Search This Blog

02/10/2013

સ્ટેજ પર બેસવું એટલે....

આજે એમની સદીઓ જૂની મહેચ્છા પૂરી થઈ-સ્ટેજ પર બેસવાની. રાહ ઓછા વર્ષો નહોતી જોઈ. એક વખત સ્ટેજ પર બેસવાના સપનામાં તેઓ હજારો વખત શ્રોતાગણમાં બેસી આવ્યા હતા. એક વખત તો, હૉલ ખાલી થઈ ગયા પછી વૉચમેનને પાંચ રૂપીયાવાળું સ્માઈલ આપીને ચીફ ગૅસ્ટની ખુરશી પર જમાવટ કરી દીધી હતી.

આજે જીવનની અભિલાષા પહેલી વાર પૂરી થઈ રહી હતી. જ્ઞાતિના ફંક્શનમાં પ્રમુખશ્રીએ એમને સ્ટેજ પરની છેલ્લી ખુરશી ઉપર હાથમાં નૉટબૂક લઈને બેસવાનું કીધું હતું. સ્વાગત વખતે કોને કયો હાર પહેરાવવો અને કોણ પહેરાવશે, તેની યાદી લઈને! ઉત્સાહમાં પહેલા તો એ વચ્ચેની-ચીફ ગૅસ્ટની ખુરશી પર બેસી ગયેલા. એ તો કોક ઉઠાડવા આવ્યું, ત્યારે ભોંઠા પડવાને બદલે કારણ વગરનું હસતા હસતા છેલ્લી ખુરશી પર બેઠા. હૉલની છત તરફ જોઈને તેઓ સ્વગત બોલ્યા, ''ક્યાં સુધી ઉંચ-નીચના ભેદભાવો ચાલુ રહેશે, હે ઈશ્વર?''. સ્ટેજ પર બેસનાર અન્ય મેહમાનો હજી આવ્યા નહોતા... શ્રોતાઓ પણ નહોતા આવ્યા, પણ છેલ્લી ઘડીના કોઈ ફેરફારો થાય તો સ્થાન ગૂમાવવાનો અવસર ન આવે, એ હેતુથી તેઓ આગોતરી ખુરશી પર બેસી ગયા હતા.

એમને ખૂબ ગમ્યું. કોણી વડે ખુરશીનો હાથો ખણવાની મજા આવી. કોઈને પણ નહિ સંબોધાયેલા બે-ત્રણ સ્માઈલો આપી જોયા. પહેલું હજી નહિ આવેલા શ્રોતાઓને, બીજું બોલનાર વક્તા સામે અને ત્રીજું કોઈ લેવા દેવા વગરનું ખુરશી નીચેની જમીન તરફ હસી જોયું. શિરસ્તો કહે છે કે, અન્ય વક્તા બોલતા હોય, ત્યારે પોતે પ્રભાવિત થયા છે, એ દર્શાવવા એકાદ વખત જમીન તરફ જોઈને હસી પડવાનું હોય છે. (ચોથું સ્માઈલ ઑડિયન્સ એમને જોઈને આંખ મીંચકારીને આપશે!) તદ્દન ખાલી હૉલની ખુરશીઓ તરફ એમણે નવા નક્કોર સ્માઈલ સાથે જોયું. ''બસ... પલભરની વાર છે. આ આખું ભરાઈ ગયું હશે ને સહુ મને જોતા હશે.''

એમને બોલવાનું નહોતું. કેવળ શોભામાં અભિવૃધ્ધિ કરવાની હતી, એટલે લિનનનો નવો ઝભ્ભો ઘેરથી જ પહેરી લાવ્યા હતા. રસ્તામાં ભૂલી-બુલી જવાય, એના કરતા ઘેરથી પહેરી લેવો સારો. કહે છે કે, લિનનના કપડાંમાં બહાર નીકળતી વખતે ગરમ ઈસ્ત્રી સાથે લઈને નીકળવું હિતાવહ છે. તરત ચોળાઈ જાય છે. એ તો ઘરમાં કોકે મશ્કરી કરેલી કે, ''એકલો ઝભ્ભો લિનનનો સારો નહિ લાગે... લેંઘો પણ લિનનનો પહેરતા જાઓ.''

દુઃખ એ વાતનું હતું કે, આમંત્રણ-પત્રિકામાં તેઓશ્રીનું નામ પણ છપાયું નહોતું. કોકને કેવું લાગે કે, આ એમને એમ સ્ટેજ પર ચઢી બેઠા હશે? આની પહેલા બીજા કોક સમારંભમાં નામ છપાયું તો હતું પણ, 'શ્રીકાંત ભાઈ'ને બદલે 'ફ્રીકાંતભાઈ' છપાઈ ગયું હતું. ભારતમાં પહેલી વાર 'શ્રી' સાવ 'ફ્રી'માં મળતું થયું!

અસલના કાઠીયાવાડમાં ગઢ જીતવો એટલે યુધ્ધ જીત્યા બરોબર ગણાતું. આજે તો હવે ગઢો રહ્યા નથી, એટલે પોતાના ગામના ટાઉન હૉલના સ્ટેજને ગઢ ગણીને, જરાક અમથું નોંતરૂં આવે એટલે ચઢી બેસવાનું હોય છે. સ્ટેજ બહુ બુરી ચીજ છે. ભલભલાની હવા કાઢી નાંખે છે. પ્રેક્ષકગૃહથી સ્ટેજ પર જવાનું અંતર તો બસ કોઈ... ૨૦-૨૫ ફૂટનું હોય છે, પણ નીચેથી ઉપર જતા વર્ષોના વરસ લાગી જાય છે... (અને ત્યાંથી ફેંકાઈ જતા કાચી સૅકન્ડ લાગે છે!)

કહે છે કે, સ્ટેજનો બહુ શોખ હોય તો પરદો ખેંચનારાની નોકરી માટે દિન-૭માં અરજી કરવી. રોજ સ્ટેજ પર શોભામાં અભિવૃધ્ધિ કરી શકાશે. માનભેર સ્ટેજ પર દસ મિનીટ બેસવા માટે ૨૦-૨૫ વર્ષની મજૂરી કરવી પડે. સહુ તમને જોતા હોય, એ વૈભવ સ્ટેજ પર બેસીને મળી શકે. જે સ્ટેજ પર ૮-૧૦ મેહમાનો બેઠા હોય, એમાં ૩-૪ તો લેવાદેવા વગરના ચઢી બેઠા હોય છે. ભાષણ તો કરવાનું હોય નહિ, ઊભા કરો ત્યારે ખબર પડે કે, સ્ટેજ પર બોલવામાં દુનિયાભરની સાસુઓ યાદ આવી જાય છે, એક અક્ષર બોલી શકાતો નથી, પગ ધૂ્રજવા માંડે છે અને ઘેર ગયા પછી માંદા પડી જવાય છે ને આવું થાય તો પણ... ડૉ. મનમોહન સિંઘ કરતા તમે સારું બોલ્યા કહેવાઓ... જય હો!

સ્ટેજ પર ભાષણનો સમારંભ હોય ત્યારે શ્રોતાઓ ફફડતા હોય છે. માઇક મળ્યું છે કે મળશે, એ ચૂળને કારણે મોટા ભાગના વક્તાઓ બેશરમ બની જાય છે, એની શ્રીકાંતભાઈને ખબર. એથી જ, તેઓ પોતાના વખાણે ય જાતે કરી લીધા, ''હું કોઈને નડીશ તો નહિ...! મારે ક્યાં પ્રવચન કરવાનું છે?'' જો કે, કરવાનું હોત તો કરી લેત...!''

સમારંભ શરૂ થયો. ખુલાસાની જરૂર નથી કે, શ્રીકાંતભાઈ પરદો ખુલ્યા પહેલાના સ્માઈલો આપે જતા હતા. સ્ટેજ પર મોંઢું હસતું રાખવાનું હોય છે. સિવાય શોકસભા... એની એમને ખબર. આઠેક વક્તાઓ શિસ્તબધ્ધ બેસી ગયા હતા, જાણે રસ્તા ઉપર સામસામેના બે બિલ્ડિંગો વચ્ચે ઝૂલતા તાર ઉપર હારબધ્ધ કાગડાઓ બેઠા હોય. કાગડાઓ આખા દેશમાંથી ગાયબ થઇ ગયા છે ને કોંગ્રેસ-ભાજપના સભ્યો થઈ ગયા છે એટલે હવે ક્યાં 'ગૂમ થયા છે'ની એકપણ જા.ખ. અખબારોમાં આવે છે!

વક્તાઓની ફીલસૂફી હોય છે કે, જ્યારે સ્ટેજ પર બોલીએ, ત્યારે વખાણોનો મારો ચલાવવાનો. પ્રમુખશ્રી, સંસ્થા, મુખ્ય મેહમાન જે કોઈ આવ્યું હોય તે, પણ સ્મરણમાં એટલું રહેવું જોઈએ કે, આ બધા વખાણોની વચ્ચે આપણી નમ્રતાના વખાણે ય દેખાવા જોઈએ.

આ વાતની શ્રીકાંતભાઈને ખબર. સમારંભના સંચાલકે પ્રારંભ કર્યો ને આ બાજુ ચાલુ પ્રોગ્રામે શ્રીકાંતભાઈએ પ્રારંભ કર્યો, બાજુમાં બેઠેલા મહિલાશ્રીની પ્રશંસાથી. ''આપનું નામ ઘણું સાંભળ્યું છે...'' આ તબક્કે, સ્ટેજ પર બેઠેલી હરએક મહિલા બહુ મોટી વાત સાંભળી હોય તેમ પહોળા સ્માઈલ સાથે ડોકી ઊંચી-નીચી કરીને મૌનથી જવાબ આપે છે. આમણે ય આપ્યો. શ્રીકાંતભાઈએ મહિલાને બીજી સુંદર વાત કરી, ધીમા છપછપ અવાજે, ''તમારા નાકની ચુની સુંદર લાગે છે... બન્ને બાજુ પહેરો તો?''

હવે પેલી બગડી અને થોડા તીખા તેવર સાથે મોંઢું ફેરવી લીધું. દરમ્યાનમાં ફ્રીભાઈ... આઈ મીન, શ્રીભાઈએ ઉપસ્થિત મેહમાનો અને શ્રોતાઓ સમક્ષ સ્માઈલોના વિવિધ પ્રકારો દર્શાવવાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો.

કહે છે કે, દીપપ્રાક્ટય વખતે બન્ને હાથ સ્વ. હિતેન્દ્ર દેસાઈની જેમ એક હાથનું કાંડુ પકડીને, મૂન્ડી નીચી રાખીને ધીરજપૂર્વક ઊભા રહેવાનું હોય છે. મીણબત્તો પકડવાનો આપણો ય વારો આવશે. દીપપ્રાક્ટય કરતી વખતે જમણા હાથે મીણબત્તી પકડીને એની કોણીને ડાબા હાથે ઝાલી રાખવાની હોય છે, જેથી હાથ ધૂ્રજતો હોય તો શ્રોતાઓ જોઈ ન જાય. અગાઉના જમાનામાં જેટલા ઊભા હોય, એ બધાના હાથમાં એક એક મીણબત્તી પકડાવી દેવામાં આવતી, એમાં ભ'ઈ માણસ છે... ભૂલ થઈ જાય અને પાછળ ઊભેલો ઑડિયન્સને જોવામાં આગળવાળાની પાછળ ગમે ત્યાં સળગતી મીણબત્તી અડાડી દેતો. હાથ તો નીચો જ હોય ને આગળ વાળો વળેલો હોય!! આવા અકસ્માતો ટાળવા હવે મુખ્ય મેહમાન એકલા દીપપ્રાગટય કરે અને બધા એકબીજાની કોણીઓએ હાથ અડાડીને સમૂહ પ્રાગટય કરવાનો દસ્તૂર અમલમાં છે. શ્રીકાંતભાઈનો વારો આવ્યો ત્યાં સુધીમાં મીણબત્તી બૅકસ્ટેજમાં અંદર જતી રહી હતી, એટલે એમણે ખિસ્સામાંથી લાઈટર કાઢીને અનેક વખત પટપટપટ્પટ કરીને ભડકો કર્યો. બહુ યાદ ન રહ્યું એટલે ભૂલમાં ખિસ્સામાંથી સિગારેટ પણ કાઢીને મ્હોંમાં મૂકી... ભૂલ સુધારી પણ લીધી... સળગેલી સિગારેટ મુખ્ય મેહમાનને વિવેકપૂર્વક ધરી!

મંચ પર બેસવાની ય એક તેહઝીબ હોય છે. ગુજરાતી સાહિત્યકારો બેઠા હોય તો ઘણી શરતોનું પાલન કરવાનું હોય છે. તમે ચિંતક લાગવા જોઇએ. મોંઢું ગંભીર જ રાખવું પડે. તમારું મોંઢું જોઈને શ્રોતાઓને બકારી આવવી જોઈએ, એટલી હદે ગંભીર રાખવાનું... પ્રસન્ન વદને નહિ બેસવાનું. જમણા હાથની પહેલી આંગળી ગાલ ઉપર અડાડી રાખવાથી ફોટા સારા આવે છે અને એક જમાનામાં કવિ નર્મદે આમ આંગળી રાખી હતી, એટલે અમારા કવિ-લેખકો ય આવી આંગળીઓ કરે છે. વક્તા કોઈપણ બોલતો હોય, આપણે સહેજ પણ પ્રભાવિત થયા છીએ, એવું તો લાગવા જ નહિ દેવાનું... બધ્ધાની બાઓ એકસામટી ખીજાય!

શ્રીકાંતભાઈએ આમાંનું થોડુંક ઉઠાવ્યું હતું. આંગળી ચોક્કસપણે ગાલને અડાડી રાખી હતી. એક આંગળી થાકે, એટલે બીજા હાથની આંગળી, એમાં ભૂલાઈ પણ જવાતું અને એક સાથે બન્ને હાથની બન્ને આંગળીઓ બન્ને ગાલો ઉપર સ્થાપિત થઈ જતી.

સમારંભ તો ભ'ઈ લાંબો ચાલ્યો. એક એક વક્તો પચ્ચી પચ્ચી મિનીટ બોલ્યો. ઑડિયન્સના ફોદાં નીકળી ગયા. ઉત્તરાખંડની હોનારત જેવા દ્રષ્યો શ્રોતાખંડમાં દેખાયા. ને એમાં ય પ્રમુખશ્રીની કઈ ભૂલ થઈ ગઈ. છેલ્લે એકલા શ્રીકાંતભાઈ બાકી રહેતા હતા તે એમને ય બોલવા ઊભા કર્યા. આમની તો એવી કોઇ તૈયારી કે ધારણા પણ નહિ. તો ય શ્રીભાઈ મોજમાં આવી ગયા. જમીનમાંથી લોખંડનો સળીયો ખેંચી કાઢવાનો હોય, એવી જબરદસ્તીથી એમણે માઇક પકડી લીધું. એક શબ્દ પણ માઇકની બહાર જવો ન જોઈએ, એ હેતુથી હોઠ માઈકને અડાડી દીધા. શ્રોતાઓ માટે આ કંઈક નવું હતું. એમને જોઈને ગેલમાં આવવા માંડયા. થોડી થોડી હસાહસી પણ શરૂ થઈ. શ્રીભાઈએ ઊચકેલું માઇક લાકડાના સ્ટેજ ઉપર જ પછાડીને એક જ વાક્ય બોલ્યા ને બેસી ગયા.

''મને બોલતા-ફોલતા તો નથી આવડતું, પણ એટલી ખબર છે કે, કોઈ પણ સમારંભમાં સૌથી ઓછું બોલનાર વક્તા સહુને વહાલો લાગે છે... જય હિંદ.''

ને શ્રોતાઓએ ૫૦-સેકન્ડ સુધી તાળીઓ પાડીને શ્રીભાઈને વધાવી લીધા. 
 
સિક્સર

- હવે તમે ડોહા થઈ ગયા છો, એની પહેલી નિશાની કઈ?
- માથેથી ખતમ થઈ ગયેલા વાળ નાક-કાન ને ભ્રમરમાંથી બહાર આવવા માંડે છે!

No comments: