Search This Blog

10/05/2012

હનીમૂનમાં કૂતરૂં

હનીમૂન વખતે રૂમમાં કૂતરૂં ભરાઈ જાય તો ?

રૂમમાં કૂતરું ભરાઈ જવું શુકનની નિશાની નથી. ક્યાંક કયડી- બયડી જાય તો આવી મંગળ રાત્રિએ લેવાના દેવા પડી જાય. તો ય હજી વાઇફને કરડે તો વાંધો નહિ કે, આપણે સમજીએ કે, બઘું અહીંનું અહીં જ ભોગવવાનું છે. પણ આપણા બદલે એને કરડે તો એટલા માટે વધારે સારૂં, કે અડધી રાત્રે આપણે મરદ માણસ દવાદારૂ માટે દોડાદોડ કરી શકીએ... અને કૂતરૂં જતું રહ્યું હોય તો રૂમમાં પાછા ય આવીએ. નહિ તો કૂતરાના ભરોસે એકલી વાઇફને રૂમમાં છોડીને ન જવાય... આપણા દેશમાં મૂંગા પશુઓ પર અત્યાચાર આજે પણ ગુન્હો જ ગણાય છે, વળી !

આમ તો કૂતરૂં વાઇફને કરડે, એ પણ સારૂં નહિ. લગ્નના ૨૦- ૨૫ વર્ષ થયા હોય ને એને કરડે તો હજી વાંધો નહિ. બીજી ચિંતા તો નહિ કે, વાઇફને કયડ્યું હોય તો કૂતરૂં મરવાનું થાય... કે પછી કૂતરાને રસી મૂકાવવી પડે, પણ મઘુરજનીએ એટલે કે, હનીમૂનની રાત્રે જ વાઇફને કૂતરૂં કરડે ને સાલો હડકવા ઉપડે ને, આપણને પ્રેમો કરવાને બદલે એ લાવણ્યમયી બચકા ભરી લે, તો આપણે તો લેવાઈ જઈએ ને ? ભલે આપણી લાઇફમાં આ પહેલો અને કદાચ છેલ્લો જ પ્રસંગ આવ્યો હોય... (હનીમૂનનો નહિ, કૂતરૂં કરડવાનો !) 

પણ કૂતરાંને તો રોજનું થયું. એ તો ગમે ત્યાં ભરાઈ જાય. એ લોકોમાં કાંઈ એવો વિવેક- વિનય ન હોય કે, ‘ચલો ભઇ... આજે આવો આ માંડ ઠેકાણે પડ્યો છે... છેલ્લા છ વર્ષથી ભૂરાયો થતોતો ને માંડ એકાદું હનીમૂન આવ્યું છે તો, આજે આ નહિ તો કોઈ બીજાના રૂમમાં ભરાઈએ, પણ કૂતરા-લોકોએ આવા હનીમૂનો જોયા ન હોય, એટલે એમને એ સંવેદનાનો ખ્યાલ ન હોય કે, એમની ઉપસ્થિતિથી આપણે કેટલું ગુમાવવાનું છે ! આ તો એક વાત થાય છે.

જરા વિચારો તો ખરા કે, યુવાન કેવા અરમાનો સાથે હૉટેલની રૂમમાં આવ્યો હોય ! આજે તો શું નું શું કરી નાંખું- ના ઘોડા એના તનબદનમાં દોડતા હોય. એ તો બધી વાતે ઉતાવળો થતો હોય, પણ જેના હાથની હજી તો મેંદી નથી સુકાઈ, એવી કન્યાના એ જ હાથો ઉપર પોલાદી દાંતવાળું કૂતરું કરડે તો કેવી રાડો નીકળી જાય ગળામાંથી... ? આ કાંઈ નાની વાત છે... ? હજી આગલી રાત્રે જ આપણા લગ્ન થયા હોય ને અહીં માઉન્ટ આબુ સુધી પેલીને લઈને લૂશ- લૂશ કરતા લાંબા થયા હોઈએ, મનમાં મઘુરજનીના ઘોડા હણહણતા હોય, તનમાં હાડકાં તોફાને ચઢ્યા હોય, આબુ આવતા સુધીમાં ગાડીમાં ય હખણા બેઠા ન હોઈએ, ત્યાં રૂમ ખોલીને પલંગ પર કૂતરાં બેઠેલા જોવાના આવે તો કયો ભારતવાસી જય હિંદબોલી શકવાનો છે ? (જવાબ : આવા સમયે કોઈ ભારતવાસી જયહિંદબોલી ન શકે. જવાબ પૂરો.) આ તબક્કે, આપણે માઉન્ટ આબુમાં હનીમૂન ફેઇલ જાય તો શું કરવું, એના ઉપાય તરીકે ડીઝાસ્ટર મેનેજમેન્ટના પુસ્તક ઉપરાંત, ખાસ આવા પ્રસંગોએ જ વાપરવાનું હોય એવું સાહિત્ય જરૂર લાવ્યા હોઈએ, પણ કૂતરાની રસી મૂકાવવાનું પુસ્તક તો કોઈ સાથે ન લેતું આવ્યું હોય ને ?

અલબત્ત, અહીં હનીમૂનની ચર્ચામાં કૂતરું પ્રતિકાત્મક છે. ફક્ત કૂતરું જ શું કામ અને ફક્ત હનીમૂનમાં જ શું કામ, ઇવન આપણે જે રૂમમાં સૂઈ જવાનું હોય, એની છત પર ગરોળી કે ભોંય પર મોટો ઊંદર ફરતો હોય, ત્યાં કયો ઇવન બાણાવળી અર્જુન પણ હખથી હનીમૂનો ઉજવી શકવાનો છે ? મેં તો જોયું છે કે, આખી રાત મછરાં- જીવડાં કઇડ- કઇડ કરતા હોય, ત્યાં ય મઘુરજનીની પથારી ફરી જાય છે. સાલું, આ તબક્કે આપણે પેલીના ગુલાબી ગાલ પર હાથ ફેરવવાને બદલે, લાલચોળ થઈ ગયેલા આપણા ઢીંચણ પર નખ ખોતરવા પડે છે. અને યાદ છે, પેલી ઝીણી ઝીણી મસીઓ નથી આવતી... ? (હા, આવે છે ને !) એ દર બબ્બે સેકન્ડે એવા તીણા બચકાં ભરે અને ગમે ત્યાં ભરે, એમાં જગતભરના નશા ઉતરી જાય છે. 

જો કે, મારા પૂરતી વાત જુદી છે કે, આવી મસીઓ કરડે ત્યારે મને એક પગથી બીજા પગને હળવે હળવે ખંજોળવાની બહુ લહેર પડી જાય છે, જમાવટ થઈ જાય છે, મારું મોઢું હસુહસુ થતુ હોય છે. મારે કેવું છે કે, મોટામોટા બચકાં સહન ન થાય, પણ આવી ઝીણીઝીણી બચકીઓ તીણીતીણી લઝ્ઝત આપે, એના જલસા બહુ ભારે પડે. આ તબક્કે વાઇફ પણ આપણને કોઈ ફરિયાદ કરી ન શકે, કારણ કે પલંગની પેલી બાજુ એનું ય ઝરમર ઝરમર ખંજવાળવાનું ચાલું હોય. એમાં ય ચોમાસાને તો મેં મારા કાવ્યસંગ્રહ, ‘મસીની મૌસમમાં મીઠું કરડતી મૌસમ ગણાવ્યું છે. હનીમૂનોમાં કે કોઈ બી મૂનોમાં કૂતરા કઇડી જાય,એના કરતા મસી કઇડે એ સારું વળી. કહે છે ને કે આ બઘું અહીનું અહીં ભોગવવાનું છે. આપણે સહેજ અડવા જઈએ ત્યાં, ‘‘જાઓને... જાઓને...’’ કહેતી વાઇફો મસી પાસે સીધી ચાલે છે. વિશ્વની કોઈપણ વાઇફે આજ સુધી કોઈ પણ મસીને કીઘું નથી, ‘‘... અત્યારે મસ્તી નહિ કરવાની !’’ આપણને ધક્કા મારીને ધકેલે.... સુઊં કિયો છો ?

કહે છે ને કે, સારા કામોમાં સો વિધ્નો આવે. હનીમૂન જેવા પવિત્ર યજ્ઞોમાં કૂતરા- મછરાં આવી શકતા હોય, ત્યાં માણસોને શું કહેવું ? આપણે ત્યાં લગ્ન આપણા હોય ત્યારે યાર-દોસ્તો હખણા નથી રહેતા. રિવાજ મુજબ હનીમૂનનો રૂમ મિત્રો તૈયાર કરી આપે છે - ખાસ કરીને પતિ- પત્નીઓને આ કામ સોંપાય છે. જૂની ફિલ્મોમાં તમે જોયું હશે કે વરરાજાને એની ચાંપલી બહેનો ખીખીખીખી કરતી પરાણે હનીમૂન રૂમમાં ધકેલતી હોય છે. પેલો ય જાણે પહેલીવાર અંદર જતો હોય, એવું હાવ ખોટું શરમાતો અંદર પ્રવેશ કરશે. જગતના કોઈ વરરાજાએ રૂમની સ્ટોપર, સ્ટોપર સામે જોઈને બંધ કરી નથી. એ ય હસુહસુ થતો હોય અને નજર પલંગ પર રાખી ઉંધે હાથે સ્ટોપર બંધ કરે છે. આપણા જેવા એવું કરવા જાયો તો સ્ટૉપરમાં આંગળીની ચીપટી આવી જાય!.

કહે છે કે નિયમ મુજબ, આ તબક્કે કન્યાએ બોલ્યાચાલ્યા વગર માથું ઓઢીને, ઢીંચણ ઉપર દાઢી ટેકવીને ચુપચાપ બેઠા રહેવાનું હોય છે, ‘‘... હજી હવે આવો છો... ક્યાં મરી ગયાતા... ?’’ એવું અત્યારે ન બોલવાનું હોય... સિવાય કે, આપણી પહેલા મહીં ધૂસેલો મચ્છર એના ગોરા કે કાળા ગાલ પર કરડ્યો હોય તો, ‘‘ઉઇ મ્મા....’’ બોલી શકાય... એમાં બા કદી ન ખિજાય ! પેલાએ નજીક આવીને જમણા હાથની પહેલી આંગળી વડે (જો સ્ટોપરમાં ચીપટી ન ભરાઈ હોય તો !) દુલ્હનનો ધુંઘટ, હળવે રહીને ઉંચો કરવાનો હોય છે, ઑફિસની બારીનો પડદો ખોલતા હોય એવી ઝડપે નહિ ! કેટલાક તાલીમ લીધા વગર હનીમૂન કરવા હાલી નીકળેલા દુલ્હાઓ, ગુમાસ્તાધારા મુજબ વાણીયો સવારે આઠ વાગે દુકાનનું શટર ઉંચુ કરતો હોય, એમ ધૂંઘટ ઉંચો કરે છે, જે ખોટું છે.

અહીં સુંદર મઝાની પ્રણય-રચનાઓ ઉત્પન્ન થાય છે. લાલીયો આ વખતે કમરથી ઝૂક્યો હોય, ત્યારે કરફ્યુ વખતે ગાંધીરોડ પર પોલીસ- ઘોડાઓ જેવા અરમાનો એના ચેહરા પર ભલે દોડતા હોય, પણ કાન્તાડીએ ખરો સંયમ આ વખતે જ રાખીને શરમાતા શરમાતા નીચે જોવાનું ચાલુ રાખવાનું... તમારા દાંત વચ્ચે ફોંતરૂ દેખાય છે !એવું વરરાજાને આ તબક્કે ના કહેવાય. તો જ પ્રણયની સાચી શરુઆત થાય...!

પણ આ જ ક્ષણે પલંગ નીચેથી ‘‘હુઉઉઉઉ...’’ કરતો સંતાઈને બેઠેલો તમારો દોસ્ત અને એની વાઇફ અચાનક બહાર નીકળે છે. કબાટમાં સંતાઈ ગયેલો બીજો દોસ્ત બહાર આવે અને ટોઇલેટમાંથી બે-ત્રણ નાના ટેણીયાઓ....

‘‘ચલ ધન્નો... તેરી બસન્તી કી ઇજ્જત ખતરે મેં હૈ...’’ કરતી દુલ્હને ભાગવાનું ન હોય કે પછી, ‘‘બસન્તીઇઇઇ... ઇન કૂત્તોં કે સામને મત નાચનાઆઆઆ...!’’ એવી રાડ વરરાજાના ગળામાંથી નીકળી જાય એ પણ સારું ન કહેવાય.

કહે છે કે, મારા અને તમારા જન્મ પહેલા પાકિસ્તાનનો કસાબ નામનો આવો જ એક કૂતરો આપણા દેશમાં ભરાઈ ગયો હતો, તે આજ સુધી નીકળ્યો નથી.


...અને સરકાર હનીમૂનમાં બેઠી હોય, એમ એની પાસે કોઈ ઉપાય નથી. અને સાલો કૂતરો ય નપુંસક છે કે ભલે અમે તેને ન મારીએ... કમ-સે-કમ અમારી સરકારમાં બેઠેલા કોઈ બે-ચારને તો ઉડાડ...!

3 comments:

Anonymous said...

આ લેખ ક્યાં છાપામાં છે?

Anonymous said...

It is previously published Budhvarni Bapore.

Anonymous said...

okay..thanks for the reply.