Search This Blog

25/10/2013

'અખંડ સૌભાગ્યવતી' ('૬૩)

આશા પારેખની પહેલી ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી

ફિલ્મ : 'અખંડ સૌભાગ્યવતી' ('૬૩)
નિર્માતા : રજબ શયદા
દિગ્દર્શક : મનહર રસકપૂર
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતો-સંવાદ : બરકત વીરાણી 'બેફામ'
થીયેટર : રીગલ (અમદાવાદ)
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ : ૧૫૧ મિનિટ્સ
કલાકારો : આશા પારેખ, મહેશ દેસાઈ, આગા, અરવિંદ પંડયા, ચંદ્રવદન ભટ્ટ, નિહારિકા ભટ્ટ, પદ્મારાણી, ઉમાકાંત દેસાઈ, નંદિની દેસાઈ, પ્રતાપ ઓઝા, શમ્મી, નર્મદા શંકર અને દેવિકા રોય.

ગીતો :
૧. તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી.................લતા મંગેશકર
૨. નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે..................મુકેશ
૩. ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ.............કમલ બારોટ, મન્ના ડે
૪. નૈન ને નૈન મળે જ્યાં છાના......................મુકેશ, સુમન કલ્યાણપુર
૫. વેરણ થઈ ગઈ રાતડી, મારા તે ચિત્તનો ચોર રે...............લતા મંગેશકર
૬. સળગે છે સુહાગ સજનવા, સળગે છે સુહાગ.................લતા મંગશકર
૭. હો બીજ બનીને માથે મારે બેસવું..................સુમન કલ્યાણપુર, મુકેશ

જામનગરમાં મારા મુકુંદમામા ખીજાય ત્યારે મામીની સામે જોઇને અચૂક ગાય, ''તને સાચવે સાબરમતી, અખંડ સૌભાગ્યવતી... હોઓઓ !''

ઇતિહાસ ગવાહ છે ક, નાટક કે ફિલ્મોમાં આપણા શુદ્ધ સાહિત્યકારો પ્રવેશ્યા છે, ત્યાં મોટો દાટ જ વાળ્યો છે. 'અખંડ સૌભાગ્યવતી' એનો તોતિંગ દાખલો. આપણા વાર્તાકાર રજબ શયદાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું, સુવિખ્યાત ગઝલકાર બરકત વીરાણીએ ફિલ્મની વાર્તા, સંવાદ અને ગીતો લખ્યા. બીજા વાર્તાકાર વિઠ્ઠલ પંડયા સહદિગ્દર્શક હતા. આ બધાએ ભેગા મળીને કોઈ કમાલ ન કરી. સાહિત્યકારો ફિલ્મી સંવાદો લખે, એમાં કાવ્યાત્મકતા ઉપરાંત પુરુષોના સંવાદોમાં પણ સ્ત્રૈણ્યપણું દેખાઈ આવે. પ્રેમિકાને પેલો 'આપ અત્રે શાને કાજે પધાર્યો છો?' આવા સંવાદો એ જમાનાની બધી ગુજરાતી ફિલ્મોમાં આવતા. અહીં તો 'બેફામ' જેવા સિદ્ધહસ્ત શાયરની કલમ ચાલી હોવા છતાં આખી ફિલ્મ, તેની વાર્તા કે એકે ય સંવાદમાં 'બેફામપણું' દેખાયું નથી. 'ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહિ ખોલું હું...' ગીતની પ્રથમ બે પંક્તિઓ કવિ મનસ્વી પ્રાંતિજવાળાએ લખેલી છે.

ફિલ્મની ઉજળી બાજુ આપણા દિગ્દર્શક મનહર રસકપૂર છે. સારી ફિલ્મો બનાવવા ઉપર એમની હથોટી બેસી ગઈ હોવાથી એમનું દિગ્દર્શન સારું જણાય છે. આ દિગ્દર્શકે ગુજરાતી ફિલ્મોને નામ અને ગૌરવ અપાવ્યા, તે મનહર રસકપૂરે રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણને લઈને ગુજરાતી ફિલ્મ 'મેંહદી રંગ લાગ્યો' બનાવ્યું અને હિન્દી ફિલ્મોની ગુજરાતી અભિનેત્રી આશા પારેખને લઈને 'અખંડ સૌભાગ્યવતી' બનાવ્યું. બન્ને હિંદી ફિલ્મોની જેમ જ ગુજરાતના થીયેટરોમાં સુપરહિટ ગયા. સંગીતકારો ભલે જુદા જુદા હતા, પણ બન્ને ફિલ્મો આજે પણ એમના સુમધુર સંગીતને લઈને મશહૂર છે. 'મેંહદી રંગ લાગ્યો' માટે તો મનહર રસકપૂરને રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણનને હાથે 'શ્રેષ્ઠ દિગ્દર્શક'નું પારિતોષિક મળ્યું હતું.

વચમાં મનહરભાઈ બહારવટે પણ ચઢી ગયા હતા અને 'જોગીદાસ ખુમાણ' અને 'કાદુ મકરાણી' જેવી ફિલ્મો બનાવીને ખૂબી એ ખરી કે, ડાકૂવાળી બન્ને ફિલ્મો ય ચાલી બહુ. તદ્ન સામાન્ય સ્તરના દિગ્દર્શકો અને મનહર રસકપૂર વચ્ચેનો ઉઘાડો તફાવત આ ચારે ફિલ્મોના નામો પરથી જ ખબર પડી જશે. મનહરભાઈની ફિલ્મો સંસ્કારી ઘરના લોકો જોઈ શકે અને તેઆ એ પરંપરાના હતા, ત્યાં સુધી જળવાયેલી રહી. આજે તો પાનના ગલ્લાવાળા કે ટાયર-પંક્ચર બનાવનારાઓ ય ગુજરાતી ફિલ્મો બનાવવા માંડયા છે, એટલે સ્તર વિશે પૂછી શકાય એવું નથી. મનહરભાઈએ પોતાની સાથે ગુજરાતી ફિલ્મોનું સ્તર પણ જાળવી રાખ્યું... કારણ ખબર છે?

મનહર રસકપૂર આટલા લાંબા નામમાં એક માત્ર 'પૂ' જ આડો ફાટયો, નહિ તો જેવું કાના-માત્ર વગરનું નામ, એટલી જ કાના-માત્ર વિનાની આ સરળ ફિલ્મ, 'અખંડ સૌભાગ્યવતી.'

પોરબંદરના ડો. પ્રવિણ ગોસ્વામીને આ ફિલ્મ બહુ ગમી ગઈ હતી, એટલે એની સીડી મને મોકલાવી. આ કોલમ ગુજરાતી ફિલ્મો માટે નથી, તેમ છતાં 'મેંહદી રંગ લાગ્યો' જેવી ગુજરાતને ગૌરવ અપાવનારી બીજી કોઈ ફિલ્મ હશે, તો ચોક્કસ લખીશું, પણ એ ય સારી હશે તો. પરિણામ તમારી નજર સામે છે.

મુંબઈ રહેતા એમના નાના ભાઈ શ્રી અરુણ રસકપૂર કાયમ આ કોલમ વાંચે છે. તેમણે આપેલી માહિતી મુજબ, ફિલ્મ 'અખંડ સૌભાગ્યવતી' મુંબઈના મોહન સ્ટુડીયોમાં બન્યું હતું.

ફિલ્મનો હીરો મહેશ દેસાઈ મનહર દેસાઈનો નાનો ભાઈ. આ મનહર દેસાઈ કોણ, એ પૂછવું ન પડે, એ માટે મીના કુમારી માટે મનહર દેસાઈએ પરદા પર તલત મેહમુદના અવાજમાં જે ગીત ગાયું હતું, તે ફિલ્મ 'મદહોશ'નું 'મેરી યાદ મેં તુમ ના, આંસુ બહાના, ન જી કો જલાના, મુઝે ભૂલ જાના...' અર્થાત મનહર દેસાઈ 'મદહોશ'ના હીરો અને પાછળથી સાવ ફાલતુ હિન્દી ફિલ્મોમાં એનાથી ય વધુ ફાલતુ રોલ કરીને જીવન ગુજારો કરતા હતા, એ મનહરના ભાઈ એટલે આ ઓલિવર દેસાઈ, એટલે કે, મહેશ દેસાઈ. બન્ને ભાઈઓ ક્રિશ્ચિયન હતા.

આશા પારેખનું બેકગ્રાઉન્ડ અમદાવાદના પાલડી પાસે આવેલા પિરાણા ગામનું, જ્યાં એના હિન્દુ વાણીયા પિતા દાઉદી વ્હોરા મુસ્લિમ પત્ની સાથે રહેતા હતા. ઓપી નય્યર અને આશા પારેખની કૂંડળીમાં કોક ગ્રહ સરખો હોવો જોઈએ કારણ કે, બન્નેની પહેલી ફિલ્મ હળવદના બ્રાહ્મણ દલસુખ પંચોલીની ફિલ્મ 'આસમાન' હતી.

આગાના આગમન સાથે ઓફિસની જે ટાયપિસ્ટ ઉપર તે લટૂડો-પટૂડો થઈ જાય છે, તે એક સમયની અભિનેત્રી કિમી કાતકરની મમ્મી છે. લાંબી સીકવન્સના ગુજરાતી સંવાદો આગા સહેજ પણ બિનગુજરાતી ન લાગે, એવી સાહજીકતાથી બોલી શકતો. ફિલ્મમાં એની કોમેડીમાં થોડો ય દમ નથી, પણ એ સમયની હિન્દી ફિલ્મોમાં પણ જે કાંઈ હસવું આવતું, તે કોમેડીયનોની બેવકૂફીભરી હરકતોથી વધારે આવતું. સંવાદોમાં કોઈ ચમક નહોતી. આ બતાવે છે કે, હાસ્ય કેટલી દુષ્કર ચીજ છે. આમ ગમે તેટલો મોટો સાહિત્યકાર હોય, હાસ્યની બે વાતો લખવી, એના ગજાનું કામ હોતું નથી, પરિણામે, તદ્ન ફાલતું સંવાદો લખીને એ લોકો એક્સપેક્ટ કરે કે, એણે સરસ કામ કર્યું છે. પ્રજાને હસાવવી એટલી સહેલી હોત, તો આજે ઘેર ઘેર હાસ્યલેખકો રમતા હોત!

ફિલ્મની વાર્તા અતિ સામાન્ય સ્તર અને ઈમ્પોસિબલ ઘટનાઓથી બનેલી હોવાથી એનો ઉલ્લેખ ટાળું તો સારું. આશા પારેખ અને મહેશ દેસાઈ બન્ને ધનિક પરિવારના છે. પ્રેમલગ્ન કરે છે, પણ લગ્ન થાય તે પહેલા વિલન અરવિંદ પંડયા અર્થ વગરનું છટકું ગોઠવીને આશા ઉપર અનૈતિકતાનો આક્ષેપ લગાવે છે કે, એ બીજા પુરુષના પ્રેમમાં છે અને એક બાળકની માતા છે. આટલું જાણવા છતા મહેશના માતા-પિતા ક્યા મેળના આ લગ્ન કરાવી આપવા દીકરા મહેશ ઉપર જબરદસ્તી કરે અને એની સામે ઝૂકી જઈને મહેશ લગ્ન પણ કરે, એ બધું ઉટપટાંગ વાતો છે. ગુજરાતી ફિલ્મોની પદ્મારાણી એ વખતે '૬૩ની સાલમાં પૂરજોશ જુવાન હતી. દેખાતી પણ હતી ગ્લેમરસ, એટલે દિગ્દર્શકે એને વેમ્પનો ટચુકડો રોલ આપ્યો છે. યસ. પોતાના રોલ પૂરતી જસ્ટિફાઈડ એક્ટિંગ એક માત્ર અરવિંદ પંડયા કરી શક્યા છે. રાજ કપૂરની ફિલ્મ 'ગોપીચંદ જાસુસ'ની હીરોઈન ભાવના ભટ્ટના મમ્મી ડેડી ચંદ્રવદન ભટ્ટ અને નિહારિકા ભટ્ટે 'મેંહદી રંગ લાગ્યો'ના રોલનું કેવળ એક્સટેન્શન કર્યું છે. આશા પારેખની સાસુ શેને માટે એને સળગાવવા માંગે છે, તેનું કોઈ વ્યાવહારિક કારણ પણ દેખાતું નથી ને છેલ્લે પોતાનો ગૂન્હો કબુલી કેમ લે છે, એ પણ સમજની બહાર છે. દુઃખ એક જ વાતનું થાય કે, આ બધું આપણે જેને આજે ય ખૂબ ચાહીએ છીએ, તે 'બેફામ'ની કલમે લખાયું છે, પણ ભૂંસાયું કાંઈ નથી. 'બેફામ' તો ય કેટલું થાકી જવું પડયું, નહિ તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી...'

ફિલ્મનું ઈન્ડોર શૂટિંગ શ્રી અરૃણ રસકપૂરના જણાવ્યા મુજબ મોહન સ્ટુડીયોમાં થયું હતું, પણ લગભગ બધું આઉટડોર અમદાવાદમાં થયું છે, એટલે મારી જેમ '૬૩ની સાલનું અમદાવાદ પણ જોઈ ચૂકેલા શહેરીઓ માટે એક નોસ્ટેલ્જીક ફીલિંગ આ ફિલ્મ જોવાથી ચોક્કસ મળે. કોઈ માની શકે, આશા પારેખ અમદાવાદના ત્રણ દરવાજા પાસેથી ગાડી લઈને પસાર થાય છે, ત્યારે શહેર કેવું ખાલીખમ્મ હતું કે આખા રસ્તા ઉપર કોઈ ભીડ જ નહિ...! બેકડ્રોપમાં એ વખતની ગુજરાત યુનિવર્સિટી દેખાય છે. બહારના બસ સ્ટેન્ડ પર હીરો મહેશ કુમાર અને હીરોઈન આશા પારેખ વાત કરે છે, ત્યાં અ.મ્યુ.ટ્રા.સ.ની બસ નં. ૫૬ અને ૫૭ના બોર્ડ વંચાય છે. બન્ને બસો અમને એટલે વહાલી લાગે કે, ગાંધી રોડ પર આ જ બસ નં. ૫૭માં અમે યુનિવર્સિટી જતા. જૂનું અમદાવાદ જોવાનો શોખ હોય તો એ સમયની ગુ.યુનિનું મકાન, શાહીબાગ અન્ડરબ્રીજ, તાજો બનેલો નેહરુબ્રીજ, ત્રણ દરવાજા, બાલ વાટીકા અને કાંકરીયું તળાવ દેખાય છે. હવે તો બહું ઓછાને યાદ રહ્યું હશે કે, કાંકરિયા તળાવ પર ક્વોલિટી રેસ્ટરાં હતી, એ સિવાય આજનું કોઈ સ્ટ્રક્ચર વિદ્યમાન નહોતું. કોઈપણ ગુજરાતી ફિલ્મ હોય એટલે કાંકરીયાનું 'વન-ટ્રી હિલ' અને કહેવાતો ઝૂલતો પૂલ બતાવવાનો જ, જે એકે ય વાર ઝૂલ્યો નથી.

ફિલ્મમાં સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું, પણ આસિસ્ટન્ટ લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા ને તો ય એકે ગીતમાં શકરવાર નહિ! એની સામે અવિનાશ વ્યાસની 'મેંહદી રંગ લાગ્યો'ના તમામ ગીતો આજે ય લોકજીભે રમે છે. ફિલ્મમાં પ્લેબેક હિન્દી ગાયકોનું જ લેવાયું હોવા છતાં, શાંતિથી બેસીને સાંભળવાનું ગમે, એવું કોઈ ગીત 'તમને' લાગતું હોય, તો મને જણાવજો. ગુજરાતી ફિલ્મોમાં તો આજ સુધી, આપણને જોવો ગમે એવો તો એક પણ હીરો આવ્યો નથી ને જે આવ્યા છે, તે જોઈને આજે પણ ખૂન્નસ ચઢી જાય એવા હીરો આજની ફિલ્મોમાં પણ આવતા રહ્યા છે. હીરોઈન આશા પારેખ હોવા છતાં... કદાચ એ સમયે નવી નવી હોવાને કાણે એક્ટીંગની કોઈ કમાલ જોવા મળી નથી, જે 'મૈં તુલસી તેરે આંગન કી' કક્ષાની હોય! આ એ હીરોઈન છે, જેણે આ ફિલ્મમાં નૂતન જેવી સમર્થ હીરોઈનની પણ અભિનયમાં બરોબરી કરી હતી.

ટોમ-બોયઝ ટાઈપના રોલમાં આશાની કોઈ સાની નહોતી, એક્સેપ્ટ તનૂજા! આશાની જોય મુકર્જી સાથેની ફિલ્મ 'ઝીદ્દી' ભલે ગણાઈ ગઈ મનોરંજક ફિલ્મમાં, પણ આવા રોલમાં (અને ફિલ્મના અંતે મેલોડ્રામામાં) એ ઈક્વલી સુપર્બ હતી. ટૂંકમાં, ગુજરાતી ફિલ્મ 'અખંડ સૌભાગ્યવતી' ખાસ ડીવીડી મંગાવીને જોવી પડે, એટલી ખાસ ફિલ્મ નથી.

2 comments:

Amit N. Trivedi said...

અશોકભાઈ,
આ ફિલ્મ માં સુમન કલ્યાણપુરે ગાયેલો એક ગીત "મેં તો સોળે શણગાર જટાળા જોગી.." પણ હતુ કે નહીં?
અમિત ન. ત્રિવેદી
વડોદરા
9824077451

Ashok Dave said...

"MEI TO SOLAY SAJYA SHANGAAR..."
YES. IT WAS SUNG BY SUMAN KALYANPUR WITH HMV RECORD NO.63103.

ashokdave_52@yahoo.com

-Ashok Dave