* બીજી જૂની અભિનેત્રીઓની જેમ વૈજ્યંતિમાલા ફિલ્મોમાં પાછી કેમ નથી આવી
?
- નવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની માં થવા કરતા, જૂનીમાં
પ્રદીપ કુમારની હીરોઇન થવું સારૂં, એટલે એ
સમજે છે.
(વિશ્વા પરેશ નાણાંવટી, રાજકોટ)
* શું આજકાલના બ્રાહ્મણો પણ ૧૦-૧૨ લાડુ ખાઇ શકે ?
- જમ્યા પછી એટલાં લાડુ તો હું ય ખઇ જઉં...!
(પૂર્વી/હર્ષા/અશોક કોટેચા, પોરબંદર)
* મૃત્યુ પછી માણસના શરીરનું વજન કેમ વધી જાય છે ?
- મર્યા પછી ય માણસોમાં હવા બહુ ભરાઇ જાય છે !
(નરેશ વી. લઘાણી, વડોદરા)
* ડૉ. મનમોહનસિંઘ પછી કોણ ?
- ‘ધન’મોહનસિંઘ.
(રીકિન ગેરીયા, ધોરાજી)
* તમે હાસ્યલેખક ન હોત તો શું હોત ?
- હૅર કટીંગ સલૂન ચલાવતો હોત....! હાસ્ય કરતા હૅર કટિંગમાં પૈસા વઘુ
મળે છે.
(વિઠ્ઠલરાય શ્રીમાળી, અમદાવાદ)
* સોનિયા પોતાની બિમારી પ્રજાથી કેમ છુપાવે છે ?
- હવે એમની પાસે પ્રજાને બતાવવા જેવું રહ્યું છે ય શું ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
* ‘ઓશો’એ કહ્યું હતું, રાજકારણીઓ એટલા નપાવટ નીકળશે કે, ઘેર ઘેર
ગાંધી પેદા થાય તો ય કાંઇ નહિ વળે. તમે સુઉં કિયો છો ?
- દેશને આજે જરૂરત ગોડસેઓ પેદા કરવાની છે.
(ઇલ્યાસ પટેલ, સંતરામપુર)
* ભ્રષ્ટાચારી નેતાઓ પકડાયા પછી પોલીસને બદલે પબ્લિકને સોંપી દેવાય તો ?
- પબ્લિક પોતે સદાચારી હોત, તો આજે
દિવસો આવા જોવાના આવત ?
(હિરલ જી. વાઘેલા, અમદાવાદ)
* રૂા. ૨-કરોડની ગાડીવાળાને પણ પેટ્રોલ ૭૦/- રૂપીયે લીટર અને નાનકડા ‘ઍક્ટીવા’વાળાને ય ૭૦-રૂપીયે ?
- પેટ્રોલના ભાવ જાણવાની જરૂર પડે, એ માણસ
બે-કરોડની ગાડી ન લે.... ‘‘ઍક્ટિવા’’ લે.
(નીતા મોઢા, મુંબઈ)
* શું ઇશ્વરને અવતાર લેવાનો સમય પાકી ગયો નથી ?
- એ બઘું ઇશ્વરને જોવાનું છે... હું તો પછી કેટલે પહોંચી વળું ?
(ફખરી એન. બારીયાવાલા, ગોધરા)
* તમારી શુક્રવારની ‘ફિલ્મ
ઇન્ડિયા’ કૉલમમાં મોટા ભાગે રાજ કપૂર અને બી.આર. ચોપરાની ફિલ્મોના લેખો વધારે
કેમ આપો છો ?
- તમે તો આખું ‘ચિત્રલોક’ વાંચતા લાગો છો !
(મુસ્તુફા વાય. ત્રવાડી, પોરબંદર)
* પત્નીને ખુશ રાખવાનો સરળ ઉપાય ક્યો ?
- એની હાજરીમાં બીજાની પત્નીના વખાણો કરવા માંડો.
(ચિરાગ કે. પંચાલ, મધવાસ-લુણાવાડા)
* સાંસદોની જેમ લેખક-કવિઓ એમની સંપત્તિની જાહેરાતો કરે તો ?
- એમાં તો મોટા ભાગે લોકોએ ઓઢાડેલી ગરમ શાલો નીકળે !
(જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)
* ક્યારેક ‘ઍનકાઉન્ટર’ ગેરહાજર હોય છે, ત્યારે
શું વાંચવું ?
- આખું છાપું ! એમાં ય કાંઈ વાંચવા જેવું હોતું નથી.
(ભાલચંદ્ર હ. હાથી, ગાંધીનગર)
* અમદાવાદમાં સારામાં સારૂં કાપડ ક્યાં મળે છે ?
- દુકાનમાં.
(મનોજ એમ. ઝાલા લિંબાસી-ખેડા)
* દરેક તહેવારમાં રાજકોટની પબ્લિક આગળ પડતી કેમ હોય છે ?
- બીજું કોઇ એવું નવરૂં નથી હોતું.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)
* પત્ની ઉપર ગુસ્સે થઇ જતો ગોરધન પ્રેમિકા પાસે ધૂંટણીયે કેમ પડે છે ?
- પ્રશ્ન પત્ની માટે કે પ્રેમિકા માટે પૂછાયો છે, એ જાણ્યા પછી જવાબ અપાય.
(ગૌરી વી. કાચા, અમદાવાદ)
* ગરજે ગધેડાને બાપ કહેવો પડે...તો ગધેડીને ?
- એ તમારી ગરજ ઉપર આધારિત છે.
(મિલન માડવીયા, પોરબંદર)
* લગ્ન એક પરીકથા નરી વ્યથા બની જતા હોવા છતાં લોકો શું કાં લગ્ન કરતા
હશે ?
- ઇશ્વર પર શ્રદ્ધા રાખો. તમારૂં ય ક્યાંક ગોઠવાઇ જશે. ઇશ્વર સહુનો છે.
(જતીન યુ. કવિશ્વર, વડોદરા)
* છુટાછેડામાં વધારે ખુશી કોને થાય ? પતિને કે
પત્નીને ?
- જેને ‘છુટવાની’ કિંમત ચૂકવવી ન પડી હોય એને.
(હિતેન પી. પટેલ, હાથજ-નડિયાદ)
* કોઇ સ્ત્રી તમારા પ્રેમનો અનાદર કરે તો તમે શું કરો ?
- એટલી જાહોજલાલી હજી સુધી તો કોઇ સ્ત્રીને પ્રાપ્ત થઇ નથી.
(ડૉ. દીપક સી. ભટ્ટ, બોડેલી)
* મારે તમારા ફલૅટની બાજુમાં ફલૅટ લેવો છે. તમે હૅલ્પ કરશો ?
- તમારા હપ્તા ભરવા સિવાયની બધી હૅલ્પો કરીશ.
(ફિરોઝ હિંગોરા, ડૂંગર-રાજુલા)
* મતદાન નહિ કરનાર પાસેથી મતાધિકાર છીનવી લેવો જોઇએ. સુઉં કિયો છો ?
- ગૂડ જોક.
(યોગેશ કૃ. દલાલ, સુરત)
* ચીનના બે પ્રખ્યાત હાસ્યલેખકોના નામ આપશો ?
- ચીનના તો નથી, પણ
વિશ્વના બે સર્વોત્તમ હાસ્યલેખકોના નામ લખી લો, (૧) અશોક
દવે અને (૨) અશોક દવે.
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ)
* પ્રેમમાં અને પાણીમાં શું ફરક છે ?
- પ્રેમમાં ટુવાલ લઇને ના પડાય.
(મહેશ આર. દેસાઇ, વલસાડ)
* જૅલના દરવાજે ‘વૅલ કમ’નું બોર્ડ કેમ નથી હોતું ?
- આવી ભૂલો શું કાઢવાની....? જાઓ
ત્યારે કરાવી લેજો.
(પ્રહલાદ જે. રાવલ, રાજપિપળા)
* ‘ઍનકાઉન્ટર’માં
સ્ત્રીઓના સવાલોને સ્થાન વધારે કેમ મળે છે ?
- તમે કોણ છો ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)
No comments:
Post a Comment