Search This Blog

11/05/2012

આવી ચાંપલાશ શેના માટે?

ટીવી પર બતાવાતા ફિલ્મી સમારંભોમાં જયા બચ્ચનને તાળીઓ પાડવી જોઇ છે? આપણે નમસ્કાર કરીએ, ત્યારે જે રીતે આંગળાઓ જોડીએ છીએ, તેવા હાથે જયા તાળીઓ પાડી બતાવે છે. કહે છે કે, દેશના વ્યંઢળો પોતાની સદીઓ જૂની એકની એક સ્ટાઇલ બદલીને સમાજને નવા તાબોટા આપે, એ દિશામાં જયા બચ્ચનનો આ નમ્ર અને ગડગડાટવાળો પ્રયાસ છે.

હાલમાં તો દુનિયાભરમાં તાળીઓ પડતી હોય, એ તમામની એક જ સ્ટાઇલ હોય છે. એક હથેળી ખુલ્લી રાખીને તેની ઉપર બીજા હાથના ચાર આંગળા પછાડ પછાડ કરવાના. આ સ્ટાઇલ આપણે બાળપણમાં પહેલી તાળીઓ પાડી ત્યારથી શીખીને આવ્યા છીએ અને એ જ નેચરલ સ્ટાઇલ છે. જમોડીઓ ડાબોડીઓ જમણી હથેળી ખુલ્લી રાખીને એના ઉપર ડાબા હાથના ચાર આંગળા પછાડે છે. બન્નેને એનાથી ઊલ્ટી તાળીઓ પાડતા બહુ ફાવે નહિ.

ઇન ફૅક્ટ, તાળીઓ આપણા આનંદ કરતા બીજાની કદર સ્વરૂપે પડાતું અને ફડાતું સર્ટિફિકેટ છે.

કોઇની કેટલી કદર કરવી, એ આપણા હાથમાં છે. માત્ર કદર કરવા માટે જ નહિ, કોઇને મંચ કે મોભા ઉપરથી ઉતારી પાડવા માટે પણ આ જ તાળીઓ વપરાય છે. હથેળીમાં અમથી ખંજવાળ આવતી હોય તો, ‘પૈસા-બૈસા મળવાના લાગે છે’, એમ ધારીને ખણવા ખાતર તાળીઓ પાડવામાં આવે છે. ક્યારેક બીજાઓએ પાડી એટલે આપણે પાડવી પડે છે. સામે વીડિયોવાળો આપણને લેતો હોય ત્યારે વીડિયોમાં સંભળાય એવી તાળીઓ પાડવી જોઈએ. સ્કૂલ-કૉલેજના જમાનામાં અને ઍડવાન્સ કે મઘુરમમાં ઈંગ્લિશ ફિલ્મો જોવા જતા, ત્યારે ઇંગ્લિશમાં કંઇ સમજ ન પડે, પણ હસી પડવાનું બહુ રાઇટ ટાઈમે. સિનેમામાં ચાર-પાંચ જણા તો ઇંગ્લિશ જાણનારા આવ્યા હોય. એમને ખબર પડે અને એ હસે, એટલે અમે આજુબાજુવાળા બધા સમજી જઇએ કે, અહીં હસવાનું છે. ક્યારે એવું પણ થતું કે અમને એમ કે, અહીં હસવાનું છે ત્યારે આખા હૉલમાં એકલા અમારો હસવાનો અવાજ આવે, એમાં નૉટ છપાઈ જતી.

પણ આપણે કોઇનાથી ખુશ થઈને સાચી તાળીઓ પાડી હોય, એવું જવલ્લે જ બને છે. ઘણાં તો રમીના પત્તાં ચીપતાં હોય, એવી ફૉર્મલ તાળીઓ પાડે છે. પણ, ખોટી તો ખોટી, હૉલમાં બેઠા પછી તાળીઓ તો પાડવી જ જોઈએ. ન પાડીએ તો ય લોકો વાતો કરે ને ઘેર આવ્યા પછી બા ખીજાય. બનાવટ કુદરતે આપણી સાથે કરી છે કે, હાથ સિવાયના કોઇ પણ અંગ પાસે આપણે તાળી પડાવી શકતા નથી. ઉપર-નીચેના દાંતો અથડાવીને તાળીઓ ન પાડી શકાય. બે કાનોએ તો જીવનભર એકબીજાનું મોઢું ય જોયું નથી. હાથની કોણીઓ અથડાવવાથી છોલાય પણ કોઇ પ્રકારનો ઘ્વનિ ન નીકળે. બન્ને પગ વડે તાળી પાડવા જઈએ તો ખુરશીમાંથી ગબડી પડીએ. અને સારૂં ય ન લાગે. લોકો વાતો કરે કે, તાળી બે હાથે જ પડે. એક હાથ તો ફક્ત મચ્છર ઉડાડવાના કામમાં આવે.

અલબત્ત, આમાં નવીન ફેરફારો આવકાર્ય છે જેમ કે, હૉલમાં બધા વ્યક્તિગત તાળીઓ પાડે, એના બદલે એક એક હાથે એકબીજાને તાળીઓ આપીને પ્રચંડ ઘ્વનિ ઉભો કરે. આમાં જૂની દાઝો ય કાઢી શકાય. આગળવાળાના ખભા ઉપર આપણા હાથ પછાડવાથી અવાજ તાળીઓ જેવો બેશક આવે, પણ આવા કીસ્સામાં કોઇ ચીફ ગૅસ્ટ બનવાનું પસંદ ન કરે. અન્યનો સહારો લીધા વગર, એક તાળી બન્ને હાથે પાડવાને બદલે, એક હાથ પોતાની જાંઘ ઉપર પછાડવાથી જાંઘ લાલમલાલ થઇ જાય, પણ બે હાથની તાળીઓનો એ સારો વિકલ્પ છે.

વિધાનસભા અને પાર્લામૅન્ટમાં બેઠેલાઓ તો તાળીઓ પાડવામાં પોતાનો બધો માલ વાપરી નાંખતા નથી અને પાટલી ઉપર હાથ પછાડીને તાળીઓ જેવું કંઈ વગાડે છે. કહે છે કે, આવી ઍનર્જી વેડફી નાંખવા કરતા શાસક અને વિરોધપક્ષના સભ્યો બૅન્ચો ઉપર હાથ પછાડવાને બદલે, એકબીજાના ગાલે થપ્પડો મારીને પ્રચંડ ઘ્વનિ વિરોધ સાથે પેદા કરી શકે. આમે ય, એ બન્ને ધામોમાં હવે એટલું જ બાકી રહ્યું છે તો શા માટે ક્રાંતિ વેળાસર લાવી ન દેવી?

પણ જયા બચ્ચને દેશના વ્યઢંળો માટે પણ કાંઇ વિચારીને તાળીઓ પાડવાની નૂતન પઘ્ધતિ વિકસાવી છે, તેમાં કેટલાક વાંકદેખાઓ માને છે કે, આમાં વ્યંઢળોના ભલા માટે તેઓ કાંઈ નથી કરતા. આજકાલ હવે બીજાઓથી જરા જુદા પડવાની ફેશન વધતી જાય છે. એ જાણે છે કે, ટીવીમાં એ દેખાવવાની છે અને લોકો આવી છક્કાબ્રાન્ડ-તાળીઓની પણ નોંધ લેશે. આપણી પૅઈજ-થ્રી પ્રજામાં આમે ય લાંબી બુઘ્ધિ તો છે નહિ, એટલે એ લોકો, ‘‘’’મ્મી ગાઆઆ...ડ! (એટલે Oh my God !) શું જયાજીની સ્ટાઈલ હતી તાળીઓ પાડવાની...! શી ઇઝ જીનિયસ, વાઉ...!’’ પોતાની નોંધ લેવાય, એ માટે આનાથી સારો રસ્તો જયાને બીજો નહિ મળ્યો હોય.

આના ઉપરથી હૅન્ડી-ટીવીકે ગઈકાલ-તકચૅનલવાળા શહેરના અન્ય સૅલિબ્રિટીઓને બોલાવીને ટૉક-શો રાખશે. દેશનો એ બહુ મોટો પ્રશ્ન હોય, એમ કહેવાતા બૌઘ્ધિકો એની ઉપર ગંભીરતાથી ચર્ચા કરશે. જાવેદ અખ્તર, મહેશ ભટ્ટ કે શોભા ડે જેવા કેટલાક તો ઘેર નવરા જ બેઠા હોય છે. બીજો કોઈ કામધંધો હોતો નથી. એટલે સબ્જૅક્ટ કોઇ ભી હો, આ લોકો ટીવીના દરેક ટૉક-શોમાં હાજર. સાનિયા મિર્ઝા એવી કઇ મોટી હસ્તિ છે અને દેશ માટે એવું તે કયું નામ રોશન કર્યું છે, એ તો ટીવી વાળા જાણે, પણ એના નાકની ચૂની નીચે પડી જાય, તો ય ટીવી પર એના ટૉક-શો થાય. ડોહો ભલે આખા દેશની ગાળો ખાતો, પણ હકીકત એ છે કે, આવી ભાટાઈ માટે એક માત્ર બાળ ઠાકરે ચિત્કાર કરે છે અને હિંમતપૂર્વક આવી પરસીની ટીકા ય કરે છે. નવાઇ લાગે છે કે, એને કેમ કોઈ ટીવી ચૅનલવાળો આવા ટૉક-શોમાં બોલાવતો નથી? એ કમ-સે-કમ આવા બેવકૂફીભર્યા સવાલો તો ન પૂછે...!

હાં. જયાજી કો ક્યા જરૂરતથી, ઐસી તાલીયાં બજાને કી...’’

‘‘દેખીયે, આપકો યે નહિ ભૂલના ચાહિયે કિ વો બચ્ચન સાબ કી વાઇફ હૈ ઔર આજકલ બચ્ચનસાબ ગુજરાત કે બ્રાન્ડ-ઍમ્બેસેડર બને હુએ હૈ..! ઔર ગુજરાત મેં તો તાલીયાં કીલો-કીલો કે ભાવ સે મિલતી હૈ!’’

‘‘મુઝે તો યે લધુમતિ કો ગીરાને કી કોઈ સાઝિશ લગતી હૈ...’’

‘‘દેખીયે, આપ બાત કા બતંગડ બના રહે હૈ... ઇસ મેં માઇનોરિટી... આઈ મીન, લધુમતિ કા સવાલ હી કહાં આયા...?’’

‘‘તો આપ ભી સુન લીજિયે... કોઇ ભી ટીવી ચૅનલ ચલાની હૈ, તો ઉસમે લધુમતિ કા સવાલ આના હી ચાહિયે... વર્ના ટીઆરપી કમ હો જાતી હૈ...’’

માણસ બહુ ઇનસીક્યૉર’ (અસલામત) થઇ ગયો છે. ઉંમર થાય એમ એને નાનીનાની પ્રસિઘ્ધિઓની ભૂખ ઉઘડે છે. મોટી પ્રસિઘ્ધિ હવે એના હાથની વાત રહી નથી, એ વાત એ પોતે જાણે છે. બીજાઓનું ઘ્યાન ખેંચવા માટે ઘણા આપણને આઘાત લાગે, આશ્ચર્ય થાય એવું વર્તન કરે છે. ફિલ્મી લોકો રાતની પાર્ટીઓમાં ગૉગલ્સ પહેરીને જાય કે સારા ઘરની યુવતીઓ ઠેઠ ઉપરની જાંઘ દેખાય ત્યાં સુધીના ઊંચા કપડાં પહેરે, એ બતાવે છે કે એના થોબડામાં જોવા જેવું કાંઇ રહ્યું નથી, માટે જે માલ પડ્યો છે, એ બજારમાં કાઢી બતાવે છે. આ બધાની સરખામણી હૉલના અંધારા ખૂણામાં બેસીને છાણામાના સિસોટીઓ વગાડનારા કે ગમે તેમ બોલનારા પિટ-ક્લાસના લોકોથી વિશેષ કાંઈ નથી.

સિઘ્ધ-પ્રસિઘ્ધ થવા માટે ઘણું બઘું, ઘણા વર્ષોથી કરી બતાવતા રહેવું પડે છે અને ગઈ કાલના લૉરેલ પર આજે પ્રસિઘ્ધિ ટકી રહેતી નથી. અહીં તો રોજેરોજ પુરવાર થતા રહેવું પડે છે. સચિન તેન્ડુલકર એ દાવમાં નિષ્ફળ જાય તો, ‘‘હૈ એ પૈસા ખઇ ગયો... હેએએએ... મૅચ ફિક્સ થઈ ગઇ હતી... હવે એની ઉંમર થઇ ગઈ છે...!’’ સચિને સચિન જેવા પુરવાર થવા માટે ય રોજ સચિન તેન્ડૂલકર બની બતાવવું પડે છે.
(12 એપ્રિલ, 2012 નું બુધવારની બપોરે)

No comments: