Search This Blog

14/05/2012

આપણું જ શહેર આટલું ગંદુ કેમ ?

ચીનના બીજિંગ એરપોર્ટ પર અમારે આખી રાત કાઢવાની હતી. બે મોટા ટાઉનહોલ ભરાય, એટલા વિશાળ પેસેન્જર-લાઉન્જમાં અમે એકલા ચાલીસેક જણા. ૭૦ ફૂટ ઊંચી છત અને રાત છતાં રોશની ઝળહળતી, હું વૉશ-રૂમમાં ગયો, ત્યાં સફાઈ- કામદાર મને જોઈને જમાઈરાજ આવ્યા હોય, એવો ખુશ થઈ ગયો. મને ડર એટલો જ લાગ્યો કે, હવે એ મને ભેટી ન પડે. બસ, હસે જ રાખતા એ ચીનાએ મને આવકારીને, ટૉઇલેટનો દરવાજો સાફ કરી આપ્યો.

પછી ઑલરેડી એકદમ સ્વચ્છ હોવા છતાં કમોડને ફરી સાફ કરી આપીને અંદર પરફ્યુમ છાંટ્યું. દસેક મિનિટમાં હું યુદ્ધો જીતીને બહાર નીકળ્યો ત્યારે એ હસતો હસતો મારી રાહ જોઈને ઊભો હતો અને ચાયનીઝ- સંસ્કૃતિ મુજબ ઝૂકીને મને પ્રણામ કર્યા. મારે ભારતીય સંસ્કૃતિ મુજબ તો, ટોયલેટની સરઝમીં પર (એટલે કે, ભોંય પર, ઈ....!) લંબાવીને સામા એને પ્રણામ કરવા પડે એમ હતું, પણ હું ટૂંકામાં પતાવનારો માણસ, એટલે ઇન્ડિયન-સ્ટાઇલ નમસ્તે કર્યા. 

આ લોકો પેસેન્જરોનો કેટલો ખ્યાલ રાખે છે, એ મુદ્દે હું ઇમ્પ્રેસ થતો હતો. મને પૅપર-નેપકીનનો એણે રોલ આપ્યો. મને એ વાતની ખબર કે, મારું સ્માઇલ બહુ સારું છે, એટલે મેં એને સ્માઇલ આપ્યું. બદલામાં ચીનાએ એથી ય વધારે લાંબુ સ્માઇલ આપ્યું. એનું સ્માઇલ મારા જેટલું સારું નહોતું. હસતી વખતે એ તો સાવ ચીના જેવો લાગતો હતો, પણ એનો ઇરાદો મારી પાસેથી ટીપ લેવાનો હતો. હજી અમારે શાંગહાઈ પહોંચવાનું બાકી હોવાથી અમે રૂપીયાના યુઆન ટ્રાન્સફર કરાવ્યા નહોતા, એટલે મારા ખિસ્સામાં ૨- ૩ રૂપિયાનું પરચુરણ હતું, એ બઘું મેં આપી દીઘું. (આમ પાછો મારો સ્વભાવ દિલદાર !) મને એમ કે, એમાંથી થોડું ઘણું એ મને પાછું આપશે, તો આવા બીજા યુદ્ધોમાં વાપરવામાં કામ આવે.

આપણા મહાન દેશમાં પૈસા માટેની સર્વોત્તમ સંજ્ઞા છે, અંગૂઠાને પહેલી આંગળીના વેઢાં ઉપર ઘસી બતાવો, એટલે સામાવાળો સમજી જાય કે, વાત પૈસાની થઈ રહી છે. પણ પરચુરણ બતાવવાની સંજ્ઞા હજી શોધાઈ નથી. પરચૂરણ જોઈને ચીનો ભડક્યો. હથેળીમાં વંદો જોતો હોય, એમ મારા કિંમતી પરચૂરણ સામે તિરસ્કારથી એણે જોયું. એ ચાઇનીઝમાં ગુસ્સે થઈને કંઈક બબડ્યો. મને ખબર તો પડી ગઈ કે, એને મારો આ વ્યવહાર- વર્તન પસંદ પડ્યા નથી. એ શું કહેવા માંગે છે, એ મને સમજાયું નહિ. એટલે મારી ખાડિયાની ભાષા પણ એને સમજાવાની નથી, એ શ્રદ્ધાએ મેં ઇંટનો જવાબ પથ્થરથી નહિ, પણ ટૉઇલેટ- પૅપરનો જવાબ ફ્લેશથી આપ્યો એટલે કે, એના સમગ્ર ખાનદાનના સંબંધો ફેરવી નાંખીને આપ્યો. મને કોઈ ગિન્નાવે, એ ન ગમે. આમે ય, મારી પાસે કોઈ પૈસા માંગે, ત્યારે મારી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને સામેવાળો શું કહેવા માંગે છે, એ મને ઝટ સમજાતું નથી... ચાઇલ્ડહૂડ- પ્રોબ્લેમ !

બૂમાબૂમ સાંભળીને મારો પુત્ર સમ્રાટ દોડતો આવ્યો. પણ એ દરવાજે ઊભો રહી ગયો. ચીનો ચાયનીઝમાં અને મને ગુજરાતીમાં ઘાંટા પાડીને બરાડતા જોઈને સમ્રાટ, ભીંતને ટેકે ઉભો રાખીને અદબ વાળીને ઊભો ઊભો હસતો હતો કે, ‘‘ડોહા ખોટું પેટ્રોલ બાળે છે... પેલો ગુજરાતી સમજતો નથી ને આ વળી એમ.જે. લાયબ્રેરીમાં ભાષણ આલવા બોલાયા હોય, એવા મંડ્યા છે...!’’ ટ્રાફિક- પોલીસે મુગલ-એ-આઝમને વગર હૅલમેટે કાઇનેટિક ચલાવવા બદલ પકડ્યા હોય, ત્યારે મદદમાં આવવાને બદલે શાહજાદો સલીમ દૂર પાનના ગલ્લેથી આ નજારો જોતો ઊભો ઊભો હસતો હોય, એવું કરુણ દ્રષ્ય હતું. ચીનાઓ તો મને, મેં પૈસા ન આપવાના ગુન્હાસબબ ઇશારાથી આખું ટોઇલેટ સાફ કરી આપવાની લુખ્ખી આલી. મને ઇશારાથી કહે, ‘‘આ તેં જ બગાડ્યું છે... સાફ કર....!’’

ચોખ્ખાઈ મને ગમે છે, પણ એ બીજા કરતા હોય ત્યારે....! મારે જાતે કરવાની હોય ત્યારે નહિ અને ગામમાં વાતો સાલી કેવી થાય કે, ગુજરાતનો મોટો હાસ્યલેખક ચીનમાં જઈને ટોઇલેટો સાફ કરતો હતો... અને એ ય પાછો બ્રાહ્મણનો દીકરો.... ??  સમ્રાટ અગાઉ ચીન જઈ આવ્યો હતો, એટલે એને કામ પૂરતું ચાયનીઝ આવડતું હતું, એટલે એ ગમે તે બોલ્યો, પણ ચીનો ઠંડો પડી ગયો અને મને જવા દીધો...! એ ન આવ્યો હોત તો ચીનો મારી પાસે ચીનની દિવાલ સાફ કરાવત. પણ ઇન્ડિયા જેટલી લોકશાહી ચીનમાં નથી. ત્યાં ચીનની દિવાલ સામે ઊભા રહીને સુ- સુ ન કરાય. આપણા ઇન્ડિયામાં ચીનની દિવાલ જેટલો વપરાશ પુરુષોએ, લોકોએ બહુ મોટા ડ્રીમથી બનાવેલા બંગલાઓની બહાર દિવાલો બગાડીને કરવો સહેલો પડે છે. 

દિવાલ છોડીને બીજે ક્યાંક ઊભા રહે, એ કાંઈ સારું ન લાગે. જાહેર-શૌચાલયો છે કેટલા, એના કરતા ક્યાં છે, એ તો બતાવો, રાજાજી...? એક મૂતરડી શોધતા, આવનારી બીજી પાંચ લાગી છૂટે ના...કેન્સલ કરવી પડે. અમદાવાદની મૂતરડીઓ તો ગુગલ-સર્ચમાં ગોતવા જાઓ તો ય નથી મળતી. આપણા દેશમાં મુતરડીઓની કોઈ જરૂરત જ નથી, મંદિરો- દેરાસરોની વધારે છે. પ્રજાએ આવા બધા છી- છી કામો ઘેરથી પતાવીને જ નીકળવું જોઈએ. પણ એકે ય ધર્મના એકે ય ભક્તના ઘરમાં ઇશ્વર હોતો નથી, એટલે ફાઇવ-સ્ટાર મંદિરો કે દેરાસરો ઘરની બહાર જ બનાવવા પડે છે. કોઈના ઘરમાં એવી કાંઈ વધારાની જગ્યા ન હોય. ટૉયલેટ્સ ઘરમાં હોય, એટલે બહાર બનાવવાની જરૂરત નથી... સુઉં કિયો છો ? ‘‘અમે નદીએ નહાવા ગયાતા... મેલ ધોઈને કાદવ લાવ્યા...!’’

ભલે તમે પોતે પરદેશ ન ગયા હો પણ ટીવી કે ફિલ્મોમાં પરદેશના દ્રષ્યો જોયા પછી તો ખબર પડે ને કે, આપણે ગંદાગોબરા શહેરમાં રહીએ છીએ ? સિંગાપુર જઈ આવેલાઓને ખબર છે કે, ભૂલેચૂકે તમે રસ્તા ઉપર થૂંક્યા તો, ત્યાંનો મોટામાં મોટો વકીલ પણ તમને છોડાવી ન શકે. ગયા કામથી....! બાકીની જિંદગી જેલમાં...! જો કે, આપણાવાળાઓને એ લોકોની જેલોમાં ન ફાવે. ત્યાંની તો જેલો ય આપણા મંદિરો કરતા વધારે ચોક્ખી છે. સિંગાપુર જ શું કામ, આપણા સબ-કૉન્ટિનેન્ટને બાદ કરતાં મોટા ભાગના દેશોની ચોખ્ખાઈ જોઈને જીવ બળી જાય છે કે, આ દેશો ચલાવનારાઓ પોતે કેવા ચોખ્ખા રહેતા હશે ?

....અને આપણો દેશ ચલાવનારાઓ પોતે કેવા ગંદાગોબરા રહેતા હશે ? શહેરની ચોખ્ખાઈ જે કોઈ તંત્રની જવાબદારી છે, એના કમિશ્નરથી માંડીને સામાન્ય કારકૂનને પણ જાહેર રસ્તા વચ્ચે ઊભા રાખીને પૂછવું જોઈએ, ‘‘અમારા પૈસાનો તદ્દન મફત પગાર ખાતા શરમ નથી આવતી ?’’ ઇન ફૅક્ટ, એ લોકો કૉમિક માણસો છે. બહુ ભદ્દું બોલીને કહેશે, ‘આ જવાબદારી તંત્રની એકલાની નથી... પબ્લિકની પણ છે. પબ્લિક સાથ આપે તો હમણાં આપણાં શહેરો ક્લિયર-કટ થઈ જાય!

તારી ભલી થાય, ચમના ! પહેલાં તું તો કંઈક કરી બતાવ. પાનની પિચકારી રોડ પર મારનારને પકડીને અધમુવો તો પબ્લિક કરશે, પણ તું કાયદાનો કંઈક તો અમલ કરાવ ! ચીનના શનયાંગ શહેરમાં બહુ બધા સ્કાય-સ્ક્રેપર્સ (ઉંચા બિલ્ડિંગો) છે. બધા હજી હમણાં જ બાંઘ્યા હોય એવું લાગે. એમાં એક બિલ્ડિંગના કોઈ ૧૫- ૨૦મા માળે દિવાલ પર ભેજ જોઈને મારી આંખો ચમકી. ત્યાંના ટેક્સીવાળાએ મને કીઘું કે, આવતીકાલે સવાર સુધીમાં બિલ્ડિંગનો માલિક ભેજ દૂર નહિ કરાવે (આખુ બિલ્ડિંગ ફરીથી નહીં ધોળાવે તો એ જેલ ભેગો થઈ જશે. શહેરની મ્યુનિસિપાલિટીના મેયર બહુ કડક માણસ છે. નસીબજોગે, બે-ત્રણ દિવસ પછી મને ફરી એ બિલ્ડિંગ જોવા મળ્યું. કોઈ અતિશયોક્તિ નથી કરતો. ટેક્સીવાળો સૅન્ટ-પરસેન્ટ સાચો પડ્યો !

દેશમાં આટઆટલા વડાપ્રધાનો બદલાયા. રાજ્યમાં કેટલા થોકબંધ મુખ્યમંત્રીઓ આવ્યા અને ગયા. શહેરોના મ્યુનિ. કમિશનરો તો અમથા પાવર વિનાના પૂતળાઓ જેવા થઈ ગયા છે. પોતપોતાના શહેરને ચોક્ખું બનાવવાની કોઈની ફરજ નથી ? આપણા અમદાવાદની મ્યુનિ.નો એક કોર્પોરેટર તો બતાવો, જે શહેર તો બહુ દૂરની વાત છે, પોતાનો મતવિસ્તાર તો ચોખ્ખો કરાવે. આપણે ય બહુ કમનસીબ પ્રજા છીએ. ગંદાગોબરા રસ્તાઓ ઉપર છોકરાઓને લઈને ચાલીશું. જે સોસાયટી કે ફ્લેટમાં રહીએ છીએ, તે આટલી ગંદીગોબરી રાખીએ છીએ, તો સવાલ પૂછવાનો રહેતો નથી કે, આપણાં પોતાના ઘરો કેવા ચોખ્ખા હશે ? અહીં આ મુદ્દા પર વિન્સ્ટન્ટ ચર્ચિલ સાચો હતો કે, ઠગ અને પિંઢારાઓના હાથમાં તમે ભારતનું સુકાન સોંપી રહ્યા છે....!
(મે, 2010 માં પ્રકાશિત બુધવારની બપોરે)

No comments: