કપૂરે ઉપસ્થિત રહીને સિનેમાના પગથીયે ઊભા રહીને 'યા....હૂ'ની ગર્જના કરીને લોકોને ખુશ કરી દીધા હતા. અહીં નંદા-મનોજ કુમારની ફિલ્મ 'ગુમનામ' આવી, ત્યારે અમારી ખત્રી પોળના રિવાજ મુજબ, કોઇ સસ્પૅન્સ ફિલ્મ આવે તો પહેલી જોઇ આવવાની અને બીજાને જોવાની હજી બાકી હોય છતાં , પોકળને નાકે આવીને બધાને બૂમો પાડી પાડીને કહી દેવાનું, ખૂની કોણ છે!

મધુરમ

મૂળ સુરભી થિયેટર વર્ષો પછી લિબર્ટી ટૉકીઝ બન્યું અને એ પત્યું, એટલે મધુરમ ટૉકીઝ બની. માત્ર ઇંગ્લિશ ફિલ્મો લાવીને એક રીતે આ થીયેટરવાળાઓએ અમદાવાદની પ્રજા ઉપર ઉપકાર કર્યો હતો, નહિ તો ગુજરાતમાં એવા શહેરો તો અનેક હતા, જ્યાં ઇંગ્લિશ ફિલ્મો કદી ન આવે. અમદાવાદીઓને બે જ પ્રકારની ઇંગ્લિશ ફિલ્મો ગમે, ફાઇટિંગની અને સૅક્સની. ઇંગ્લિશમાં સમજ પડવી જરૂરી નહોતું. પણ હિંદી ફિલ્મોના હીરાઓ કરતા સાલા ઇંગ્લિશ હીરાઓ અસલી ફાઇટીંગ કરતા, અસલી ચુંબનો કરતા ને બધું અસલી અસલી કરે જતા. જે કૉલેજે મને ગ્રૅજ્યુઍટ બનાવ્યો, તે અમદાવાદ કૉમર્સ કૉલેજની સામે જ આ થીયેટર હોવાથી ભણવા કરતા ઇંગ્લિશ ફિલ્મોની સમજણ વધુ પડતી. ઍડવાન્સની જેમ અહીં પણ દર અઠવાડીયે ફિલ્મ બદલાય. હું અમદાવાદમાં આવેલી તમામ ઇંગ્લિશ ફિલ્મો જોઇ ચૂક્યો છું, એના એક કારણમાં એ પણ ખરૂં કે બન્ને થીયેટરોના માલિકો અને સ્ટાફ આદર આપતા હોવાથી મારી પાસે ક્યારેય ટિકીટના પૈસા લીધા નથી. 'ગુઝર ગયા, વો જમાના કૈસા, કૈસા.....!'

નટરાજ

આશ્રમ રોડ પર લાઇફ ટાઇમ ગમે તે બીલ્ડિંગો બનાવો, એ વિસ્તાર તો 'નટરાજ સિનેમા'ના નામે જ ઓળખાવાનો. વિદ્યાધામ ઉપર કલાધામનું આધિપત્ય જુઓ, એ જમાનામાં છોકરીઓને કારણે અમારા બધા માટે યાત્રાધામ બની ચૂકેલી એચ.કે,કૉલેજ એ વખતે કે આજે પણ 'નટરાજની સામે'વાળા સરનામે ઓળખાય છે. ફિલ્મોનો એ પ્રભાવ હતો. બ્રૂસ લિ ની પહેલી ફિલ્મ 'એન્ટર ધ ડ્રેગોન' નટરાજમાં આવી ત્યારે, 'અહીં ઇંગ્લિશ પિક્ચર....?'વાળું આશ્ચર્ય કોઇને નહોતું થયું કારણ, આ સિનેમાની શરૂઆત જ રૅક્સ હૅરિસન, ઇલિઝાબેથ ટૅલર અને રિચર્ડ બર્ટનની ઇંગ્લિશ ફિલ્મ 'ક્લિઓપૅટ્રા'થી થઇ હતી. 'ધી સાઉન્ડ ઑફ મ્યુઝિક'નો હીરો રૅક્સ હૅરિસન ( જેણે આપણા ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક કૃષ્ણા શાહની હિંદી ફિલ્મ 'શાલીમાર'માં પણ કામ કર્યું હતું, તે) નો દીકરો એકાદ ફિલ્મમાં હીરો બન્યા પછી એવો નિષ્ફળ ગયો કે, આજે પણ અમેરિકાની ફૂટપાથ પર છાપા વેચવાનું કામ કરે છે...! જોઇ લો. 'ક્લિયોપૅટ્રા'માં રૅક્સ હૅરિસન મિસરના શહેનશાહના કિરદારમાં ... અને વાસ્તવિકતામાં એનો છોકરો છાપા વેચે!

આખા ગુજરાતમાં એવું તો કોઇ થીયેટર નહોતું જે પાંચ-છ માળોનું હોય ને એમાં અનેક ઑફિસો આવેલી હોય! નટરાજ પહેલું સિનેમા હતું, નવું નક્કોર વૅસ્પા લઇને આવ્યો હોવાથી ઇન્ટરવલમાં ભાગમભાગ નીચે ઉતરીને પાર્કિંગમાં જોઇ આવ્યો હતો કે, 'આપણું સ્કુટર તો સલામત છે ને? મનમાં દુઃખ ખરૂં કે, પાર્કિંગના પચ્ચાસ પૈસા લે છે તો થોડું પૅટ્રોલ પૂરાઇને આ લોકોએ પાછું આપવું જોઇએ ને?

રૂપાલી

નટરાજની જેમ લાલ દરવાજે રૂપાલી થીયેટરના આવવાની સાથે શહેરના થીયેટરોની દિવાલો ઉપર મોટા જાયગૅન્ટિક હૉર્ડીંગ્સ મૂકાવવાનો જમાનો પૂરો થયો. આખા સિનેમાની બહારની મુખ્ય દિવાલ પર બસ એક જ હૉર્ડીંગ એ તે પણ કોઇ ચાર્મ વિનાનુ. નહિ તો રીલિફ, કૃષ્ણ, રીગલ, રૂપમ કે ઇવન મૉડેલ સિનેમાની દિવાલો ઉપર ખૂબ મોટી સાઇઝના બે-ત્રણ હૉર્ડીંગ્સ મૂકાતા અને અંદર કોઇ ફિલ્મ ચાલી રહી હોવાની જાણ બહારથી જોતા અજાણ્યાને પણ થતી. રૂપાલીમાં તો 'શોલે' પણ એક મોટા પોસ્ટરમાં પત્યું હતું. પણ રૂપાલી એના વિરાટ પહોળા પગથીયાવાળા બહારી દેખાવને કારણે દૂરથી પણ મનોરમ્ય લાગતું હતું. આજે એકે ય થીયેટરની બહાર પાણી ેવેચનારી નાનકડી છોકરીઓ દેખાય છે? રૂપાલીની બહાર દસ દસ પૈસામાં પ્રેક્ષકોને પાણીનો ગ્લાસ ભરીને આપતી નાનકડી છોકરીઓ જેવી અન્ય છોકરીઓ લગભગ બધા થીયેટરોની બહાર જોવા મળતી. એ તો આજે પૉપ કૉર્ન અને પૅપ્સી લૂટના ભાવે ખરીદવામાં શાનોશૌક્ત બતાવી શકાય છે, પણ એ વખતે ઇન્ટરવલમાં બહાર ખારી સિંગ કે ચના જોર ગરમ સિવાય બીજું કાંઇ મળે નહિ. અહીંના લાલગુલાબી લાલાઓ અસલ કાબુલ ના પઠાણો હતા.ગુજરાતભરમાં સૌથી પહેલો ૭૦ એમ.એમ.નો પડદો રૂપાલીમાં લાગ્યો હતો, એટલે રાજ કપુરની ફિલ્મ 'ઍરાઉન્ડ ધ વર્લ્ડ' આવ્યું, ત્યારે ૭૦ એમ.એમ એટલે શું હશે, તે જોવાની તાલાવેલી હતી. કમનસીબે એ ફિલ્મને કારણે ભારતમાં સર્વપ્રથમ ૭૦ એમ. એમ.ના કૅમેરામૅન જી.સિંઘથી જે કાંઇ લોચો વાગી ગયો હશે, તે મોટા પરદે પહેલીવાર ફોટોગ્રાફી કરવામાં ઍક્ટરોના માથા કપાઇ જતા અને કપાળથી નીચેનો ચેહરો જ જોઇ શકાતો. આ સિનેમાની બરોબર બાજુમાં, એ વખતના સ્ટાઇલિશ કૉલેજીયનો માટે 'બાંકુરા' નામની હૉટેલ હતી, જ્યાં પરવિન બાબી નિયમિત કૉફી પીવા આવતી.

રૉઝી- વસંત

અમારી પેઢીમાં જીવી ગયેલાઓમાંથી પણ ઘણાને આજે ય ખબર નહિ કે સારંગપુર દરવાજાની સામે પાર કોઇ રૉઝી ટૉકીઝ હતી. કોઇ માંદલી ડોસીને ગામલોકોએ ગામની બહાર ઝૂંપડી બાંધીને રહેવા આપી હોય, એમ અહીં મિલમજૂરોને ધ્યાનમાં રાખીને ટૉકીઝ બનાવાઇ હશે, નહિ તો આટલી હદે અમદાવાદમાં કોઇ સિનેમા 'નીગ્લૅક્ટેડ' ન રહે! રૉઝી ટૉકીઝ પાસે બહુ વિશાળ મેદાન હતું અને તેનો કાંઇ પણ ઉપયોગ કરવાનો હોય, એની એના માલિકોને ચિંતા નહોતી. અહીં પ્રેક્ષકો બાલ્કનીના હોય કે લૉઅર સ્ટૉલ્સના, સ્તર બધાનું સરખું. સખ્ત તાપમાં ટૉકીઝની અંદરના પંખા ઇવન માલિકોની મરજીના પણ મોહતાજ નહિ. ચાલવા હોય તો ચાલે! પરિણામે પ્રેક્ષકોને શર્ટ કાઢીને બેસવાની ફાવટ આવી ગઇ હતી. લોકલાજ જેવું ય કાંઇ હોય છે, નહિ તો....?

તો બીજી તરફ ઇદગાહ ચૉકીની પછવાડે વસંત નામની પણ એક ટૉકીઝ હતી. સિનેમા બાંધવાનો ખર્ચો દારા સિંઘે આપ્યો હોય,એમ એની બહુ ફિલ્મો અહીં આવતી... અફ કોર્સ, નવી નક્કોર નહિ.... સેકન્ડ-રનમાં જ! ગોમતીપુરની ઉષા ટૉકીઝ હોય કે શાહેઆલમ પાસેની શાલીમાર, આરાધના કે મીરા ટૉકીઝ હોય, શહેરના પ્રેક્ષકો અહીં સુધી પહોંચી શકતા નહિ અને આજ વિસ્તારના જે લોકો પહોંચી શકતા, એમને આપણે પહોંચી શકીએ તેમ ન હોવાથી શહેરના લોકો શર્ટ પહેરવાનું વધુ પસંદ કરતા.

આશ્રમ રોડ પરની અદ્યતન અને શહેરનું નામ રોશન કરે એવી ટૉકીઝો, શ્રી અને શિવ, દીપાલી શહેરમાં બહુ મોડી મોડી ચાલુ થઇ. એમાં આપણા જમાનાની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો આવતી ન હોવાથી અહીં ઉલ્લેખ ટાળ્યો છે. ગુજરાતના અન્ય શહેરોમાં મેં ફિલ્મો જોઇ નથી, એટલે જ ભવ્ય ઇતિહાસ હોવા છતાં જામનગર, રાજકોટ, સુરત વડોદરા કે ભાવનગરના સિનેમા ઘરો વિશે હું ન જાણતો હોઉં. જેમ કે સાબરકાંઠામાં પહેલું કાયમી થીયેટર વિનાયક ટૉકીઝ બન્યું, તેમાં હોમી વાડીયાની ફિલ્મ 'બુરખેવાલી' થી પ્રારંભ થયો. બહુ ભાગ્યે જ બને, તેમ જોન કાવસ વિનાની આ ફિલ્મમાં નાદીયા, સરદાર મનસુર અને હબીબ 'સૅન્ડો' હતા. આ સિનેમાના માલિક શ્રી. બાબુભાઇ કોઠારી (૯૦)એ મને આ માહિતી આપી છે. આ કૉલમમાં અગાઉ આપણે વાંચી ગયા તેમ નાદીયા-જોન કાવસની ફિલ્મ મીસ ફ્રન્ટીયર મૅઇલ' અમદાવાદના રીગલ સિનેમામાં આવી હતી.

બચપણ લૉકરમાં નહિ મૂક્યું હોય તો એ જમાનામાં અમદાવાદમાં આ બધા પાકા થીયેટરોની સામે એક લારી થીયેટર પણ ચાલતું હતું. એની લોકપ્રિયતા ય કમ નહોતી. અશોક કુમાર જેવા ચેહરો, સફેદ વાળ, કાયમ સફેદ ખમીસ અને લેંઘો પહેરતા એક ચાચા દસ દસ પૈસામાં ફિલ્મના ટૂકડા બતાવે. ચાર પૈંડાની લારી ઉપર આજની ભાષામાં હૉમ-થીયેટર ગોઠવ્યું હોય. આજુબાજુ છ છોકરાઓ જોઇ શકે, એટલી કાચની બારીઓ હોય, દેસી પ્રોજૅક્ટર ઉપર કોઇપણ ફિલ્મનું એક રીલ હાથ વડે ફેરવીને મૂંગી ફિલ્મ બતાવાતી. માંડ ત્રણ મિનીટ એ ફિલ્મ ચાલતી. દરમ્યાન ચાચા બીડી પીતા પીતા છોકરાઓના માથે હાથ ફેરવી અચાનક બીડી ગૂમ કરવાનું જાદુ બતાવી અમને ખુશ કરી દેતા.

એક એક ફિલ્મ જોવા માટે આપણે કેટલો ભોગ આપ્યો છે, તે આજની પેઢીના છોકરાઓને અણસારો પણ નહિ આવે, જ્યાં માત્ર રૂ.૨૦/-માં નવી ફિલ્મની ડીવીડી મળી જાય અથવા તો ઇન્ટરનૅટ પરથી તદ્દન ડાઉનલૉડ કરી શકાય, જ્યાં ઇચ્છા ત્યાં પૉઝ કરી શકાય કે રિવાઇન્ડ કરીને જોયેલું દ્રષ્ય અનેક વખત ફરી જોઇ શકાય. મને યાદ છે. 'યે દિલ ન હોતા બેચારા, કદમ ન હોતે આવારા....' ગીતમાં દેવ આનંદની ફક્ત ચાલ જોવા મેં ફિલ્મ 'જ્વૅલ થીફ' પંદર કે સોળ વખત જોઇ હતી ને પૈસા ખૂટી ગયા એટલે આગળ જોઇ ન શક્યો આજે એજ ફિલ્મની ડીવીડી ઉપર દેવ આનંદની એ જ ચાલ ફરી ફરી જોઇને યાદ કરૂં છું, 'ગુઝર ગયા, વો જમાના કૈસા, કૈસા...?'

(આવતા અંકથી જૂની ફિલ્મોના રીવ્યૂ ચાલુ રહેશે.)

No comments: