Search This Blog

18/10/2013

અમદાવાદના એ થીયેટરો (૩)

કૃષ્ણ, સેન્ટ્રલ, પ્રતાપ, એડવાન્સ, રૂપમ ટોકીઝની સફર કરી. આજે બીજા કેટલાક

અશોક ટોકીઝ

બીજા રજવાડાઓ યુદ્ધના મેદાનની માટીમાં ખૂંપી ગયા હોય, ત્યારે સોરઠનો કોઈ વીર યોદ્ધો રણભૂમિમાં દેહમાંથી પિચકારીની જેમ છૂટતી લોહીની ધારાઓ ખમી જઈને એકલો જીવિત અને વિજેતા રહ્યો હોય, તેમ રીલિફ રોડ પર આજે ય રૂપમની જેમ એકલી અશોક ટોકીઝ રાજપુતાણીની વીરતાથી અસ્તિત્વ માટે  લડી રહી છે... (સાંભળ્યું છે કે, 'અશોક'નું નામોનિશાન મીટાવવું મુશ્કેલ જ નહિ, અસંભવ છે!)

ફિલ્મ જોવાનું કહીને હું તમને કોઈ મંદિરે લઈ જઉં, તો કેવી હિચકી આવી જાય? પણ અશોક ટોકીઝમાં એવી જ રીતે જવાતું. ઘી-કાંટા ચાર રસ્તા ઉપર આવેલી આ ટોકીઝમાં જતા પહેલા મોટું મંદિર આવે. પૈસા તો બન્નેમાં નાંખવા પડે, પણ મંદિરમાં સસ્તામાં પતે, જ્યારે અશોક ટોકીઝવાળા તો આપણા દેવી-દેવતાઓના દર્શન કરવાનો ચાર્જ રૂ. ૧, રૂ. ૧.૨૦ અને રૂ. ૧.૪૦ જેટલો જંગી લેતા હતા. બહાર મોટું ચોગાન. જેટલી ભીડ આ ચોગાનમાં હોય, એટલી બહાર ફિલ્મના ગીતોની ચોપડી વેચનારાને ત્યાં હોય. અશોક સિનેમાની પાછળનો ભાગ બાજુની રીગલ ટોકીઝના પાછલા ભાગ સાથે અથડાઉ-અથડાઉ કરે, ત્યાં પણ ચોપડીવાળો જામેલો. શહેરના બીજા થીયેટરોની જેમ દાખલ થવાનું ક્યાંથી અને ફિલ્મ પતે ત્યારે છુટવાનું ક્યાંથી, એ બધું રેલ્વે સ્ટેશનથી સીધા ફિલ્મો જોવા આવતા આજુબાજુના ગામોના પ્રેક્ષકો માટે હેરતભર્યા પ્રયોગ જેવું લાગતું.

શંકર-જયકિશનના સંગીતમાં રફી સાહેબના દિલડોલ ગીતોમાં બનેલી ફિલ્મ 'સ્ટ્રીટસિંગર' અશોક ટોકીઝમાં રીલિઝ થઈ, ત્યારે એનો હીરો ચંદ્રશેખર આવ્યો હતો. ફિલ્મના હીરો કરતા આપણે વધુ સારા લાગીએ છીએ, એ ભાન એ દિવસે ઘણાને થયું હતું.

દારાસિંઘની ફિલ્મ 'લૂટેરા'એ ટોકીઝમાં સિલ્વર જ્યુબિલી કરી, એ સિનેમાવાળા માટે જ નહિ, શહેર માટે ય મોટી ઘટના ગણાઈ કારણ પહેલું એ કે, અનેક વર્ષો પછી આ થીયેટરે રજત જયંતી જોઈ હતી. હેલનની પહેલી ફિલ્મ, જેનો હીરો શ્યામ આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઘોડા ઉપરથી પડીને મરી ગયો હતો, તે ફિલ્મ 'શબિસ્તાન' અહીં આવી હતી. એ ફિલ્મે કે બીજી કઈ ફિલ્મે રજત જયંતી કરી હતી, તેની તો નથી ખબર (સ્વ. વિનોદ મેહરાની પહેલી ફિલ્મ 'પરદે કે પીછે' એ મને ખ્યાલ છે ત્યાં સુધી આ સિદ્ધિ અશોક ટોકીઝમાં મેળવી હતી.)

કમનસીબે, અહીં થર્ડ-રેટની જ ફિલ્મો આવતી, એટલે ઓડિયન્સ પણ આપણને પોસાય નહિ એવું. બિલકુલ બાજુમાં આવેલી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલને અશોક ટોકીઝ કદી નડી નથી... ક્યારેક ટોકીઝવાળાએ માસ્તરોને કહેવા જવું પડતું કે, જરા ધીમે ભણાવો... મહીં શમ્મી કપૂર અને માલાસિન્હાઓ ડાયલોગ્સ પણ માસ્તરોની જેમ બોલવા માડયા છે.

રીગલ ટોકીઝ

રીલિફ ટોકીઝે અમદાવાદના પ્રેક્ષકોને પહેલી વાર એરકન્ડિશન બતાવ્યું, તો રીગલ ટોકીઝ સિવાય કોઈએ દાદરો ચઢ્યા વગર ઉપરના માળે જવાય, એવી લિફ્ટ પહેલી વાર જોઈ હતી. જૂના બ્રિટિશ ઓપેરા થીયેટરોની જેમ રીગલમાં પણ બાલ્કનીથી ય ઉપરના દરજ્જાના ઝરૂખા ધનિક પ્રેક્ષકો માટે બનાવાયા હતા. જેનો ઉપયોગ કેટલાક યુગલો તો ફિલ્મ જોવા માટે પણ કરતા! આજે તો નાની ઢીચકી છતવાળા ડ્રોઈંગ-રૂમોવાળા ફલેટો જ બને છે, ત્યારે ઊંચી સીલિંગના મકાનો તો હવે જોવા ય નહિ મળે, એ જોતાં રીગલ ટોકીઝ ભવ્ય ઊંચાઈઓને આંબતી હતી. રાજ કપૂરની ફિલ્મોના સેટ જેવો વિશાળ હોલ ને એની વચ્ચે અપર સ્ટોલ્સમાં જવાનો એવો જ ભવ્ય દાદર. દાદર પાસે ટિકીટબારી ને એની બાજુમાં પ્રેક્ષકો જેને જોવા ખાસ ઊભા રહેતા, તે લિફ્ટનો દરવાજો. પ્રેમનાથની પત્ની બિના રોય અને શમ્મી કપૂરની ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ' (ગમ-એ-હસ્તિ સે બસ બેગાના હોતા, ખુદાયા કાશ મૈં દીવાના હોતા - રફી, સંગીતઃ રોશન) જોવા હું 'રૂપિયાવાળી'ની લાઈનમાં ઊભો ને છેલ્લી ટીકિટ મને મળી ને બારી બંધ થઈ ગઈ. આ છેલ્લી ટીકિટવાળો મામલો મને ઠેઠ 'લવ ઈન ટોક્યો' વખતે નડયો. મારી આગળવાળો છેલ્લી ટીકિટ લઈ ગયો, એ કારણે આ સિનેમા મને કાયમ યાદ રહી ગયું.

સિનેમા 'ડી ફ્રાન્સ

કૃષ્ણ ગ્રૂપના થિયેટરોની મૂળ જનેતા ગાંધી રોડ પરની આ ટોકિઝના નામમાં આ 'ડી વળી શું હતું, તેની ઘણાને આજે ય ખબર નથી. અનુવાદમાં ફ્રાન્સનું સિનેમા, એવું થાય. ગુજરાતમાં થીયેટર સંસ્કૃતિના પ્રણેતા સ્વ. ડાહ્યાભાઈ શાહ હતા. કહેવાય તો કૃષ્ણ ગ્રૂપ, પણ અમદાવાદમાં કૃષ્ણ સિનેમા તો તા. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ થયું, એ પહેલાં ગાંધી રોડ ઉપર ૧૯૨૩ના જુલાઈ મહિનામાં સિનેમા 'દ ફ્રાન્સ સ્વ. ડાહ્યાભાઈએ સ્વ. માણેકલાલ પટેલની સાથે ભાગીદારીમાં શરૂ કરીને ૧૯૩૧માં થીયેટરના સ્વતંત્ર માલિક બન્યા. પાટણમાં ય કૃષ્ણ ટોકીઝ શરૂ કરીને અમદાવાદના ઘીકાંટા ઉપર ૧૯૪૭-ના જુલાઈ મહિનામાં નોવેલ્ટી ટોકીઝ શરૂ કરી. રીલિફ ટોકીઝ મે ૧૯૫૧માં શરૂ થઈ. ગોમતીપુરની ઉષા ટોકીઝ થોડા વર્ષો પછી શરૂ થઈ હોવાનું મુંબઈના ફિલ્મ ઇતિહાસવિદ શ્રી અમૃત ગંગરે નોંધ્યું છે. ઈન ફેક્ટ, સિનેમા 'દ ફ્રાન્સ વધુ મશહૂરી પામી સેકન્ડ રન હિંદી ફિલ્મો બતાવવામાં. દેવ આનંદની બધી બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મો અહીં રીપિટમાં આવે, ત્યારે નજીકના માણેક ચોકમાં આવેલી બી. ડી. કોલેજની છોકરીઓ કેમ જાણે દેવ આનંદ ભાઈ થતો હોય એમ 'એ ચલો ચલો... દેવલાનું 'ફન્ટુશ' આયું છે.' કોલેજના પ્રિન્સિપાલ એસ. આર. ભટ્ટ સાહેબ ભણતરના ભોગે છોકરીઓ ફિલ્મ જોવા જાય, તેના સખ્ત વિરોધી હોવાથી શો ના ટાઈમે પટાવાળાને સિનેમા પર મોકલતા. જે છોકરીઓ કોલેજ બન્ક કરીને આવી હોય, તેને કોલેજ પાછી લઈ જવાનું કામ પટાવાળાનું હોવાથી, કહેવાય છે કે એ દિવસોમાં આ કોલેજના પ્રિન્સિપાલ કરતા પટાવાળાની નોકરી માટે વધુ અરજીઓ આવતી...!

આ સિનેમાની પતલી ગલીમાં સિનેમાના લાકડાના દરવાજા પડતા, જેની ગપોલીમાંથી એક આંખે જેટલી દેખાય એટલી ફિલ્મ જોઈ લેનારા શોખીનોને ઉપર ભગવાન અને નીચે થીયેટરના લાલાનો ડર રહેતો.નવા રંગરૂપ સાથે થીયેટર નવું બન્યું, ત્યારે 'કલ્પના ટોકીઝ' નામે ઓળખાયું.

મૉડેલ ટૉકીઝ

સિનેમા 'દ ફ્રાન્સથી સ્ટેશન તરફ આગળ આવો તો વચમાં મોડેલ ટોકીઝ આવે અને પાંચકૂવે ઈંગ્લિશ ટોકીઝ. મોડેલમાં વ્હી. શાંતારામની ફિલ્મ 'નવરંગે' ૫૨-સપ્તાહ પૂરા કર્યા હતા. વિશાળ હાઈટ-બોડી ધરાવતા આ થીયેટરની સીડીનો દિવાલો ઉપર 'નવરંગ'ના જાયગેન્ટીક હોર્ડિગ્સ મૂકવામાં આવેલા, એ મને યાદ છે. અશોક કુમાર, સુચિત્રા સેન અને ધર્મેન્દ્રની ફિલ્મ 'મમતા' આવી, તેના પહેલા દિવસે બ્લેકમાં ટિકીટ વેચનારાઓ ઉપર પોલીસે રેડ પાડી. બ્લેક કલાકારો અમારી ખત્રી પોળ સામે જ હોવાથી ભાગતા-દોડતા અમને છોકરાઓને મફ્તમાં ટિકીટો આપીને નાસી ગયા. અમે છોકરાઓ ભાગમભાગ ટોકીઝમાં પહોંચ્યા ને તરત ઈન્ટરવલ પડયો. પણ રૂ. ૨.૫૦ની અપર સ્ટોલ્સની ટિકીટ મફતમાં મળે, તે ય પહેલા દિવસે પહેલા શો ની અને તે ય લાઈનમાં ઊભા રહ્યા વગર... અમને બધા છોકરાઓ એ દિવસે મક્કમ હતા કે, દેશમાં બ્લેક તો ચાલુ જ રહેવું જોઈએ! એ જમાનામાં મોર્નિંગ અને મેટિની શોનું ચલણ હતું. મોડેલ ટોકીઝે સાતે સાત દિવસ દેવ આનંદની ફિલ્મો 'ફન્ટુશ, પોકેટમાર, સરહદ, ટેક્સી ડ્રાયવર, નવ દો ગ્યારહ, એક કે બાદ એક અને હમદોનોં મોર્નિંગ શોમાં રજુ કરી હતી. મોડેલ કદાચ એક માત્ર થીયેટર હતું, જે પ્રેક્ષકોનું તડકા-વરસાદથી સંપૂર્ણ રક્ષણ કરતું. આખા એક બોક્સ જેવી બાંધણી હોઈ, એક વાર અંદર ગયા પછી વરસાદ કે તાપ... કોઈ ફિકર નહિ! આમ તો શહેરમાં ગાડીઓ ગણ્યાગાંઠયા પાસે હતી, છતાં ય આ એક ટોકીઝ એવી હતી, જ્યાં પાર્કિંગ સરળતાથી મળતું.'

કે. એલ. સાયગલ સાહેબની એમની એક ફિલ્મના 'પ્રીમિયર શો' માટે મોડેલ ટોકીઝમાં પધાર્યો ત્યારે ચાલતા ચાલતા આખા ગાંધી રોડનું ચક્કર માર્યું હતું.

ઈંગ્લિશ ટૉકીઝ

નામ ઈંગ્લિશ ટોકીઝ, પણ અહીં ઈંગ્લિશ સિવાયનું બધું મળે... 'ઈગ્લિશ' એટલે વ્હિસ્કી-ફિસ્કી નહિ, પણ આ શબ્દ સાથે કોઈ તાલમેલ બને, એવું ઈંગ્લિશ અહીં કાંઈ જોવા ન મળે. સિનેમાની બહાર નેપકીનની સાઈઝના તળેલા પાપડવાળાઓ મોટા સુંડલા લઈને ઊભા હોય... દસ પૈસાનો એક! ઈન્ટરવલ પતે પછી લગભગ દરેક પ્રેક્ષક દાંતથી કચડકચડ પાપડ ચાવતો અંદર આવે અને આખા થીયેટરમાં ડાયલોગ્સ કરતા પાપડના અવાજો બુલંદ આવે. હતું બહુ નાનકડું થીયેટર પણ કહેવાય છે કે, અમદાવાદનું સૌથી જૂનું થીયેટર આ હતું. મારો માહિતીદોષ હોઈ શકે. પટ્ટાબાજ એટલે કે તલવારબાજને નામ મશહૂર થયેલા એ સમયના હીરો રંજનની ફિલ્મ 'હકદાર' મેં અહીં જોયેલી, જેમાં મુકેશનું રૂપકડું ગીત, 'મૈં હૂ દીવાના, બડા મસ્તાના, દુનિયા મુઝે કુછ ભીં કહે ગાતા ચલા દિલ કા તરાના...' મારું ગમતું ગીત હતું.

નોવેલ્ટી ટૉકીઝ

ઘીકાંટામાં દાખલ થાઓ, એટલે પહેલી બે ચીજો મશહૂર. એક અહીંનો ફાફડાવાળો અને એની સામે જતી ગલીની પેલે પાર આવેલી નોવેલ્ટી સિનેમા. અહીં વહેલા પહોંચવાનો આનંદ થતો. ખૂબ વિશાળ કમ્પાઉન્ડને કારણે ફિલ્મ જોવા આવેલા પ્રેક્ષકો એકબીજાને જોઈને રાજી થતા. મને લાઈફ ટાઈમ આ થીયેટર એટલા માટે યાદ રહી જશે કે, ૧૯૬૦માં અહીં 'મુગલ-એ-આઝમ' કૃષ્ણ સિનેમાની સાથે સાથે રીલિઝ થયું, ત્યારે ટીકીટના દર તો રૂ. ૧, ૧.૪૦ અને ૧.૬૦ જ હતા, પણ બ્લેકમાં આંકડો રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયો હતો. મારા પિતાશ્રી સ્વ. ચંદુભાઈ દવેના મિત્ર શ્રી રમણભાઈ ભાવસાર પહેલા દિવસની છેલ્લા શોની ટીકીટ લઈને આવ્યા, ત્યારે સાથે જવા માટે મેં ફક્ત જીદ નહિ, તોતિંગ તોફાન કર્યું. એ બન્ને મિત્રો થીયેટરના માલિકો હોત, તો ય વધારાની ટિકીટ મેળવી શકે એમ નહોતા. સ્કૂટર પર બન્ને જણા નીકળી ગયા ને મને કેવું શૂરાતન ચઢ્યું તે ગાંધી રોડની ખત્રી પોળથી દોડતા દોશીવાડાની પોળ, રતન પોળ, કૃષ્ણ સિનેમા અને છેલ્લે ઘીકાંટા પર નોવેલ્ટી ટોકીઝમાં ત્યારે પહોંચી ગયો, જ્યારે હજી આ બન્ને સ્કૂટર પર પહોંચ્યા નહોતા. ખૂબ સિદ્ધિનું કામ કર્યું હોય અને હવે તો મને લઈ ગયા વગર છુટકો જ નહિ, એ ધારણાથી હજી સ્કૂટર પાર્ક કરી રહેલા ફાધર પાસે જઈને કહી દીધું, 'હું આવી ગયો છું.' બે વિરાટ થપ્પડો પડી. એક હાથની ચંદુભાઈએ મારેલી અને બીજી રમણ કાકાના શબ્દોની, જેમણે ફાધરને ટોણો માર્યો, 'છોકરાને સારી ટ્રેઈનિંગ આપી છે...!' 'બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે...' તો આ ઘટના પછી ભાવિ પત્નીની શોધમાં ય ગાવાનું આવ્યું, પણ નૂતન-સુનિલ દત્તની ફિલ્મ 'મિલન' અહીં જોઈ ત્યારે ચિંતા ઓછી થઈ હતી કે, કોક દિવસ આપણું ય ક્યાંક ગોઠવાશે તો ખરું...!

પ્રકાશ ટૉકિઝ

ઘીકાંટા ઉપર જ આવેલી પ્રકાશ ટોકીઝ હું ભૂલતો ન હોઉં તો મોટા ભાગે 'ભારત ભુવન' થીયેટરના નામે ઓળખાતી. મીના કુમારી, ધર્મેન્દ્રની ફિલ્મ 'ચંદન કા પલના'ની 'રૂપિયાવાળી' લેવા મને યાદ છે, ત્રણેક કલાક લાઈનમાં ઊભા રહેવું પડયું હતું. દરેક થીયેટરની જેમ અહીં પણ અંદર જે ફિલ્મ ચાલતી હોય તેના ફોટા શો-કેસમાં મુકેલા જોનારો ચોક્કસ વર્ગ હતો. અહીં ઊંચા ઓટલા જેવી જગ્યા ઉપર શો-કેસ મૂકાતું. કમ્પાઉન્ડ તગડું હતું અને ચોમાસામાં પ્રેક્ષકો પલળીને અંદર જાય, એની તમામ વ્યવસ્થા સિનેમા તરફથી વિના મૂલ્યે ગોઠવાઇ હતી. નવા રંગરૂપ સાથે પ્રકાશની કાયાપલટ થઈ. 'પાકીઝા' અહીં આવ્યું, ત્યારે વળી એક રેકોર્ડ સર્જોયો. ભારતમાં આજ સુધી રીલિઝ થયેલી કોઈ પણ ફિલ્મને આ સિદ્ધિ વરેલી નથી. નોર્મલી અત્યંત ફાલતું અને રદ્દી કાગળમાંથી જ દરેક સિનેમાની ટિકીટો છપાતી અને એની ઉપર રબ્બર સ્ટેમ્પથી આજની તારીખ છપાય. 'પાકીઝા'માં દરેક ટિકીટ ઉપર શોની તારીખ પણ છપાયેલી આવી હતી. મતલબ, પડી રહેલી ટિકીટો ફેંકી દેવાની. કાગળ પણ બેનમૂન અને મીનાકુમારીના ફોટાવાળી રંગીન છાપકામ સાથેની એ ટિકીટ હતી.

એક આડવાત : આટલા બધા થીયેટરોની વચ્ચે રસ્તા ઉપર એક પોલીસ ચોકી હતી. ઘણીવાર એને ય થીયેટર સમજીને સ્ટેશનથી સીધા ઘીકાંટા આવેલા મુસાફરો 'એકસ્ટ્રા ટિકીટ છે...?' માંગવા અહીં આવી જતા. કહે છે કે, એ પ્રેક્ષકો નિરાશ ન થતા...! મામૂલી વળતર લઈને મિત્રો અહીંથી પણ ટિકીટ અપાવી શકતા.

લાઈટ હાઉસ

ગેસ્ટ હાઉસ, ઓપેરા હાઉસ, ટાવર હાઉસ, પાવર હાઉસ કે 'દવે હાઉસ'ની જેમ લાઈટ હાઉસ નામ પણ સુવિખ્યાત હતું. વધારે બન્યું જીતેન્દ્ર મોટા ભાગે બબીતાની ફિલ્મ 'ફર્ઝ' અહીં એક વર્ષ ચાલ્યું માટે. હોરર અને ક્રાઈમની જ ફિલ્મો બનાવતા નિર્માતા અને વિલન એન. એ. અન્સારીની ફિલ્મ 'ટાવર હાઉસ' અહીં ખાસ્સું ચાલી હતી. 'મૈં ખુશનસીબ હૂં, મુઝકો કિસી કા પ્યાર મિલા' અને 'અય મેરે દિલે નાદાન, તુ ગમ સે ન ઘબરાના...' ગીતોએ રેડીયોની જેમ અહીં પણ ધૂમ મચાવી હતી. ઈવન, 'લાઈટ હાઉસ' નામની ફિલ્મ પણ અહીં જ આવી હતી. એક તો સાંકડો રોડ અને સામે એક સાથે બે થીયેટરો, એલ.એન. અને લક્ષ્મી... એટલે ધક્કામુક્કીમાં ત્રણમાંથી આપણે ક્યા થીયેટરમાં જવાનું છે, તેની મજાકો થયે રાખતી. 

(આવતા અંકના ફિલ્મના રિવ્યુ ચાલુ રહેશે)

No comments: