Search This Blog

20/10/2013

ઍનકાઉન્ટર : 20-10-2013

* મલ્લિકા શેરાવતે એની પસંદગીના 'ધી મોસ્ટ ઍલિજીબલ મૅરીડ મૅન' તરીકે તમારૂં નામ દીધું હોત તો?
- એક ભારતીય પુરૂષ એક ભવમાં બીજો ભવ કદી કરતો નથી.... ડિમ્પલની બા ખીજાય !
(અમરસિંહ વાઘેલા, ન્યુયૉર્ક-અમેરિકા)

* ફિલ્મોના હીરો હીરોઇનોને ઉચકીને ફરવાનું કારણ?
- પેલી હવે પછીના બે-ત્રણ વરસ જ ઉચકાય એવી રહેવાની છે ને.....!
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* ભગવાન ઉપર એક ફૂલ ચઢાવવાને બદલે ભક્તો ઢગલાં કેમ કરે છે?
- એક અમથું ફૂલ બજારમાં મળે નહિ.... તો બાકીના નાંખે ક્યાં?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* પ્રજ્ઞાચક્ષુઓ સપના જોઇ શકે ખરા?
- જુએ નહિ.... માણે!
(અજય વ્યાસ, બિલખા)

* નરેન્દ્ર મોદીનું બ્રહ્મ વાક્ય, 'હું ખાતો નથી ને ખાવા દેતો નથી.' પણ ખાધા વિના તો કેમ ચાલે?
- હા, તે એ બાબતે કોંગીજનો ય ક્યાં વિરોધ કરે છે?
(છગન લાડવા, ભાલકા-વેરાવળ)

* શૅક્સપિયરે કહ્યું હતું, ''નામમાં શું છે?'' પણ તમારૂં નામ 'અશોક'ને બદલે બીજું હોત તો ઍનકાઉન્ટરમાં આટલી જમાવટ થાત?
- શૅક્સપીયર ખોટું બોલતો હતો.....! કેમ એણે પોતાનું નામ બદલીને 'શંકરલાલ' ન રાખ્યું?
(શશીકાંત મશરૂ, જામનગર)

* શરદ પવાર પર ખૂબ ગુસ્સો આવે છે. શું કરવું?
- જે આખો દેશ કરે છે.... લાચારી!
(મયૂરી ભાવેશ વોરા જોરાવનગર)

* બીજા હાસ્યલેખકો અને તમારા વચ્ચે શું ફેર છે?
- એ બધા પાસેથી હું કાંઇક શીખ્યો છું... મારી પાસેથી એમને કંઇક શીખવું પડે, એવું બન્યું નથી!
(રમેશ સુતરીયા 'ટ્રોવા' મુંબઇ)

* બી.આર.ટી.એસ.માં ઍનાઉન્સમૅન્ટ ત્રણ ભાષામાં કેમ થાય છે?
- હવે એ લોકો 'બ્રૅઇલ લિપીમાં'ય કરવાના છે.
(જે.એમ.સોની અમદાવાદ)

* તમને અડવાણી અને આસારામ વચ્ચે શું સામ્ય લાગે છે?
- બન્નેને એમના ભક્તો નડયા !
(ધીમંતરાય નાયક, બારડોલી)

* તમે સંત તુલસીદાસની જેમ પત્નીની પાછળ-પાછળ ફર્યા છો ખરા?
- કોની પત્નીઓ હતી, એ બધું અત્યારે તો યાદ ન હોય ને!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* આપને સવાલો પૂછનારા 'સોળે સાન...' વાળા છે કે, 'સાઠે બુધ્ધિ નાઠી'ની બહુમતિમાં છે?
- તમે એ બન્ને ઉંમરોની વચ્ચેવાળા લાગો છો!
(સુરેન્દ્ર પારેખ, વલસાડ)

* આપ મને બિરબલનો પુર્નજન્મ લાગો છો....
- પ્રમોશન ગયું ત્યારે ...! હું શહેનશાહ અકબરના વહેમમાં ફરતો હતો!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* સફેદ ટ્રીમ દાઢી-મૂછોનો ક્રૅઝ કેમ વધી ગયો છે?
- તમારી માહિતી અધૂરી છે. આ ક્રૅઝ કેવળ પુરૂષો પૂરતો જ ચાલુ છે!
(જગદીશ આર.શાહ, રાજકોટ)

* આમાં ખોટા ઍનકાઉન્ટરો બદલ તમારી ધરપકડ કેમ ન થાય?
- તે ત્યાં ય કયે ' દિ સાચા થાય છે?
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* અન્નદાન, ભુદાન કે લક્ષ્મીદાન...સાચું દાન ક્યું?
- ભીખુદાન.
(કાંતિલાલ ખખ્ખર, રાજકોટ)

* કુદરત આખી દુનિયા ઉપર રૂઠી છે....કારણ અને ઉપાય?
- હાલમાં તો મારા એકલા ઉપર રૂઠી છે... મકાન રીનોવેટ કરાવું છું તે !
(મહેશ એમ. દેસાઇ, વલસાડ)

* હું મલ્લિકા શેરાવતને લઇને મોરેશિયસ જાઉં .... આપનો કોઇ સંદેશ?
- મલ્લિકાનો ટેસ્ટ કેટલો ઊંચો ગયો કહેવાય....'મોદીથી મફત સુધી'.....!
(મફતલાલ પ્રજાપતિ, રાજકોટ)

* શા માટે નદીના મૂળ અને ઋષિના કૂળ જોવાતા નથી?
- ગૂગલ આવડતું હોય તો બધું જોવાય!
(સલમાબાનુ મણીયાર, વિરમગામ)

* દેશના લાડકા સંગીતકાર જયકિશન દક્ષિણ ગુજરાતના વાંસદાના હતા... તેમનું સ્મારક ક્યારે થશે?
- જોડી તૂટવા ન દો. સ્મારક થાય તો એકલા જયનું નહિ, શંકરનું પણ સાથે હોવું જોઇએ. એ બન્નેને ચાહકોએ જુદા નથી જોયા!
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* ગળા ઉપર રંગીન ખેસ લટકાવીને ફરતા રાજકારણીઓ એ જ ખેસનો ફાંસો બનાવીને પ્રજાને પહેરાવે છે... સુઉં કિયો છો?
- એમાં એમનો સંદેશો છે કે, પ્રજાના શરીર પર અમે આટલું જ કપડું રહેવા દઇશું.
(રમાગૌરી ભટ્ટ, ધોળકા)

* હાસ્યલેખનમાં શું બ્રાહ્મણોની મૉનોપૉલી છે?
- આમાં તો રહેવા દો!
(કિરીટ એમ. દેસાઇ, કડિયાદરા)

* સ્ત્રી એના અડીયલ પતિને સીધો કેવી રીતે કરી શકે?
- એણે પોતે વાંકા વળવાનું બંઘ કરી દેવાનું!
(દિપક આશરા, ગાંધીનગર)

* 'તારી ભલી થાય ચમના....' એવું તમે અવારનવાર લખો છો. અર્થાત?
- હવે તમારી ય થાય!
(ટી.એસ.પરમાર, આણંદ)

* તમે કુંભમેળામાં ગયા છો?
- કપડા પહેરીને ગયો' તો!
(ધીમંત ભાવસાર, બડોલી)

* 'ઍનકાઉન્ટર','ફિલ્મ ઇન્ડિયા' અને 'બુધવારની બપોરે'..... ત્રણમાંથી તમારી ફૅવરિટ કૉલમ કઇ?
- અફ કૉર્સ. 'બુધવારની બપોરે'. હું ફિલ્મ સ્ટારો જેવો જવાબ નથી આપતો કે, ''મેરે લિયે તો તીનોં પ્યારી હૈ...'
(સંગીતા મેહતા, મુંબઇ)

No comments: