Search This Blog

09/05/2012

ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ...!

બધાની જેમ અમારા ઘરમાં ય સરકારી ધારાધોરણો મુજબનો બે બાળકોનો સેટ પડ્યો છે. અમારા જમાનામાં હું અને હકી સરકારી નિયમોની વિરુદ્ધ ગયા નથી અને ફક્ત બે બાળકોથી સંતોષ માની લીધો હતો. લગ્ન પહેલાં તો મેં એને ૧૧- ૧૧ બાળકોના સપના બતાવ્યા હતા લેકીન, ‘સપને ભી કભી સચ હોતે હૈ, લુચ્ચે ?’ મારું એટલું વળી સારું છે કે, ઘર હોય કે બહાર, બાળકો તો બે જ. મારો છોકરો ય દવે ખાનદાનના રસ્મો-રિવાજ મુજબ બેથી આગળ વઘ્યો નથી... એમં પછી બહુ વધી જઈએ તો બા ખીજાય છે ! ઘરમાંબહુ પબ્લિક ભેગી નહિ કરવાની.

ઘણાના ખાનદાનો જોઈએ, તો ધારી ધારીને થાકી જઈએ કે, આમાં એમના પોતાના કેટલા બાળકો હશે ? પછી અક્કલ આપણને ય આવે કે, જેમનું હોય એમનું... આપણે કેટલા ટકા ? પતિ- પત્નીના એક જ સેટમાંથી ૬- ૭ બાળકો નીકળ્યા હોય તો જોનારાને આવી ભૂલ થવાનો સંભવ ખરો.

હું દાદુમાંથી દાદાબની ગયો, એ પ્રવાસ છે તો મજ્જાનો, પણ ઢીંઢા ભાંગી જાય છે એ લોકોને રમાડતા રમાડતા અમારા ઘરમાં છોકરાઓને રમાડતા કોઈને આવડતું નથી. હકી એકવાર બહુ લાગણીશીલ થઈને છોકરાઓને વાઘ મામાની વાર્તા કહેવા બેઠી, એમાં છોકરાઓ એટલા હિજરાઈ ગયા કે, એમને દુનિયાભરના મામાઓ ઉપરથી પ્રેમો ઉતરી ગયા. અત્યારે ચાલે છે, તે વાઘ બચાવો આંદોલનને અમારા ફેમિલીનો કોઈ ટેકો નહિ.

હકીની જો કે વાર્તા કહેવાની પદ્ધતિ બિહામણી છે. એની ભાવના સારી કે, બાળકોને પ્રાણી ઉપર પ્રેમ રહે, એ માટે એ દરેક જનાવરને મામાકહીને જ વાર્તા બનાવે છે. એક હતા ઉંદર મામા...સાલું આપણને સાળાઓ ઉપરથી માન ઉતરી જાય ! સુઉં કિયો છો ? આખી પ્રોસેસમાં બાળકોને પ્રાણી-જગત ઉપર તો પ્રેમ પૂરો ચઢી આવ્યો, પણ મામાઓ ઉપરથી ઉતરી ગયો.

એમ તો હું ય કાંઈ એક્સપર્ટ નથી. છોકરાઓને રડતા છાના રાખવાની વાત તો દૂરની છે, હું એમને હસાવી પણ શકતો નથી. આપણને એમ કે આડાઅવળાં મોંઢા કરીને ચિત્રવિચિત્ર અવાજો કાઢીએ, તો છોકરાઓને ગમે. એક વખત તો રીંછ મામા ખીજાય તો કેવું હાઉઉઉઉઉ...કરે, એટલું બતાવવામાં જ મારું જડબું ખુલ્લું રહી ગયું. બસ, પછી એ બંધ ન થાય. ઇંગ્લિશમાં એને લૉક-જોકહે છે. એ રોગમાં જડબુ ખુલી ગયા પછી બંધ કરી શકાતું નથી. હલે પણ નહિ, ખુલ્લા મોઢે એવો હું દોઢ દિવસ ફર્યો. બોલવાનું કશું નહિ.. ફક્ત હુઉઉઉઉ...કરી શકાય, એમાં તો વગર વાર્તા સાંભળે ઘણા ડરવા માંડ્યા.

મને ગુસ્સે થતા આવડતું નથી, એટલે હકી કે બાળકો, મારાથી કોઈ ના બીએ, બોલો ! એ લોકો અફ કૉર્સ, મને દબડાવતા હોય ને એમાં એમને મજાઓ ય આવતી હોય. ઘરમાં બેઠેલા મેહમાનો એટલું જ સમજે છે કે, ઈનું ઘરમાં કાંઈ ઉપજતું લાગતું નથી ને સાલા... મોટા ભાગના કિસ્સાઓમાં મેહમાનો સાચા હોય છે...હવે કોઈ પંખો ચાલુ કરો.

ઘરની ઘણી બાબતોમાં મારું ઉપજતું હોય છે. મને યાદ છે, છ વર્ષ પહેલાં મેં કીધેલું કે, ‘દેશમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે,’ તો ઘરમાં બધા માની ગયા હતા. કોઈએ વિરોધ કર્યો ન હતો. ને આ બાજુ આપણને ય સંતોષ કે, મેં સાલી ફેંકી, એ સાચી પડી ગઈ ને આ લોકોએ માની પણ લીધી. એક્ચ્યુઅલી, આ વાતની તો મને ય ખબર નહોતી કે દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. આપણે શું કામ કોઈના કામમાં માથું મારવું ?

બસ. એક વાતે મારા માટે ઘરમાં બધાનો વિરોધ ખરો કે, મને છોકરાઓ રમાડતા આવડતું નથી. જુવાન હતો, ત્યારે દોસ્તો કહેતા હતા કે, તને છોકરીઓ રમાડતા નથી આવડતું. બન્ને અવસ્થામાં પ્રજામત સાચો હોય તો ય, મારા નારણપુરા વિસ્તારના ડોહા- ડોહીઓને મારા ઘેર બોલાવીને બધા પાસે થપ્પો, ઘર-ઘર, આંબલી-પીપળી કે બાઇબાઇ ચાયણી રમાડું, તો એ ય મને નહિ આવડે, એ ભયથી શરમાઈ જાઉં છું.

મને નહાવાનું બહુ ગમે... અને એમાં ય જાતમેહનતથી નહાવાનું તો ખૂબ્બ જ ગમે. કોઈ એકાદ જનમમાં હું રાજા-મહારાજા હોઈશ, ત્યારે મહેલની રાણીઓ મને નાનકડા હોજમાં નવડાવતી, એ મને યાદ આવે છે. પણ એ જમાના તો હવે ગયા. હાલમાં તો છેલ્લા ૫૮ વર્ષથી હું જાતે જ નહાઉ છું. મારા ફ્‌લૅટમાં તો મેં સ્વિમિંગપુલ નંખાવ્યો નથી. હોત તો મને ગમતે. પેલું લાંબા થઈને સૂતાસૂતા નહાવાવાળું બાથટબ નંખાવાય, એટલી જગ્યા તો પૂરા ફ્‌લૅટમાં ય નથી. એ નંખાઈએ તો રહીએ કયાં ? પણ શોખ રાજા-મહારાજાઓના પાળ્યા હોય એટલે ઘરના જે સ્થળને અમે બાથરૂમ કહીએ છીએ, ત્યાં જઈને સ્વિમિંગ-પુલમાં પડ્યા હોઈએ, એવી ઠંડકથી નહાવાનું ઉભા થતા ય છતમાં માથુ ભટકાય એવું બાથરૂમ છે, એટલે હૉજની જેમ આમાં ડાઇવો મરાય એવું નથી. કોઈ પણ પદ્ધતિથી નહાતી વખતે, પાછળ બરડો અને આગળ ઢીંચણ બાથરૂમની દિવાલોને અડકે છે, એટલે છાતી સુધી પાણી ભરેલું રાખીને બાથટબની જેમ મહીં મહીં સાબુઓ ચોળીને નહવાય એવું નથી. ફિલ્મોમાં કે દોસ્તોના બંગલામાં બાથટબો જોઈને મનમા દુષ્ટવિચાર આવે છે કે, સાલાએ કેટલાને નવડાયા હશે, ત્યારે પોતે આવું નહાવા પામ્યો છે ! આ તો એક વાત થાય છે.

એટલે ક્લબના પૂલમાં જો બન્ને બાળકોને લઈ જઈને... લાય ને મેંકું રમાડું. એમના દાદા શેરબજારમાં બહુ નહાયા છે, એટલે બાળકોને વિશ્વાસ બહુ કે, દાદા નવડાવશે તો સરસ ! ફ્રેન્કલી કહું તો મને હજી તરતા કે ડૂબતા આવડતું નથી, એટલે બાળકોને સ્વિમિંગ-પુલમાં લઈ ગયો, ત્યારે એ લોકો ડરતા હતા કે, દાદાને કંઈ થશે તો નહિ ને ? એમને એટલી શ્રદ્ધા ખરી કે, ડોહો ડૂબે એવો તો નથી, પણ ડૂબકી માર્યા પછી પેટ સુધી પાણી પી જાય, એનું કાંઈ નક્કી નહિં. સ્વિમિંગ-પૂલમાં નહાતા લોકોને તો ઘરના વૉશ-રૂમ અને બહારના સ્વિમિંગ-પૂલ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી... મન મોટાં, તન છોટા !

ફિલ્મોમાં મેં હીરોલોગને મસ્ત મજાની ડાઇવો મારતા જોયેલા, ત્યારથી એ જ પદ્ધતિથી ઉઘાડા શરીરે ટટ્ટાર ઉભા રહી બંને હાથ ઊંચા કરીને પાટીયા ઉપરથી ડાઇવ મારવાની મને બહુ ગમે. એ ઊંચુ પડતું હોય તો મને કહે છે કે, પૂલની ધાર ઉપરથી પણ ડાઇવ મારી શકાય. હું લાઇફમાં ઉંચો આવ્યો નથી, એટલે ઉંચાઈઓની મને બહુ બીકો લાગે છે, એટલે મેં લીસ્સા ટાઇલ્સવાળી ભીની ધાર ઉપરથી ડાઇવ મારવાનું નક્કી કર્યું. નીચેથી પડીએ તો ઓછું વાગે. મને એ પાછી ખબર કે, ઉપર કંઈ પહેર્યું ન હોય ત્યારે એકલા સ્વિમિંગ કોસ્ચ્યુમમાં હું જરા ય શોભતો નથી. ભીનો પાટો બાંધેલો અંગૂઠો ઉભો રાખ્યો હોય, એવો હું પૂલની પાળી પર ઊભેલો લાગતો હતો, છતાં મને એનું અભિમાન નહિ. છોકરાઓને ખુશ કરવા દાદાઓ શું નથી કરતા ?

પ્રોબ્લેમ ઠેકડો મારતી વખતે થયો. હૉજમાં ડાઇવ મારતી વખતે શું કરવાનું હોય છે કે, પાળીની ધાર પર પગના આંગળાઓ ચીપકાવી દઈ, ફૂલફૉર્સથી આગળની તરફ જમ્પ મારવાનો હોય છે. મેં પગ ભરાવ્યા નહોતા, એમાં જમ્પ ખોટો વાગ્યો....! સ્વિમિંગ-પૂલની ટાઇલ્સવાળી ભીની લાદી ઉપર ધમ્મ દઈને ખાબક્યા પછી જડબું ટાઇલ્સ ઉપર પછડાવાનો અવાજ કેવો આવે છે, એ તો જે ખાબક્યું હોય એને જ ખબર પડે !

હૉસ્પિટલનો છ મહિનાનો ટોટલ ખર્ચો રૂા. ૭૪,૬૫૭/-... સ્થાનિક કરવેરા અલગ !

કહે છે કે, નાનપણમાં બાળકોને એમના દાદા-દાદીએ સારી વાર્તાઓ કીધી હોય કે બૌદ્ધિક ગેઇમ્સ રમાડી હોય, તો એ બાળકો મોટા થઈને નામવર બને છે. અલબત્ત, નિયમ એવું કહે છે કે, બાળકો કરતા નોલેજમાં તમે વધારે ચઢિયાતા હોવા જોઈએ. હું જાણું છું કે, એ જરી અઘરું પડે, પણ બુદ્ધિની દુનિયામાં પરિવારની છાપ સુધારવી હોય તો થોડું ભણવું પડે. ચાર્લી ચેપ્લિન આખા જગતને હસાવી શકતો હતો... પોતાના બાળકને નહિ !

સિક્સર

- સચિન રાજ્યસભામાં ! કયો લાડવો લૂંટવાનો રહી ગયોતો ?
- જવાબ સ્પષ્ટ છે. દેશ માટે ટી-૨૦ વર્લ્ડકપ નહિ રમવાનો, પણ આઇપીએલમાં કરોડો રૂપિયા મળે છે, એ રમવાની.

No comments: