Search This Blog

27/10/2013

ઍનકાઉન્ટર - 27-10-2013

* ક્યારેક તમે કરેલી 'હળી'નું સાંબેલું થઈ જાય ત્યારે બા નથી ખીજાતા ?
- બાએ આ વિશ્વનો ઉત્તમોત્તમ સુપુત્ર પેદા કર્યો છે, એટલે બીજાની બાઓ ખીજાય છે, મારી નહિ !
(અમરસિંહ વાઘેલા, ન્યુયોર્ક-અમેરિકા)

* તમે વારંવાર ડિમ્પલનો ઉલ્લેખ કરો છો, પણ ડિમ્પલ તમને ઓળખે છે ખરી ?
- હવે તો અક્ષય, સની અને અનીતા ય ઓળખવા માંડયા છે !
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* તમે કોઈ 'દિ તમારી પત્નીના વખાણ કરો છો ખરા ?
- બેશક. બીજો કોઈ વખાણ કરી જાય એ પહેલા હું કરી લઉં છું.
(સ્વીટી ચંદારાણા, વડોદરા)

* નારીનું સન્માન ત્યાં દેવોની પણ કૃપા રહે, પણ નારીનું અપમાન થાય ત્યારે દેવો શું કરે છે ?
- આ નર-નારીના ભેદમાંથી બહાર આવવા જેવું છે. અપમાન તો કોઈનું પણ અસહ્ય હોવું જોઈએ ને ?
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ' એવું કહેનાર પુરૂષોની બુદ્ધિ ક્યાં હોય છે ?
- આવું માનતો હોય, એ પુરૂષની બુદ્ધિ તો સ્ત્રીના કે એના પોતાના પગની પાનીએ પણ ન હોય !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* અશોક કાકા, મારે તમને કંઈક લખવું છે. તમારો સંપર્ક કહેશો ?
- ashokdave_52@yahoo.com પણ 'એનકાઉન્ટર'નો એકે ય સવાલ આમાં નહિ પૂછી શકાય !
(બકુલ મોલાડીયા, જતના ખેરવા-સુરેન્દ્રનગર)

* આપ અમેરિકા કેમ નથી આવતા ?
- ત્યાં બધું ઓબામા સંભાળે જ છે ને... મને એમના ઉપર વિશ્વાસ છે... છતાં ય માર્ચ મહિનામાં હું અમેરિકા આવું છું, ત્યારે એમને મળી લઈશ.
(પલ્લવી એમ. પટેલ, ન્યુજર્સી-અમેરિકા)

* કળીયુગના યોદ્ધા કામદેવે છોડેલા કામબાણ કોને નહિ વાગ્યા હોય ?
- આને માટે નગરપાલિકાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં વેળાસર તપાસ કરાવવી સારી.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* ધર્મને નામે ધતિંગ કરીને નાચતા બાવાઓનો ભક્તો કેમ વિશ્વાસ કરતા હશે ?
- ધર્મોને આંધળાની માફક માનતા લોકો જ આ દેશના ખરા દુશ્મનો છે. અત્યારે ધર્મ નહિ, દેશને પ્રાથમિકતા આપવાનો સમય આવ્યો છે. બે વર્ષ હરિભજન નહિ કરીએ, તો શ્રીકૃષ્ણ કે શ્રી મહાવીર સ્વામી ઘરડા નથી થઈ જવાના... પણ બે વર્ષ દેશને બાજુ પર રાખીશું, તો બધાનો વંશ ખત્મ થઈ જાય, એ દિવસો દૂર નથી.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* પ્રેમ એક બંધન છે, તો મુક્તિ શેમાં ?
- વધારે ગુજરાતી તો આવડતું નથી, પણ આપણે ત્યાં સ્મશાનને 'મુક્તિધામ' કહે છે ખરા !
(દિશા મૌલિક ગઢીયા, રાજકોટ)

* ગુંડાઓ કાળાં કપડાં પહેરે છે ને નેતાઓ સફેદ... આવું કેમ ?
- તમને બાવાઓ યાદ ન આવ્યા ? ઓકે...ઓકે તમને એ ત્રણે વચ્ચે થોડો ફરક લાગ્યો હશે !
(પિયૂષ પી. પટેલ, ગાંધીનગર)

* આપ એસ.ટી.માં આપના પિતાશ્રી સ્વ. ચંદુભાઈ સાથે નાટકો માટે આવતા હતા, ત્યારે હતું કે, તમે નાટયક્ષેત્રે આવશો... કેમ ન આવ્યા ?
- મને નાટકોમાં સમજ પડવા માંડી હતી, એટલે ?
(જયહિંદ એમ. દેસાઈ, અમદાવાદ)

* રીસેપ્શનના કાર્ડમાં લોકો ડિનરનો ટાઈમ જ કેમ જોઈ લેતા હોય છે ?
- બીજું કાંઈ જોઈ આવવાની આપણને પરમિશન હોતી નથી.
(ઓમકાર જોશી, ગોધરા)

* ઘણા શાયરો મૂળ હાસ્યકવિ હતા ને શાયર થઈ ગયા... તમારે કેમનું છે ?
- હું તો કરૂણ સાહિત્ય લખતો હતો, જે વાંચીને બધાને હસવું આવતું હતું, એમાં ને એમાં...
(કનુ એન. બારોટ, અમદાવાદ)

* અદાલતોમાં અન્યાય થતો નથી, એ વાત સાચી ?
- રાશિદ મસૂદ, લાલુ યાદવ, આસારામ... આ બધા જેલ ભેગા થયા, એટલે દેશની જ્યુડિશીયરી પર શ્રધ્ધા વધી છે !
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* વીતેલા જમાનાના ખલનાયકોના નામે, 'પ્રાણ', 'જીવન', 'ઉલ્લાસ' કે 'સજ્જન' હતા... કંઈ સમજાયું નહિ !
- 'મનમોહન'માં તમને કાંઈ સમજાયું ?
(જે.એમ. સોની, અમદાવાદ)

* ધર્મનો સદુપયોગ ક્યારે થયો કહેવાય ?
- ધર્મ દેશના કામમાં આવે ત્યારે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* અમદાવાદમાં વાંદરાઓનો ત્રાસ વધી જવાનું કારણ શું ?
- પૂર્વજો છે... ખબર કાઢવા આવે છે !
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* ગાંધીજી આજના રાજકારણીઓ માટે કેટલા પ્રસ્તુત છે ?
- યૂ મીન... સોનિયા ગાંધીજી... ?
(પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

* તમારી સફળતા પાછળ પત્નીનો હાથ છે કે કોઈ અન્ય સ્ત્રીનો ?
- બહુ ખબર નથી, પણ એ બન્ને જણીઓ અંદરઅંદર ગુસપુસ-ગુસપુસ કરતી હોય છે !
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

* અમારા સવાલોના ઘણા વખતથી જવાબ કેમ નથી આવતા ?
- મોબાઇલ નં. કે સરનામું લખ્યા વગરના સવાલો ને સ્થળ નથી.
(અ. રહેમાન બોગલ, ગોધરા)

* મારી તો સાઇઠે બુદ્ધિ નાઠી છે... તમારે કેમનું છે ?
- નાસવા માટે ય હોવી તો જોઈએ ને ?
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* પોલીસો પહેલા ચડ્ડી પહેરતા હતા... હવે પાટલૂન પર કેમ આવી ગયા ?
- તમને વાંધો એ બેમાંથી શેમાં છે ?
(દિલીપ જે. ધંધૂકીયા, અમદાવાદ)

* લગભગ તમામ પોલીસોના પેટ ફૂલી કેમ ગયા હોય છે ?
- ઘેર જઈને છોકરાઓને ગલીપચી કરવાની ગમ્મત પડે માટે.
(હર્ષદ ભટ્ટ, શહેરા-પંચમહાલ)

* જોય મુકર્જી અને વહિદા રહેમાનની ડબ્બામાં પડી રહેલી ફિલ્મ 'લવ ઈન બોમ્બે' રજુ થવાનું છે...
- મને ડર લાગે છે કે, ફિલ્મના પ્રમોશન માટે હીરો-હીરોઈન અમદાવાદ આવતા હોય છે... હવે ?
(પરેશ નાયક, નવસારી)

* ડિમ્પલ હવે ઘરડી દેખાવા માંડી છે...
- હું ય ક્યાં તમને ૧૬-વરસનો લાગ્યો ?
(મેઘાવી હેમંત મહેતા, સુરત)

No comments: