Search This Blog

11/05/2012

અગડમ્ બગડમ્

તે દિવસે શરીરના ઘણા બધા વિસ્તારોમાં હૂલ્લડો ફાટી નીકળ્યા હતા. સવારના નાસ્તામાં તેલ ને ઢોકળાંનો બેફામ મારો ચલાવવાને કારણે, ભરચક પેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં કત્લે-આમ થઈ હતી. છાતી અને પેટ બન્ને અડીઅડીને રહેવા છતાં કદી એકબીજાના ગળે મળી શકતા નહતા. ગળુ દૂર અને બહુ ઉંચુ પડે. 

બન્ને કોમોને એકબીજાને ગળે પડવાની આદત પડી ગઈ હતી - ગલે મિલને કી નહિ. બાળકનું નાનપણમાં ગળું પડ્યું હોય, ત્યારે જ માંએ સાચવી લેવું જોઈએ પણ અફવાઓનું બજાર ગરમ હતું. છાતી અને પેટ વચ્ચે પહેલેથી કૌમી અદાવત. છાતી પોતાની છત્રીસની છાતી ઉપર મુસ્તાક અને નીચેવાળાને ત્યાં છત્રીસનું પેટ જોઈને મુસ્કુરાયે રાખે.

આખા બૉડીનો કન્ટ્રોલ રૂમ પાચનતંત્ર પાસે હતો. તોફાનોને ઊગતા જ ડામી દેવા માટે તાબડતોબ પોલીસ કૂમક મોકલવામાં આવી હતી. પણ પેટમાં ભારે બટાકાબાજી એટલે કે, પથ્થરબાજી થઈ હતી. લંચમાં દાબી દાબીને ખાધા પછી, બપોરે પાછા ચૂસોચૂસ તેલવાળા દાળવડા આડેધડ ઠોકાયા હતા. સાંજ સુધીમાં તો સ્થિતિ સ્ફોટક થઈ જતાં, પેટથી માંડીને ‘‘શહેરની બહાર જવાના માર્ગો’’ ઉપર ઢોંસા, પાણી-પૂરી અને છોલે-પુરીથી ધરતી લાલલાલ થઈ ગઈ હતી. બળતીતી પણ ખરી...! કહે છે કે, આ કોમી તોફાનો માટે જમણા હાથનો હાથ હતો, તો કેટલાક છાનેખૂણે આમાં ડાબા હાથનો હાથ હોવાનું માનતા હતા. નાસ્તા-પાણીના નામે બન્ને હાથોએ ખુલ્લા હાથે મોંઢાને અઢળક માલ સપ્લાય કર્યો હતો. એમાં ય, પેટ ભરાઈ ગયા પછી, ગુટખા અને માવા- મસાલા જેવા ગેરકાયદેસર જીવલેણ શસ્ત્રોનો જથ્થો પણ ઉન્હી હાથોએ જ પહોંચાડ્યો હતો...!

જોતી હતી બઘ્ઘું જ, પણ પોતાની નજર હેઠળ આ બઘું થવા છતાં, બન્ને આંખો ચૂપ હતી અને દર દસ મિનિટે પેટની ગરબડોના બ્રેકિંગ ન્યૂસપ્રસારિત કરીને પેટની આગમાં જુલાબ નાખવાનું કામ કરતી હતી. લૂઝ-મોશન્સ ઉપર જુલાબ તો ફોદા કાઢી નાંખે કે નહિ ? કાન તો કહે છે, પહેલેથી જ કાચા હતા. પેટની ધડબડાટી એને ઠેઠ ઉપર સુધી સંભળાતી હોવા છતાં, ‘હવે પરિસ્થિતિ કાબૂ બહાર છેએવી ચીમકીઓ કાને સાંભળી નહિ. ઉપરથી સમગ્ર ઘટનામાં ડાબા પગનો કે જમણા પગનો હાથ હોવાની જાહેરાતો કરીને બન્ને કાનોએ સદરહૂ ઘટનાને રાજકીય રંગ આપવાની કોશિષો કરી હતી.

બન્ને પગ પણ શરીરના અત્યંત સંવેદનશીલ વિસ્તારની નજીક હોવાને કારણે, આ તોફાનોને લીલો અને કેસરી રંગ ચોપડી દેવાયો હતો. કેટલાક આયુર્વેદિક ભાંગફોડિયા તત્ત્વોએ તો એવો આરોપ મૂક્યો હતો કે, પેટમાં સુદર્શનની ફાકી ભરેલા જીવતા હૅન્ડ-ગ્રેનેડ્સ ફોડવામાં આવ્યા હતા, જેને પરિણામે ધડબડાટી બોલી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં જાહેર શૌચાલયોને આગ ચાંપવાના ક્રૂર બનાવો બન્યા હતા. આ સ્થળો ઉપર મુસાફરોના બેકાબુ રશને કારણે, લોકો પોતાના પેટ અને મગજ ઉપર કાબૂ રાખી શક્યા નહોતા. ઝનૂની ટોળાઓએ મહીં શાંતિથી બેઠેલાઓને ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા અને ઉપરથી દેવાડી હતી. અંગત માલિકીના એટલે કે ઘરની અંદરના ટોઇલેટો સિંહની ગુફાની વાર્તા જેવા થઈ ગયા હતા કે, પરિવારના સભ્યો અંદર જતા દેખાયા હતા, પણ પેટમાં મામલો જોરજબરજસ્તીનો હોવાથી ટોઇલેટની બહાર નીકળતા પગલા. જોવામાં આવતા નહોતા. બહાર બેઠા બેઠા બા ખીજાયા કરે, તો ય આમાં કોણ સાંભળે ?

ખાઉધરાઓએ એકબીજા ઉપર સામસામે દાળવડા ફેંક્યા હતા અને પડીકાં તો એવા ય આવતા હતા કે, એક કૌમે દાળવડાંના પ્રોફેશનલ કારિગરો બહારથી બોલાવ્યા હતા અને હુમલા સીધા પેટ ઉપર કરવામાં આવતા હતા. કહે છે કે, જેને બી આ દાળવડા ખવડાવી દેવામાં આવે, એને એ વખતે કાંઈ ખબર ન પડે, પણ અડધો કલાક પછી પેટમાં રીક્ષા અને બસો બાળવામાં આવતી હોય, એવી બળતરાઓ થાય. એ શખ્સ હોય કે ઇસમ, ટોઇલેટમાં જઈને ઉંધે કાંધ પડે પણ બહાર નીકળી ન શકે. પેટની માફક મોઢું ય ચીમળાઈ ગયું હોય. હોમિયોપેથી તો કહે છે કે આવી હાલતમાં મહી પૂરાયેલો દર્દી હવે પછી કદી બહાર જ નીકળી નહિ શકે,’ એવો ફફડી ગયો હોય છે. એના હાથ-પગ અવરજવરમાં એટલા બધા વપરાયા હોય છે કે, એમાં કોઈ શક્તિ રહેતી નથી અને લકવો મારી ગયો હોય એમ બેસી રહે છે.

પાચનતંત્રે લોહીને હુકમ કર્યો હતો કે, ‘નસ નસ વાટે શરીરની નાનામાં નાની ગલીઓમાં પહોંચીને શરીર કા ચપ્પા- ચપ્પા છાન મારો ઔર બાહર જાન કે સભી રાસ્તે બંદ કર દો...ત્યારે કોઈકે સૂચન કર્યું કે, ચપ્પા- ચપ્પા ભલે છાન મારીએ પણ બહાર જવાના રસ્તાઓ પર નાકાબંદી કરી દેવાથી નાગરિકોના પેટ અને મોઢા તરડાઈ જશે... શહેરમાં વાયુવેગે અફવાઓ નહિ, ફક્ત વાયુ જ વાયુ ફેલાઈ જશે તો લોકો સહન નહિ કરી શકે.આ સૂચન પર ટીવી- ચર્ચા ગોઠવવામાં આવી, જેમાં જાવેદ અખ્તર, મહેશ ભટ્ટ, તિસ્તા સેતલવાડ અને શબાના આઝમી જેવા બારે માસ નવરા એવી લીવર, ફેફસા, આંતરડા, કીડની તેમજ નાના મગજે ભાગ લીધો હતો... રહસ્યમય રીતે હૃદયે આ ટીવી ચર્ચામાં ભાગ નહોતો લીધો. સાંભળ્યું છે કે, પેટના મામલાઓમાં માણસ હૃદયથી કામ નથી લેતો.

સંવેદનશીલ વિસ્તારોમાં પહેલી અસર પેટમાં થઈ હતી, જ્યાં એસિડીટી જેવી કોઈ છીનાળ બાઈ ફરી વળી હતી, પણ શરીર આખું કરફ્યુગ્રસ્ત હોવાના કારણે એસિડીટીની બળતરા ઠારવા ક્યાંય દૂધ પણ મળે એમ નહોતું. આડેધડ પથરાબાજીનો ભોગ કીડની પણ બની હતી, જેની પાસેથી સ્ટોન્સ એટલે કે પથરા મળી આવ્યા હતા. પોલીસે બહુ વિપુલ માત્રામાં ગેસ છોડ્યો હતો, જે આ વખતે કોઈ વિચિત્ર વાસ મારતો હોવાથી, તોફાનીઓમાં વધારે નાસભાગ થઈ હતી... કહે છે કે, આમાં આંખો ન બળે...! (સુઉં કિયો છો ?)

સાવચેતીના પગલારૂપે, કન્ટ્રોલરૂમે આખા શરીરમાં અનિશ્ચિત મુદતનો કરફ્યુ દાખલ કરી દીધો હતો, એટલે શરીરનું એકે ય અંગ ગાંઠીયા- પાપડી ખાવા ય બહાર નીકળી ન શકે. આમાં દાંત બહુ અકળાતા હતા. લોકો તો એવી વાતો ય કરતા હતા કે, અત્યંત વિસ્ફોટક એવા ફાફડા- જલેબીનો પહેલો જથ્થો ૩૨ બેશરમ દાંતોએ શરીરમાં ધૂસાડ્યો હતો. ‘‘આવવા દો... હજી આવવા દો...’’, એમ બાપાનો માલ હોય, એમ દાંતે પેટને વખાર બનાવી દીઘું હતું.

પોતાનું નામ ન આપવા માંગતા, નજરે જોનાર હોઠ જાતિના બે સાક્ષીઓના જણાવ્યા મુજબ, દાંતે બહુ સિફતપૂર્વક એકએક ફાફડું મહીં ઘાલ્યું હતું અને ચટણી તો એસિડ-બલ્બોમાં ભરી ભરીને પીવાઈ હતી, એનું પરિણામ આખું શરીર ભોગવી રહ્યું હતું. નાકને આ વાતની ગંધ આવી ગઈ હતી, પણ પોલીસના લફરામાં કોણ પડે, એ બીકે નાક જાહેરમાં ચૂપ રહ્યું હોવાનું મનાય છે. આમ તો જાહેરમાં કાંઈ બોલે નહિ, પણ મનમાં બધા સમજતા હતા કે, આ તોફાનો ઉપર રહીને જીભ કરાવે છે. એને બહુ ચટાકા છે, જીભડી શરીર-પ્રમુખ છે, તો દાંત બોખા હોવા છતાં જીભડી કહે એમ જ ખાય છે.

શરીરનો કેન્દ્રવર્તી વિસ્તાર હોવાને નાતે, પેટે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ, એવું એનો સતત ભાર ઉપાડતા બન્ને પગોએ આજે એક ભરચક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું. એ પોતાનો ઘેરાવો વધારતું જાય છે અને ભોગવવું આખા શરીરને પડે છે. આ ઘટના પછી સાવચેતીના પગલારૂપે રોજ કસરત કરવાની અને ઓછું ખાવાની સલાહ અપાઈ હતી પણ, પિત્ઝા અને બર્ગરના નવા હુમલા પછી આ સલાહને પણ તેલમાં તળીને ખાઈ જવામાં આવી છે.
(07 જુન 2010)

No comments: