Search This Blog

06/05/2012

ઍનકાઉન્ટર : 06-05-2012

* વસ્તી વધારા સિવાય દેશે કોઈ પ્રગતિ કરી હોય તો કહો...
- અમે કમ-સે-કમ વસ્તી વધારો રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ... રાહુલ બાબાને હજી ક્યાં ઘોડે ચઢાવ્યા છે!
(હિરેન વ્યાસ, ઘોઘા- ભાવનગર) 

* શાંતિનો પ્રચાર કરનારા દેશો અબજો રૂપિયાના શસ્ત્રો ખરીદે છે... કારણ ?
- સૃષ્ટિની ઉત્પતિથી આજ સુધીના તમામ યુદ્ધો કે રસ્તાઓ ઉપરની મારામારીઓ માત્ર શાંતિ સ્થાપવા માટે થઈ છે... જય અંબે !
(કિશોર વ્યાસ, ઘોઘા- ભાવનગર) 

* ગુન્હેગારોને પકડવા માટે કૂતરાઓ ખૂબ સફળ થયા છે. શું વૉચમેનોને બદલે કૂતરાં ન રાખી શકાય ?
- એ પહેલાં કૂતરાઓને ખાખી બીડી અને દેસીના ડૉઝ મરાવતા શીખવવું પડે.
(મનિષા એન. ઠક્કર, મુંબઈ) 

* હવે પછીના વડાપ્રધાન કોણ હશે ? અડવાણી કે રાહુલ ગાંધી ?
- તમારું સર્કલ વધારો, ભાઈ.
(યોગેશ કૃ. દલાલ, સુરત) 

* ખાદી અને ખાખીના ત્રાસમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે ?
- સાવ એવું ન કરો... એટલું તો એ બન્નેને પહેરવું પડે.
(તારાગૌરી કે. વ્યાસ, ઘોઘા- ભાવનગર) 

* કહે છે કે, તમે કોકનું સારું કરો તો ઇશ્વર તમારું સારું કરે છે ને કોઈના પૈસા બેઇમાનીથી ખાઈ જાઓ તો ઇશ્વર તમને સજા કરે છે. સાચું છે ?
- મારે તો ઇશ્વર સાથે જ પ્રોબ્લેમ થઈ ગયો છે. એણે મારું ઘણું સારું કર્યું છે, પણ મેં એને બહુ હેરાન કર્યો છે. જો કે, અમારા જૂના હિસાબના હજી મારે એની પાસેથી રૂા. ૧૨.૫૦ લેવાના બાકી નીકળે છે, એ મને પાછા મળ્યા નથી... આપણને એમ કે, કોણ ગામમાં કહે કહે કરે... ! આ તો એક વાત થાય છે.
(હેમા શિરીષ ભાનુશાળી, મુંબઈ) 

* ભગવાનની મૂર્તિ પરથી ચોરો ઘરેણાં ચોરી જાય છે, તો ભગવાન પોતે સમર્થ નથી એમને રોકવા માટે ?
- આપણે સ્વયં ઇશ્વરસ્વરૂપ છીએ. સરકાર આપણે પહેરેલા ફક્ત ઘરેણાં જ નહિ, કપડા ય ઉતારીને લઈ જાય છે... કાંઈ કરી શકીએ ?
(એમ. ડી. સવજીયાણી, રાજકોટ) 

* આપ વડાપ્રધાનપદની લાઇનમાં છો ?
- કંઈક મર્દાનગીનું કામ મને સોપો, ઇ !
(ડૉ. મનહર જે. વૈષ્ણવ, અમદાવાદ) 

* અવારનવાર બધાને પંખો ચાલુ કરવાનું કહો છો, એના કરતા પહેલેથી જ તમે પંખો ચાલુ કરીને બેસતા હો તો ?
- આ કેસમાં ભઈ... કોઈ એ.સી. ચાલુ કરો !
(જગદીશ રાવલ, રાજુલા) 

* પ્રેમના પથમાં તાજામાજા રહેવા કયું ટોનિક લેવું ?
- કોઈ સારા ડૉક્ટરને બતાવવું જોઈએ... મને નહિ !
(સુમન વડુકૂળ, રાજકોટ) 

* તમારી આ કોલમનો વારસદાર કોણ ?
- સોનાનો કોઈ વિકલ્પ હોય... ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા) 

* કડવો માણસ મીઠો ક્યારે લાગે ?
- નાહીને આવે ત્યારે.
(ખુશ્બુ વી. નડિયાદ) 

* સાળી અડધી હોય, ઘરવાળી પૂરી હોય તો સાસુજી ?
- દોઢી.
(હુસેન હુઝેફા મર્ચન્ટ, નાસિક) 

* અદાલતોમાં ગીતા- કુરાન- જેવા પવિત્ર ગ્રંથો ઉપર હાથ મુકાવીને સોગંધ લેવડાવવામાં આવે છે. સોગંધ લીધા પછી આરોપી ખોટું પણ બોલતા હોય છે તો શું આવા પવિત્ર ગ્રંથોનો આવો ઉપયોગ અટકાવવો ન જોઈએ ?
- હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું. ધર્મને નામે વાતવાતમાં લાગણી દુભાવવાનું નાટક કરનારાઓ આ મામલે ચૂપ કેમ છે, તે સમજાતું નથી.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

* તીર્થયાત્રા કરવાની ઉંમરે અડવાણી રથયાત્રા કેમ કાઢે છે ?
- તમે ય શું આવા માણસોને હજી આટલું મહત્ત્વ આપો છો ? ખુદ ભાજપમાં ય ડોહાનો કોઈ ભાવ પૂછતું નથી.
(નૈષધ દેરાશ્રી, જામનગર) 

* આઝાદી વખતે ભારતમાં ફક્ત ૧૪ રાજ્યો હતા આજે ડબલ થઈ ગયા છે. અલગ રાજ્યોની માંગણી દેશને ક્યાં લઈ જશે ?
- એક્સક્યૂઝ મી... પહેલા મારા નારણપુરાના અલગ રાજ્યની માંગણી સ્વીકારાઈ જાય પછી વાત...!
(શ્રીમતી સાધના પી. નાણાંવટી, જામનગર) 

* અન્ના હજારેની ટોપી વિશે શું માનો છો ?
- ભારતની સવા સો કરોડ પ્રજાને મુરખ બનાવી ચૂકેલા આ માણસ જેટલો વિશ્વાસઘાત તો કોંગ્રેસના નેતાઓએ ય નથી કર્યો.
(જગદીશ ઠાકર, મુંબઈ) 

* મર્યા પછી જ માણસના વખાણ કેમ થાય છે ?
- તમે ય ક્યાં મારા એકે ય વખત કર્યા... ?
(મણિબેન પટેલ, ઊંટડી- વલસાડ) 

* પતિ- પત્નીને સેકન્ડ હનીમૂન માટે જવાનો શ્રેષ્ઠ સમય કયો ?
- તમે કોક સ્ટુપિડ ગોરધનની વાત કરતા લાગો છો... નહિ ?
(મઘુકર પી. માંકડ, જામનગર) 

* જીંદગીનો સાચો અર્થ શું ?
- રોજ સવારે તમારી જાતે બ્રશ કરી શકો, ત્યાં સુધી અર્થ-ફર્થ જાણવાની જરૂર રહેતી નથી.
(ઉષા જગદીશ સોતા, મુંબઈ) 

* હમણાં તમારા વિશે કાંઈક સાંભળ્યું કે, તમે કોઈ પણ દુશ્મનને સાંજ સુધી માફ કરી શકો છો, ને સામેથી બોલાવી શકો છો.. સાચું ?
- એમના કોઈ એક અવગુણ માટે એમના પાંચ હજાર ગુણો હું ભૂલી શકતો નથી... ! બ્રાહ્મણ છું કમ-સે-કમ મારા ઉપર કરેલા ઉપકારો તો કદી ય ન ભૂલું. દોસ્તોની સ્મૃતિ ઓછી હોય છે.
(નિમીષા ફોજદાર, અમદાવાદ) 

* વાંઢો અને ગોર મહારાજ રસ્તે ભેગા મળે તો શું વિચારતા હશે ?
- બીજાનું જોઈને આપણે રાજી રહેવાનું.
(સુબોધ નાણાંવટી, રાજકોટ) 

* પ્રેમીઓ હવે પ્રેમિકા માટે તાજમહાલ બંધાવતા કેમ બંધ થઈ ગયા ?
- એને માટે તાજમહાલ બંધાવવા કરતા ટીફીન બંધાવવું સસ્તું પડે.
(સંજય આર. જાદવ, ટુવડ- સમી, પાટણ) 

* રાજકારણને લગતા વિષયો પર આપ લખતા નથી, એમાં ડર લાગે છે કે સંબંધો આડા આવે છે ?
- એક નાગાને વઘુ એક ઇંચ પણ નાગો કરી શકાતો નથી... મારે મેહનત શું કરવાની ?
(કૃષ્ણકાંત ટી. બુચ, મુંબઈ)

No comments: