Search This Blog

12/05/2012

લાફો મારવાની લઝઝત

મારી ઊંમર ૫૮ વર્ષની થઇ જવા છતાં હજી સુધી મેં કોઇને લાફો માર્યો નથી. આ જાહેરાત છે... મારી સિઘ્ધિ, અફસોસ કે આમંત્રણ નથી. બાકીની ઊંમર હું હસતા હસતા પસાર કરી નાંખીશ, પણ કોઇને હવે લાફો નહિ મારૂં, એવું ય નથી. કોઇ સારૂ પાત્ર મળે તો ભલે સણસણતો નહિ, પણ સાદો તમાચો તો મારવો છે. (સાદો તમાચોએટલે નાની તમાચી.) ધીમે ધીમે બઘું શીખાય. મહાભારતમાં મહાબલી અર્જુનને માછલી કાણી કરવાનો મોકો મળ્યો હતો. 

સચિન તેન્ડુલકરને વન-ડેમાં ૨૦૦ રન કરવાનો મોકો મળ્યો હતો, તેમ કોઇ સુંદર સવારે મને પણ કોઇને ઉંધા હાથની થપ્પડ ઝીંકી દેવાનો સુનહરો મોકો મળશે. ઇશ્વર કોઇને ભૂખ્યો સુવાડતો નથી. કહ્યું છે ને કે, મન હોય તો માળવે જવાય!

ભારતની નેશનલ ન્યૂસ- ચેનલોને મારી અપીલ છે કે, મારી આ જાહેરાત પછી મારો ઇન્ટરવ્યુ લેવા આવવું નહિ. હું જાણું છું. સીધી બાતકે આપકી અદાલતજેવી નવરી બજારો મને પૂછશે ય ખરી કે, ‘ઇતની ઉમ્ર હો ચૂકી, ફિર ભી આપને અભી તક કિસિ કો ચાટા તક નહિ મારા... લેકીન ક્યા કીસિ સે ચાટા ખાયા હૈ...?’’

(વાચકોની જાણ ખાતર કે, આપણી નેશનલ ન્યૂસ ચેનલો નવરા લોકોને સ્ટુડિયોમાં બોલાવીને, ‘‘તમારી બાને પતંગ ચગાવતા આવડે છે?’’ જેવા રાષ્ટ્રોપયોગી વિષય પર પણ ટૉક-શો રાખી શકે છે.)

એવું નથી કે, મારા જીવનમાં કોઇને લાફો મારવો પડે, એવા સુખદ પ્રસંગો આવ્યા નથી. એકવાર ભીડમાં એક મવાલીએ કોક દીકરીની છેડતી કરી, તો મેં એને પકડ્યો. મારો ગુસ્સો બહુ ખરાબ. મને થયું, આજે તો એ ગયો જ કામથી. આને અત્યારે જ ક્ચ્ચીકચ્ચીને લાફો મારી દેવો જોઇએ, પણ એને લાફો મારી શકે એવું આજુબાજુમાં કોઇ હાજર નહોતું. આપણાં દેશના નાગરિકોનો આ જ પ્રોબ્લેમ છે. જરૂરત હોય, ત્યારે કોઇ હાજર ન હોય. મેં ધાર્યું હોત, તો હું એ મવાલીને થપ્પડ મારી શક્યો હોત, પણ મેં એવું કાંઇ ધાર્યું નહોતું. એ ઘટનાના આજે વર્ષો પછી અત્યારે ધાર્યું, એટલે વાત અહીં સુધી પહોંચી.

અહીં સમાજ મારો જવાબ માંગી શકે છે કે, પેલા નાલાયકને તમે લાફો કેમ ન માર્યો?

તો મારો જવાબ પણ સાંભળી લો. જો મેં તે મવાલીના એક ગાલ પર લાફો માર્યો હોત, ને એણે બીજો ગાલ પણ ધર્યો હોત તો? તો શું હું અહિંસાના સિદ્ધાંતોને કદાપિ વરી શક્યો હોત? ખાડીયાનું મેં દૂધ પીઘું હોવાથી, મને કહેવા દો કે, લાફા તો શું ચીજ છે, તોફાનો વખતે એક જમાનામાં મેં ધસમસતી પોલીસવાનો ઉપર ઢેખાળા માર્યા છે. પણ એ જમાનામાં પોળની ગલીઓમાં ભાગી જવાની સગવડ હતી. શું આજે આપણી પાસે, મારીને ભાગી જવાની એક પણ સગવડ છે? પેલો મવાલી આપણી પાછળ પડે, તો ભાગવું ક્યાં? શાસ્ત્રોમાં પણ કહ્યું છે, ‘જમીને સુઇ જવું અને મારીને ભાગી જવું.’ (વાચકો, હું બરોબર જઇ રહ્યો છું ને...? (જવાબઃ હા. તમે બરોબર જઇ રહ્યા છોઃ જવાબ પૂરો)

વળી, શું મારામારી આપણને શોભે છે? એક ચેઇન-ચોરને પોલીસ કસ્ટડીમાં પોલીસો બેરહેમીથી ફટકારી રહ્યા હતા, પણ પેલો ગુન્હો કબૂલ કરતો નહતો ને આ બાજુ, એને માર પડતો જોઇને હું બહુ વધારે પડતો ડરી ગયો. પેલાને બદલે હું ધ્રૂજવા લાગ્યો. એક તબક્કે તો મને, ગુન્હો હું કબુલ કરી લઇશ, એવી બીક પેસી ગઇ હતી. પોલીસે ઓફર તો મને ય કરી કે, ‘‘લો દવે સાહેબ.... તમે ય જરા હાથ છૂટો કરીલો.... એકાદ બે ઠોકો આને..!’’

પણ હજી પેલો બેભાન નહતો થયો, એનો મતલબ કે બેભાન થતા પહેલા એ મને જોઇ જાય તો છુટયા પછી આપણને છોડે નહિ અને મનુસ્મૃતિમાં ચોખ્ખું લખ્યું છે કે નિહથ્થા ઉપર કદી હાથ કે પગ ન ઉપાડવો.’ (‘મનુસ્મૃતિએટલે અમારી સોસાયટીના મનુ ઢેફાની છોકરી સ્મૃતિની નોટબુકમાં)

જો કે, હું જ એકલો શું કામ, તમારામાંથી ઘણા ય એવા હશે, જેમણે કદી કોઇને તમાચો નહિ માર્યો હોય! આપણે એવું શું કામ પડયું હોય? માર્યા પછી પેલાને (કે, ફોર ધેટ મેટર... આપણને) બહુ વાગી તો નહિ જાય ને, એ ડર આપણને ફફડાવી નાંખે. તમે ગુસ્સે થાઓ, ત્યારે બહુબહુ તો ઘાંટો પાડી શકો, પણ લાફો તો તમે ય ભાગ્યે જ કોઇને માર્યો હશે. થપ્પડ મારવાના કે ખાવાના, આપણા કાંઇ સંસ્કાર છે? આ તો એક વાત થાય છે! ફાધર આપણને થપ્પડ મારતા, પણ એ હસ્તકલા આજે આપણે પુત્ર ઉપર અજમાવી શકતા નથી.. સાલો સામે આપણને ઠોકી દે. એ વાત જુદી છે કે, સદીઓ પહેલા શરૂ થયેલી આ કલા આજકાલ ભૂંસાતી જાય છે. હવે પહેલા જેવા તમાચા ય કોણ ખાય છે? એ તો બઘું ગયું, ભાઇ!

તો મિત્રો, આજે આપણે તમાચા પદ્ધતિ, તેનો વિકાસ, તેના ફાયદા અને ઉપયોગ વિશે બૃહદ ચર્ચા કરીશું.

તમાચા પદ્ધતિની શરૂઆત કોણે, ક્યારે અને ક્યાં કરી હતી,તેનો ઉલ્લેખ પુરાણોમાં નથી,પણ તે આપણે ધોરણ - ૬(બ)માં શીખી ગયા છીએ. વિશ્વનો પહેલો તમાચો કોણે,કોને માર્યો હતો તેના દસ્તાવેજી પુરાવાઓ મળતા નથી. કહે છે કે, ‘મહાભારતકે પ્લાસીના યુદ્ધમાં તીરો-તલવાર અને તોપો વપરાઇ હતી, તમાચા નહિ. કોઇ યુદ્ધમાં બહાદુર સૈનિકોએ એકબીજાને થપ્પડ મારી નહતી. સદીઓ પછી આજે પણ દુનિયાભરના પોલીસ સ્ટેશનોમાં ગુન્હેગારોને થપ્પડો મારવામાં આવે છે. બસ, જૂની થપ્પડ સંસ્કૃતિ ફક્ત પોલીસ સ્ટેશનો પૂરતી સચવાઇ છે. 

પોલીસ-વિભાગે તો દર વર્ષે શહેરમાં થપ્પડ પ્રદર્શનોનું આયોજન કરવું જોઇએ, જેમાં વિભિન્ન પદ્ધતિઓથી મારી શકાતી થપ્પડોના લાઇવ શો જાહેર જનતાને બતાવી શકાય. આપણે લોકો કોલેજમા હતા ત્યારે છોકરીઓ ક્યારેક કહેતી, ‘‘ચંપલ ખાવી છે?’’ ત્યારે વહેંચીને ખાવાની એમની ભાવના માટે આપણને માન થતું. તદઉપરાંત, કોઇને ચપ્પલ મારવા કરતા થપ્પડમારવી વઘુ હાથવગી રહે, કારણ કે, ચપ્પલ કાઢવા નીચા વળો ત્યાં સુધી પેલો સી.એલ. લઇને જતો રહ્યો હોય. થપ્પડમાં સ્પીડ છે, લય છે, ‘સટ્ટાકનામનો ઘ્વનિ છે, થપ્પડ જોવાનું નયનસુખ છે. ઓફિસોમાં સાહેબને કે એકબીજાને લાફા મારવાના અઢળક બનાવો બને છે. અને તે બહુધા પરિણામલક્ષી હોય છે. સરકારી થપ્પડોની ગુંજ ઘણા વર્ષો સુધી સંભળાય છે.

અહીં મારી વાતના સીધા સમર્થનમાં મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન આવે છે, જેણે કહ્યું હતું, ‘ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે લડાશે, તેની તો ખબર નથી, પણ ચોથું તો બેશક પથ્થરો અને ઢેખાળાથી જ લડાશે.’’ એનો કહેવાનો મતલબ એ હતો કે, ત્રીજામાં જ માનવજાતિનો એટલી હદે સંહાર થઇ ગયો હશે કે, ચોથા વખતે શસ્ત્રો નહિ બચ્યા હોય અને માણસોએ થપ્પડ, તમાચા, લાફા અને ઢેખાળાથી લડવું પડશે.આજથી સો વર્ષ પહેલા બિલકુલ મારા જેવા વિચારો કરી લાવવા બદલ હું આઇન્સ્ટાઇનની બાને ધન્યવાદ આપું છું.

શું વિશ્વભરમાં થપ્પડ પદ્ધતિનો અમલ શરૂ ન કરી શકાય? થોડો વિચાર તો કરો કે, સલીમ અને અકબર વચ્ચેના યુદ્ધના મેદાનમાં સૈનિકો એકબીજા સામે દોડીને સામસામા લાફા મારે. ભલે બે હાથે મારે, તો આટલો નરસંહાર ન થયો હોત. ખુદ અનારકલી બહુ ટેંટું-ટેંટું કરતી હોય તો જીલ્લે-ઇલાહીએ અડબોથમાં એક ઝીંકી દીધી હોત તો પાછળથી એને ભીંતમાં જીવતી ચણી દેવાની નોબત ન આવી હોત.

આજના યુગમાં પણ મશીનગનને બદલે થપ્પડ કેવી રહેશે? આખરે બંનેનો હેતુ તો એક જ છે, દુશ્મનને સીધો કરવો. થપ્પડમાં કોઇ તમને એક ગાલે મારે તો બીજો ગાલ ધરી શકો, પણ મશીનગનમાં બીજો ચાન્સ મળતો નથી. પાર્ટી પતી જાય છે. ઘરમાં ઝઘડો થાય તો પત્નીને મશીનગન મારી શકાતી નથી, ધમ્મ કરતો તમાચો મારી શકાય. ગમે તેવી સિકયોરિટી ટાઇટ હોય, થપ્પડને છુપાવવાની જરૂર પડતી નથી. એરપોર્ટવાળા પણ આપણા લાફા જપ્ત કરી શકતા નથી. ‘‘મુંબઇના સહાર એરપોર્ટ પરથી ૬૭ કિલો જીવતી થપ્પડો પકડાઇ..’’ એવા સમાચારો વાંચવાની તો કેવી લઝ્ઝત આવે?’

અલબત્ત મારૂં આ સજેશન આતંકવાદીઓ નહિ સ્વીકારે. થપ્પડ તો સામે ઊભા રહીને મારવામાં મરદોનું કામ છે... પાછળથી ઘા કરીને છુ થઇ જવાનું કાયરોનું કામ નથી.

સિક્સર
સાવ કચરાછાપ ફિલ્મ રાવણની નિષ્ફળતા માટે અમિતાભ બચ્ચને ફિલ્મના નબળા ઍડિટિંગને દોષિત માન્યું, એ નિરીક્ષણ ફિલ્મના દિગ્દર્શક મણીરત્નમથી સહન ન થયું અને બોલી નાંખ્યું, ‘‘હું અમિતાભ બચ્ચનને ખુશ કરવા ફિલ્મો નથી બનાવતો.’’
- તારી ભલી થાય, મણીયા... ! પહેલા અમને તો ખુશ કર... ! બચ્ચનબાબુ તો બહુ દૂરની વાત છે!

No comments: