Search This Blog

12/05/2012

કાગળની હોડી

ઇંગ્લેન્ડ-અમેરિકામાં આપણી જેમ, એક ફોન કરો ને મિસ્ત્રી-પ્લમ્બર હાજર થઈ જાય, એવું ન હોય. આવે તો ય ચીરી નાંખે એટલી મજૂરી આપવી પડે. ત્યાં ઘર માંડો, એ પહેલા પ્લમ્બર-મિસ્ત્રી માંડવો પડે. ઘરના નાનામોટા કામો શીખી લેવા પડે. લાઈટનો ફ્યૂઝ બદલવો, વોશ-બેસિનનો નળ રીપેર કરવો કે વરસાદના ભેજમાં જામ થઈ ગયેલાં ટેબલનું ડ્રોઅર તોડ્યા વિના ખોલવું, બઘું શીખવું પડે.

ઈવન, સ્ત્રીઓને ય બઘું આવડતું હોય. ગાડીનું ટાયર જાતે બદલતી ધોળીઓને તમે ઘણી ઇંગ્લિશ ફિલ્મોમાં જોઈ હશે. કહે છે કે, ત્યાંની ધોળીઓ ગાડીના ટાયર કરતા ઘરનો ગોરધન બહુ ઝડપથી બદલી નાંખે છે. ઈન્ડિયામાં આપણાં એવા નસીબ નહિ. આપણી પાસે બદલવા જેવી વાઈફ તો પડી હોય, પણ એવું વધારાનું ટાયર ન પડ્યું હોય... આપણે ત્યાં તો જ્યારે જરૂરત હોય ત્યારે જ ચીજો હાથમાં ન આવે!

ઘરના નાનાનાના કામો કરતા બધા ગોરધનોને આવડવું જોઈએ, એવું મારા સિવાય ઘણાં ગોરધનોનું માનવું છે. વાઈફ બિચારી એકલી તે કાંઈ મરે? (ના મરે. જવાબ પૂરો) અલબત્ત, મારા ઉપર તો દુનિયાભરની કોઈ વાઈફ આક્ષેપ મૂકી શકે એમ નથી કે, ઘરકામમાં હું મદદ કરાવતો નથી. કોઈ બી ને બોલાવીને પૂછો, ‘‘અશોકજી માટે તમારો અનુભવ કેવો ?’’ હકી સિવાય કોઈ જવાબ નહિ આપી શકે. ફક્ત એને એકલીને જ મારી વાઈફ હોવાનો અનુભવ છે અને એ પણ સત્ય જ કહેશે અને સત્ય સિવાય બીજું કાંઈ નહિ કહે. ‘‘અમારા અસોકને કોઈ દિ કોઈ કામ નો શોંપાય... એક કામ-મારી હાળે લગન કરવાનું શોંયપુ તું, એમાં ય ધડા નો નીકર્યા. ઈ જી કામ હાથમાં લિયે, એમાં આપણા ફોદાં કાઢી નાંખે... !’’

હકી સાવ ખોટું કહે છે, એવું ય નથી. મને માળીયા ઉપર ચઢતા સરસ આવડે છે. (માળીયું એટલે A Loft અથવા An attic) આમાં જમીન પર એક ટેબલ ઉપર બીજું ટેબલ મૂકવાનું હોય છે. બન્ને ટેબલોને હલાવી જોવાના કે, પડે એવા નથી ને ? આ શરૂઆત અઘરી છે. પહેલું પકડી રાખીને, બીજા ટેબલ ઉપર ચઢી ગયા બાદ જમણો પગ ભીંતના કોઈ ગોખલામાં ભરાવવાનો, ડાબો ક્યાં ભરાવવાનો તેનો મને બહુ આઈડીયા નથી, પણ બરોબર એ જ ક્ષણે તમારા બન્ને હાથ આજુબાજુની ભીંતો ઉપર સજ્જડબંબ ચોંટેલા હોવા જોઈએ. છેલ્લા તબક્કામાં, માળીયાની ધાર બન્ને હાથે પકડીને, આખા શરીરનો ઝટકો ઉપરની તરફ મારવો અને જમણો પગ ધાર પર ચીપકાવી દેવાનો. પછી તો બહુ ઈઝી છે. આમ કરવાથી તમારૂં બોડી માળીયાની ધાર પર આડું પડ્યું હશે, એ વખતે હાશબોલીને અંદરની તરફ આખા બોડીનું ચકરડું ધૂમાવવાનું... આ તરફ નહિ આવવાનું... ! જો કે, આવું બઘું કર્યા વગર માળીયાની સીડી ચઢીને ઉપર જતા રહેવું સારૂં... !

એટલે મેં ના કીઘું, મને માળીયે ચઢતા સરસ આવડે છે.

મને પાછું એનું અભિમાને ય નહિ, પણ હજી ત્યાંથી ઉતરતા બહુ ફાવતું નથી. ઈવન નિસરણી મૂકી હોય તો ય બીક લાગે... ! એક-બે વાર નહોતી મૂકી. હકીને એમ કે હું ઉતરી ગયો છું અને મને ય એમ કે, મારા ઉતર્યા પહેલા તો એણે નિસરણી શું કામ લઈ લીધી હોય?... લઈ લીધી હતી. જીવનમાં વગર નિસરણીએ નીચે આવવું બહુ વેદનાભર્યું હોય છે... કહે છે કે, ઉપર તો વગર નિસરણીએ જ જવાનું છે... ! હકી સાવ સાચું કહે છે, એવું ય નથી. મને કાગળની હોડી બનાવતા મસ્ત આવડે છે. ઘણી વાર તો પાણીમાં તરે એવી હોડી પણ મેં બનાવી છે. ઘણાનું માનવું છે કે, કાગળની હોડી બનાવવામાં બુદ્ધિ વાપરવી પડતી નથી, પણ મને તો દોઢ મહિનાના સાવ ટૂંકા ગાળામાં જ હોડી બનાવતા આવડી ગઈ હતી.

ફાટેલા પાનાવાળું પુસ્તક સાંધતા ય મને આવડે. એને માટે મને યાદ છે, મેં અનેક નવા પુસ્તકો પહેલા ફાડ્યા હતા અને પછી સાંઘ્યા હતા. ક્રાંતિ હંમેશા ભોગ તો માંગે! જો કે, હકી તો એમાં ય ખીજાણી હતી, ‘‘અસોક... આ શીખવા હાટુ તમે નવી ચોપડીયું ફાડો, ઈ હઈમજ્યા... પણ અસોક... આ તો આપણી બેન્કની ચેકબૂક છે... આને નો ફડાય... !’’ એક વખત તો મને યાદ છે... સન સિત્તોતેરમાં.... ગેસ ઉપરથી ગરમ દૂધની તપેલી મેં જાતે ઉતારી હતી. દૂધનો ઊભરો આવ્યો તે વખતે મને સાણસી પકડતા નહોતી ફાવતી. અને હું એવો બાઘો ય નહિ કે, સાણસી ન હોય તો ગરમ તપેલી હાથે પકડીને ઉતારી લેવી. જીવનમાં ખોટા રિસ્કો લેવાના જ નહિ.

હજી અમારામાં આજે પણ એવું ખરૂં કે, પરિવારના મોટા મોટા પ્રશ્નો અને કોઈ મોટી સમસ્યા આવી પડી હોય તો હકીની સલાહ લેવી. બઘું હું જ કરૂં - હું જ કરૂં, એવો ઈગો નહિ મારામાં. મને સાણસી પકડતા ફાવતી નહોતી, તે મેં કુ... હકીને ફાવતી હશે. સીધો હકીના રૂમમાં ગયો અને પૂછ્યું, ‘‘આ સાણસી કેમ પકડાય ?’’ અનારકલીની સલાહ લેવા ખુદ જીલ્લે-ઈલાહી શહેનશાહ અકબર રાજપાટ છોડીને આવ્યા હોય તો અનુડીનો ઈગો કેવો સેટીસફાય થાય? એવો હકીનો થયો. એ મૂડમાં આવી ગઈ. લાઈફટાઈમમાં પહેલી વખત કોઈ એની સલાહ લેવા આવ્યું હતું એટલે પૂરા ઉત્સાહમાં આવી જઈને મને ડીટેઈલમાં સાણસી પકડતા શીખવ્યું. એ તો સાણસી પકડવાની કળાવિશે કોઈ સચિત્ર પુસ્તિકા ખરીદી લાવી હતી, ને મને બતાવવા જતી હતી પણ મારો સ્વભાવ કે, બઘું એક જ દિવસે શીખી ન લેવું.

વાચકમિત્રોમાંથી કોઈકે સાણસી પકડી હોય તો ખ્યાલ હશે કે, એના બે છેડા આપણા આંગળામાં ભરાવવાના હોય છે - એનું મોંઢું નહિ. મોંઢા ઉપરે ય બે વળેલા છેડા હોય છે. એ આપણે નહિ પકડવાના. એ તપેલી પકડવાના છેડા કહેવાય. અહીં કૌશલ્ય એ વાતનું છે કે, આંગળા ભરાવ્યા પછી સાણસીના બન્ને છેડા પહોળા કરીને તપેલીની ધાર ઉપર એ જ છેડા દબાવી દેવાના. તો તપેલી પકડાય. એ તો પછીથી ખબર પડી કે, સાણસીની જરૂરત તો તપેલી ગરમ હોય ત્યારે જ પડે. ઠંડી તપેલીને તો હાથથી ય પકડી શકાય. દૂધ તો બળી ગયું હતું... આપણે ત્યાં ગુજરાતી ગોરધનો ઘરકામમાં વાઈફોને મદદ કરવામાં બહુ નામ કમાયા નથી-સિવાય કે ચોક્કસ જ્ઞાતિઓમાં વાઈફોને ટાઈમ મળે તો ક્યારેક ક્યારેક ગોરધનને હેલ્પ કરે છે.

પણ અહીં વાત એકબીજાને મદદ કરવાની નથી. ઘરના નાનાનાના કામો આપણને આવડે છે કે નહિ, તે વિશેની છે. હાલત એવી છે કે, હજાર-બે હજારનું કામ હોય તો ઈલેક્ટ્રિશિયન આવે, પ્લમ્બર આવે, મિસ્ત્રી આવે પણ સાવ નાના અમથા કામમાં હજાર-બે હજાર આપીએ ય શેના ? દાવો એમનો ય સાચો છે કે, ફક્ત ફ્યુઝ બદલવાનો હોય એમાં આઠ-દસ રૂપિયાની મજૂરી મળે, એ એને પણ પોસાય નહિ. ચોખ્ખો મતલબ એ થયો કે, આ બધા સો-કોલ્ડ નાના કામો જાતે શીખવા જ પડે. આ બાબતે હું ઘણો સ્વાવલંબી છું. મને મારી હજામત કરતા પણ ફાઈન આવડે છે. બીજાની કરી આપવા ઉપર હજી જોઈએ એવો હાથ નથી બેઠો એટલે હાલમાં બહારના ઓર્ડરો ઉપર પૂરતું ઘ્યાન આપી શકાય એમ નથી. શીખવા માટે મોટું મન રાખે એવા માથાઓની તલાશમાં છું. મોટું મન એટલા માટે રાખવું પડે એમ છે કે, હું હજી તાલીમાવસ્થામાં છું. ચેહરા ઉપર ભીષણ તો નહિ પણ સામાન્ય રક્તપાત થાય કે કપાળ ઉપરના જ વાળના લચકા મારાથી ઊડી જાય તો મને માફ કરી દેવો પડે, કારણ કે એ વખતે હું નથી જાણતો કે હું શું કરી રહ્યો છું... !

હકી પાસે એની યુવાન ભત્રીજી બુડીઆંખો ઉપરની ભ્રમર (આઈ-બ્રો) સેટ કરાવવા આવી હતી. બે-ત્રણ દિવસ પછી એની સગાઈ હતી. એને ખબર નહિ કે, માસી તો હજી શીખે છે. આ બાજુ હકીને ય શીખવા માટે થોડા માથાઓની જરૂર હતી જ. અને પુરાણોમાં તો કીઘું ય છે ને કે,  Charity begins at home. બુડી ઘરની જ છોકરી હતી. હકીએ ભૂલમાં બુડીની પહેલી આંખ ઉપરની ભ્રમરનું અડઘું છડદું ઉડાડી માર્યું અને બીજી ભ્રમરને બેલેન્સ કરવા ઘણી સાવચેતીથી નકશીકામ કરવામાં આવ્યું, એમાં જો કે આખો નકશો જ ઊડી ગયો. બુડીના સુંદર ચેહરા ઉપર એ પછી ભ્રમર અને મનની શાંતિ-બેમાંથી એકે ય કદી જોવા ન મળ્યા.

અમારા દાખલા ઉપરથી વાચકોએ એવો અર્થ નહિ કાઢવાનો કે, આવા લોચા વાગે એના કરતા હરામ હાડકાના થઈ જવું સારૂં. જે તે કામના એક્સપર્ટને બોલાવી લેવો સારો. મને જાતે તો ઝગડતા પણ આવડતું નથી. અમારા એક પડોસીના માથામાં મારે ડોલ પછાડવાની હતી. મને ખબર નહિ કેવી રીતે પછાડાય. મેં તરત જ બહારની સેવાઓ ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું. કામ બીજા પાડોસીને સોંપ્યું... પહેલાવાળો જમીન પર ચત્તોપાટ પડ્યો. બીજો સીધો પોલીસ-લોક-અપમાં... અને હું મારા ઘેર પરમ શાંતિથી તેલ ને ઢોકળાં ખાઈ શક્યો હતો.

આ પાકિસ્તાન રોજ ફુદુક-ફુદુક કરે છે. આપણે હાડકું હલાવવું નથી. બેટર એ છે કે, આપણા બદલે યુદ્ધ કરી આપવા માટે અન્ય કોઈ દેશને ભાડે કરી લેવો.

સિક્સર
‘‘કાલે તમારે ત્યાં બેસણામાં બહુ મઝા આઈ, બોસ... !’’

No comments: