Search This Blog

23/05/2012

કોઈ ઉન સે કહે દે, હમેં ભૂલ જાયેં...હોઓઓઓ

ફિલ્મ : પરવરીશ’ (’૫૮),
ગાયક : મુકેશ
સંગીત : દત્તારામ
ગીત : હસરત જયપુરી
ફિલ્મમાં રાજ કપૂર ગાય છે.

આપણા સન્માન્નીય અર્વાચીન ગ્રંથ દવે-શાસ્ત્રમાં લખ્યું છે કે, પ્રેમમાં તાજા ભાંગી પડેલાઓની નજીક ન જવું. એમને મળવાથી આપણે દુઃખી તો ન થઈએ, પણ એમનાથી આઘા ખસ્યા પછી, એમનું મોંઢું યાદ આવતા હસવું બહુ આવે. મોંઢાની એમની અવસ્થા ભાગ્યે જ જાહેર પ્રદર્શન માટે જોવા મળે છે. જો કે, આવું જોવું અને જોયા પછી હસી પડવું નૈતિક દ્રષ્ટિએ સારૂં ન કહેવાય.

નિષ્ફળ પ્રેમીઓની બી એક કરૂણ સ્ટાઈલ હોય છે. યુઘ્ધમાં તીર વાગવાથી નહિ, પણ પગમાં ખાલી ચઢી જવાથી કોઈ સેનાપતિ શસ્ત્રો છોડીને તંબુની પાછળ બેઠો બેઠો તલવાર વડે પગના નખ કાપતો હોય, એવા હારી ગયેલા ચેહરે ભાઈ બેઠા હોય. આવા કૅસો તનમનથી ફિનિશ થઈ ગયેલા હોવાથી, એ જ્યાં બેઠા હોય, ત્યાં આંખો સ્થિર રાખીને બેસે છે. આવા જાતકો મોટે ભાગે છત તરફ, ખાલી ગોખલા તરફ, ચરતી ગાય તરફ કે અદબ વાળીને બારીની બહાર જોયે રાખતા હોય છે. એમની સાથે વાત કોઈપણ વિષયની કરો, જવાબમાં પહેલું મૌન, પછી મૃત્યુ, શરાબ, અંધારૂં, રેલ્વેના પાટા, જાલીમ જમાનો, થોરના કાંટા, બેવફાઈ, કાન ખોતરવાની હળી, સ્મશાન, કાચના ટુકડા કે જામ થઈ ગયેલા બારણાના ઉલ્લેખો બહુ આવે. એ જલજીરા પીતો હોય તો પણ દારૂના ગ્લાસની જેમ સ્થિર આંખોથી જલજીરાની સામે જોયે રાખે. આપણને એમ કે, મહીં, જીવડું-બીવડું પડ્યું હશે. પૂછવા જઈએ તો હા પાડે કે, ‘‘મારી હાલત પણ જીંદગીના કારખાનામાં બનેલ શરાબના દરીયામાં પડેલા આ જીવડાં જેવી છે. નથી એ જીવી શકતું કે નથી તરી શકતું. હડબોટીયાં ખાધે રાખે છે.’’ આપણે સલાહ દેવા જોઈએ કે, ‘‘હલાઈને પી જા... સવાર સુધીમાં બધો ખુલાસો થઈ જશે’’, તો એને ગમે નહિ ને લેવા-દેવા વગરનું ફિલ્મી ગીત હંભળાવે, ‘મુઝે તુમ સે કુછ ભી ના ચાહીયે, મુઝે મેરે હાલ પે છોડ દો, હોઓઓઓ!

આવા જ એક શાપિત આત્માનું એક કરૂણ ગીત બહુ રડાવી મૂકે એવું છે.... આપણને નહિ, જગતભરના પ્રેમીઓને!

आँसु भरी है ये जीवन की राहें,  कोई उन से कहे दे
हमें भूल जाये जायें... आँसु भरी है।

આ કોઈ ધોરણ ૬-બ ની કવિતા નથી. પ્રેમમાં મૂઢમાર ખાઈને આવેલા એક યુવાનનો ચિત્કાર છે. એ ભાંગી પડ્યો છે. રાજ્ય સરકારના ઉંઘ ખાતાએ બનાવેલી સડકો એને માન્ય નથી. એની સડક ભીની થઈ ગઈ છે. પહેલા કરતા વધારે લપસી પડાય એવું છે કારણ કે, એ સડકો ઉપર અગાઉ કોઈ રડી રડીને રોડ બગાડી ગયું છે. આવડો આ મૂંઝાયો છે. સડક પર આંસુઓને બદલે ઑઈલ ઢોળાયું હોત, તો કદાચ એનો મત જુદો હોત. સાવચેતી ખાતર યુવાન ઈવન લેંઘો ઊંચો રાખીને પણ રસ્તો ક્રોસ કરવા માંગતો નથી. શક્ય છે, એ આંસુઓની કાયદેસરની માલિકી એની પોતાની હોય, તો પણ સમગ્ર શહેરના નગરજનોને એ ચેતવણી આપે છે કે, મારા જીવનની સડક આંસુઓથી ભરેલી છે.

કમ્માલ કરે છે આ માણસ ! એનું જીવનની સડકો આંસુઓથી ભરેલી હોય કે કાળા ચીકણા ઑઈલથી, એ આપણને શું કામ કહે છે ? ‘શહેર સ્વચ્છતા ઝૂંબેશહેઠળ શું આપણે સદરહૂ સડકો સાફ કરાવવાની છે એની ઉપર ડામરનો નવો પટ્ટો મરાવવાનો છે? એવી કોઈ બાતમી આપવાને બદલે આદેશ આપે છે કે, ‘‘જાઓ, કોઈ જઈને પેલીને કહી આવો કે, મને ભૂલી જાય!’’ તારી ભલી થાય ચમના... અમે તારા બાપના નોકર છીએ, તે કહેવા જઈએ? હજી સુધી અમે અમારા વાળીઓને ય કહેવા નથી ગયા કે, અમને ભૂલી જાય. મંગળ-બંગળવારે રજા હશે તો જઈને કહી આઈશું.... અને એય નવી મળી જાય પછી !

પ્રશ્ન એ ઊભો થાય છે કે, આજની સ્ત્રીઓ આપણા કહેવાથી આપણને ભૂલી જવાનું સ્વીકારે ખરી ? આપણા કહેવાથી જે આપણી ના થઈ, એ આપણા કહેવાથી આપણને ભૂલી જાય ખરી ? (હું ખોટો હોઉં, તો મને ટોકવો.... આમાં સંબંધો ના જોવાય!) ત્યાં જઈને આપણે કહીએ ય શું કે, ‘‘જુઓ મીનાબેન... યોગેશભઈએ ખાસ કહેવડાવ્યૂં છે કે, તમે એમને ભૂલી જજો. કારણ કે જીવનની સડકો આંસુના ખાબોચીયાઓથી ભરચક છે... અને એ તમને ભૂલી જવા માંગે છે... આમેય એમને બીજે સારૂં મળી ગયું છે.... જે શી ક્રસ્ણ!’’

આમાં આપણે ભરાઈ જઈએ ને કે, મીનકી સામે પૂછે કે, ‘‘ક્યા યોગેશભ? સ્પોટ્‌ર્સ ક્લબ વાળા, રાજપથવાળા કે કર્ણાવતીવાળા... ?’’ તો આપણે હલવઈ જઈએ ને? કોઈ પંખો ચાલુ કરો...!

વળી, જીવનની તારી સડક આંસુઓથી ભરેલી છે. કોઈએ પેલીને પૂછ્‌યું કે એની સડક પર કેમનું છે ? અમારાથી નીકળાય એવું છે ? લુચ્ચીના જીવનના સઘળા માર્ગો ઉપર આંસુઓને બદલે રજનીગંધાના ફૂલો, પરફ્‌યૂમની બોટલો, કે રીલાયન્સના શેરો પડ્યા હોય, તો એ આવું ન પણ ગાતી હોત...!

કેમ કોઈ બોલતું નથી ? આપણા માટે વધારે જોખમ એ વાતનું નહિ કે, યોગલાનો મેસેજ વાંચી લઈને, મીનકી એને પડતો મૂકીને આપણને પકડી લે, તો આપણા શુઘ્ધ ચરીત્ર ઉપર (ફરી એક વાર) કેવો ડાઘો પડે?.... આ તો એક વાત થાય છે! યાદ હોય તો, આ જ મીનાને ભૂલી જવાનો ભરતીયાનો, કમલીયાનો અને પેલો ત્રીજો કોણ....? જેનો ખભો બહુ હલહલ કરે છે, એ...હા, મયંકીયાનો આવો મેસેજ મીનાને આપવા આપણે જ ગયાતા ને? (વધારાની માહિતીઃ એ મયંક નહિ, ગૌતમ હતો.... માહિતી પૂરી)

वादें भूला दे, कसम तोड दे वो, हालत पे अपनी,  हमें छोड़ दे वो,
ऐसे जहाँ से, क्युं हम दिल लगायें, कोई उन से कहे दे, हमें भूल जायें।

આપણો યોગેશે ય સાવ ભોળો છે... કેમ જાણે કસમો તોડનારી મીના સાવ પહેલી જ હોય! ફ્રીઝમાં ડૂંગળી અને પ્રેમમાં વિશ્વાસો રખાય જ નહિ. જગતની આજ સુધીની એક ય સ્ત્રી પ્રેમમાં પ્રમાણિક હોઈ જ ન શકે. એને પોતાની ગરજ હોય, ત્યાં સુધી જ તમારી સાથે સંબંધ રાખે ને તમારા નસીબ ફૂટલાં હોય તો કોઈને નહિ ને તમારી સાથે પરણે ય ખરી. આજ સુધી તમે એમનું સારૂં કેટલું કર્યું, એ જોવાના સંસ્કાર એમને મળ્યા નથી હોતા, પણ એની ગરજ પતી ગઈ , એટલે ગમે ત્યાંથી તમારો વાંક શોધીને સંબંધ તોડવાનું બહાનું કાઢી લેશે. આ લોકોને પોતાની બુઘ્ધિ ઉપર ચાલવાનું ન હોવાથી બૌઘ્ધિક સ્તરે પણ એ તમારા કામની ન કહેવાય. પછી વાયદા-વચનોની તો શું વિસાત છે, ભાઈ? આને પરિણામે, તને તારા હાલ પર છોડી દેવા માટેની એને સલાહ આપવી પડે એમ નથી.

પાછું, આમ જોવા જઈએ તો પેલી ખરેખર કોઈ વાયદો કે કસમો-ફસમો ભૂલી ન હોય... આવો આ અમથે અમથો લઈ બેઠો હોય ! સમજો ને, એકવાર મીનકીએ વાયદો આપ્યો હોય કે, આપણે જીવીશું ય સાથે ને મરીશું ય સાથે. ઓકે? હવે એમાં યોગલો વહેલો ઢબી જાય, તો શું રાજપુતાણીની જેમ જોહર કરવા મીનકીએ ફલેટના આઠમે માળેથી ભૂસકો મારવાનો? કંઈક ઓછું કરો, ઈ. એકાદ-બે માળ ઓછા કરો. ભાઈ યોગેશ, તું એટલું સમજ કે, આવો ભૂસકો લાઈફમાં એક જ વાર મારવાનો હોય છે ને આવા બધા વાયદા મીનકી યાદ રાખવા જાય તો, આખી લાઈફમાં એણે તો ફલેટે-ફલેટે જઈને ૩૦-૪૦ ભૂસકા મારવા પડે...!

યોગેશ ઉપર દયા આવી જાય. હજી તો એવું કહે છે કે, આવી દુનિયા સાથે શું દિલ લગાવું? ઘેટ્‌સ ફાઈન... આ ના ફાવતી હોય તો એક દુનિયા ઉપર પણ છે... ત્યાં દુકાન શરૂ કર, પણ એટલું યાદ રાખજે... આ દુનિયા કે પેલી દુનિયા, ગ્રાહકો તરીકે તો બધે આ મીનકી જેવીઓ જ આવવાની... છાનો મર ને પંખો ચાલુ કર! (વાચકો, હું બહુ બોલી ગયો હોઉં તો મને શાંત પાડવો.)

बर्बादीयों कीअजब दास्तां  हुंशबनम भी रोयेंमैं वो आस्मां हूं,
उन्हें घर मुबारकहमें अपनी आँहेकोई उन से कहे दे, हमें भूल जायें  

યોગેશ અહીં રડી પડે, એવો ઢીલો થઈ ગયો છે. જગતભરમાં જ્યાં જ્યાં બર્બાદીઓ થઈ છે, એ બધાનો નિચોડ મારામાં છે, એવું એ કહે છે. ઉનાળાની આવી ચામડીફાડ ગરમીમાં યોગલો આકાશ બન્યો છે અને આપણે બધાએ ઝાકળ બનીને રોવાનું છે. જે કાંઈ વાછટ-વરસાદ આવશે, એ હવામાન ખાતાની આગાહીઓ મુજબ નહિ, યોગલો ફેઈલ જવાને કારણે આવશે. એ ઘવાયો હોવાથી હવે પછીની એની લાઈફ એના નિઃસાસાઓ ઉપર ચાલવાની છે. જ્યારે પેલીને તો ઘર ચલાવવાનું હોવાથી એના ઘરમાં પ્રેમ સિવાયના ય કામો (અનાજ પાણી, ગેસ,-કનેક્શન, અમુલ-દૂધની કોથળી, બગડેલું વૉશિંગ-મશિન, મોબાઈલના બિલો અને યોગલા પછી આવેલા મિહિર માટે ‘‘મોં-બ્લાંની પૅન લેવા જવાના હજારો કામો) પડ્યા હોય, એ સંભાળવાની યોગેશ છુટ આપે છે. મીનાનું ઘર મીનાને મુબારક... કેવા પવિત્ર વિચારો!

...ને આટલું પતાયા પછી ય ગીતની છેલ્લી કડીમાં જાહેરનામું તો ચાલુ જ છે કે, કોઈ જઈને મીનાડીને કહી આવે કે, હવે મને ભૂલી જાય...!

આપણે ન જવું. ઉપકારનો બદલો ચૂકવવા યોગલો આપણા વાળીને આવો મેસેજ આપી આવી ને, બઘું ભૂલીને પેલી પાછી આવતી રહે તો આપણે લટકી જઈએ ને ? સુઉં કિયો છો?

સિક્સર
-
મસ્ત મજાનો ટાઈમ-પાસ કરવા તમારા સર્કલમાં કોઈને પૂછો, ‘‘આપણી રૂપીયાની નોટો ઉપર કોની સિગ્નેચર હોય છે ?’’
- (
પહેલા તમે જાણી લેજો...!)

No comments: