Search This Blog

17/05/2012

કોઇ પથ્થર સે ન મારે મેરે દીવાને કો

વહેલી સવારે ટૅરેસ પરથી પગથીયા ઉતરતા, અડધી ઊંઘમાં, અધખૂલી આંખે મને દ્રષ્યો આખા નહોતા દેખાતા. છાતી પર ઓશિકું અને બ્લૅન્કેટ જકડીને ઘરના દરવાજાનો કૉલબૅલ માર્યો. આ વખતે કૉલબૅલ મારા જ ઘરનો વગાડ્યો. અંદર સૂતેલી સિંહણનો ય કોઇ ભરોસો નહિ. એ ઊંઘમાં હોય અને કૉલબેલ સાંભળે, એટલે કબાટ ખોલીને અધખૂલી આંખે પૂછશે, ‘‘આવી ગયા...?’’

દરવાજો ખૂલે ત્યાં સુધી હું ભીંતનો ટેકો દેવા ગયો.... ત્યાં ભીંત નહોતી ! બે-ત્રણ સૅકન્ડમાં તો મામલો જમીનદોસ્ત થઇ ગયો. (મામલો એટલે હું.) માથું સપાટ લાદી ઉપર થડ્ડઅવાજ સાથે ભટકાયું હતું. ખભાનું હાડકું રાજપુતોના જમાનામાં જે સ્થાને હતું, ત્યાંથી ઘણું નીચે ઉતરી ગયું હતું. હું હડબોટીયું ખાઇ ગયો અને ‘‘હેય... હેય’’ કરતો ઊંધે માથે પડ્યો.

પ્રવાસ તો પાંચ જ પગથીયાનો હતો. (‘...ચરણ લઇ દોડવા બેસવું તો વરસોના વરસ લાગે !’) પણ પડ્યા પછી મારા પગ ઊગમણી દિશામાં અને માથું લાદી પર હતું. ભીનો દેડકો ડૉલમાં પડ્યો હોય એવું લાગતું હતું. અલબત્ત, અગાઉ મારી જેમ અનેક રોમન કે રશિયન સમ્રાટોના પતન થયા છે, પણ એ લોકો હાથી-ઘોડા ઉપરથી પડ્યા હતા, ઘરના પગથીયેથી નહિ અને એમને પડવાનું એમના ફલૅટની ટૅરેસ ઉપર નહિ, યુદ્ધભૂમિમાં પડ્યા હતા, જ્યાં ફર્સ્ટ-ઍઈડની પણ સગવડ મળી રહે. મારા કૅસમાં તો હું એકલો યુદ્ધના મેદાનમાં ગયો હોઉં ને એકલો ખૂંપી ગયો હોઉં, એવી દાસ્તાન હતી. (આનો સારો અર્થ કેવો સરસ નીકળે ? કે મને દુશ્મનો હણી શકે એમ નથી... એ કામ હું મારી જાતે જ પતાવી શકું એમ છું !) ઈતિહાસ અને અર્વાચીન યુગ વચ્ચે એટલો ફેર તો રહેવાનો.

વળી મોગલ-સમ્રાટો ઘોડો વાપરતા, માટે હું પણ રાત્રે સુવા માટે ધાબા ઉપર ઘોડો લઇ જઉં, એ સારૂં ન લાગે. મોગલ સમાજમાં મારી વાતો થાય. નહિ તો પડવા-ગબડી પડવા માટે અમે ય શાન, સમ્રાટો જેવી ઊંચી રાખીએ છીએ. સમ્રાટ લોકો અડધી ઊંઘમાં યુદ્ધો લડ્યા હશે !.... અથવા મારી જેમ, ઘરથી કંટાળીને ખાસ રાત્રે સુવા માટે યુદ્ધના મેદાનોમાં જતા હશે... શાંતિથી સુવાય ને પવન કેવો ઠંડો આવે....? કેમ કોઇ બોલતું નથી ?) યુદ્ધના મેદાનમાં મને મોકલો, તમને મારા જેવો બહાદુર જોવા નહિ મળે, પણ આમ ચત્તાપાટ પડ્યા પછી હું બહાદુર રહેતો નથી. વાગે-બાગે તો ખરૂં ને ? વેદના પારાવાર થતી હોય. વળી હું ટૅરેસ પર કોઇ બહાદુરી બતાવવા જતો નથી, તેથી આજ પછી મારી સરખામણી રાજપૂત, મોગલ કે ભઠીયાર ગલીના પણ કોઇ યોદ્ધા સાથે ન કરવી જોઇએ. બૅઝિકલી, આવા પડવા-આથડવાના કૅસોમાં, હું બહુ ઢીલીયો-પોચીયો માણસ છું. સમાજ મારી પાસેથી મર્દાનગી અપેક્ષા ન રાખે. આખિર મૈં ભી એક ઇન્સાન હૂં. પડ્યા પછી મારાથી રડી પણ પડાય, બૂમો પણ પડાય અને ફરી વાર ઊંધે માથે લાદી ઉપર પણ પડાય.

પ્રભાત મંગળ હતું, પણ આજુબાજુનું ભારત હજી ઉઠ્યું નહોતું. સમાજને મારા પડવાની કોઇ ખબર ન પડી. મને અસહ્ય વેદના થતી હતી, પણ જે આકૃતિમાં હું પડ્યો હતો, તે બદલાય એવી મારામાં શક્તિ પણ નહોતી. ચાલાક-પડુઓ (પડુઓ એટલે પડનારાઓ) પડ્યા પછી મદદ માટે બૂમો પાડે છે, ત્યારે સમાજને આવી ઘટનાની જાણ થાય છે. પણ મારૂં જડબું આડું ખસી ગયું હોવાથી, બૂમ આડી ફંટાય અને મારા ફલૅટને બદલે બાજુવાળાના ફલૅટમાં સંભળાય તેનો કોઇ અર્થ નહોતો. વળી બૂમ સાંભળ્યા પછી આજુબાજુના ફલૅટોવાળા દોડી આવશે, એની કોઈ બાંહેધરી નહોતી. એ લોકોના જડબાં ખસી જાય છે, ત્યારે અમે ય નથી જતા. વ્યવહારમાં તો ભ, જેટલું થતું હોય એટલું થાય !

અચાનક મારૂં ઘ્યાન સામેના બંગલાની ટૅરેસ પર, બે આંખો બંધ કરીને પ્રણામની મુદ્રામાં મારી તરફ ઊભેલા પટેલ ઉપર ગયું. હું ચોંક્યો. હું ચત્તોપાટ પડ્યો છું, એમાં આ મને નમસ્કારો કરે છે ? આ લોકોમાં પડેલાઓને પ્રણામ કરવાનો રિવાજ છે ?? મને બહુ માઠું લાગ્યું. મને શી ખબર કે, એ સૂર્યનમસ્કાર કરતા હશે ?

પણ મારા પડ્યા પછી મને પ્રણામ કરવાની ઘટનામાત્રથી મને પોતાનું હસવું આવી ગયું. કેવી બેવકૂફીના આલમમાં હું પડ્યો હોઇશ અને જોવામાં અત્યારે કેવો હાસ્યાસ્પદ લાગતો હોઇશ ? એમાં ય શરીરના અઠ્યાવીશ અંગોમાંથી નીકળતા વેદનાના ચિત્કારો કેવું કરૂણ વાતાવરણ ઊભું કરતા હશે ? ઘડીભર તો મને થઇ ગયું કે, આ હું નથી પડ્યો... ગુજરાતનું હાસ્ય પડ્યું છે. પાછું મને જ એવું થાય કે, આ જરા ઑવર-સ્ટૅટમૅન્ટ કહેવાશે, એટલે હાલ પૂરતું ગુજરાતનું રહેવા દો, અમદાવાદના નારણપુરાનું હાસ્ય અહીં પડ્યું છે, એવું નિવેદન ચાલશે.

કોઇના પડવાથી આપણને હસવું આવે, એ નીતિશાસ્ત્રોમાં તો માન્ય પ્રતિભાવ નથી ગણાયો. મને પોતાને મારા પડવા પર હસવું આવે, એ માન્ય નથી. એક તો હું ઊંધે માથે પડ્યો હોઉં, દુઃખાવો સહન થતો ન હોય ને ઉપરથી, હું કે કોઇ હસી પડે, તો એમાં હસવા જેવું શું છે ? મને એ ક્ષણે પડી ગયેલા અશોક ઉપર ભારે દયા આવી અને હસી રહેલા અશોકડા ઉપર ભારે ગુસ્સો આવ્યો.

મનમાં બઘું સમજતા હોઇએ કે, આમાં ના હસાય... બા ખીજાય, છતાં આવી સિચ્યૂએશનોમાં હસવું આવી જાય છે, ખાસ કરીને સ્ત્રીઓને ! એમાં ય, ‘આમાં ન હસાયએવું માનનારા નૈતિક માણસો પણ હોય. એમણે સંયમપૂર્વક હસવું દાબી રાખ્યું હોય અને ફાટફાટ થતા હોઠ હમણાં છુટશે, એવું એમનું મોઢું જોઈને લાગે, એમાં આપણને વધારે હસવું આવે, પછી તો ફુવારા જ છુટે.

નૈતિકતા સુધીની બધી વાતો બરોબર છે, પણ તમે હસો નહિ તો કરો ય શું ? આમે ય નહિ હસવાથી પેલાનું દર્દ ઓછું નથી થવાનું અને હસો તો ફાયદો એ છે કે, તાજાં જ વાગવાનું દર્દ ભૂલીને તમારા ઉપર ગુસ્સો કરવાનું નવું છતાં ઓછું દર્દ એ ભોગવશે. આઇ મીન, એનું ઘ્યાન ફંટાશે.

મારા કૅસની જેમ જેમ સમાજના શ્રેષ્ઠીઓને ખબર પડવા માંડી, એ બધા હસતા-હસતા મારી ખબર કાઢવા આવતા. પતંગને કિન્યા બાંધી હોય એમ મારો ઢળેલો ખભો જોઈએ એ લોકો હસી પડતા. અત્યારે આ વાંચતી વખતે હે વાંચક... ક્ષણભર માટે તમારૂં જડબું નીચેથી જરા સાઇડમાં લઇ જુઓ... અને હવે કંઇક બોલી બતાવો. કેવું લાગે છે ? એવું હું બોલી શકતો હતો અને દર્દથી કરાહતો હતો, એમાં એ લોકોને હસવું આવતું. 

મને ગાળો લખતા નથી આવડતી, પણ બોલતા બહુ ફાઇન આવડે છે અને તે પણ મનમાં બોલવાની હોય તો કદી ય હૃસ્વ-દીર્ઘની એકપણ ભૂલ ન પડે. ફિલ્મ પડોસનમાં સાયરાબાનુને લાફો મારવા માટે સુનિલ દત્ત ઘેરથી જ લાફો ઉગામેલો રાખીને રસ્તા ઉપર નીકળી પડે છે એમ આ લોકો હૉસ્પિટલમાં લાંબા થઇને પડ્યા હોય અને હું પુષ્પગુચ્છ લઈને રોજ પચાસ હોસ્પિટલોમાં જતો હોઉં, એવા ઝનૂનો મને ઉપડ્યા.

આ લોકોને હસતા જોઇને હું બેફામ ગાળો મનમાં બોલતો. ‘‘આ સંસ્કાર છે આ લોકોના...? કોઇ પડ્યું હોય એમાં હસવાનું ? તમે પડ્યા ત્યારે અમે હસવા આવ્યા હતા ?’’

પણ ઘેર ખબર પૂછવા આવનારાઓ ભૂલ્યા વગર પોતાના પડવાની વાતો અને વાર્તાઓ અવશ્ય કરે, એમાં કૉમન એક વાત હતી. પોતાના પડવાની વાત કહેનારા પણ ખુલ્લેઆમ હસી પડતા. જાડા અને કાળા માણસો આ જ કારણે સુખી રહી શકે છે. કોઇ એમની જાડીયા/કાળીયા તરીકે મશ્કરી કરે, એમાં ખીજાય તો ઘંટડી ય વળવાની નથી. એનો આનંદ લે તો મજા એમને ય છે.

રાજ કપૂરે કીઘું હતું ને, ‘‘અપને પે હંસકર જગ કો હંસાયા...’’
મને પણ મારા પડવાનો આનંદ આવ્યો....!
(થૅન્ક્સ દવે સાહેબ.... ઇશ્વર તમને આવા આનંદો વારંવાર આપે...!)

No comments: