Search This Blog

18/05/2012

દુનિયા ના માને (’૩૭)

જેમાં શાંતા આપ્ટેએ બ્રિટિશ ઉચ્ચારોમાં ઇંગ્લિશ ગીત ગાયું હતું.

ફિલ્મ : દુનિયા ના માને (૩૭)
નિર્માતા : પ્રભાત ફિલ્મ કંપની, પૂણે
નિર્દેશક : વ્હી. શાંતારામ
સંગીત : કેશવરાવ ભોલે
ગીતકાર : મુન્શી અઝીઝ
રનિંગ ટાઈમ : ૧૫૪-મીનીટ
થીયેટર : કોઈને ખબર હોય તો કહેજો.
કલાકારો : શાંતા આપ્ટે, કે.દાતે, શકુંતલા પ્રાંજપે, વાસન્તી, વિમલાબાઈ વશિષ્ટ, ગૌરી, રાજા નેને, છોટુ, કર્મરકર

ગીતો:
૧. એક થા રાજા, એક થી રાની, દોનોં પર છાઈ થી જવાની  શાંતા આપ્ટે
૨. સમઝા ક્યા હૈ દુનિયાદાના, યહાં પે આ કે હર એક અપની  શાંતા આપ્ટે
૩. સેજ સુખ કી હૈ, ખુશી કી રાત હૈ 
૪. ક્યું દુઃખ મૈં સમય સબ ખોતા હૈ, જીને સે હાથ ક્યું ધોતા હૈ 
૫. ભારત શોભા મેં હૈં સબ સે આલા, હર મહિને મેં રંગ નિરાલા વાસન્તી
૬. જય અંબે ગૌરી મૈયા, જય મંગલમૂર્તિ મૈયા  શાંતા આપ્ટે
૭. મન સાફ હૈ તેરા યા નહિ, પૂછ લે જી સે, ફિર જો કુછ ભી પરશુરામ
૮. સાવન ઝૂલા ઝૂલ કે નીકલા, ભાદોં કી આઈ બહાર વાસન્તી-શાંતા આપ્ટે
૯. In the world's broadfield of battle longfellow  
૧૦. જો બાગ હૈ ઉજડે ગરમી મેં, જાડોં મેં ફૂલતા ફલતા હૈ
૧૧. અહા ભારત પિયારા હૈ, વો જગ સે નિયારા હૈ વાસન્તી
૧૨. મોરે રામા રે મોરી નૈયા –  શાંતા આપ્ટે

ફિલ્મ ઇન્ડિયા નામની આ કોલમમાં સુંદર, અતિ સુંદર કે ભંગાર અને બહુ ભંગાર ફિલ્મો વિશે પણ લખવામાં આવે છે, જેથી ફરી ડીવીડી મંગાવીને જોવામાં વાચકોના ત્રણ કલાક ન બગડે. (આ કોલમ વાંચીને બગડે, એ જુદી વાત છે !) કેટલી બધી ફિલ્મોના આપણે ચીંથરા ઉતારી નાંખ્યા છે, પણ વ્હી શાંતારામની ઠેઠ ૧૯૩૭-માં ઉતરેલી ફિલ્મ દુનિયા ના માને હું આપ સહુને જોવાનો આગ્રહ નહિ, જીદ કરું છું. શાંતા આપ્ટે જેવી એ જમાનાની બેનમૂન ગાયિકા આ ફિલ્મની હીરોઈન છે અને સંઘ્યા-મહિપાલવાળી ફિલ્મ નવરંગમાં મહિપાલના પ્રેમાળ પણ ભારે ગુસ્સાવાળા પિતાનો રોલ કરતા અપ્રતિમ કલાકાર કે.દાતે આ ફિલ્મના એન્ટી હીરો છે. બેશક, આ ફિલ્મ જોઈને વ્હી. શાંતારામ માટે ગૌરવથી મસ્તક ઊંચું થઈ જાય કે, આજથી ૭૫ વર્ષો પહેલાં પણ આ માણસ કેટલું સર્જનાત્મક વિચારી શકતો હતો, કેવો હિંમતબાજ હતો ને કેવો પરફેક્ટ ટેકનિશીયન હતો ! ગમે ત્યાંથી તો કદાચ આ ફિલ્મની ડીવીડી નહિ મળે, પણ કોકની પાસે દોડાદોડી કરાવીને પણ ડીવીડી મંગાવી લો અને આવી સર્વાંગ સુંદર ફિલ્મ જુઓ જ !

સર્વાંગ સુંદર... ?’ જરા ઓવરસ્ટેટમેન્ટ નથી લાગતું ? Oh Yes...! બહુ જવાબદારીપૂર્વક આ ફિલ્મને સર્વાંગસુંદર કીધી છે. ફિલ્મ ઠેઠ ૧૯૩૭ના ભારતીય સમાજના પરિપ્રેક્ષ્યમાં જ નહિ, આજના સંદર્ભમાં પણ તદ્દન નવી લાગે. માત્ર વાર્તા જ નહિ, ટેકનિકની દ્રષ્ટિએ પણ. ૩૦ કે ૪૦ ના દસકાઓની કોઈ ફિલ્મ જોયેલી યાદ હોય તો બધી રીતે બહુ નબળી ફિલ્મો બનતી હતી. અપવાદો તો હોય ! પણ સંવાદો બોલવાની ઢબ, કેમેરા-વર્ક, ટેકનિક, અભિનય (આટલા મહાન ગાયક કે.એલ.સાયગલ પણ એક અભિનેતા તરીકે મોટું મીંડું હતા.... કંઠમાં ભાવ આવે, ચહેરા પર કદી ય નહિ, ઇવન, ભારત ભૂષણ કરતા પણ વધારે નબળા એક્ટર !) કે બસ... ફક્ત બે જ ચીજો એ જમાનાની ફિલ્મો માટે પ્રેક્ષણીય હતી. એક તો વાર્તા, જે એ સમયના તકાજામાં નવીન અને અનોખી લાગી શકતી અને બીજું સંગીત. અલબત્ત, બધી ફિલ્મોનું નહિ... કવચિત જ કોક ફિલ્મના ગીતો સારા નીકળે. 

જ્યારે શાંતારામની આ ફિલ્મ દુનિયા ન માનેમાં બઘું જ સંપૂર્ણ નીકળ્યું.... શતપ્રતિશત સામાજીક જ ફિલ્મ હોવા છતાં થ્રિલર હોય, એટલી જકડી રાખે. આ જમાનાના તો કોઈએ શાંતા આપ્ટેનું નામે ય ન સાંભળ્યું હોય, પણ બહુ આદરપૂર્વક નામ લેવું પડે, એવી એ સન્નારી હતી, ફિલ્મ હીરોઈન હોવા છતાં એમને સન્નારી બહુ જવાબદારીપૂર્વક કીધા છે. પત્રકારત્વની સરળતાઓ માટે લેખોમાં સન્માન્નીય ફિલ્મી કલાકારો માટે તુંકારો વાપરવો પડે, એનો કોઈ બચાવ નથી. એ સમયના ભારતમાં સ્ત્રી હોવું, એ જ મોટો ગુન્હો હતો, ત્યાં પત્ની કે વહુ હોવા વચ્ચે સ્ત્રીની સ્વતંત્રતા વચમાં ક્યાંય આવતી નહોતી, ત્યારે શાંતારામે સ્ત્રી-જાગૃતિની આવી ફિલ્મ બનાવી અને તે પણ શાંતા આપ્ટે જેવી ફાયર બ્રાન્ડ હીરોઈનને લઈને...! માય માય.... ગ્રેટ... સિમ્પલી ગ્રેટ ! 

આ ફાયરબ્રાન્ડ એટલે શું ? આ તો બેન શર્મીલા ટાગોર સેન્સર બોર્ડના ચેરપર્સન બન્યા પછી હિંદી ફિલ્મોમાં ગંદી ગાળો અને બિભત્સ ચેનચાળાંઓ આવવા માંડ્યા, નહિ તો એ જમાનામાં ફિલ્મી પરદા પર હોઠ-ટુ-હોઠ ચુંબનો ય સ્વીકૃત હતા, છતાં શાંતા આપ્ટે એકમાત્ર એવી હીરોઈન હતી, જે કોઈ પુરૂષને સ્પર્શ પણ ન કરવા દે. વિધવા વિવાહ પુનઃલગ્નનો વિચાર તો રાજા રામમોહનરાય આપતા ગયા હતા, પણ વ્હી શાંતારામે સમાજના વિદ્રોહની પરવાહ કર્યા વિના આવો સબ્જેક્ટ લીધો, જે આજના સંદર્ભમાં પણ અગનજ્વાલાઓ પેટાવે એવો ગરમાગરમ છે. શાંતા આપ્ટે શિક્ષિત અને સંસ્કારી ખાનદાની છોકરી હતી, પણ તેનો ભાઈ (યાદ હોવા છતાં અત્યારે એનું નામ યાદ નથી આવતું..!) શાંતાનો બહુ વધારે પડતો અંગરક્ષક હતો અને શૂટિંગમાં પળેપળ સાથે રહેતો, એ જોવા કે કોઈ મારી બહેનને અડી તો જતું નથી ને ? કોકથી ભૂલ થઈ પણ જાય તો આ બાઉન્સર બધાની વચ્ચે પેલાને સખ્ત મારતો. સાયગલ જેવા હીરો પણ શાંતા સાથે કામ કરવા રાજી નહોતા. કોઈને અડવા જ નહિ દેવાની આ ભાઈ-બહેનની હઠને કારણે તત્સમયના એવી જ આગ ઓકતા મધર ઇન્ડિયાનાં ફિલ્મી સામયિકના તંત્રી બાબુરાવ પટેલે આ હઠની મજાક ઉડાવી, ત્યારે શાંતા આપ્ટે બાબુરાવની ઓફિસમાં જઈને એમને સોટી એ સોટીએ બેરહેમ ફટકાર્યા હતા... કદાચ આ ફટકારવાની પ્રેરણા આ જ ફિલ્મમાં તે પોતાનાથી મોટી ઉંમરના સાવકા પુત્ર જુગત (રાજા નેને)ને ફટકારે છે, તે પરથી મળી હશે. (આ રાજા નેને મરાઠી ફિલ્મોમાં તો બહુ મોટું નામ... રાજકપૂર-શકીલાની ફિલ્મ શ્રીમાન સત્યવાદીમાં તમે એને જોયો હશે !) અન્યાય સામે. સર ઉઠાવવાની એની પ્રકૃતિનો સ્વાદ ખુદ વ્હી. શાંતારામને ય ચાખવા મળી ગયો હતો. ૪૦-ની સાલમાં પેમેન્ટના પ્રશ્ને શાંતા આપ્ટે પ્રભાત સ્ટુડીયોના દરવાજે રીતસરના તંબુ તાણીને ભૂખ હડતાલ પર ઉતરી ગઈ હતી. ફક્ત ૪૭-વર્ષની કાચી ઉંમરે શાંતા ગુજરી ગઈ... બનતા સુધી ૬૪ની સાલમાં, તે પહેલા પોતાની આત્મકથા ય લખતી ગઈ હતી. આ ફિલ્મ દુનિયા ન માનેમાં ધી ગ્રેટ ઇંગ્લિશ કવિ લોંગફેલોની કવિતા બ્રિટિશ ઉચ્ચારોમાં બહુ સાહજીકતાથી ગાઈ છે. મુંબઈમાં આજે પણ શાંતા આપ્ટે માર્ગ છે. એની દીકરી નયના આપ્ટે મરાઠી જગતનું જાણીતું નામ છે.. ક્યા વિષયમાં, તેની માહિતી મારી પાસે નથી. શાંતાએ કરેલી મહત્વની ફિલ્મોમાં અમર જ્યોતિ ’(૩૬)’, ‘અમૃત મંથન’, ‘અપના ઘર ’(૪૨)’, ‘ઝમીનદાર ’(૪૨)’, ‘મુહબ્બત ’(૪૩)’, ‘પનિહારી ’(૪૭)’, મરાઠીના મહાન સાહિત્યકાર હાસ્યલેખક સ્વ. પુ.લ.દેશપાંડેની વાર્તા પરથી બનેલી ભાગ્યરેખા મુખ્ય છે. 

ફિલ્મ દુનિયા ન માનેમાં કેશવરાવ દાતે એન્ટી હીરો છે, પણ કેવા અપ્રતીમ કલાકાર હતા, તેની છાંટ તો તમે ફિલ્મ નવરંગ અને ઝનક ઝનક પાયલ બાજેમાં જોઈ હોય. વ્હીના એ ખૂબ લાડકા કલાકાર હોવાને નાતે એમની મોટા ભાગની ફિલ્મોમાં દાતે હોય જ. અભિનયનો આ માણસ બેતાજ બાદશાહ હતો. આ ફિલ્મમાં ક્યારેક તો એ શાંતાના વ્યક્તિત્વને પણ ખાઈ જાય છે. 

વ્હી. શાંતારામ પોતે સ્નાયુબદ્ધ અને સુદ્રઢ શરીર ધરાવે પણ ફિલ્મોમાં એ થોડા નહિ પણ ઘણા સ્ત્રૈણ્ય લાગતા હતા. સંવાદો બોલવામાં સ્ત્રૈણ્યપણું એ અન્ય હીરો પાસેથી પણ એક્સપેક્ટ કરતા હશે. યાદ હોય તો, ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેમાં મહાન નૃત્યવિદ ગોપીકૃષ્ણને એમણે હીરો તરીકે લીધો, પણ ચાલવામાં ગોપી સહેજ પણ ગોપા જેવો ન હતો અને પેલી કઈ કહે છે... હા, ‘બૈરાછાપ ચાલતો હતો, એટલે શાંતારામે આખી ફિલ્મમાં એને ચાલવા જ ન દીધો, ફક્ત નૃત્યો કરાવ્યા. એ અગાઉ મરાઠી ફિલ્મ સંત તુકારામમાં મહાન ગાયક વિષ્ણુપંત પગણીસને એમણે હીરો બનાવ્યા, ત્યારે ઉહાપોહ થયો હતો, કારણ કે પગણીસ પણ ખૂબ સ્ત્રૈણ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. ખુદ શાંતારામ પોતે હીરો હોય એવી ફિલ્મોમાં યાદ કરો તો આંખોની ભ્રમરો ઊંચીનીચી કરીને સંવાદો બોલવાની એમને હોબી હતી. ફિલ્મ ફર્ઝનો જીતેન્દ્ર અને ફિલ્મ ગીત ગાયા પથ્થરો નેના જીતેન્દ્રને સરખાવો, તો બન્ને ભાઈ-બહેન લાગે...! 

વ્હી. શાંતારામની હરએક ફિલ્મના ટાઈટલ્સ અનોખી રીતે બનાવાતા, જેમકે ફિલ્મ નવરંગમાં રંગીન બેડાંમાંથી રંગો ઢોળાઈને કલાકારોના નામો ઉપર પડે, એમ અહીં એ જમાનામાં અતિ દુર્લભ ગણાતા ગ્રામોફોનની રેકર્ડ સ્વરૂપે ફિલ્મના ટાઈટલ્સ પડે છે. જૂનાં ફિલ્મી ગીતોને વરેલી અમદાવાદની બેનમૂન ગ્રામોફોન ક્લબે તેના પ્રારંભના વર્ષમાં આવી જ રેકર્ડ મેમ્બરોને આમંત્રણરૂપે બહાર પાડી હતી, જેનો મૂળભૂત આઈડીયા શ્રીમતી ગીતા મહેશ શાહનો હતો. પ્રભાત અને પછીથી રાજકમલ કલામંદિરના બેનર હેઠળ હેતુલક્ષી ફિલ્મો બનાવનાર સર્જક વ્હી. શાંતારામ મૂળભૂત રીતે પ્રાંતવાદી વિચારધારાને વરેલા હતા. જ્યાં સુધી મરાઠી માણુસ મળી રહે, ત્યાં સુધી મહારાષ્ટ્ર બહારના કોઈ કલાકાર-કસબીની સેવાઓ લેતા નહિ. 

ફિલ્મના પ્રારંભે શાંતારામે નાના બાળકો પાસેથી ઘરગથ્થુ પડદાવાળું બાળનાટક સચોટતાથી ભજવ્યું છે. આજે પૂરા ૭૫-વર્ષ પછી મેં આ ફિલ્મ જોઈ, તો ય અચરજ પામી જવાય એમ છે કે, નાના ભૂલકાં પાસેથી શાંતારામે કેવા સંયમથી અદ્‌ભુત કામ લીઘું છે. શશી કપૂરે નાનપણમાં આ જ ફિલ્મ જોઈને પોતાના ઘરમાં એના દોસ્ત પ્રયાગરાજ સાથેય બિલ્વમંગલ નાટક ભજવ્યું હતું. રાજ કપૂરે શશીને એ જમાનામાં ય અપ્રાપ્ય ગણાતો નાનકડો મૂવી કેમેરા અપાવી દીધો હતો. મોટા થયા પછી પ્રયાગરાજ સાથે શશી કપૂરની દોસ્તી અકબંધ રહી હતી ને શશીની આ ગલે લગ જા જેવી અનેક ફિલ્મોની વાર્તા પ્રયાગે લખી હતી. 

વાર્તા : ચીકુનો થેલો બતાવીને બટાકા પધરાવી દેવાની જબરદસ્તી કાચી કૂમળી કુંવારીકાઓના સોતૈલા માં-બાપો પૈસાની લાલચો બેશરમ થઈને કરતા, એ મુજબ ફુલગુલાબી શિક્ષિત નવયૌવના શાંતા આપ્ટેને જોવા બાપ-દીકરો બન્ને સાથે આવે છે. દીકરો સુંદર અને શાંતાની ઉંમરનો ખરો, પણ છદ્મજાળ બિછાવીને શાંતા પાસે પિક્ચર એવું ઊભું કરવામાં આવ્યું કે, દીકરો જોઈને એ હા પાડી દે અને લગ્નમંડપમાં સીધો બુઢ્ઢો બાપ બેસી જાય. વિરોધની નોબત નથી આવવા દેવાઈ, કારણ કે ખુદ ઓરમાન મામો પરાણે હાથ ખેંચાવીને વરમાળા બુઢ્ઢાના ગળામાં પહેરાવવાની જબરદસ્તી કરે છે. ડઘાઈ ગયેલી શાંતા કાંઈ બોલી શકતી નથી. ઘરનો નાનો ટેણીયો બધો ભાંડો ફોડે છે, કે જવાન મરદ દિખાવા ગવા... ઔર સાદી બુઢ્ઢવા કે સાથ...! પણ શાંતા વિદ્રોહ કરે છે અને બુઢ્ઢા પતિ, હલકી કાકી-સાસુ તેમજ પૈસાની લાલચે દીકરીને આવા બુઢ્ઢા સાથે પરણાવી દેનાર પોતાના સગા મામા-મામીને પણ સીધા કરી નાંખે છે. 

૩૭-ની સાલનું ભારત કેવું હશે, એ નોસ્ટેલ્જીક માહિતીના શોખિનોને મજ્જા પડી જાય એવું, સ્વાભાવિક છે, આ યુગની ફિલ્મોમાં ખૂબ જોવા મળે. જુની પેઢીના વડીલોને તો હજી યાદ હશે, લગ્નપ્રસંગે ફોટોગ્રાફર ત્રણ પાયાના ટ્રાઈપ-ઓડ ઉપર બોક્સ કેમેરા ઉપર કાળું કપડું માથે ઢાંકીને ફોટોગ્રાફર પાછો બહાર નીકળીને લેન્સનું ઢાંકણું કાઢીને તરત પાછું મુકી દે, ત્યારે ફોટો પડતો. એક માત્ર બદલાઈ નથી ઘોડાગાડી. આજે ય ક્યાંક અમદાવાદ જેવા શહેરમાં ઘોડાગાડી દેખાય છે, ને ૩૭-ની સાલમાં દેખાતી હતી, એમાં ગાડી, ઘોડો કે ટાંગાવાળો... કોઈ બદલાયા નથી. એક માત્ર અમદાવાદમાં (છેલ્લે જ્યારે ઘોડાગાડીઓ હતી ત્યારે) કુતૂહલપૂર્વકની બોક્સ ડીઝાઈનવાળી ગાડી બનતી, જેમાં ચાર પેસેન્જરો બેસતા. ગાડી પાછળથી ખતરનાક ઢબે ઝૂકી ગયેલી હોવાથી ઉપર બેઠેલા બે નીચેવાળાની ઉપર વગર મહેનતે આવી જતા. ચશ્મા બધાને બન્ને આંખોના નહોતા, એટલે બંડી કે કોટના આગળના ખિસ્સામાં દોરીવાળો કાચ જરૂર પડે, આંખમાં ભરાવવો પડતો. કાને દાંડી ભરાવી શકાય એવા બન્ને આંખોના ચશ્મા હજી ભારતમાં મળતા નહોતા. એ ય નાકને સહારે લટકાવવા પડતા. સિગારેટો ફિલ્ટર વગરની તો હજી હમણાં બંધ થઈ. જેને રિસ્ટ-વોચ કહીએ છીએ, તે કાંડા-ઘડિયાળ હજી શોધાયા નહોતા અને કોટના અંદરના ખિસ્સામાં ચેઈનવાળી ગોલ ઘડિયાળ બહાર કાઢીને ટાઈમો જોવા પડતા. 

મુંબઈમાં રહેતા મારા ભાઈ હિમાંશુ દવેએ સરસ ઘ્યાન દોર્યું કે, ફિલ્મ બાવર્ચીમાં બડી બહુનો રોલ દુર્ગા ખોટેએ કર્યો હતો, ઉષા કિરણે નહિ. ઉષાના ઉમળકામાં આવી ભૂલ અમારાથી થઈ ગઈ હતી. પણ આ બતાવે છે કે, આ કોલમના વાચકો કેવા સતેજ છે અને મોટા ભાગનાઓ મારા જેટલા જાણકારો પણ હોય છે.

No comments: