Search This Blog

13/05/2012

ઍનકાઉન્ટર : 13-05-2012

૧. ક્યારેક ઍનકાઉન્ટરછપાતી નથી, તેનું શું કારણ?
- ક્યારેક દેશમાં પ્રોબ્લેમો નથી હોતા માટે!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૨. ધર્મનો પ્રભાવ આટલો મોટો હોવા છતાં માણસ આટલો દુઃખી કેમ છે?
- ધર્મનો વઘુ પડતો પ્રભાવ છે માટે.
(યુસુફ જે. માકડા, દામનગર)

૩. અચ્છાજી મૈં હારી ચલો માન જાઓ, ના...એવું કહેતી એક પણ નારી તમને કદીય મળી છે ખરી?
- તમારૂં નિરીક્ષણ સાચું છે. પોતાની ભૂલ કબૂલ કરે, એવી એકપણ સ્ત્રી હજી સુધી મેં તો જોઈ નથી.
(મોહન બદીયાણી, જામનગર)

૪. અપ્રમાણિકતાની બોલબાલાનું કારણ શું?
- અસત્ય ચિરંજીવ હોય છે... સત્ય ભાંગલું-તૂટલું હોય છે.
(જાહનવી નિખિલ વસાવડા, મુંબઈ)

૫. સ્ત્રીની હાકઈ વાતમાં ને નાકઈ વાતમાં ગણવી?
- સ્ત્રીઓનો અભ્યાસ કરવામાં મેં સમય ફાળવ્યો નથી.
(લલિત ઓછા, જૂનાગઢ)

૬. સરકારી અધિકારીઓ ઘરમાં ય સાહેબની જેમ વર્તે, તો શું કરવું?
- ઘરમાં ય સાહેબ બનીને ફરતો હોય, એવો મરદ તો લાખોમાં કોઇ એક જ હોય!
(સુનિલ નાણાવટી, રાજકોટ)

૭. શાહરૂખખાન એવોર્ડસ ફંક્શનોમાં હદ વગરની વલ્ગરિટી બતાવે છે, તે શું દર્શાવે છે?
- કોઈ શાહરૂખની બહેન કે માં વિશે પણ આવું બઘું બોલે, તો ખુશ થઈને શાહરૂખ એને ભેટી પડશે.
(ચેતન કે. વ્યાસ, રાજકોટ)

૮. આધેડ વિધવાનું સ્થાન તેના દિયર કે જેઠને ત્યાં હોય કે એના ઘરડાં માં-બાપને ત્યાં?
- દિયર અને જેઠ હખણા રહે એવા હોય તો ઠીક છે, નહિ તો વાંદરાઓ ગામ આખાની વિધવાઓને ઘેર લઈ આવે એવા હોય છે...
(સુબોધ નાણાવટી, રાજકોટ)

૯. અશોકજી, તમે કેટલું ભણ્યા છો?
- ખાસ લાગતું નથી ને...?
(મીત અને દર્શ વિરાણી, જામનગર)

૧૦ પુરૂષની પસંદગી બાબતે સ્ત્રીના ધોરણો ઊંચા હોવાનું કારણ શું?
- હકી સિવાય આવું ઊંચુ ધોરણ બીજી કોઈએ રાખ્યું હોય, એવું મને તો લાગતું નથી.
(ભરત ડી. સાંખલા, ડીસા)

૧૧. તમે પ્રશ્નકર્તાઓના નામની પાછળથી ભાઈકેમ કાઢી નાંખો છો?
- આવો વળગાડ અમારા કાઠીયાવાડમાં હજી ય બહુ છે. તમને માનથી બોલાવવા કે નહિ, એ અમને નક્કી કરવા દો... તમે જાતે ને જાતે શેના, ‘‘હું પ્રવીણભાઈ બોલું છું કે ‘‘મારૂં નામ જેન્તીભાઈ’’ કહી શકો? સૌરાષ્ટ્ર આખામાં ખૂબ ભણેલા-ગણેલાઓ પણ હજી આ સીન્ડ્રોમમાંથી બહાર નથી આવતા. અમિતાભભાઈ બચ્ચનસારું લાગે? પછી પાછળ અશોકીયો કહે, એના કરતાં મોંઢા ઉપર ભલેને અશોકભાઈન કહે! હું આગ્રહ કરીને મને અશોકજ કહેવડાવું છું. સુઉં કિયો છો?
(મનોહર પંડ્યા, અમદાવાદ)

૧૨. જો તમને અલ્લાદીન મળી જાય તો?
- તો કહી દઉં, ‘‘બાબા, છુટ્ટે નહિ હૈ... આગે જાઓ.’’
(કથ્થક શેઠ, રાજકોટ)

૧૩. તમે વડાપ્રધાન બનો તો પહેલું કામ કયું કરો?
- બોલું.
(હસમુખ ટી. માંડવીયા, પોરબંદર)

૧૪. સ્ત્રીને સમજવા મેહનત કરવી, તે ખાલી કંકાવટીમાં આંગળી ફેરવવા જેવું કામ છે, તો પુરૂષને?
- તગારામાં ભીનું પોતું ફેરવવા જેવું.
(અરવિંદ ટી. પટેલ, ભાવનગર)

૧૫. ઍનકાઉન્ટરમાં તમારે સૌથી વઘુ ઘ્યાન શેનું રાખવું પડે છે?
- પ્રશ્ન પૂછનારનું ગૌરવ જળવાય અને એમની કોઇ મશ્કરી ન થાય એનું.
(વૃંદા શાહ, અમદાવાદ)

૧૬. બાબા રામદેવ લંગોટી જેવું વસ્ત્ર જ કેમ પહેરે છે?
- પ્રજાને પણ એવી લંગોટી પહેરાવી દેવાય માટે.
(મહેશ જી. પટ્ટણી, પાટણ)

૧૭. પત્ની ગૂજરી જાય તો ગોરધનને તેના સાસુ-સસરા સાથે રહેવાનો હક્ક મળે કે નહિ?
- મને લાગે છે... સાસુ-સસરાના નસીબ એટલા બધા ફૂટલાં તો ન હોય!
(વંદિત નાણાવટી, રાજકોટ)

૧૮. પ્રેમિકા દગો કરે તો શું કરવું?
- તમારા બન્ને વચ્ચેનો ફરક એને સમજાવા દો.
(ચિરાગ કે. પંચાલ, મધવાસ-લુણાવાડા)

૧૯. લોકો દુઃખમાં ઈશ્વરને યાદ કરે છે, સુખમાં કેમ નહિ?
- દુઃખમાં હો, ત્યારે દુનિયાભરનો કયો ઈશ્વર કામમાં આવ્યો?
(હોઝેફા. એફ. બારીયાવાલા, ગોધરા)

૨૦. પ્રજા એમને સાહેબકહીને બોલાવે, એવું પ્રધાનો કેમ આગ્રહ રાખતા હોય છે?
- બૅલેન્સ કરવા. એ લોકો જાણે છે કે, જરીક આઘા ગયા પછી પ્રજાજનો પ્રધાનની માં ને બેનની.....
(કૃણાલ જોશી, અમરેલી)

૨૧. અશોકજી, તમે ભગવાનને મળવા ક્યારે જવાના છો?
- તમારી જેમ બીજાય કેટલાક આવી રાહ જોઈને બેઠા છે.... ઈશ્વર તમારા બધાની મનોકામના જલ્દી પૂરી કરે.
(ફાતેમા તસ્નીમ બારીયાવાલા, ગોધરા)

૨૨. મંદિર-મસ્જીદમાં દુવા માંગતા કેટલા લોકોના પ્રોબ્લેમો સોલ્વ થતા હશે?
- યૂ સી... હું તો ફક્ત ઉપરવાળાના પોતાના પ્રોબ્લેમો જ સૉલ્વ કરી આપું છું... ભક્તોનું એ જાણે.
(એચ.એન. વ્હોરા, કાલોલ)

૨૩. ધરતી પરના બધા લોકો એકબીજા સાથે પ્રેમથી ક્યારે રહેશે?
- ધર્મોને બદલે દેશ પહેલો વહાલો લાગતો થશે ત્યારે.
(સ્વાતિ સુરેજા, જામ જોધપુર)

૨૪. લવ મૅરેજએટલે શું?
- બન્ને ભેગું ક્યારેય ન હોય... કાં તો લવહોય ને કાં તો મૅરેજ’.
(નિખિલ પી. વકાણી, સુરત)

૨૫. અન્ના હજારે અને નરેન્દ્ર મોદી વચ્ચે શું તફાવત?
- હાથમાં આવેલી પ્રચંડ લોકપ્રિયતા પછી અન્ના જોકર સાબિત થઈ રહ્યા છે...!
(સુરેખા એમ. સંખેસરા, ઈડર)

૨૬. જીંદગીનું બૅલેન્સ જાણી શકાતું હોય તો?
- તો એટીએમ-ચોરો પૈસાને બદલે આયુષ્યો ચોરતા હોત.
(શંકર આર. પંચાલ, લુદરા-દિયોદર)

૨૭. ભરૂચ જીલ્લાના એક ગામમાં દીપડી પણ પોતાના બચ્ચાઓને મૂકીને ફરાર કેમ થઈ ગઈ હશે?
- પ્રિન્ટિંગ-મિસ્ટેક.... હાલમાં દેશમાં વાઘ બચાવોઅભિયાન ચાલે છે.. એ દીપડી બચાવોસમજી હતી.
(હસમુખ ડી. પરમાર, નાડા-જંબુસર)

No comments: