Search This Blog

13/10/2013

ઍનકાઉન્ટર : 13-10-2013

* પતિ જો પત્નીને સંપૂર્ણ સમર્પિત થઈ જાય તો ઘરમાં શાંતિ રહે ખરી ?
- તમારૂં દુઃખ સમજી શકું . સંસારમાં આજે ય એવા ગોરધનો પડયા છે, જેમને પત્નીને સંપૂર્ણ સમર્પિત થઇને આયખું પૂરૂં કરવું પડે છે... બિચારાને શાંતિ સિવાય તો બીજું કોઇ સુખ જ નહિ ને?
(પ્રણવ અને રીટા દવે, ન્યુજર્સી-અમેરિકા)

* લગ્ન માટે તમારા પત્નીએ તમને જ કેમ પસંદ કર્યા?
- એ વખતે આખી બ્રાહ્મણ જ્ઞાતિમાં મારાથી વધારે સ્ટુપિડ બીજો કોઇ દેખાતો નહતો!
(જ્યોતિ બા/દર્શના બા/નમ્રતા બા, જામનર)

* 'બા તો ખીજાય,' પણ 'પપ્પા ખીજાય' એવી કોઇ વ્યવસ્થા થાય એમ નથી?
- એ તો તમને ય પપ્પાને મળ્યા એવા (વાઇફજી...) બા મળ્યા હોત તો ખબર પડત કે, બા ઉપર ખીજાવાનું તો ગોયરૂં .....મોંઢા ય ચઢાઇ શકાતા નથી!
(અશ્વિન એ. દેસાઇ, હ્યુસ્ટન, અમેરિકા)

* શેરીનાં કુતરાં પાસેથી વફાદારીના પાઠ સિવાય બીજું શું શીખવા જેવું છે?
- ચોખ્ખાઇના પાઠ. જ્યાં જાઓ ત્યાં થાંભલો પહેલા ગોતી લેવો.
(અમરસિંહ વાઘેલા, ન્યુયૉર્ક-અમેરિકા)

* સ્મશાનના લાકડાં હોળી માટે વેચાયા... બ્રેકિંગ ન્યૂજ....!
- એનાથી ઊલટું ન થાય ત્યાં સુધી આપણે સહુ નસીબદાર.
(રમેશ સુરતીયા- ટ્રોવા, મુંબઇ)

* પ્રશ્ન પૂછનારે પોતાનો મોબાઇલ નંબર લખવો ફરજીયાત છે, તો જવાબ આપનારે કેમ નહિ?
- જવાબ આપનારો એની પર્સનલ લાઇફમાં બહુ બૉરિંગ માણસ છે.
(મયુરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* યમરાજાનું વાહન પાડો હોવા છતાં કોઇના મૃત્યુ વખતે કૂતરૂં કેમ રડતું હોય છે?
- જેની જેની ટેવ... આપણે શુ કામ કોઇની પર્સનલ લાઇફમાં પડવું?
(મધુકર માંકડ, જામનગર)

* સુખની વ્યાખ્યા શું?
- સવારે ખુલાસો ચોખ્ખો આવે એ.
(હરીશ કે. અસવાર,જામનગર)

* દવે સાહેબ. સાચું કહેજો. આપ આસ્તિક છો કે નાસ્તિક?
- ઇશ્વર સાથે ડાયરૅક્ટ- ડાયલિંગ હોવું જોઇએ. વચમાં સ્વામીજી, ગુરૂજી, બાપાજી કે મહારાજશ્રીઓ ન જોઇએ.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* 'સુનો સુનો અય દુનિયાવાલોં , બાપુ કી યે અમર કહાની...' ગીત હવે કેમ સંભળાતું નથી?
- તમારૂં સીડી પ્લૅયર રીપૅર કરાવી લો. પિન-બીન બગડી હશે !
(જગદિશ આર. શાહ, રાજકોટ)

* સ્ત્રીના આંસુઓનો તમને કેવો અનુભવ થયો છે?
- હું તો તરત 'નિર્જીવદયા નેત્રપ્રભા'ની બાટલી લાવી આપું છું.
(નિરંજન વૈષ્ણવ, જુનાગઢ)

* રડતી સ્ત્રીઓ આંસુ લૂછવા માટે રૂમાલ નાનો કેમ રાખે છે?
- ટુવાલ તો બહુ મોટો પડે!
(પ્રબોધ જાની, વસઇ - ડાભલા)

* સ્ત્રીઓમાં તોતડાપણું કેમ નથી હોતું?
- તોતડાઓ બોલે ત્યારે એક-બબ્બે અક્ષરો કપાતા હોય છે..સ્ત્રીઓને એટલો લૉસ ના પોસાય!
(ધીમંત ભાવસાર, બડોલી)

* તમને પૂછતાં સવાલોનું સ્ટાન્ડર્ડ કેવું લાગે છે? કેટલાક તો ગતકડાં કાઢે છે...!
- ક્રિકેટમાં કહેવત છે, 'A captain is as good as his team...'!
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

* 'મુહબ્બત કી જૂઠી કહાની પે રોયે...' સુઉં કિયો છો?
- અમે તો સાચીમાં ય ભરાઇ ગયા છીએ, બોન...!
(જ્યોત્સના ગુલાબ હિંડોચા-રાણાવડવાળા)

* દાદુ, તમે ગરીબ બ્રાહ્મણ ખરા?
- ખાલી બ્રાહ્મણ કહો ને... એમાં બધું આવી જશે!
(દિપક આશરા, ગાંધીનગર)

* શું આજની સ્ત્રીઓ બહુ ભોળી હોય છે?
- કાલે ખબર
(શંકર પંચાલ, લુદરા- દિયોદર)

* આપના જેવા લેખકે ચૂંટણીમાં ઝંપલાવવું જ જોઇએ?
- ઓકે .... મતલબ કે, જામનગરમાં મારી છાપ બહુ સારી નથી...!
(અરવિંદ આર. પટેલ, જામનગર)

* ઇશ્વર મોદીને મૌન અને મનમોહનને વાણી આપી દે તો શું થાય?
- મોદીને મૌન રાખવું પડે, એટલું બોલતા સાંભળ્યા નથી ને મનમોહનને વાણી ....? લંગડો લાત મારે, એવી વાત ન કરો!

* વાઇફ વગરની લાઇફ નહિ...સુઉં કિયો છો?
- એ તો વાઇફનો જોઉં, પછી ખબર પડે!
(સતીષ એચ. મેહતા, મુંબઇ)

* ભગવાન કામ પતાવી આપે, પછી ભક્તો ભૂલી કેમ જાય છે?
- તે ક્યાં સુધી યાદ રાખે જવાનું હોય...? આપણે બીજો કોઇ કામધંધો હોય કે નહિ ?
(ફાલ્ગુન મહેરીયા, કઠલાલ)

* શું ભાજપ અને કોંગ્રેસ એક થઇ જાય તો દેશનું વધારે ભલું ન કરી શકે?
- એ બન્નેમાં તમને આટલું સારૂં તત્વ ક્યું દેખાયું?
(હરિભાઇ ભીમાણી, ગોંડલ)

* સાચી ફીલિંગ્સ ગુજરાતી ગાળો બોલવામાં આવે છે, છતાં લોકો ઇંગ્લિશ ગાળો કેમ બોલે છે?
- ગાળો તો મૂંગી ય બોલાય ..... મૂંગો ગાળ દેતો હોય તો એના હાથ બાંધી રાખવા પડે!
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* લગ્ન વખતે તમે ઘોડે ચઢ્યા હતા કે ગાડીમાં બેઠા હતા?
-અમારા વખતમાં ટારઝન જેવી દોરડા-પધ્ધતિ હતી...લટકી લટકીને માંડવે પહોંચવાનું?

* WWF ચૅમ્પિયન ધી ગ્રેટ ખલી અને ડૉ. મનમોહન શું કદી ય કાંઇ બોલી શકશે ખરા?
- ખલી એક વાર બૉક્સિંગ રીન્કમાં બોલ્યો હતો, ''વોય માડી રે...મરી ગયો!'' મનુભ'ઇને યાદ કરીને દેશનો નાગરિક આવુ બોલે છે!
(ધર્મેશ ગોસ્વામી, આમોદ-જૂનાગઢ)

* રાહુલ ગાંધી વિશે કહેશો?
- બાળકોને લગતા સવાલો અમારી 'ઝગમગ' પૂર્તિમાં પૂછવા.
(શ્વેતા રાહુલ પટેલ, સુરત)

No comments: