Search This Blog

08/05/2012

ગીલી ગીલી ગીલી

એક રીઝોર્ટના સ્વિમિંગ-પૂલની ધારે હું બેઠો હતો, ત્યાં એક ઇંગ્લિશ બોલતી યુવતીએ એનું બાળક મારી પાસે મૂકતા પૂછ્યું, ‘‘ઓ પ્લીઝ... તમે થોડીવાર મારા લેલુને સાચવશો... પ્લીઝ ?’’

આમ તો હું બહુ રોમેન્ટિક માણસ નથી, એટલે આનાથી ઊલટી ઑફર લેલુએ મને કરી હોત, તો ય મને ન ગમત. એ તો તમે ય જોયું હશે કે, ૯૮ ટકા સુંદર સ્ત્રીઓના ગોરધનો સાવ બાયા જેવા હોય છે પણ, સાલા આપણને મારે એવા હોય છે. આપણે ચેતીને ચાલવું સારું. દેખાવમાં હું કોઈ યોગીપુરુષ જેવો લાગતો નથી. હાથમાં બાટલી પકડાવી હોય તો માલિશવાળા જેવો લાગું છું. મારા ચેહરા પર વાત્સલ્યના ભાવ નથી આવતા. જાતનો બ્રાહ્મણ છું, એટલે ‘‘દસના છુટા હોય તો આલો ને, ઇ...’’ છાપના ભાવો આવે છે. હું બહુ સુંદર નથી, છતાં નાના બાળકોને ગમી જાઉં, એવો રૂપકડો ય નથી.

છતાં ય કોઈ નાનુ બાળક રમાડી આપવાની આ સમાજ મારી પાસે શા માટે અપેક્ષા રાખે છે, તે હું નથી સમજી શકતો. બાળકને એ વ્યકિત રમાડી શકે, જેનો પોતાનો ચહેરો બાળક જેવો સોફ્ટ અને એટ લીસ્ટ, એ બાળકને જોવો ગમે એવો હોય. મેં ઘણીવાર બાળકોને સિંહ, રીંછ અને વરૂની વાર્તાઓ કીધી છે, તો ય કોઈ ઇમ્પ્રેસ થયું નથી... મને જોયા પછી બાળકો રીંછ-વરૂઓથી ડરતા બંધ થઈ જાય છે.... ! એમાં ય હું તો પાછો સેલ્ફ- જાહેરાતો કરી કરીને સંસ્કારી બનેલો માણસ છું અને બાળકોને સારા સંસ્કારો આપવાનો હિમાયતી હોવાથી, એ લોકોને છાના રાખવા માટે મારા લેખો વાંચી સંભળાવી શકતો નથી. પારકા તો ઠીક, ખુદ મારા પૌત્ર- પૌત્રીને રમાડવા માટે મને બીજું કાંઈ ન સૂઝ્યું. તો મેંકુ લાય... એમને મારો કોઈ લેખ વાંચીને હસાઈએ, તો એમની મૉમબોલી, ‘પપ્પા... એમ તો છોકરાઓ બી જશે...!

ઓકે. સાચવણીના ધોરણે પણ હું લોખંડના કે રૂના ગોડાઉનના વોચમેન જેટલો સાવધાન કે ફરજપરસ્ત માણસ નથી. મારી સાથે છેલ્લા ૩૪- ૩૪ વર્ષોથી અકબંધ પડી રહેલી મારી પત્ની મારાથી સચવાતી નથી... (એન્ડ ફોર ધેટ મૅટર, કોઈની પણ પત્ની સચવાતી નથી !) ત્યાં મને તમારા વ્હાલસોયા બાળકો સાચવવા આપવાનો કોઈ અર્થ ખરો ? મારા રમાડેલા છોકરાઓ મોટા થઈને મૂકેશ અંબાણી કે રાહુલ ગાંધી નહિ બની શકે.. મૅક્સિમમ... લાચાર ગોરધનો બની શકશે. મારી એકેય આત્મકથાઓમાં, મને બાળકો ગમે છે, એવું મેં લખ્યું નથી. નેહરૂની માફક છાતી પર ગુલાબ લટકાઈને ફરવું મને ગમે છે, પણ તે બાળકો માટેના પ્રેમને કારણે નહિ, કોટ ફાટેલો હોય, એનું કાણું ઢાંકવા ત્યાં ગુલાબ ભરાવું છું.

હકીકતમાં, બાળકો રમાડનારના મનમાં બાળકો પ્રત્યે વહાલ, અનુકંપા, વાત્સલ્ય અને ખિસ્સામાં થોડું પરચુરણ પડેલું હોવું જોઈએ. આ પૈકીના મોટા ભાગના ઘટકો મારા જીવનમાં પડયા નથી. મારે ઊભા કરવા પડે, જેમ કે, મને મારા પોતાના બાળકો રમાડે મિનિમમ ૨૦- ૨૫ વર્ષ થઈ ગયા એટલે પ્રેક્ટિસને અભાવે હાથ છૂટી ગયો હોય. સાંભળ્યું છે કે, નાના બાળકને રમાડવાની શરૂઆત એની કોમળ- કોમળ દાઢી ઉપર આપણા ધોયેલા જમણા હાથની પહેલી આંગળી હળવે- હળવે દબાવીને બે-ત્રણ વખત ગીલીગીલીગીલી બોલીને કરવાની હોય છે. 

એ બોલતા મને મસ્ત ફાવે, પણ આંગળી દબાવવામાં પ્રમાણભાન અને સ્થળભાન યાદ ન રહે, એટલે બાળકની દાઢીને બદલે આંખ ઉપર આંગળી દબાવીને આવું ગીલીગીલીગીલી કરું છું તો સામો રીસ્પોન્સ આપવાને બદલે બાળક રોવા માંડે છે. આપણે એવું નથી કહેતા કે, બાળકે મને સામે સૌજન્ય ખાતર મારી દાઢી પર ગીલીગીલીગીલી કરવું જોઈએ... એવા સંસ્કાર એની માંએ આપ્યા હોય તો છોકરૂં કંઈ શીખે ને... ? હકીકતમાં તો મમ્મીએ પોતે કાકાની દાઢી આવી રીતે દબાવીને ગીલીગીલીગીલી કરતા બાળકને શીખવવું જોઈએ, તો છોકરૂં શીખે અને ડરે નહિ. સુંઉં કિયો છો ?... શાબ્બાશ, સાચું કિયો છો....!

ભલભલા બાળકોને રમાડી ચૂકેલા બાળ-રમાડુઓ કહે છે કે, આ પ્રવૃત્તિમાં પડવા માટે તમારી પાસે બાળ-વાર્તાઓનો પૂરતો સ્ટોક પડેલો હોવો જોઈએ. હૅરી પોટર કે ટૉમ એન્ડ જેરી આવડતા હોવા જોઈએ. આજ સુધી આપણને બહુ બહુ તો ઑફિસેથી ઘેર આવતા મોડું કેમ થયું, એની વાર્તાઓ બનાવતા આવડી હોય. એમાં પાછો ગોરધન તરીકે હું સ્માર્ટ ખરો. હું ક્યાંક ગીલીગીલીગીલી કરાવતો બેઠો હોઉં એમાં મોડું થઈ જાય, પણ આપણી સ્ટોરી હકી માની જ જાય કે, ‘‘આ બિચારા ઉપર મેં પાપણે ખોટો શક કર્યો. એ ક્યાંય આડાઅવળા જાય એવા નથી. 

રસ્તામાં ગાડી બગડે એમાં એ શું કરે ? રસ્તે પડેલા કોક ગરીબને હોસ્પિટલ પહોંચાડવા ગયા, તો મોડું તો થાય ને ? મેં આવા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ જેવા મારા નાથ માટે શક કર્યો... ? પરમેશ્વર મને માફ નહિ કરે...!!’’ ઓફિસમાં રજા લેવા માટે, સગ્ગી સાસુને ૧૩ વખત સ્મશાને લઈ જવાનો આપણો જિલ્લા- રેકોર્ડ છે. આપણી કમ્માલ એ વાતમાં કે, હજી સાસુ અડીખમ છે... ભલે મારી પોતાની ન હોય, પણ રજા લેવા માટે તો કોઈની બી સાસુ ચાલે ને ? પોતાની સાસુને જ પોતાની સાસુ ગણવી અને બાકીનાઓની સાસુને ફોઇ- માસી ગણવી, એવા કુલક્ષણો મારામાં નથી. ખોટું અભિમાન નહિ. મારી સાસુ મને સારા સંસ્કારો આલતી ગઈ છે. આ તો એક વાત થાય છે.

ટુંકમાં, આવા સોલ્લિડ રીઝલ્ટોવાળી સ્ટોરીઓ બનાવવામાં આપણી માસ્ટરી, પણ એક હતુ જંગલ ને એમાં સિંહભઇ રહેતાતા...એવા સ્ટોરા- ફોરા બનાવવા શું આપણું કામ છે ? બા કેવા ખીજાય... ? મારું દ્રઢપણે માનવું છે કે, બાળકોને આવી સિંહભઇ- ફિંહભઇની વાર્તાઓ કહેવાનો કોઈ અર્થ નથી. મોટા થઈને એ લોકોને ક્યાં વાઘ-દીપડાં સાથે ગુજકેટની ઍક્ઝામો આલવની છે ? વળી સિંહ જંગલમાં જ રહેતો હોય ને ? એ કોઈ હોટલમાં ન ઉતર્યો હોય. એમાં આપણે પાછું બાળકને ખુશ કરવા ગળામાંથી સિંહભઇ જેવો ખતરનાક ધુર્રર્ર્રાટો બોલાઈ બતાવાનો. એ કોઈ જોતું ન હોય તો બોલી બતાવીએ, પણ મેરેજના ૨૦- ૨૫ વર્ષ થયા પછી આવો ધુર્રાટો તો જાવા દિયો, ગળામાં સોપારીનો ભરાઈ ગયેલો કટકો ય નીકળતો નથી.

વંદે માતરમ્બોલીને કબૂલ કરું તો, મને નાના બાળકોને તેડતા નથી આવડતું. દસ્તુર એવો છે કે, તેડેલા બાળકનું માથું તમારા જમણા હાથની કોણી ઉપર અને પગ ડાબા હાથની નીચે લટકતા રહેવા જોઈએ. પછી દર બબ્બે સેકન્ડે એની સામે જોઈને કોઈ કારણ વગર આપણે હસતા રહેવાનું. એ ભલે સામે ન હસે. મૂન્ડી નીચે લઈ જઈને એના ગાલે બચ્ચીઓ ભરવાની. વચમાં- વચમાં ગીલીગીલીગીલી બોલવાનું. એના નાકમાંથી એના શેડાં સાફ કરવાના. શેડાં સાફ કરેલો હાથ આજુબાજુ કોઈ જોતું ન હોય તો કોઈની ભીંત કે કોઈના ફર્નિચર ઉપર લૂછી નાંખવાનો. એ સુસુની સીધી ધાર આપણા શર્ટ ઉપર છોડે, તો શું જાણે છાતી પર ભીના મૅડલો લટકાયા હોય, એમ રાજી થઈને હસવાનું. ચાંપલાશપટ્ટી આપણા સ્વભાવમાં ન હોય છતાં આપણે તોતડા થઈ ગયા હોઈએ, એમ કાલીઘેલી ભાષામાં એની સાથે વાતો કરવાની. ઍન્ડ યસ... વચમાં વચમાં બાબાને અડધો અડધો ઉલાળતા રહેવાનું....!

સાલું કોઈ દૂરથી આપણને જોતું હોય, તો ગાન્ડો જ સમજે ને ? 

આપણું ભવિષ્ય સુધરે, એ આશાએ મેં પેલી યુવતીને એનો લેલુ રાખવાની સ્માઇલ સાથે હા પાડી. મિનિમમ ૩૨ વર્ષ સુધી યાદ રહી જાય, એવું થેન્ક્સબોલીને એ ઓગળી ગઈ.

હું બઘ્ઘું દૂર ઊભી ઊભી જોતીતી અસોક...! મને થાતું જ તું કે, આજકાલ તમને બાળકું કેમ બવ ગમવા માઇન્ડા છે... ? કોણ હતી ઇ... ? અને હાવ હાચુ કેજો... આ બાબો કેનો છે... ?? અસોક, હું તમને દેવ જેવા માનતીતી... તમને આવા નોતા ધાયરા...! ઓ જલાબાપા... આ સુઉં થવા બેઠું છે.... ?’

સિક્સર
અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ આપણા સચિન તેન્ડુલકર વિશે એક અદ્ભુત વાત કરી છે. ‘‘હું ક્રિકેટ વિશે ખાસ કાંઈ જાણતો નથી, છતાં હું સચિનને રમતો જોવા માટે ક્રિકેટ જોઉં છું. એવું ય નથી કે, મને એની બૅટિંગ ગમે છે, પણ મારે એ જાણવું છે કે, સચિન રમતો હોય છે, ત્યારે મારા દેશનું ઉત્પાદન ૫ ટકા ઘટી કેમ જાય છે ?’’

અને બીજી વાત :
બિલ ગેટ્સે એના જેવા જ અબજોપતિ સ્ટીવી જોબ્સને કહ્યું, ‘‘ગઈકાલે હું બેન્કમાં લોન માટે ગયો હતો...!’’
‘‘તારે લોનની શી જરૂર પડી ?’’
‘‘મારે નહિ... એ લોકોને જોઈતી હતી !!’’

No comments: